લાફ્ટર આફ્ટરઃ હવે સ્મરણોનું અજવાળું…

પ્રજ્ઞા વશી
વિયેતનામથી પાછા ફરતાં રમેશભાઈ સ્મરણો વાગોળવાના મૂડમાં હતા. ત્યાં પત્ની રમાબહેન બોલ્યાં, ‘આ વખતે રામ જાણે કેટલાય મહેમાનો આપણે બારણે ટકોરા મારીને પાછા ગયા હશે. આ વર્ષે તો ઘર બંધ કરીને ફરવા નીકળી ગયાં તો મજા આવી ગઈ. એક તો દિવાળીમાં કામવાળા પણ આવે નહીં અને ઉપરથી જો મહેમાનો આવી પડે તો મારો મરો નક્કી! ’
રમેશભાઈ ઊલટભેર બોલ્યા, ‘હા. તે હું પણ તો કેવો ધંધે લાગી જાઉં છું. તું ઘરમાં રાંધે અને હું શાકભાજી, મીઠાઈ, ફટાકડા, દૂધ-દહીં માટે આંટાફેરા મારીને થાકું.’અને હા, આટલા દિવસ મજા કરીને જાય તો પણ જતી વખતે બે શબ્દ પણ આપણા માટે સારા બોલતાં હોય તો લેખે લાગે…. પણ ના, પાછા બીજાનાં ઘરે જઈને આપણું ખોદી આવે તે નફામાં! એના કરતાં વગર જણાવ્યે હવે તો ભાગી જ જવાનું.
ફરવાનાં સ્થળે જઈને ફોન પણ સ્વીચ ઑફ જ કરી દેવાનો. નહીંતર તો… યાદ છે ને? એકવાર આપણે કેનેડા ગયાં હતાં ત્યારે એક ભાઈએ આપણને કેવાં હેરાન કરેલાં! હંમેશાં કેનેડામાં રાત હોય ત્યારે જ એ ભાઈ ફોન કરે અને આપણે ભર ઊંઘમાંથી જાગીને મોટેથી હેલો કરીએ તો પણ એ ભાઈને સંભળાય નહીં અને આપણે મૂરખ જેવાં ઓર જોરથી ‘હેલો…હેલો’ કરીને પૂછીએ, ‘હવે તમને અમારો અવાજ સંભળાય છે?’ પણ ત્યાં ઘરના બીજા સભ્યો આપણી આસપાસ ડોળા કાઢીને ઊભા રહ્યાં અને બોલ્યાં, ‘અમારી ઊંઘ શા માટે બગાડો છો? કેટલી વાર કહ્યું છે કે રાત્રે ફોન બંધ કરી દો. અહીં લાકડાના ઘરમાં ટાંકણી પડે તો પણ અવાજ આવે. એમાં વળી તમે બરાડા પાડો છો! ’
દિવાળીમાં મહેમાનોને આવતાં અટકાવવાની પંદર નવી નવી રીત એક પુસ્તકમાં વાંચીને આપણે કેવાં ફસાયેલાં તે યાદ છે?
‘મૂરખના ગામ કંઈ જુદા થોડા હોય? મેં તો તમને એ દાવ અજમાવવાની ના જ પાડેલી.’
પણ તમને તો ખાડામાં પડવાની ટેવ! એટલે શું થાય ભલા. યાદ છે? એ વરસે ફોઈ ને ફુઆ છોકરાં લઈને દિવાળી વેકેશનમાં આવવાનાં છે, એમ ફોન આવતાં તમે જૂઠું કહી દીધું કે અમે આખી દિવાળી બહાર જ છીએ. આખું દક્ષિણ ભારત ફરીને આવવાનાં છીએ. જૂઠું બોલતી વખતે લાંબું વિચારેલું નહીં. તે ‘હાથે કરેલાં હૈયે વાગ્યાં.’
ફુઆ, ફોઈ ને છોકરાં તો ધરાર આવ્યાં જ. અમે ઘરની બહાર તાળું મારીને પાછલી બારીમાંથી ઘરમાં આવી ગયેલાં. ફોન ઉપર ફોઈ બોલેલી, ‘તમે તમારે ફરવા જજો. અમે તો આવીશું અને તમે નહીં હશો તો હોટેલમાં રહીશું.’ થયું એવું કે ફોઈનું કુટુંબ તો આવ્યું અને બરાબર અમારાં ઘરની સામેની હોટલમાં જ રહ્યું. પણ એમનાં છોકરાં તો અમારા બંગલામાં આવીને હીંચકા ઝૂલે ને જાતજાતની રમતો રમે.
હોટલમાં ઓછું અને બંગલાના બાગમાં વધારે રહેવા લાગ્યાં.
‘બાવાની બેઉ બગડે.’ પણ અમારી તો ચારે બાજુથી જિંદગી બગડી ગઈ. ઘરમાં ખાવાનું પણ ખૂટ્યું અને કેટલાય દિવસ ઘરમાં જેલ ભોગવવી પડી. પછી એમ નક્કી કર્યું કે રાત્રે એક બેગ તૈયાર કરી પાછલી બારીએથી બહાર જવું અને પગમાં તકલીફ ઊભી થઈ એટલે વહેલાં આવી ગયાં એવું બહાનું કરીને બાકાયદા પોતાના ઘરમાં પ્રવેશ કરવો.
આ પણ વાંચો…લાફ્ટર આફ્ટરઃ પડી પટોળે ભાત
અમારા પ્રવેશને ફોઈએ સહર્ષ વધાવી લીધો અને સામેની હોટલ ખાલી કરીને અમારા ઘરમાં વિના પૂછ્યે પ્રવેશ કર્યો. રમેશે થોડા દિવસ ખોડંગાતા ચાલવું પડ્યું અને મારે ઘરનું, બહારનું તેમજ કામવાળીનું કામ પણ વાંકાં વળી વળીને કરવું પડ્યું. જ્યારે જ્યારે અમે બીજાને ત્યાં દિવાળી કરવા જવાનું વિચાર્યું, ત્યારે ત્યારે જેને ત્યાં જવાનાં હોય એ જ અમારી પહેલાં અમારા ઘરે પધારી ગયા હોય. જેવું જેનું નસીબ!
એક દિવાળીએ તો અમારા બંનેનાં સગાંઓ સુરતનો લોચો, ઘારી, ઊંધિયું ખાવા આવી પહોંચ્યાં. બે જણાના સાવ શાંત એવા ઘરમાં બાર જણાની પલટન અને એમાં સાત બાળકો બ્રુસલી જેવાં. ફર્નિચર તો તૂટ્યું, કાચની બારી તેમજ નવી પાછલી ભીંત પણ તૂટવાના વાંકે જીવતી રહી. જે એમના ગયા પછી રિપેર કરાવવી પડી.
પુષ્કળ ખાધું પીધું અને રસ્તાનું ભાથું પણ લેતા ગયા અને જતી વેળા, ‘ફરી પાછાં અમે તમારી આવી સરસ મહેમાનગતિ માણવા જલદી આવીશું. હવે તો બા બાપુજીને પણ સાથે જ લેતાં આવીશું. એમના બોખા દાંતે લોચો અને ઘારી તો મોંમાં મૂકતાં જ સીધી પેટમાં સરકી જશે. જે બે- ચાર કિલો વધ્યું તે સાચું.’
ખરેખર ‘હુરતનું જમણ ને કાશીનું મરણ.’ એ દિવસે મનમાં થયેલું કે ભાઈ, હવે કાશી ક્યારે જવાના છો? પણ જાણે એ તો મનની વાત પણ સાંભળી ગયા કે શું? તે કાકાજી બોલ્યા,
‘અમને બધાને તો હુરતનું જમણ જ ગમે. એટલે હુરતનો પાસ જ કઢાવી લઈશું. બાકી કાશી જવાની તો બહુ વાર છે. ખરું ને રમેશ?’ એમ કહેતાં કાકાજીએ અટ્ટહાસ્ય કરેલું. ‘હા… હા… હા…
તદ્દન સાચું કહ્યું છે,’ બહુ ડાહ્યા બહુ ખરડાય.‘દાવપેચ તો ભગવાનને પણ ક્યાં ગમે છે?’
આ પણ વાંચો…લાફ્ટર આફ્ટરઃ પ્રશ્ન છે પણ ઉત્તર ક્યાં?



