લાફ્ટર આફ્ટરઃ ઘોડા જેવું થવામાં મજા પડે ખરી?

પ્રજ્ઞા વશી
ઘણીવાર કેટલાક યુવાનોને ‘અરે! એ તો ઘોડા જેવો પઠ્ઠો છે.’ એમ કહેવાતું. અમારાં ગામમાં ઘણા નવરા ઘોડાઓને બેઠાબેઠા મફતનું ખવડાવીને તરોતાજા રાખવામાં આવતા. ગામના શ્રીમંતો શોખ માટે અને પોતાનો વટ પાડવા માટે, રેસ લગાવવા માટે કે ઘોડાગાડી ચલાવવા માટે ઘોડા રાખતા, પણ સમય જતાં સ્કૂટર, રિક્ષા, કાર, ટ્રેન, બસે ઘોડાનું સ્થાન લીધું. આમ છતાં રહી ગયું એક વાક્ય – ‘છોકરો તો ઘોડા જેવો છે!’
ઘોડો સુંદર અને જોરાવર હોય તોય તે પરણવા જતાં વરરાજાનો ઘોડો બની વરરાજા કરતાં પણ વધારે વટ પાડતો. એ સુંદર ઘોડાને એનો માલિક બરાબર શણગારતો અને ખવડાવી પીવડાવીને તરોતાજા રાખતો. ઘણીવાર લગ્ન સિઝનમાં ઘોડો મળવો મુશ્કેલ થઈ જતો. ઘોડાનો માલિક લગ્ન સિઝનમાં ગરજાઉ વરરાજાને જોઈને પોતાના ઘોડાના ભાવ વધારી દેતો.
લગ્ન સિઝન શરૂ થવા પહેલાં એનો માલિક ઘોડા ઉપર હાથ ફેરવવાનું, વારેવારે ખવડાવવા-પીવડાવવાનું શરૂ કરે એટલે ઘોડો પણ સમજી જતો હશે કે આપણી પાનખર ગઈ ને લીલીછમ વસંત આવી છે. જોકે એ લગ્નના ઘોડાને ખબર છે કે આ વસંત લાંબી ચાલવાની નથી. લગ્ન સિઝન પછી પાનખરમાં ભૂખે જ મરવાનું છે. જ્યારે હોંશે હોંશે ઘોડે ચડી જતાં વરરાજાને જરા પણ ખબર નથી કે હાલ જે આનંદ-ઉત્સવ, નાચગાન, માનપાન અને ખાટલેથી પાટલે થાય છે, એ બધા આળપંપાળ ક્ષણજીવી છે.
બાકી હવે પછીનું જીવન કંટકોથી ભરેલું ઉબડખાબડવાળું છે. ઘોડા જેવો ટટ્ટાર ચાલનારો પછી ખચ્ચર થઈને માલ વહન કરનારો બની રહેવાનો છે. ‘આજ મેરે યાર કી શાદી હૈ…’ ગાનારા ને નાચનારાઓ સરસ મજાનું જમી કરીને હસતાં હસતાં ઘરે જતાં હશે અને એકબીજાને તાળી આપતાં હશે કે ‘આવ્યો હવે લાગમાં!’ એકાદ મિત્ર તો ગાતો પણ હશે કે ‘યે ફસા… યે ફસા…’ આમ હોંશે હોંશે ઘોડે ચડનારાઓ થોડા સમયમાં જ ખચ્ચરની જેમ ધૂંસરી બાંધીને નીચા મોઢે ફરતા હોય છે ત્યારે ભૂલેચૂકે એમને કોઈ પૂછશે નહીં કે ‘લગ્ન બાદ હવે તમને જિંદગી કેવી લાગે છે?’
યુવાનને ઘોડા જેવો કહો તો એનું સવાશેર લોહી વધી જાય. પણ કોઈ છોકરીને ઘોડી કહો તો એ ક્યાં રિસાઈ જશે ક્યાં તો ગુસ્સો કરશે તો કેટલીક જેમ્સ બોન્ડ જોનરમાં આવનારી છોકરી ખુશ પણ થશે. શહેરમાં હવે ઘોડા કે ઘોડી મળવા મુશ્કેલ થઈ ગયાં છે. નાનાં બાળકો ઘોડા પર બેસવાની જીદ કરે ત્યારે ઘોડાગાડીમાં બેસાડો ત્યાં સુધી તો ઠીક, પણ ભૂલેચૂકે ઘોડા ઉપર ચડવાનું બની શકે તો ટાળવું સારું. દસ ગણા ભાવ આપીને અમે એક અમેરિકનને ઘોડે બેસાડેલા. પણ ઘોડો જરાક ચાલીને બેસી પડતો હોય એમ લાગ્યું.
આ પણ વાંચો…લાફ્ટર આફ્ટરઃ મોટા માણસનું બેસણું…
એણે ધરાર પેલા ભાઈને ગબડાવ્યા. એ તો રેતીનો પટ હતો એટલે વાગ્યું નહીં. પણ જો પથરા હોત તો? જો કે બિચારા અમેરિકને પુઅર હોર્સને કશુંક સારું ખવડાવવા માટે હોર્સમેનને પાંચસોની બે નોટ આપી અને પોતાનું વાગવાનું ભૂલીને ઘોડા ઉપર પ્રેમથી દસ વાર હાથ ફેરવ્યો. આપણા ઘોડા ક્યારે આપણને દગો દેશે એ હવે કહી શકાય એમ નથી. છતાં હજી મોંઘીદાટ કારમાં બેસી પરણવા નહીં જતા અને ટટ્ટુ જેવા ઘોડા ઉપર જનારા વરરાજાને ભગવાન જ બચાવે!
‘ક્યાં અશ્વમેધના ઘોડા અને ક્યાં ઘોડો ચેતક? ક્યાં મહાભારત જેવા યુદ્ધ લડનારા ઘોડાઓ?’ એવું માર્મિક બોલીને પોતાના જુવાન બેકાર છોકરા તરફ જોઈને મોહનભાઈ હજી વધારે વેધક બોલવા જાય, તે પહેલાં જ મોહનભાઈના બંને યુવાન ઘોડાઓએ હણહણાટી બોલાવી દીધી.
‘બાપા, તમે તો હવે રહેવા જ દેજો. તમે તમારા બાપાના હોનહાર ઘોડા નહીં, પણ ખચ્ચર જ પુરવાર થયા છો. દાદાની જમીન વેંચી વેંચીને મજા કરી અને બેઠાબેઠ ખાધું. એક તણખલું તોડ્યું નથી અને હવે અમને મહાભારતની વાર્તા કરવા બેઠા છો? ઘોડાને દોડાવવા હોય તો દબાવીને રાખેલો તમારો ખજાનો વહેંચો તો તમારા ઘોડા પણ ખાઈ પીને દોડવા લાગશે. સમજ્યા? પહેલાંના રાજા મહારાજા પણ ઘોડાઓને ભરપેટ જાતજાતનું ખવડાવતા હતા. સમજ્યા? મહાભારતના ઘોડા બનાવવા હોય તો થોડું રોકાણ ઢીલું કરો.’
ઘરમાં મહાભારત શરૂ થઈ ગયું. એ તો સારું હતું કે ઘરની મહારાણી સમજુ હતી. એટલે તમામ ઘોડાને થોડું થોડું આપીને છૂટા મૂકી દેવાનો કઠણ, પણ ઉત્તમ નિર્ણય તાત્કાલિક લીધો. પરિણામે મહેલમાં શાંતિ છવાઈ. બાકી કૌરવોની જેમ ‘એક તસુ જમીન પણ નહીં આપીએ.’ એવું જો બાપાએ કહ્યું હોત તો તરત જ યુદ્ધ જાહેર થઈ જાત એ નક્કી.
એમ પણ અત્યારની પરિસ્થિતિ જોતાં જમીન વેંચી વેંચીને કેટલાય ઘોડાઓ પાન -માવા અને કંઈક વ્યસનોના ગુલામ થતા જાય છે. બિલ્ડરો ખેતરો ખરીદીને સિમેન્ટનાં મકાનો ચણી રહ્યાં છે. સાવ વિવેકબુદ્ધિ વગરનાઓ માત્ર તમાશો જોતાં રહેશે તો ઘોડાઓની તાકાત તો વધશે, પણ એ તાકાત માત્ર ગેરરીતિમાં જ વપરાશે. બાકી તો અશ્વમેધના ઘોડાઓ અને અશ્વમેધ કરનારાઓ પણ ઘણા છે. ઘોડો પલાણતા અને ઘોડા રાજમાર્ગ ઉપર કઈ રીતે દોડશે એવું વિચારનારા પ્રમાણમાં ઓછા થતા જાય છે. જરા જોજો, ઘોડા કરતાં ઘોડી રેસમાં આગળ ના નીકળી જાય!
આ પણ વાંચો…લાફ્ટર આફ્ટરઃ ગ્રૂપ બનાવી તો જુઓ…



