લાડકી

લાફ્ટર આફ્ટરઃ ચિલ… માય દાદી, ચિલ…!

  • પ્રજ્ઞા વશી

શું તમારા માથાના વાળ ઊતરે છે? શું તમને અકાળે (ભર યુવાનીમાં) ટાલ પડવા માંડી છે? શું તમારી વાળ અંગેની ચિંતાને કારણે રાતોની ઊંઘ વેરણછેરણ થઈ ગઈ છે? બરાડા પાડી પાડીને પોતાની રેમેડી (વાળની દવા) સહુથી શ્રેષ્ઠ છે એવું સહુના મનમાં ઠસાવી દેવા માટે એફ બી કે ઇન્સ્ટાગ્રામ ઉપર રીતસરની હરીફાઈ જામી છે. પહેલાં રેડિયો કે ટીવી ઉપર આ હરીફાઈ ચાલતી હતી. પણ હવે તો મોબાઇલ દ્વારા નાના-મોટા અને ઘરડાથી લઈ એકેએક માણસના મગજ સુધી આવી વેચાણ હરીફાઈના હથોડા માથા ઉપર વાગે છે.

ખાટલે પડેલી દાદીએ મોબાઇલ બંધ કરતાં કહ્યું,:
`વહુ બેટા, જરા વરિયાળી, મેથી, અને જીરું એક એક ચમચી જેટલાં પલાળી રાખ અને સવારે ગરમ કરીને મને એ પાણી પીવા માટે આપજે. મૂઓ આ યુરિક એસિડ પીછો નથી છોડતો…’

ત્યાં કમુબા મોબાઇલમાં રીલ જોતાં જોતાં પ્રવેશ્યાં. આખું ઘર સાંભળે એવા અવાજે, `અહીં જ તમારી ભૂલ થાય છે. જાણ્યા વગર ઊંટવૈદું કદી કરશો નહીં. જરા ચેતો. અમારી આયુર્વેદિક જડીબુટ્ટી તમારા ગમે એટલા જૂના યુરિક એસિડને જડમૂળમાંથી ઉખેડીને ફેંકી દેશે.

બાકી આજકાલની ફાલતુ રેમેડી તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે.’
વહુ બેટા, બધું પલાળી દીધું કે બાકી છે?' બાકી છે બા.’
`તો જરા થોભજે. આ કમરીના મોબાઇલમાં કંઈક જુદું જ કહે છે…’

ત્યાં નાનકો પ્રવેશ્યો અને બોલ્યો, `દાદી, તને યુરિક એસિડ પજવે છે ને? તો લે, આ જોઈ લે.’
દાદી અને કમુબા નાનકાના મોબાઇલમાં જોવા લાગ્યાં. તો એમાં કોઈ ત્રીજી વિક્રેતા બરાડા પાડતી હતી:

`ચેતી જજો. પછી મને કહેતા નહીં કે મેં તમને ચેતવ્યાં નહોતાં. મારી ફરજ છે કે મારા (લાઇક ને શેર કરનારા મૂરખાઓને) એવા મિત્રોને ચેતવવાની કે જેને માત્ર મારા રામબાણ ઇલાજ પર જ વિશ્વાસ છે. અરે! કેટલાક છડેચોક તમને છેતરે છે. પણ હું મારા મિત્રોને સાદી, સરળ અને સસ્તી રેમેડીથી એક વીકની અંદર અંદર હરતાં ફરતાં કરી દઈશ. (બસ, પહેલાં લાઇક -શેર કરી દો. પછી હું તમને મૂરખ બનાવીને નિરાંતે સૂઈ જાઉં છું.) હા તો મિત્રો, એક ચમચી જીરું, એક ચમચી મેથી અને એક ચમચી હળદર પાણીમાં પલાળી સવારે ઉકાળીને પી જાવ.

બસ, પછી યુરિક એસિડ કેવો પૂંછડી દબાવીને છૂ થઈ જાય છે! મિત્રો, હું તમારે માટે ઘરેલુ દવાનું રાત રાત જાગીને સંશોધન કરું છું. તો આપ મારા માટે આટલું તો કરી જ શકો ને. જલદી મારો વીડિયો સબસ્ક્રાઇબ કરો. શેર અને લાઇક કરો. તમે આટલું કરીને મને પ્રોત્સાહિત જરૂર કરશો જ એની મને ખાતરી છે…’

કમરી, આમાં ખાલી હળદર વધારાની છે. બાકી કઈ નવું નથી. છેલ્લા એક મહિનાથી આ ફોનવાળો મને યુરિક એસિડના જ રીલ મોકલ્યા કરે છે. તે આ મોબાઇલને ક્યાંથી ખબર પડે કે મને યુરિક એસિડની વ્યાધિ છે!' નાનકાએ એનો ફોન લેતાં દાદીને કહ્યું:દાદી, તમે એકવાર ડિસ્કો ડાન્સ જોવા લાગશો, તો પછી ડાન્સના જ વીડિયો આવતા રહેશે. તમારે ડાન્સ જોવા છે?’

દાદી શરમાતાં શરમાતાં બોલ્યાં: `મૂઆ, તારા દાદા હોત તો ડાન્સ જોતે હો ને કરતે હો.’ વહુ બેટા, હવે એક કામ કર. તું પેલી મેથી, જીરું, વરિયાળીની સાથે હળદર નાખીને બેઉ રેમેડી મિક્સ કરીને પલાળી દે. ચારેચાર વસ્તુ હાનિકારક તો નથી જ. કંઈક તો લાભ થશે જ ને?’

ત્યાં તો મોબાઇલમાં ફરી ટક ટક એવો અવાજ આવ્યો કે દાદીમાએ મોબાઇલ ખોલ્યો. કમુબા મોટેથી ગુસ્સામાં બોલ્યાં: આ તમારી દાદીને મોબાઇલ જોતાં શું આવડી ગયો કે આખો દિવસ ટક ટક થયું નથી કે મોબાઇલ ખોલ્યો નથી!' ત્યાં તો દાદી પણ બરાડતાં હોય એમ બોલ્યાં:આ નાનકાએ તો આપણા ફોટા રીલમાં મૂકી દીધા! જો, જલદી જો. કમરી, આ તારો નાનકો કંઈ બોલવાનો લાગે છે.’

કમુબહેન અને વહુરાણી પણ આવીને ગોઠવાઈ ગયાં. ત્યાં નાનકો બોલ્યો: `ચેતવાના હોય તો ચેતી જજો. રેમેડી તો બધા બતાવશે. ફાલતુ દવાઓ પણ બજારમાં બહુ મળવાની છે. પણ જ્યાં સુધી પુરાવો ન મળે ત્યાં સુધી કોઈ દવા ખરીદશો નહીં. બસ, પુરાવો જોઈતો હોય કે કઈ દવાથી કોણ એકદમ સારું થઈ ગયું છે, તે હું આપને મારા નવા એપિસોડમાં બતાવીશ…

મારાં 95 વર્ષના દાદીમાને પોતાની બનાવેલી દવાથી કઈ રીતે યુરિક એસિડ મટી ગયો એ જોવા માટે રાહ જુઓ. મારા હવે પછીના વીડિયોમાં મારી દાદીએ બનાવેલ દવા અને યુરિક એસિડ મટતાં જ કઈ રીતે પગ દોડતા થઈ ગયા એ જોવાનું ભૂલશો નહીં. અને હા, મારી ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો નવા એપિસોડમાં જોવા મળશે આ નાનકાની દાદીનો પૌરાણિક પ્રયોગ અને લાજવાબ દવા!’ (ભૂલતાં પહેલાં લાઇક અને શેર કરી દો જલદી…. ઇતના તો દાદીમા કો બનતા હૈ.)

નાનકા, મૂઆ, આ શું કર્યું? જીવતે જીવત મારી નાખવાનો કે શુ?' અરે દાદી, માય સ્વીટ હાર્ટ! જો જરા જો, એક હજાર લાઇક અને પાંચસો શેર…! ઓ માય ગોડ દાદી! યુ આર બીકમ સ્ટાર. સુપર ડુપર હીરોઈન! એન્ડ યુ ડોન્ટ વરી. રેમેડી તૈયાર હે ઔર નયા વીડિયો ભી. ઔર પ્રોફિટ હોગા વહ આધા આધા… ચિલ, માય દાદી ચિલ…!

આપણ વાંચો:  ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ આકર્ષણના લપસણાં માર્ગની આગવી મૈત્રી તરફ દોટ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button