લાડકી

લાફ્ટર આફ્ટરઃ ચાલો, ફિલ્લમ ફિલ્લમ રમીએ…

પ્રજ્ઞા વશી

સાંભળો છો?' હા…’
તો સાંભળો…’ કેટલી વાર સાંભળો છોનું રટણ કરે છે. પૂર્વભૂમિકા બાંધીને બોલવાની હોય તો કંઈ પાયાનું બોલ. આમ સાંભળો છો બોલીને માથું ના દુખાવ.’
ના, આ તો મને એક વિચાર આવ્યો તો એમ થયું કે તમને કહી જ દઉં.
હા, તે કહી દે. જલદી કર.’ હા, હું ભૂલી જાઉં તે પહેલાં કહી જ દઉં… પણ તમે સાંભળીને ગુસ્સો ના કરતા.’

જલદી કર. મારી પાસે સમય નથી.' તે છે ને… આપણે પણ એક ફિલ્મ બનાવીએ અને તે પણ આપણા જીવન ઉપર…’
આ સાંભળતા સાથે જ રમેશભાઈ હીંચકા ઉપરથી ગબડતાં ગબડતાં બચ્યા. હીંચકાને પગ વડે એવો અટકાવ્યો કે અડધા તો ગબડી જ પડ્યા.
`રમીલા, તું શું બોલે છે એ તને ખબર છે?’ રમેશભાઈ ગુસ્સામાં બોલ્યા.

`મને ખબર જ હતી કે મારી વાત સાંભળીને તમે ગુસ્સો કરશો, પણ તમારા પગારમાં આપણે ક્યારેય કરોડપતિ નહીં બનીએ. એના માટે ફિલ્મ બનાવવી જ રહી. કેવો લાગ્યો મારો સુપર-ડુપર આઇડિયા? છ મહિનામાં કરોડપતિ! અને તે પણ વગર કોઈ રોકાણ કે મગજ દોડાવ્યા વિના અને વરસમાં સેલિબ્રિટી પણ બની જશું. લોકો આપણી પાછળ ગાંડાની જેમ દોડશે અને આપણી ઓટો. ઓટોગ્રાફ .. સિગ્નેચર પણ માગશે. આપણા ઇન્ટરવ્યૂ છપાશે અને પેપરોમાં ફોટા સાથે ચમકશું તે જુદા.

કમાણીનો અડધો ભાગ મારો રહેશે. કારણ કે આઇડિયા મેં આપ્યો છે. તમને આ આઇડિયા નહીં જોઈતો હોય તો હું બાજુના મોહનભાઈને વેંચાતો આપી દઈશ. એ તો તરત જ લઈ લેશે, કારણ કે હું એમને રામનો રોલ કરવા આપીશ. `કૃષ્ણનો બીજો અવતાર રામ’ એવું ફિલ્મનું ટાઇટલ વાંચીને જ લોકોની લાઇન લાગી જશે. એમ પણ મોહનભાઈ ખરેખરના મનમોહક લાગે જ છે. પણ આ તો તમારી દયા ખાઈને હું તમને પહેલો ચાન્સ આપું છું. સમજ્યા?’

`એટલે રમીલા, તેં ફિલ્મનું ટાઇટલ અને હીરો પણ નક્કી કરી રાખ્યો છે. વાહ… ભાઈ… વાહ! આટલો અદભુત વિચાર તને-તમને કઈ રીતે આવ્યો?’

`માત્ર વિચાર નથી, મારા મનમાં ફિલ્મનું કાસ્ટિંગ પણ નક્કી છે. મોહનભાઈ રામ બનશે અને હું સીતા બનીશ. (કારણ કે તમે તો હિંમત કરવાના જ નથી. ખાલી હીંચકે બેસીને તમાશો જ જોવાના છો.)

આટલું બધું વિચાર્યું, તો રાવણ વિશે પણ વિચાર્યું જ હશે ને?’ (તમે એમાં બરાબર ફિટ બેસો એવા છો. પણ જીવનમાં અને મારી ફિલ્મમાં એક જ રાવણ બે જગ્યાએ… ના બાબા ના!) હા, વિચાર્યું તો છે. પણ તમારી પાસે એવી કોઈ વ્યક્તિ છે કે જે રાવણ જેવો લાગે પણ અને રાવણ જેવો કનડે પણ.’

અને એ સાથે જ રમેશભાઈએ હીંચકા ઉપરથી ઊભા થઈને, હા… હા… હા… હા…’ નું મોટા અવાજે અટ્ટહાસ્ય કર્યું અને પૂછ્યું,હું તારી ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવું તો કેવું લાગે? દેખાવે તો ફ્ટિ છું જ અને ગુસ્સામાં પણ રાવણ જેવું અટ્ટહાસ્ય તો હું આરામથી કરી શકીશ. (એ બહાને ઘરમાંનો બધો ગુસ્સો ફિલ્મમાં પણ કાઢી શકાશે. બિલકુલ અદ્દલ રાવણ! હા… હા… હા… હા…) કેમ રમીલા, શું વિચારે છે? રાવણ તરીકે કેવો લાગીશ હું?’

(ઘરમાં તો ઘરમાં ને ફિલ્મમાં પણ… ના બાબા ના, એમ પણ રાવણ શોધતાં કંઈ વાર નહીં લાગે. એક રાવણ શોધવા જતાં બીજા હજારો રાવણ મળી રહેશે.)
`રમીલા, મારા રાવણ બનવા અંગે કંઈક તો બોલ.’

`એમાં એવું છે કે તમે રાવણ બનશો તો પછી આ હીંચકો કોણ સાચવશે? તમે તો હીંચકે ઝૂલતાં જ સારા. બીજું, તમને સુરતી ખાવાનું જ જોઈએ અને શૂટિગમાં તો ભૂખ્યા પણ રહેવું પડે. તમે રાવણની ભૂમિકા કરો તો અમારી સાથે ને સાથે… વારે વારે લોચો, ખમણ, ભજિયાં, ઊંધિયું માગો અને નહીં મળે તો આખી લંકા હલાવી નાખો. એના કરતાં તમે પૈસાનું રોકાણ કરી પ્રોડ્યુસર બની જાવ.

હમણાં જ તમે રિટાયર્ડ થયા. એ જે મોટી રકમ આવી છે તે રોકી ભવિષ્યના અબજોપતિ બનવાનાં સપનાં જોતાં જોતાં હીંચકે ઝૂલો. અને હા, તમારી સાથે પેલા રિટાયર્ડ થયેલા તમારા પાંચ મિત્રો અને ત્રણ કઝિન ભાઈઓને પણ રોકાણ કરવા સમજાવો. પછી જોજો, બધાને રાતોરાત સોના ઔર ચાંદી જ ચાંદી!

-અને હાં, બીજું તમારાં ફેમિલીમાં કેટલાક લોકો ઓટલે બેસીને વર્ષોથી ગપ્પાં મારે છે. એમને ફિલ્મનાં પ્રમોશન, પ્રચાર, પ્રસાર અને પ્રોમો બતાવવાના કામમાં લગાવી દો. એ તો લંકા ઉપર લડાઈ વખતે વાંદરા બનાવવા પણ કામમાં આવશે. આપણે બહારથી કોઈ સાઇડ ઍક્ટર લાવવા નહીં પડે. ફિલ્મ ચાલશે તો પૈસા આપશું. માટે પ્રચાર એવો કરો કે ફિલ્મ ચાલે નહીં, પણ દોડે. તેમને વાંદરા બનવાની તાલીમ પણ તમારે જ આપી દેવાની.` (તમે એમના વડા બંદર…!)

એટલે રમીલા, મારે અને મારા રિટાયર્ડ મિત્રો અને ભાઈઓએ પૈસા રોકવાના અને જીવનભરની મૂડી દાવ પર લગાવવાની. પ્રચાર, પ્રસાર પણ અમારે જ કરવાનો અને વાંદરાનો રોલ પણ અમારા ઘરનાએ જ કરવાનો. કૂદકા મારતાં વાગે તો પણ સહન કરી લેવાનું અને ફિલ્મ દેવાળું ફૂંકે તો અમારે હાથમાં કટોરો લઈને ભીખ માગવાની ભૂમિકા પણ હસતાં હસતાં ભજવવાની. એમ જ તારૂં કહેવું છે ને? અને તારે સીતા બનવાનું અને ખાલી ઝાડ નીચે બેસીનેરામ… રામ…’ની માળા જ જપવાની. ખરૂ ને? કે પછી તારે કંઈક બીજું કરવાનું છે?’

હાસ્તો, મારે અંતે લંકા જલાવવા વાંદરાઓને પૂંછડે આગ બરાબર લગાડી કે નહીં તે જોવાનું અને ફિલ્મ સુપરહિટ જાય તો બધાને સિગ્નેચર આપવાની અને અબજો રૂપિયા ગણવા માટે મોહનભાઈ ઉર્ફે કે રામને આપવાના. કારણ કે આખરે રામની કૃપાથી જ તો ધનવાન થશું ને આપણે?’ અને માન કે ફિલ્મ ફ્લોપ ગઈ તો શું કરવાનું?’

તમારે ફરી હીંચકે બેસી જવાનું. તમારે અને વાંદરાઓએ-પ્રોડ્યુસરોએ ક્યાં નોકરી માટે ખાલી જગ્યાએ ભરતી થવાની છે એમાં અરજી કરવાની. એમ પણ જીવનમાં ચડતી અને પડતીનું ચક્ર તો ચાલતું જ રહેવાનું છે. બી પોઝિટિવ.લાલો’ ચાલ્યું, તેમ રામો’ પણ ચાલશે જ. રામો… રામો… રામો…’ રમીલા, એના કરતાં ફિલ્મનું ચક્કર છોડ ને રામ… રામ… રામ… ની માળા ફેરવ તો રામ પ્રસન્ન થશે.’

તે તમે મને શું કાચી સમજો છો? હું રામ… રામ… રામ… ની સાથે શિવ… શિવ… શિવ… ના જાપ પણ કરૂં છું. તમે તો મને હમણાં ચેતવો છો, પણ મેં તો નક્કી કરી જ દીધું છે કે રામની સાથે શિવ ઉપર પણ લગે હાથ બીજી એક ફિલ્મ બનાવીને તૈયાર જ રાખવી. જ્યારેરામ’ ફિલ્મ રિલીઝ થાય, ત્યારે રામ' ફિલ્મની એક ટિકિટ સાથેશિવજી’ની એક ટિકિટ ફ્રી (એક પર એક ફ્રી) ની મારી સ્કીમને કારણે રામભક્તો અને શિવ ભક્તોને બેવડો લાભ મળશે અને રાતોરાત હાઉસફુલના પાટિયાં લાગી જશે.

જુઓ, જુઓ, બધા દોડતાં થિયેટર તરફ આવી રહ્યા છે. જલદી… જલદી પોલીસ બોલાવો. ધક્કામુક્કી… સીતામાતાનાં ચરણોમાં વંદન. માતા… સીતા માતા, સિગ્નેચર પ્લીઝ… પ્લીઝ…’
રમીલા, ઊઠ. સપનાં જોવાનું બંધ કર. સવાર થઈ ગઈ.’ વહેલી સવારનું સપનું તો સાચું જ પડશે. ખરૂં ને?’!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button