લાડકી

તમારા તરુણ સંતાનને સમજાવો સત્ય-અસત્યનો ખરો ભેદ

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

ઈતિહાસમાં પહેલી વાર પેરેન્ટ્સ-ટીચર મીટિંગમાં સ્મિતા મોડી પડી. હવે આગળ તો જગ્યા મળે એમ નહોતી. એણે પરાણે છેલ્લી હરોળમાં જવું પડ્યું. બેસતાવેંત બાજુમાં ચાલી રહેલી ખુસરપુસર તરફ એના કાન સરવા થયાં. વિશ્વાની ખાસ ફ્રેન્ડ એવી સીયા વિશે વાતો થતી હોય એમ લાગ્યું. પોતે અડધી વાતે જોડાયેલી એટલે વાતનો કોઈ તાળો મળ્યો નહીં. અંતે એણે શરમ મૂકીને પૂછી લીધું કે શું વાત છે? કોઈએ ફોનમાં મેસેજ જોવા તરફ ઈશારો કર્યો. સ્નેહાએ નજર કરતાં જ સામે સીયાનો કોઈ છોકરા સાથે વળગીને પડાવેલા ફોટોઝ હતા. પરસેવો વળી ગયો એને. ઘેર જઈ વિશ્વા સાથે વાત કરવી પડશે એમ વિચારી એણે મીટિંગમાં ધ્યાન પરોવ્યું.

‘સીયાનું શું ચાલી રહ્યુ છે?’

બપોરે જમવાની થાળી પીરસતા સ્મિતાએ પૂછ્યું.

‘કંઈ નહી કેમ? ’

નિષ્ફિકર વિશ્વાએ સામે જોયા વગર જવાબ આપી દીધો. સ્મિતા ગુસ્સાથી તમતમી રહી. એ લગભગ તાડૂકી :

‘ કંઈ નહી એમ? તારે મને કહેવું છે કે હું એની મમ્મીને ફોન કરું? ’ .

‘શું પણ મમ્મા. મને નથી ખ્યાલ આવતો તું શું પૂછવા માગે છે. ? ’

જવાબમાં સ્મિતાએ ફોન ખોલી ફોટો બતાવ્યો. ‘આ કોણ છે?’ એવી પ્રશ્નસૂચક નજરે વિશ્વા સામે જોઈ રહી. હવે ચકિત થવાનો વારો વિશ્વાનો હતો :

‘ઓહ! તારી પાસે ક્યાંથી આવ્યો?’ વિશ્વાને જાણે પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો.

આ પણ વાંચો: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : આવી વિષમ પરિસ્થિતિ સામે ટકી રહો

‘આખી સ્કૂલ પાસે છે. તમને બધાને એમ કે તમે બહુ મોટા થઈ ગયા છો. અમને કશી જાણ નહીં થાય એમ.? હવે કહીશ કે આ શું છે?’ સ્મિતાની ધીરજ ખૂટી પડી.

‘મમ્મી, આ સીયા છે હું નહીં. અને મને કંઈ ખબર નથી.’

‘સારું, હવેથી એ છોકરીનું નામ આ ઘરમાં નથી જોઈતું. મને સીયા તારા ફ્રેન્ડ લિસ્ટમાંથી બાકાત જોઈએ.’

વિશ્વા રડમસ થઈ ઊઠી. સીયા તો પોતાના સુખ-દુ:ખનો સહારો હતી. એમ ના બોલે તો કેમ ચાલે.બીજી ક્ષણે એને થયું કે મમ્મીને ક્યાંથી ખબર પડવાની કે હું સીયા સાથે બોલું છું કે નહીં. સ્મિતાની જીદ્દ વિશ્વાને પહેલી વાર ખોટું બોલવા તરફ ધકેલી રહી હતી. અને હજુ તો આ શરૂઆત હતી. વિશ્વાએ જાણે કોઈ ઘટના ઘટી જ નથી એ રીતે સીયા સાથે મિત્રતા ચાલુ રાખી.

થોડા દિવસ તો જાણે બધું બરાબર ચાલ્યું. ના સ્મિતાએ ફરી કોઈ પ્રશ્ન પૂછ્યો કે ના વિશ્વાએ સીયાનું નામ ઉચ્ચાર્યુ, પણ એમ છાબડે ઢાંક્યો સૂરજ થોડો ઢંકાય? એક દિવસ વિશ્વાનો ફોન રણકી ઉઠ્યો. ટીનએજર્સની કાયમી સાથીદાર એવી આળસે વિશ્વા પાસે બોલાવ્યું, : ‘ મમ્મી, જોને કોનો ફોન છે?’

આ પણ વાંચો: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : તરુણોનું જાહેરમાં કરાતું અપમાન કેટલું યોગ્ય?

બસ, વાત ખત્મ .. સ્ક્રીન પર સીયાનું નામ જોતાંની સાથે સ્મિતા છળી મરી. બહાર આવી રીતસર ફોનનો ઘા કર્યો :

‘તું હજુ પણ સીયા સાથે બોલે છે? ’ એક ક્ષણ વિશ્વા છોભીલી પડી, પણ તુરંત સામે બરાડી ઊઠી :

‘હા,બોલું છું! ’

‘વિશ્વા, તું મારાથી વાતો છુપાવવા લાગી છે. કેમ જુઠ્ઠ બોલે છે ? મા કરતાં મિત્રનું મહત્ત્વ વધારે થઈ ગયું? તું જૂઠ્ઠ બોલી, મારો વિશ્વાસઘાત કર્યો’
અંતે વિશ્વાએ સ્મિતાની વાત વચ્ચેથી કાપી નાખી ને અત્યંત કડવું પણ હળાહળ સત્ય કહી દીધું :

‘મમ્મી, તને એવું લાગે છે ને કે, સીયા સાથે હું બોલું છું એ વાત મેં તને ના કહી. પણ સાંભળ, તેં જ તો મને શીખવાડ્યું છે ને કે, એવું ખોટું કહેજે,જે બોલવાથી કોઈનું નુકસાન ના થતું હોય. તો સીયા સાથે હું ફ્રેન્ડશીપ રાખું એનાથી તારું શું નુકસાન થવાનું?’

હમણાં કાલ સુધી હું કહું એટલાજ ડગલા ચાલનારી દીકરી સામે દલીલો કરવા લાગી?

સ્મિતાના મનમાં ગુસ્સો- રીસ- આઘાત બધું એક સાથે ઊભરાયું .. એને થયું કે વિશ્વાને કચકચાવીને એક થપ્પડ મારી લે, પણ એજ સમયે ઘરઘાટી આવ્યો. . જુવાન દીકરીને કોઈ સામે તમાચો મારતા એ અચકાઈ. એને ખ્યાલ હતો કે ઘાટીને આડોશ-પાડોશમાં બે શબ્દો ઉમેરીને વાત ફેલાતા વાર નહીં લાગે. વિશ્વા તો પરિસ્થિતિ વણસે એ પહેલાં જ બહાર ભાગી છૂટી, પણ ગુસ્સાથી તમતમી ગયેલી સ્મિતાને હૃદયના ધબકારા વધી ગયા- પરસેવો વળી ગયો. અંતે ઊંડો શ્વાસ લેતી એ સોફા પર ફસડાઈ પડી.

ભલે સ્મિતાએ વિશ્વાને એ સમયે કોઈ જવાબ ના આપ્યો, પણ વિશ્વા કેમ ખોટું બોલે છે એ પ્રશ્નનો જવાબ એને પોતાના જ ભૂતકાળમાંથી જડી ગયો હતો. વિશ્વા નાની હતી ત્યારે કોઈક વાર પોતાના ફાયદા માટે પતિને નાની-મોટી વાતમાં ખોટાં બહાના આપતી સ્મિતા પોતાની સાસુને ખબર ના પડે એ રીતે છાનાછપના બહાર જઈ આવતી. પડોશી સાથે ક્યારેક વ્યવહાર ના સાચવવા હોય તો સ્મિત આડાઅવળાં બહાના કાઢતી. એ વખતે વિશ્વાને કહેતી : ‘ આવું ખોટું બોલવાથી સામેવાળાનું નુકસાન થોડું થાય છે ?! ’

આજે જ્યારે એ જ શબ્દો-એજ વાક્ય વિશ્વાના મોંએ સાંભળ્યુ ત્યારે એને પોતાની ભૂલ સમજાય.

સત્ય અને અસત્ય કરતાં પણ વધુ ખતરનાક અર્ધસત્ય છે. નાનકડી વિશ્વા સામે બોલાતું પોતાનું અર્ધસત્ય ટીનએજર વિશ્વા માટે સંપૂર્ણ અસત્યમાં ફેરવાય જવાનું હતું. એ વાતનો આજે રહી રહીને સ્મિતાને ખ્યાલ આવી રહ્યો. એને થયું : જાગ્યા ત્યારથી સવાર.આજ પહેલા વિશ્વાને સાચું ના સમજાવી શકી તો શું થયું. હવે તો એને સત્ય-અસત્યનો ખરો ભેદ શીખવવો જ રહ્યો. એમ વિચારતી વિશ્વા ઘર પરત આવે એની સ્મિતા આતુરતાપૂર્વક વાટ જોવા લાગી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button