પ્લોટ-16- પ્રકરણ-3
પુરુષલાડકી

પ્લોટ-16- પ્રકરણ-3

યોગેશ સી પટેલ

‘…એ છોકરી હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મરી હોવાનું મને નથી લાગતું…’
આરે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડે કહેલી વાત ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલને યાદ આવી રહી હતી. એપીઆઈ પ્રણય શિંદે અને સબ-ઈન્સ્પેક્ટર કપિલ રાજપૂત સાથે ગોહિલ સરકારી વાહન બોલેરોમાં ક્રાઈમ બ્રાન્ચની ઑફિસેથી આરેમાં હેલિકૉપ્ટર દુર્ઘટનાના સ્થળે જવા નીકળ્યો હતો.

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરથી બોલેરો પસાર થતી હતી ત્યારે તેની નજર રસ્તા પર હતી, પણ મગજમાં ગઈ કાલની વાતો ઘૂમરાયા કરતી હતી.

હેલિકૉપ્ટર દુર્ઘટનાસ્થળેથી નીકળતી વખતે ડીસીપી સુનીલ જોશીએ આરે પોલીસ સ્ટેશનને ઘટનાની નોંધ કરવાની અને તપાસમાં ક્રાઈમ બ્રાન્ચને સામેલ કરવાની સૂચના આપી હતી. સાકીનાકા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે ગોહિલને પણ તપાસમાં ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું હતું. એટલે ગોહિલ સવારે અંધેરીની ઑફિસે રોજિંદાં કામકાજ પતાવી આરે જઈ રહ્યો હતો.

ડીસીપીના ગયા પછી અશોક ગાયકવાડે ઇશારાથી નજીક બોલાવી જે કહ્યું હતું તે ગોહિલને યાદ આવ્યું. ગાયકવાડે કહેલું: ‘ડીસીપીસાહેબનો પ્રશ્ન ‘છોકરી ક્યાંથી આવી?’ અસ્થાને નથી… મેં છોકરીનું શબ જોયું ત્યારે મને પણ શંકા ગઈ હતી…’

તેણે પૂછેલું: ‘કેમ? શંકા કરવા જેવું શું છે?’
ગાયકવાડે કહેલું: ‘એ છોકરી હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મરી હોવાનું મને નથી લાગતું!’
તેણે આશ્ચર્યથી ગાયકવાડ સામે જોયું હતું.
‘શબ કોહવાવા લાગ્યું છે અને માટીથી ખરડાયેલું છે…’ ગાયકવાડે કહ્યું હતું.

‘શું થયું? કયા ખયાલમાં છો, સર?’
સબ-ઈન્સ્પેક્ટર રાજપૂતે અચાનક પૂછેલા પ્રશ્નોથી ગોહિલની વિચારોની હારમાળા તૂટી.
‘કંઈ નહીં… આ કાર બહારની દુનિયા જોઈ રહ્યો છું!’ ગોહિલે સાચી વાત છુપાવી હાસ્યાસ્પદ જવાબ આપ્યો.

આમ તો ગોહિલે ગઈ કાલે ગાયકવાડે ખાનગીમાં કહેલી વાતની પણ ક્યાં કોઈને જાણ કરી હતી. તે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યો હતો.

ગાયકવાડ સાતારાનો વતની હતો અને ગોહિલની બદલી સાતારાથી થઈ હતી. વળી, અગાઉ કૃષ્ણા નદીમાંથી મૃતદેહો મળવાના સાતારાના ચર્ચાસ્પદ કેસને ઉકેલવામાં ગોહિલે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાથી ગાયકવાડ તેની કાબેલિયતથી પ્રભાવિત હતો.

સમજશક્તિથી ગુના ઉકેલવામાં માહેર પોણા છ ફૂટનો ગોહિલ સ્માર્ટ અને દેખાવડો હતો. તેની સ્માઈલ પણ આકર્ષક હતી. ધીરગંભીર સ્વભાવનો નહીં, પણ દરેક મુદ્દાને ગંભીરતાથી લેતો. ગોહિલ સાથે ગાયકવાડને જાણે વિશેષ લગાવ હતો એટલે જ તેણે છોકરીને લગતી શંકા ઉપજાવનારી વાતો ડીસીપીને પણ નહીં, માત્ર ગોહિલને કહી હતી.

‘હેલિકૉપ્ટર તૂટી પડવાને કારણે લાશ માટીમાં રગદોળાય એ સમજ્યા, પણ આટલી જલદી કોહવાવા લાગે એ કઈ રીતે શક્ય છે?’ આ વાત ગોહિલના મનમાં પ્રશ્નાર્થ બનીને ટકોરા મારતી હતી.

બોલેરો હાઈવેથી જમણે વળાંક લઈ આરે કૉલોનીના મુખ્ય માર્ગ પર આવી એટલે ગોહિલે વિચારોને ખંખેરી નાખ્યા. કૉન્ક્રીટના જંગલ વચ્ચે આવેલા હરિયાળા વન પર તેણે નજર ટકાવી. ગીચ જંગલ વચ્ચેથી પસાર થતો મુખ્ય માર્ગ કેટલો સોહામણો દેખાતો હતો. બન્ને બાજુ વૃક્ષો અને હરિયાળી હોવાથી ભરતડકે પણ અહીં ટાઢકનો અનુભવ થતો હતો.

બોલેરો આરે તળાવ નજીક પહોંચી. વાહનમાં બેઠાં બેઠાં જ ગોહિલે તળાવની સામેની દિશામાં આવેલા આરે પોલીસ સ્ટેશન તરફ જોયું. કાષ્ઠના થાંભલાઓ પર ઊભેલા બાંધકામમાં પોલીસ સ્ટેશનની સગવડ કરવામાં આવી હતી. રસ્તો ખાલી હોવાથી ોલેરો બમણી ઝડપથી દોડી રહી હતી એટલે ગોહિલને પોલીસ સ્ટેશનને વધુ નીરખીને જોવાનો મોકો ન મળ્યો.

ગોહિલની ટીમ યુનિટ-16 નજીક પહોંચી ત્યારે રસ્તાની બન્ને બાજુ ન્યૂઝ ચૅનલોની ઓબી વૅન્સ ઊભી હતી. બોલેરોમાંથી ઊતરેલી ગોહિલની ટીમને પત્રકારોએ ઘેરી લીધી અને એક પછી એક સવાલોનો મારો ચલાવવા માંડ્યો.

પત્રકારોને જવાબ આપ્યા વિના ગોહિલની ટીમ હેલિકૉપ્ટર દુર્ઘટનાસ્થળે પહોંચી. માત્ર ડ્રાઈવર સંજય માને બોલેરો પાસે રોકાયો. દુર્ઘટનાસ્થળ આસપાસનો પરિસર કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. આરે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ્સ દિવસ-રાત પહેરો ભરતા હતા એટલે રાતે પ્રકાશ માટે ફ્લડ લાઈટ ગોઠવી દેવામાં આવી હતી, જેનું વીજ કનેક્શન છેક મુખ્ય રસ્તા પરના લાઈટના થાંભલામાંથી લેવાયું હતું. સામાન્ય નાગરિકોને કોર્ડન કરેલા પરિસરમાં પ્રવેશવા પર મનાઈ હતી.

‘ચ્યા માયલા… અંધેરી ક્રાઈમ બ્રાન્ચચી ટીમ પન આલી!’ કોન્સ્ટેબલ નામદેવ દળવીએ ઈન્સ્પેક્ટર રાજીવ કામતનું ધ્યાન દોર્યું.
‘દળવી… ધીમે બોલ!’ કામતે પાછળ ફરીને ગોહિલ તરફ જોયું.

દળવી અને કોન્સ્ટેબલ સૂરજ સાથે કામત ઘટનાસ્થળનું નિરીક્ષણ અને પુરાવા એકઠા કરવાની પ્રક્રિયા માટે આવ્યો હતો. સાથે ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીની ટીમ તપાસ માટે આવી હતી, જે ઘટનાસ્થળેથી નમૂના લઈને પરત ગઈ હતી. પછી કામતે પોતાનું કામ શરૂ કર્યું હતું.

‘શું ચાલે છે, ઑફિસર…’ ગોહિલે હાથ મિલાવી કામતને પૂછ્યું અને દળવી તરફ જોયું.
‘દળવી… મજામાં છેને?’ ગોહિલના વિવેકના જવાબમાં દળવીએ માત્ર માથું હલાવી હકાર દર્શાવ્યો.
‘ફોરેન્સિકની ટીમ ગયા પછી હમણાં જ સાકીનાકા યુનિટવાળા ગયા.’ કામતે કહ્યું: ‘પેલી છોકરીની માહિતી મેળવવા આવ્યા હતા.’

‘કંઈ ખબર પડી એ છોકરી કોણ હતી?’ ગોહિલે હેલિકૉપ્ટરના કાટમાળની દિશામાં ચાલતાં પૂછ્યું.
‘ના… પ્રયત્નો ચાલુ છે.’ કાટમાળ પાસે ઊભા રહી કામતે કહ્યું: ‘હેલિકૉપ્ટર રાઈડ કરાવનારી કંપની પાસે એની કોઈ માહિતી નથી!’
‘એ તો પવનહંસથી અમને પણ ખબર પડી, સર… હૉસ્પિટલથી કોઈ માહિતી?’ હવે શિંદેએ પ્રશ્ર્ન કર્યો.
‘સબ-ઈન્સ્પેક્ટર બંડગર ગયો છે કૂપરમાં… જોઈએ ત્યાંથી શું મળે છે!’

કામતે માહિતી આપી: ‘આ ઘટનામાં માત્ર એક લેડી બચી ગઈ છે અને એ પણ અત્યારે બેભાન છે. પ્રિયા ધોળકિયા નામ છે એનું. બાકી કોઈ બચ્યું નથી. સારવાર પછી પ્રિયા ભાનમાં આવે તો વધુ માહિતી મળી શકશે.’

‘ઓકે… સંપર્કમાં રહીશું.’ કહીને ઘટનાસ્થળ ફરતે આંટો મારી ગોહિલે ઑફિસે જવા પગ ઉપાડ્યા ત્યાં ડૉ. સંયમ ઈમાનદાર અને ડૉ. કુશલ સહાણે આવતા દેખાયા.
‘ડૉક્ટર, તમે અહીં?’ આશ્ચર્ય સાથે ગોહિલે પૂછ્યું અને કામત પણ તેમને જોતો રહ્યો.
‘અરે, ભાઈ… મુંબઈના જંગલમાં હેલિકૉપ્ટર ક્રેશ થાય, એવી ઘટના રોજ રોજ થોડી બને છે!’

ડૉ. ઈમાનદારે હસતાં કહ્યું: ‘એમાં ડીસીપી જોશીએ કહ્યું કે એક છોકરીના શબે રહસ્ય ઊભું કર્યું છે… એટલે અમને અચરજ થયું અને અહીં આવવાની ઉત્સુકતા વધી.’
‘આ ઘટના જ એવી છે…’ ઈન્સ્પેક્ટર કામતે ગંભીર સ્વરે કહ્યું.

‘ડૉક્ટર કુશલને પણ આ સાઈટ જોવી હતી અને એમણે મને કહ્યું.’ ડૉ. કુશલ તરફ હાથનો ઇશારો કરતાં ડૉ. ઈમાનદારે જણાવ્યું: ‘મારા કરતાં એ વધુ ઉત્સુક હતા અહીં આવવા!’
‘ઓકે… ડૉક્ટરસાહેબ, તમે આંટો મારો… અમે નીકળીએ.’ કહીને ગોહિલ તેની ટીમ સાથે નીકળ્યો.
ગોહિલની ટીમ થોડી આગળ વધી ત્યાં શિંદે અચાનક મોટેથી બોલ્યો: ‘સર… એક મિનિટ… થોભો!’

શિંદેના અવાજથી બધાના પગ જાણે જગ્યા પર થીજી ગયા. શિંદેની નજર જમીન પર હતી. ગોહિલે નીચે જોયું તો ત્રણેક ફૂટના અંતરેથી જ સાપ પસાર થતો દેખાયો. પાંચેક ફૂટ લાંબો સાપ હશે.
‘અહીં બિલાડી નહીં, સાપ આડા જાય છે… સર!’ શિંદેએ ટીખળ કર્યું.
પછી ઘાસ અને ઝાડીઝાંખરાં વચ્ચે સાપ ભરાઈ ગયો એટલે ગોહિલની ટીમે આગળ ચાલવા માંડ્યું.

મુખ્ય માર્ગ પર ગોહિલની ટીમ પહોંચી ત્યારે બોલેરો પાસે ઊભેલો ડ્રાઈવર માને તમાકુ મસળી રહ્યો હતો અને નજીકમાં સ્થાનિક વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકર ચૅનલોના માઈક સામે બોલી રહ્યા હતા. મેડિકલ શિબિરના સ્થળની મુલાકાત લઈને તે આવ્યા હતા.

‘જય મહારાષ્ટ્ર… આમ્હી નાહી ભ્રષ્ટ! આ ઘટનાને કારણે બિચ્ચારા ગરીબ રહેવાસીઓ માટેની મેડિકલ શિબિર રદ કરવી પડી છે એ દુખદ વાત છે. મુંબઈ જેવા ભીડવાળા શહેરમાં આ દુર્ઘટના બની કઈ રીતે? મુંબઈગરા જમીન પર જોઈને ચાલે કે આકાશમાં? હવે આસમાનથી મોત આવી રહ્યાં છે. આવી ગંભીર ઘટનાની તપાસ માટે એસઆઈટી નીમવાની માગણી ગૃહ પ્રધાનને કરવામાં આવી છે…’

‘આ નેતાને અચાનક ગરીબોનાં દુ:ખ કેમ સાંભરી રહ્યાં છે!’ ગોહિલ વિચારી રહ્યો હતો ત્યારે તેનો મોબાઈલ રણક્યો. ડીસીપી ખંડાગળેની ઑફિસમાંથી કૉલ હતો…


ડીસીપી સુનીલ જોશીની કૅબિનમાં પિન ડ્રોપ સાઈલન્સ હતું. માત્ર ઍરકન્ડિશનરની હળવી ઘરઘરાટી સંભળાતી હતી. જોશી કાગળ વાંચવામાં મગ્ન હતા અને આ કેસની તપાસ સાથે અત્યાર સુધી સંકળાઈ ગયેલી પોલીસ ટીમના બધા ઑફિસર્સ ટેબલની સામે ખુરશીમાં ગોઠવાયા હતા. બધા જોશીની બોલવાની રાહ જોતા હતા.

વાંચવાનું પત્યા પછી જોશીએ કાગળ ગડી કરીને ટેબલ પર પેપરવેઈટની નીચે દબાવ્યો. કૅબિનમાં નીરવ શાંતિને કારણે કાગળ ઘડી કરવાનો અવાજ પણ સ્પષ્ટ સંભળાયો હતો.

‘બે વાત છે… એક તો સોહમ મામતોરાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે. હાર્ટ અટેકને કારણે તેનું મૃત્યુ થયું હોવાનો ડૉક્ટરનો મત છે. અને બીજી વાત…’

જોશી શ્વાસ લેવા રોકાયા અને વાત આગળ વધારી: ‘હેલિકૉપ્ટર ક્રેશ સાઈટ પરથી જે છોકરીનું શબ મળ્યું હતું તેના પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ ડૉક્ટરે આપ્યો છે…’

અધિકારીઓ વધુ માહિતી જાણવા આતુર હતા એટલે જોશીની વાત સાંભળવા થોડું આગળની તરફ ઝૂક્યા.

જોશીએ પણ સમય બગાડ્યા વિના કહ્યું: ‘હેલિકૉપ્ટર ક્રેશ સાઈટ પરથી છોકરીની લાશ મળી એ જોગાનુજોગ છે કે બીજું કંઈ… એ અત્યારના તબક્કે કહી શકાય નહીં, પણ આ ઘટનામાં મોટી ગરબડ જણાઈ રહી છે.’

‘આપણી ધારણા કરતાં આ કેસ કંઈક અલગ જ છે…’ જોશીએ કહ્યું: ‘…એટલે કેસની તપાસ માટે એસઆઈટી નીમવાનો નિર્ણય લેવાયો છે, જે ઈન્સ્પેક્ટર ગોહિલના નેતૃત્વ હેઠળ ઘટનાની તપાસ કરશે.’

પેપરવેઈટ નીચે દબાવેલા કાગળ ગોહિલ તરફ લંબાવતાં જોશીએ કહ્યું: ‘ગામવાસીઓ સોહમ અને હેલિકૉપ્ટર દુર્ઘટનાને સાંકળીને દુરાત્માના કરતૂતની અફવા ફેલાવી રહ્યા છે, પણ પોસ્ટમોર્ટમ કરનારી ડૉક્ટરોની ટીમને આમાં મોટા રૅકેટનો અણસાર આવી રહ્યો છે… તેમણે ફોરેન્સિકની ટીમને હૉસ્પિટલમાં બોલાવી હતી!’

‘ડૉક્ટરોની ટીમે શબનું ડિટેઈલ પોસ્ટમોર્ટમ કરવાનો અભિપ્રાય આપ્યો છે. પ્રાથમિક અહેવાલ અનુસાર છોકરીનું મૃત્યુ હેલિકૉપ્ટર દુર્ઘટનામાં નથી થયું, કેમ કે…’

બધા ફાટી આંખે જોશી તરફ જોઈ રહ્યા અને ગોહિલ પોસ્ટમોર્ટમનો પ્રાથમિક અહેવાલ વાંચવા ઉતાવળો થયો. અહેવાલ વાંચવા ગોહિલે કાગળ હાથમાં લીધો, પણ જોશીએ જ વાત પૂરી કરી.

‘…એ લાશ પખવાડિયા જૂની છે… એટલે કે છોકરીનું મૃત્યુ પંદર દિવસ પહેલાં થયું હતું! અને તેનું શબ સીવેલું છે!’ (ક્રમશ:)

આ પણ વાંચો…પ્લોટ-16 -પ્રકરણ-2

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button