લાડકી

વિશેષઃ આંખોની રોશનીએ દગો આપ્યો, પણ હૈયાની હામે જીવનમાં રોશની પાથરી…

IAS ઓફિસર પૂર્ણા સુંદરી મુરૂગેશનની પ્રેરકકથા

રાજેશ યાજ્ઞિક

આપણે ઘણા એવા લોકોને જોઈએ છીએ, જે પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે પોતાના ભાગ્યને દોષ આપે છે. એ જ વખતે કોઈ હાથ વિનાની વ્યક્તિને પગનો ઉપયોગ કરીને આપણી જેમ જ રોજિંદું જીવન જીવતા જોઈએ ત્યારે નાનીનાની વાતમાં રોદણાં રડતાં લોકો કેટલા વામણા લાગે!

ગુજરાતી ભાષાના દિગ્ગજ કવિ ઉમાશંકર જોશીએ લખેલી બે પંક્તિ આત્મવિશ્વાસ અને આત્મગૌરવના પ્રતીક સમાન છે, જેમકે…

ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક ને હાથ;

બહુ દઈ દીધું નાથ ! જા, ચોથું નથી માગવું !

આવી જ એક બહાદુર લાડકીની વાત જાણીએ, જેણે આંખોની રોશની મંદ થયા પછી IASની પરીક્ષા પાસ કરીને પોતાનું જીવન તો રોશન કર્યું જ સાથે હવે એ આજે દેશના ભવિષ્યમાં અજવાળા પાથરવાનું કામ કરી રહી છે. આ IAS ઓફિસરનું નામ છે પૂર્ણા સુંદરી મુરૂગેશન…

પૂર્ણા ખૂબ જ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. પિતા એક ખાનગી કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. સાધારણ પરિવારમાં પિતાની નોકરી ઘરના ખર્ચ પૂરા કરવાનો એકમાત્ર સ્રોત હતી. તેનો જન્મ થતાં પરિવાર બહુ ખુશ હતો, કેમકે ઘરે લક્ષ્મીની પધરામણી થઇ હતી, પરંતુ તેમને ખબર નહોતી કે થોડાં વર્ષો પછી તેમની પુત્રીની દુનિયામાં અંધકાર છવાઈ જશે.

પૂર્ણાએ પાંચ વર્ષની ઉંમર સુધી અન્ય સામાન્ય બાળકોની જેમ શિક્ષણ લીધું. પણ તે પછી તેની આંખોનો ઉજાસ ધીમેધીમે ઓછો થતો ગયો. ત્યારે તે માત્ર પહેલા ધોરણમાં હતી. સમય વીતતો ગયો, અને માત્ર બે વર્ષમાં તેને આંખે દેખાતું સંપૂર્ણ બંધ થઇ ગયું. આટલી નાની ઉંમરમાં દીકરીની આંખે અંધકાર વ્યાપી જાય તો માતા-પિતાના હૃદયને માત્ર આઘાત જ નથી લાગતો, પણ દીકરીના ભવિષ્યનું શું થશે તેની ચિંતાનો પહાડ પણ તૂટી પડે છે.

આપણા સમાજમાં ખાસ કરીને દીકરીઓના ભવિષ્યની વધુ ચિંતા થાય એ સહજ છે. તેમાં પણ જેની દ્રષ્ટિ જતી રહી હોય, તેવી દીકરીના ભવિષ્યમાં લગ્ન કેમ કરાવીશું? તે કોના સહારે રહેશે-કેમ જીવશે? જેવા અનેક સવાલોનું પ્રશ્નોપનિષદ રચાઈ જાય.

જોકે પૂર્ણાએ આટલી નાની ઉંમરમાં પણ પોતાના જીવનમાં આવેલી આટલી મોટી ઉપાધિને પડકાર ફેંકવાનું નક્કી કર્યું હતું. તેની હિંમત જોઈને માતા-પિતા પણ અચંબામાં પડી ગયાં હતાં. પરિવારે તેનું શિક્ષણ ન અટકે તે માટે તેને જ્યાં ખાસ ધ્યાન આપી શકે તેવા શિક્ષકો હોય તેવી સ્કૂલમાં દાખલ કરી હતી.

આ પણ વાંચો…વિશેષઃ કોણ છે ‘ફોર્બ્સ’ મેગેઝિનમાં સ્થાન પામનાર એકમાત્ર આશા કાર્યકર?

નિયમિત વર્ગોમાં હાજરી આપવા ઉપરાંત, પૂર્ણાને પાઠ વધુ સારી રીતે સમજવામાં મદદ કરવા માટે ખાસ સત્રો પણ હતા. રેકોર્ડ કરેલા વિષયો સાંભળીને પૂર્ણા શિક્ષણ લેતી હતી. તેના માટે માતા-પિતા અને શિક્ષકો પાઠ રેકોર્ડ કરી આપતા હતા. ફક્ત શિક્ષણમાં જ નહીં, શિક્ષકોએ તેને અભ્યાસેતર પ્રવૃત્તિઓથી પણ આ જ રીતે પરિચય કરાવ્યો. પૂર્ણા વક્તૃત્વમાં પારંગત હતી અને તે સારી ગાયિકા પણ હતી. તેણે જિલ્લા અને રાજ્ય સ્તરે અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈને એવોર્ડ્સ પણ જીત્યા.

નાની હતી ત્યારથી જ પિતા તેને વર્તમાનપત્રોમાંથી સમાચાર વાંચી સંભળાવતા હતા. તેમાંથી તેને જાણ થઇ કે જિલ્લા કલેક્ટર એટલે શું. લોકસેવામાં કામ કરતા અધિકારીઓના કાર્યથી તેના કુમળા માનસ પર ખાસ્સો પ્રભાવ પડ્યો. તેને સમજાયું કે એ લોકો કેટલું મહત્ત્વનું અને દેશ માટે કેટલું જરૂરી કામ કરે છે. તે ઉંમરે જ તેના મનમાં એ સપનું રોપાયું કે તે પણ તેમના જેવી બની શકે તો?

શાળાનું શિક્ષણ પૂરું કાર્ય બાદ પૂર્ણાએ જ્યારે અંગ્રેજી વિષય સાથે બીએનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે તેણે IAS અધિકારીઓનાં કાર્યોની નોંધ લેવાનું શરૂ કર્યું. મિત્રો અને શિક્ષકોએ પણ તેને તેના સપનાના માર્ગે આગળ વધવામાં મદદ કરી.

આ તરફ પૂર્ણાએ UPSC ની પરીક્ષા માટે સખત મહેનત સાથે તૈયારી પણ શરૂ કરી દીધી. વાંચવાના વખા હોય તેવામાં આવી અઘરી પરીક્ષાની તૈયારી કરવાનું કેટલું મુશ્કેલ હશે તે સમજી શકાય તેવી વાત છે, છતાં તે હિંમત હારી નહીં.

2016માં તેણે પહેલી વખત જાહેર સેવા આયોગની પરીક્ષા આપી ત્યારે પ્રિલીમ્સ પણ પાસ ન કરી શકી. તેમ છતાં પૂર્ણાએ હાર્યા વિના બીજા પ્રયાસની તૈયારી શરૂ કરી દીધી. સાથે તે બેંકમાં ક્લાર્કની નોકરી પણ કરતી હતી. નોકરી સાથે પરીક્ષાની તૈયારી કરવી પડતી હોવાથી રાતના ઉજાગરા કરવા પડતા હતા. બીજા પ્રયાસમાં પણ તે નિષ્ફ્ળ ગઈ. તેના ત્રીજા પ્રયાસમાં માત્ર 13 માર્કના કારણે તે પાછળ રહી ગઈ.

ચોથા પ્રયાસ માટે પૂર્ણાએ પોતાના લોહીપાણી એક કરી નાખ્યા. ઓડિયો ફાઇલ્સ દ્વારા સાંભળી-સાંભળીને તૈયારી કરવી એ એવરેસ્ટ સર કરવા જેવું અઘરું કામ હતું, પણ પૂર્ણા હતી. એને સંપૂર્ણા બનવું હતું અને આખરે તેની મહેનત રંગ લાવી. 2019માં UPSC પરીક્ષાનાં પરિણામ જાહેર થયા. પૂર્ણાએ 286મો રેન્ક મેળવ્યો.

આજે પૂર્ણા સુંદરી એક ગર્વિષ્ઠ IAS ઓફિસર તરીકે દેશ સેવામાં કાર્યરત છે. આંખ જેવું મહત્વનું અંગ કામ ન કરતું હોવા છતાં હૈયાની હામથી, અને પ્રખર પરિશ્રમથી સપનાં સિદ્ધ કરી શકાય છે તે પૂર્ણાએ સાબિત કરી આપ્યું. પૂર્ણા તેના જેવી સમસ્યાઓથી પીડિત અનેક લોકો માટે દીવાદાંડી બની રહી છે.

આ પણ વાંચો…વિશેષઃ હવે આવી ગયો છે ટ્રેન્ડી સેફ્ટી પિન નેકલેસ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button