લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : આવી વિષમ પરિસ્થિતિ સામે ટકી રહો

શ્વેતા જોષી-અંતાણી

છેલ્લા એક મહિનાથી યાશીએ વાંચવાનું બિલકુલ બંધ કરી દીધું છે. કેરિયર માટેના નિર્ણાયક વર્ષને આમ ચકડોળે ચડાવી એ પોતે રાજી તો નથી પણ, ખબર નહીં કેમ એ હમણાથી એક અક્ષરેય વાંચી શકતી નહોતી. પોતે ગમે તેટલી મહેનત કરશે, પરંતુ પરિણામ ધાર્યું નહીં જ આવે એવી તદ્દન ખોટી માન્યતાએ યાશીના વિચારો ફરતે ભરડો લઈ લીધેલો. કલાસમાં લેવાતી યુનિટ ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવવા લાગ્યા ત્યારથી ભણવા તરફ એનો રસ ઓછો થવા લાગેલો. એવામાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યુ સ્કૂલમાં હેડ ગર્લ બનવાના ઈલેકશને. યાશી વર્ષોથી હાયર સ્ટાન્ડર્ડમાં આવતાં આ પોઝિશન મેળવવાનાં સપનાં સેવતી આવેલી. જાતને હેડ ગર્લના બેજ સાથે એણે અનેક વાર કલ્પી હતી.

સ્ટેજ પર હેડ ગર્લ બન્યા બાદ સ્પીચ આપવાનું લખાણ પણ એણે તૈયાર રાખેલું. યાશીએ પોતાનું સપનું સાકાર કરવા જરૂરી દરેક વાતનું ચીવટપૂર્વક ધ્યાન રાખેલું-પ્લાન કરેલું. ઈત્તર પ્રવૃત્તિઓમાં ભાગ લેવો, ભણવામાં સારા માર્ક્સ લેવા, શિસ્તમાં રહેવું, પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ કરવા. ટીચર્સની ગુડબુકમાં રહેવું અને આંતર સ્કૂલ સ્પર્ધાઓમાં ભાગ લેવો.

સ્કૂલમાં સહુને લાગતું કે યાશી સિવાય આ વર્ષે અન્ય કોઈ હેડ ગર્લ હોય જ ના શકે. હેડ ગર્લના ઈલેકશન કેમ્પેઈન દરમિયાન પણ યાશી દરેકની ફેવરિટ બની રહેલી તો સ્કૂલમાં ચાલતા સ્ટુડન્ટ મીડિયા ગ્રુપના મતાનુસાર એક્ઝિટ પોલ પણ યાશી તરફ ઝૂકેલો હતો, પરંતુ એમ જિંદગી બધું ધારેલું સાચું પડવા દે તો એનું નામ જિંદગી થોડું ગણાય! રિઝલ્ટ જાહેર થતાંજ યાશીના બારેય વહાણ ડૂબી ગયા.

યાશીના ભાગે હારનો સામનો કરવાનો આવેલો. આવું કઈ રીતે બની શકે એનો જવાબ કોઈ પાસે નહોતો. યાશી તો સખ્ત આઘાતમાં ગરકાવ થઈ ગયેલી. એના મગજે આ અણધાર્યા આઘાતનો પ્રત્યાઘાત અલગ રીતે આપ્યો. એણે હેડ ગર્લ બનવા જે મહેનત કરેલી એ દરેક વસ્તુ પર પડદો પાડી દીધો. હવે, ના કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનો અને ના કોઈ પ્રવૃત્તિમાં રસ.વાંચવાનું સદંતર બંધ ને વિચારોનું એન્જિન સતત ચાલુ.

આ પણ વાંચો : ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : તરુણોઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : તરુણોની આવડત સામે સમાજની અપેક્ષા આવી વધુ પડતી અપેક્ષા ટેલેન્ટેડ ટીનેજરને ગૂંગળાવી નાખે છે…નું જાહેરમાં કરાતું અપમાન કેટલું યોગ્ય?

જેમ-જેમ યાશીનું પર્ફોર્મન્સ બગડતું ગયું તેમ એના પર દબાણ વધતું ગયું. શિક્ષકો, મિત્રો, સહાધ્યાયીઓ દરેક લોકો ‘ યાશી હવે પહેલા જેવી નથી રહી’ એવું વારંવાર કહેવા લાગ્યા. યાશી, ચોતરફથી આવતું એકધારું દબાણ અંતે સહન ના કરી શકી. લોકોની ટીકાઓ, નિષ્ફળતાને પચાવી ના શકવાની આદત અને માતા-પિતા તરફથી આ અંગે કોઈ ખાસ પ્રતિભાવ નહીં. ઉપરાંત જતનથી ઉછેરેલા સપનાને નજર સામે તૂટતા જોવા. આ બધું સતત લાડકોડમાં રહેલી, ક્યારેય એકપણ પ્રકારની તકલીફ ના ભોગવતી. કોઈ મુશ્કેલી વગરની સીધી સપાટ હાઈવે જેવી જિંદગીની માલકિન એવી યાશી માટે થોડું વધુ પડતું હતું.

એક દિવસ પોતાના રૂમની બાલ્કનીમાં ક્યાંય સુધી અન્યમનસ્ક
બેસી, વિચારોના વમળમાં ફસાયેલી, યાશીના મગજ પર નકારાત્મકતાએ એવો તો કબ્જો જમાવ્યો કે અંતે એ બેભાન થઈ ફર્શ પર ઢળી પડી. ટીનએજમાં ભાવનાત્મક દબાણ સહી શકવાની ક્ષમતા આમ પણ ઓછી હોય છે. જે યાશીમાં આ તબક્કે સાવ શૂન્ય થઈ ગયેલી.

અચાનક પછડાટ લાગવાથી કપાળમાંથી લોહીની ધાર વહી નીકળી. ધબ્બ દઈને જોરથી એવો અવાજ આવ્યો કે એના મમ્મી-પપ્પા સફાળા જાગી ગયાં. અને યાશીને સમયસર હોસ્પિટલ પહોંચાડી. બીજા દિવસે સવારે યાશી હોસ્પિટલમાં હોવાની ખબર વહેતાં થઈ ગયા.

મોટાભાગના લોકો એકજ વાત કરવા લાગ્યા, ‘શું તકલીફ છે આને. બધું તો ભગવાને આપ્યું છે. રૂપ, ગુણ, પૈસા. પછી શું આવા માનસિક નબળા બનવાનું? ‘શાંતિથી જીવવા મળે એ આજની પેઢીને ગોઠતું નથી.’ એવું પણ કોઈ વડીલ કહી ગયું.

આ પણ વાંચો : ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : તરુણોનું જાહેરમાં કરાતું અપમાન કેટલું યોગ્ય?

બસ, અહીં તો આપણી ભૂલ થાય છે. તમે અત્યંત સફળ છો, લોકપ્રિય છો, પૈસાની રેલમછેલ છે ને તોય તમે દુ:ખી છો.એ વાત સમાજના ગળે ઊતરતી નથી. જોકે, આવું હકીકતમાં ઘણા લોકો સાથે થાય છે. ખાસ કરીને તરુણાવસ્થા કે યુવાનીમાં અકારણ દુ:ખી થવાની સમસ્યા સામાન્ય છે. એના દાખલા સમાજમાં ઓછા નથી, જેમકે ખૂબ પ્રસિદ્ધ જીવન જીવતી યુવતીઓ આવેશમાં આવી આત્મહત્યા કરવા સુધી પ્રેરાય. પોતાનું જ નુકસાન કરી બેસે. આજીવન માનસિક રોગની કેદમાં ભિંસાયા કરે.

આવું શા માટે?

આનું કારણ છે સંજોગો મુજબ મનમાં જાગતી ભાવનાઓને કાબૂમાં રાખવાની એમની શક્તિ વિકસી નથી હોતી.

યાશી સાથે પણ એજ થયું. પોતાના ધાર્યા મુજબ જિંદગી ના ચાલી એ કડવી હકીકત પોતે પચાવી શકી નહીં. જે તરુણોમાં યાશી માફક સંજોગોના દબાવ સહન કરવાની ક્ષમતા ઓછી
હોય છે અમુક પ્રકારના ડરથી પિડાતા જોવા મળે છે. નિષ્ફળ જવાનો ડર એમને સફળતા તરફ એક ડગલું પણ માંડવા
દેતો નથી.

ખેર, યાશી તો બે-ચાર દિવસમાં ઠીક થઈ ઘેર પાછી ફરી. પોતે હેડ ગર્લ ના બની શકી એ વસવસો સાથે લઈ જીવવા લાગી. ભણવાનું ગાડું ફરી રસ્તે ચડાવતા વાર લાગી, પણ ધીરે ધીરે, યાશી પરિસ્થિતિ મુજબ ગોઠવાય ગઈ ખરી.. પરંતુ, આપણી વચ્ચે આવી અનેક યાશીઓ જીવતી હોય છે, જેમને સમયસર સાચી સમજણ ના આવતા,ખરું માર્ગદર્શન ન મળે તો એને ખોટા નિર્ણયો તરફ ફંટાઈ જતાં વાર લાગતી નથી માટે નાનપણથી જ આપણે વિષમ પરિસ્થિતિઓ સામે ઝઝૂમવાની આદત પાડવી આવશ્યક છે કે જેથી કરીને યાશી માફક તરુણાવસ્થાએ તરડાય જવાનો વખત આવે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button