લાડકી

ભારતીય જનતાને આઝાદ ભારતનું સ્વપ્ન દેખાડ્યું

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

નામ: કેપ્ટન લક્ષ્મી સહગલ
સમય: 1998
સ્થળ: કાનપુર
ઉંમર: 93 વર્ષ

1938માં કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન હરિપુરામાં કરવાનું નક્કી થયું હતું. આ અધિવેશન પહેલા ગાંધીજીએ કૉંગ્રેસ અધ્યક્ષપદ માટે સુભાષબાબુની પસંદગી કરી. કૉંગ્રેસનું આ 51મું અધિવેશન હતું. આ અધિવેશનમાં સુભાષબાબુનું અધ્યક્ષીય ભાષણ બહુ જ પ્રભાવી રહ્યું. કોઇપણ ભારતીય રાજકીય વ્યક્તિએ કદાચ જ આટલું પ્રભાવી ભાષણ કયારેય કર્યું હશે.

1938માં ગાંધીજીએ કૉંગ્રેસના અધ્યક્ષપદ માટે સુભાષબાબુ પર પસંદગી ઉતારી તો હતી, પરંતુ ગાંધીજીને સુભાષબાબુની કાર્યપદ્ધતિ પસંદ ન હતી. આ જ સમયે યુરોપમાં બીજા વિશ્વયુદ્ધનાં વાદળો છવાઈ ગયા. સુભાષબાબુની ઈચ્છા હતી કે ઇંગ્લેન્ડની આ મજબૂરીનો લાભ ઉઠાવીને, ભારતનો સ્વંત્રતા સંગ્રામ વધુ ઉગ્ર બનાવવામાં આવે. તેમણે પોતાના અધ્યક્ષપદ હેઠળ આ તરફ પગલાં લેવાનું શરૂ પણ કરી દીધું હતું. ગાંધીજી તેમની આ વિચારસરણી સાથે સહમત ન હતા.

1939માં જ્યારે નવા કૉંગ્રેસ અધ્યક્ષ પસંદ કરવાનો સમય આવ્યો, ત્યારે સુભાષબાબુ એવુ ઇચ્છતા હતા કે કોઈ એવી વ્યક્તિ અધ્યક્ષ બને, જે આ મામલામાં કોઈના દબાણ સામે ઝૂકે નહીં. એવી કોઈ બીજી વ્યક્તિ સામે ન આવતા, સુભાષબાબુએ પોતે કૉંગ્રેસ અધ્યક્ષ બનવાનું વિચાર્યું. પણ ગાંધીજી હવે તેમને અધ્યક્ષપદેથી હટાવવા માગતા હતા. ગાંધીજીએ અધ્યક્ષપદ માટે પટ્ટાભી સિતારમૈય્યાને પસંદ કર્યા. કવિવર્ય રવીન્દ્રનાથ ટાગોરજીએ ગાંધીજીને પત્ર લખી સુભાષબાબુને જ અધ્યક્ષ બનાવવાની વિનંતી કરી.

આ પણ વાંચો: ભારતની વીરાંગનાઓ : પ્રથમ મહિલા મહાવત પાર્વતી બરુઆ

પ્રફુલ્લચંદ્ર રાય અને મેઘનાદ સહા જેવા વૈજ્ઞાનિક પણ સુભાષબાબુને ફરીથી અધ્યક્ષના રૂપમાં જોવા ઇચ્છતા હતા, પણ ગાંધીજીએ આ બાબતમાં કોઈની વાત ન સાંભળી. કોઈપણ પ્રકારનું સમાધાન ન થતા, ઘણા વરસો પછી, કૉંગ્રેસના અધ્યક્ષપદ માટે ચૂંટણી થઈ. બધા એમ માનતા હતા કે મહાત્મા ગાંધીએ પટ્ટાભી સિતારમૈય્યાને સાથ આપ્યો છે, માટે તેઓ ચૂંટણી સરળતાથી જીતી જશે, પણ સુભાષબાબુને ચૂંટણીમાં 1580 મત મળ્યા અને પટ્ટાભી સિતારમૈય્યાને 1377 મત મળ્યા. ગાંધીજીનો વિરોધ હોવા છતાં સુભાષબાબુ 203 મતોથી આ ચૂંટણી જીતી ગયા.

1939નું વાર્ષિક કૉંગ્રેસ અધિવેશન ત્રિપુરામાં થયું. આ અધિવેશનના સમયે સુભાષબાબુ તીવ્ર તાવથી એટલા બીમાર પડી ગયા હતા, કે એમને સ્ટ્રેચર પર સુવડાવીને અધિવેશનમાં લાવવા પડ્યા. ગાંધીજી આ અધિવેશનમાં હાજર ન રહ્યા. ગાંધીજીના સાથીઓએ સુભાષબાબુને બિલકુલ સહકાર ન આપ્યો.

અધિવેશન પછી સુભાષબાબુએ સમાધાન માટે બહુ જ કોશિશ કરી, પરંતુ ગાંધીજી અને એમના સાથીઓએ એમની એકપણ વાત ન માની. પરિસ્થિતિ એવી બની ગઈ કે સુભાષબાબુ કંઈ કામ જ ન કરી શક્યા. છેવટે કંટાળીને 29 એપ્રિલ, 1939ના રોજ સુભાષબાબુએ કૉંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું.

એ પછીના વર્ષોમાં એમના નજરકેદ રહેવાની અને ત્યાંથી ભાગીને સિંગાપોર સુધી પહોંચવાની કથા તો સૌ જાણે છે. સિંગાપોરમાં એમણે પહેલીવાર આઝાદ હિંદ ફોજની સત્તાવાર જાહેરાત કરી. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ગાંધીજીએ સ્ત્રીઓને અગ્રીમ સ્થાન આપ્યું. એમની પૌત્રી મનુ, આભા, ડૉ. સુશીલા નાયર, વિદેશી બહેન મીરાં જેવી અનેક સ્ત્રીઓ અને સરોજિની નાયડુ, વિજ્યાલક્ષ્મી પંડિત જેવી પ્રતિભાશાળી સ્ત્રીઓ પણ સ્વતંત્રતા સંગ્રામનો મહત્ત્વનો હિસ્સો બની શકી, પરંતુ સુભાષબાબુને કદાચ લડાઈના મેદાનમાં સ્ત્રીઓ પોતાનું સાહસ બતાવી શકશે કે નહીં એ વિશે થોડી અવઢવ હોવી જોઈએ… એ કારણે એમણે શરૂઆતના તબક્કામાં આઝાદ હિંદ ફોજમાં સ્ત્રીઓને સામેલ ન કરી.

જાપાનમાં બ્રિટિશ સૈનિકોની હાર પછી પૂર્વ એશિયામાં અટકી ગયેલા 30 હજારથી વધારે ભારતીય સશક્ત અને સંગઠિત સૈનિકોને આઝાદ હિંદ ફોજમાં સામેલ કરવામાં આવ્યા. 7 ફેબ્રુઆરી, 1942ના દિવસે આ યુદ્ધબંદીઓ જ્યારે કેપ્ટન મોહનસિંઘને સોંપવામાં આવ્યા ત્યારે એમણે 60 હજાર જેટલી સંખ્યામાં એકત્રિત કરેલા લોકો સાથે આઝાદ હિંદ ફોજ હવે યુદ્ધ માટે તૈયાર છે એવી જાહેરાત કરી. જોકે, કેટલાક સૈનિકોએ જાપાનીઓના ઈરાદા પરત્વે પોતાનો સંદેહ પ્રગટ કરીને આઝાદ હિંદ ફોજમાં સામેલ થવાને બદલે યુદ્ધના કેદી તરીકે જ બાકીનું જીવન વ્યતિત કરવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો: ફેશન: હોટ કેક – ફરશી સલવાર!

રાસબિહારી બોઝને લાગ્યું કે, એ હવે આમાં વધુ કાર્યરત નહીં રહી શકે માટે એમણે પોતાની તમામ જવાબદારીઓ સુભાષચંદ્ર બોઝને હસ્તાંતરિત કરી. સાદો સફેદ પોષાક અને ગાંધી ટોપી પહેરીને જ્યારે સુભાષચંદ્ર પોતાનું ભાષણ કરવા ઊભા થયા ત્યારે અનેક લોકોના લોહીમાં સ્વતંત્રતાના એક નવા વિચારનો સંચાર થયો. એમણે 5મી જુલાઈએ આઝાદ હિંદ ફોજના યુનિફોર્મમાં સૌને સંબોધિત કર્યા અને મહાત્મા ગાંધીને જાહેર ધન્યવાદ આપ્યા કે, એમણે ભારતીય જનતાના હૃદયમાં સ્વતંત્રતાના વિચારનું બીજ રોપીને સૌને એક આઝાદ ભારતનું સ્વપ્ન બતાવ્યું.

એ સભામાં એમણે ‘જય હિંદ’ અને ‘ચલો દિલ્હી’નું સૂત્ર આપ્યું. એ દિવસે એમણે જાહેરાત કરી કે, કોઈપણ સ્વસ્થ નાગરિક જે ભારતની સ્વતંત્રતા ઈચ્છતો હોય એ આઝાદ હિંદ ફોજમાં સામેલ થઈ શકે છે. મેં જાહેરમાં એમને પ્રશ્ન પૂછ્યો કે, એમણે સ્ત્રીઓને આમાં સામેલ કેમ નથી કરી? સુભાષચંદ્ર બોઝે એ દિવસે રાણી ઝાંસી રેજિમેન્ટની જાહેરાત કરી અને મહિલાઓને પણ આઝાદ હિંદ ફોજમાં સામેલ કરવાનો નિર્ણય જાહેર કર્યો. મેં ઘેર ઘેર ફરીને મહિલાઓને જોડાવવાનું આમંત્રણ આપ્યું, પરંતુ માત્ર 20 મહિલાઓ શરૂઆતમાં મારી સાથે જોડાઈ… ખૂબ નિરાશાજનક સ્થિતિ સાથે અમે શરૂઆત કરી. જોકે, રાયફલના પ્રશિક્ષણના પ્રદર્શનના દિવસે નેતાજીએ સૌ સ્ત્રીઓની પ્રશંસા કરી અને બીજે દિવસે મારી સાથે મુલાકાત કરીને મને રાણી ઝાંસી રેજિમેન્ટની કેપ્ટનની પદવી આપીને મારું નામ કેપ્ટન લક્ષ્મી કહીને સંબોધ્યું.

(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button