લાડકી

કથા કોલાજઃ આ છોકરી હીરોઈન બનવા તૈયાર થશે ત્યારે પહેલો ચાન્સ બોમ્બે ટોકીઝનો રહેશે…

કાજલ ઓઝા-વૈદ્ય

મુમતાઝ જહાન દહેલવી (મધુબાલા)

(ભાગ: 2)
નામ: મુમતાઝ જહાન દહેલવી (મધુબાલા)
સમય: 20 ફેબ્રુઆરી, 1969
સ્થળ: બ્રિચ કેન્ડી હોસ્પિટલ, મુંબઈ
ઉંમર: 36 વર્ષ

મુંબઈ આવીને અમે મુસાફિર ખાનામાં રોકાયા. એક નાનકડી ગંધાતી ઓરડી. ટોઈલેટ બાથરૂમ માટે બહાર જવાનું. મને જરાય ગમ્યું નહીં, પણ અબ્બુજાનને કંઈ કહેવાની મારી હિંમત જ નહીં. નાહી-ધોઈને મને ચોખ્ખું ફ્રોક પહેરાવ્યું. અમ્મીએ મારા સરસ મજાના વાળ ઓળી આપ્યા. એમાં બો નાખી. અબ્બુ અને હું ટ્રેનમાં બેસીને એક મોટા સ્ટુડિયોના ગેટ પાસે પહોંચ્યા. સ્ટુડિયોનો વિશાળ ગેટ ત્રણ માણસો એકની ઉપર એક ઊભા રહે એટલો ઊંચો હતો. ગેટ ઉપર મોટા અક્ષરે ‘સાગર મુવીટોન’ લખેલું હતું.

જોકે, મને વાંચતા નહોતું આવડતું. ચોપાટીનો દરિયો અને મુંબઈના બિલ્ડિંગ જોઈને હું અભિભૂત થઈ ગઈ હતી. સ્ટુડિયોના ગેટમાં એક પછી એક અંદર જતી અને બહાર આવતી મોટરગાડીઓ જોઈને હું ખુશ થઈને તાળીઓ પાડતી હતી. અબ્બુ અંદર જવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ વોચમેન એમને અંદર જવા દેવા તૈયાર નહોતો.

અબ્બુએ ખૂબ મિન્નત કરી, પરંતુ વોચમેને અંદર જવા દીધા નહીં. પછી એમની પાસે રહેલા દોઢ રૂપિયામાંથી ચાર આના એના હાથમાં દબાવ્યા. વોચમેને સ્મિત કરીને વિશાળ ગેટની ડોકાબારી ખોલી આપી. અંદર જઈને અબ્બુએ બે-ચાર જણાંને પૂછપરછ કરી, પરંતુ બાળકો માટે અહીં કોઈ કામ નહોતું. ત્યાં બેસીને સિગારેટ પી રહેલા એક માણસે મારા અબ્બુને સલાહ આપી, ‘ઈધર કામ નહીં બનેગા. બોમ્બે ટોકિઝ ચલે જાઓ.’

અમે ચોપાટીથી બીજી ટ્રેન પકડીને મલાડ પહોંચ્યા. સ્ટેશનથી ચાલતા ફરી એક સ્ટુડિયોના ગેટ સામે આવીને ઊભા રહ્યા. ફરી ચાર આના પકડાવીને અબ્બુએ ગેટ ખોલાવ્યો. અમે અંદર દાખલ થયા. અંદર તો એક અલગ જ દુનિયા હતી! અનેક લોકો અવરજવર કરી રહ્યા હતા. મોટા મોટા ચિત્રો લઈને મજૂરો આમથી તેમ દોડી રહ્યા હતા.

રજવાડી પોષાક પહેરેલા, કોઈ ભગવાન બનેલા તો કોઈ ભિખારીના વેશમાં સિગારેટ પી રહેલા લોકોને જોઈને મને ખૂબ કુતૂહલ પણ થયું અને મજા પણ આવી… હું આમથી તેમ દોડવા લાગી. થોડે દૂર એક ખુરશી નાખીને છત્રી નીચે એક સજજન બેઠા હતા. એમની બાજુમાં બીજી છત્રી નીચે એક સુંદર મહિલા પણ હતાં. મારા પિતા એમને ઓળખી ગયા. એ અભિનેતા ઉલ્લાસ ખાન અને પ્રખ્યાત અભિનેત્રી મુમતાઝ શાંતિ હતાં.

એ જ વખતે એક સુટ પહેરેલા, સોનેરી ફ્રેમના ચશ્મા પહેરેલા પ્રભાવશાળી વ્યક્તિ અમારી પાસે આવ્યા. મારા અબ્બુએ એમની સાથે વાત કરી. એમણે મારી તરફ જોયું. હળવેકથી મારા માથે હાથ મૂક્યો અને પછી દિગ્દર્શક અમીય ચક્રવર્તીને કહ્યું, ‘તમારી બની રહેલી ફિલ્મ ‘બસંત’ માટે આ બેબી કેવી લાગે છે? જોઈ લો! તમને યોગ્ય લાગે તો…’ કહીને એમણે જતાં જતાં ઉમેર્યું,

‘ભાઈજાનને નાસ્તો કરાવજો ને બેબીને ચોકલેટ આપજો.’ એ હતા બોમ્બે ટોકિઝના મેનેજર રાયબહાદુર ચુનીલાલ. એમનો માણસ આવીને અબ્બુને નાસ્તો કરવા કેન્ટીનમાં લઈ ગયો. કેટલા વખતે ભરપેટ ખાવાનું મળ્યું હતું! મેં જોયું કે અબ્બુ તૂટી જ પડ્યા. હું પણ ચોકલેટ ખાવામાં વ્યસ્ત હતી ત્યારે માણસ બોલાવવા આવ્યો, ‘મેડમ બોલાવે છે.’

મને મુમતાઝ શાંતિ પાસે લઈ ગયા. મુમતાઝજીએ મને બે-ચાર સવાલો પૂછ્યા. મેં હસીને મજાથી જવાબો આપ્યા. પછી મુમતાઝ શાંતિએ પૂછ્યું, ‘લાઈટો ચાલુ થશે, કેમેરા ચાલુ થશે, માણસો હશે, તું ડરીશ તો નહીં ને?’ મેં ડોકું ધૂણાવીને ‘ના’ પાડી, ‘હું બહુ બહાદુર છું. મને અંધારાનો પણ ડર નથી લાગતો.’ મેં કહ્યું, સૌ હસી પડ્યા. મહિને સો રૂપિયા પ્લસ ટ્રેનનો પાસ પ્લસ નાસ્તો અને જમવાના સહિત મારી નોકરી નક્કી થઈ ગઈ.

બોમ્બે ટોકિઝમાંથી શરત કરવામાં આવી હતી કે કામ હોય કે નહીં, મને લઈને અબ્બુએ સવારે નવ વાગ્યે હાજર થઈ જવું પડશે. ફક્ત ‘બસંત’ ફિલ્મમાં જ નહીં, ‘બોમ્બે ટોકિઝ’ મને જ્યાં કહે ત્યાં મારે કામ કરવું પડશે. મહિને સો રૂપિયાના પગારની લાલચમાં અબ્બુએ કોન્ટ્રાક્ટ પર સહી કરી દીધી. બીજા દિવસથી મારું કામ શરૂ થઈ ગયું.

છ વર્ષની ઉંમરે હું સવારે છ વાગ્યે ઊઠી જતી. દૂધ પી, તૈયાર થઈને અમે ટ્રેનમાં મલાડ જવા નીકળી જતા. નવના ટકોરે સ્ટુડિયોમાં પહોંચવાની એ આદત જે બાળપણમાં પડી એ પછી ક્યારેય છુટી નહીં. લોકો કહેતા, ‘ઘડિયાળ મોડી પડે, પણ મધુબાલા અને અતાઉલ્લા ખાન ક્યારેય મોડા ન પડે…’

આઠ વર્ષની ઉંમરે મને મળતા પગારમાંથી મારા પિતાએ તબેલાની બાજુમાં આવેલી એક નાનકડી ઓરડી ભાડે લીધી. અમે મુસાફિર ખાનામાંથી અમારા ઘરમાં આવી ગયા. જોકે, મારે માટે તો ‘ઘર’ ઉંઘવા પૂરતી જ જગ્યા હતી.

‘બસંત’માં મારું કામ ખૂબ વખણાયું. સહુ મને ‘બેબી મુમતાઝ’ તરીકે ઓળખવા લાગ્યા. ટ્રેનમાં પણ ક્યારેક કોઈ ઓળખીને પૂછી લેતું, ‘બેબી મુમતાઝ?’ હું ખુશખુશાલ થઈને ડોકું ધૂણાવીને હા પાડતી. 1942માં રિલીઝ થયેલી ‘બસંત’માં પન્નાલાલ ઘોષના મ્યુઝિક ડિરેક્ટરમાં મેં એક ગીત પણ ગાયું, ‘તુમકો મુબારક તુમ્હારે મહલ યે, હમકો હૈ પ્યારી હમારી ગલિયાં…’ ગીત ખૂબ લોકપ્રિય થયું.

એ પછી તો ધડાધડ કામ મળવા લાગ્યું. મારા પિતાને પૈસાની હંમેશાં જરૂર રહેતી. હવે સો રૂપિયા ઓછા પડવા લાગ્યા હતા. ‘બસંત’ પછી ‘મુમતાઝ મહલ’, ‘ધન્ના ભગત’, ‘પૂજારી’, ‘રાજપૂતાની’ જેવી ફિલ્મો આવી. ‘મુમતાઝ મહલ’ પછી મારા અબ્બુએ પગાર વધારાની માગ કરી.

પહેલાં તો બોમ્બે ટોકિઝમાંથી સ્પષ્ટ નકાર આવી ગયો, પરંતુ મારા પિતાએ સીધી દેવિકા રાણી સાથે મુલાકાત કરી. જાજરમાન અને હિંમતવાન ઓરત હતી એ! હિમાંશુ રોયના મૃત્યુ પછી બોમ્બે ટોકિઝનો ભાર એમણે પોતાના ખભે ઉપાડ્યો હતો.

રોજ સવારે મોટરમાં બેસીને એ ઓફિસ આવતાં. લગભગ એ જ ગાળામાં શશધર મુખર્જીએ બોમ્બે ટોકિઝ છોડવાનો નિર્ણય કરી લીધો હતો. એમની સાથે બીજા અનેક લોકો બોમ્બે ટોકિઝ છોડવા તૈયાર થઈ ગયા હતા કારણ કે, શશધર મુખર્જી (આજની અભિનેત્રી કાજોલના દાદાજી) પોતાનો સ્ટુડિયો સ્થાપવાની તૈયારીમાં હતા.

એમણે મોટા પગારે અને બીજી સવલતો સાથે આધુનિક સ્ટુડિયોમાં બોમ્બે ટોકિઝના અનેક લોકોને નોકરી આપવાની તૈયારી બતાવી. વળી, એ સમયની માનસિકતા પ્રમાણે દિગ્દર્શકો અને લેખકો એક સ્ત્રીની માલિકીના સ્ટુડિયોમાં કામ કરતા અચકાતા હતા.

આ પણ વાંચો…કથા કોલાજઃ મારા પિતાની જેમ માઈકલ પણ દવાઓનો વ્યસની થઈ ગયો હતો

હિમાંશુ રોયના મૃત્યુ પછી દેવિકા રાણી એકલા હાથે બોમ્બે ટોકિઝ નહીં ચલાવી શકે એવું માનનારા લોકો પણ ધીરે ધીરે બોમ્બે ટોકિઝ છોડવા લાગ્યા હતા ત્યારે દેવિકા રાણીએ મારા પિતા સાથે ચર્ચા કરીને મારો પગાર સોમાંથી ત્રણસો રૂપિયા કરી નાખ્યો. સાથે જ એમણે શરત કરી, ‘આ છોકરી હીરોઈન બનવા તૈયાર થશે ત્યારે પહેલો ચાન્સ બોમ્બે ટોકિઝનો રહેશે…’ એ વખતે મારા પિતાને કદાચ કલ્પના નહોતી કે, મારા ભવિષ્યમાં શું છુપાયું છે!

સોમાંથી ત્રણસો રૂપિયાના પગારની લાલચે એમણે ‘હા’ પાડી. મેં બોમ્બે ટોકિઝની અનેક ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું. હું દેવિકા રાણીની ફેવરિટ હતી. એ વારંવાર કહેતા, ‘મોધુ’ (બંગાળીમાં મધ) જેવી છે આ છોકરી! ‘રાજપૂતાની’ પછી હું મોટી થવા લાગી હતી, પણ એટલી મોટી નહોતી થઈ કે નાયિકાના પાત્રમાં કામ કરી શકું.

બાળ કલાકાર તરીકે હવે મને ફિલ્મો મળવાની બંધ થઈ. બોમ્બે ટોકિઝ સાથેનો બે વર્ષનો કરાર પૂરો થયો. હવે બાળ કલાકાર તરીકેના કરારને રિન્યૂ કરવાની સ્ટુડિયોએ ના પાડી. મારા પિતા માટે ફરી એક વાર આર્થિક તંગીના દિવસો શરૂ થયા. ત્રણ ટાઈમનું જમવાનું પણ બંધ થઈ ગયું. એમણે હાથ-પગ મારવા માંડ્યા.

એક પછી એક લોકો પાસે જઈને એમણે મને હીરોઈન બનાવવા માટેની વિનંતી કરવાની શરૂઆત કરી દીધી. જોકે, એ સમય દરમિયાન મને થયેલા અનુભવો બહુ સારા નહોતા એવું મારે સ્વીકારવું જોઈએ. જાનકીદાસ નામના એક નિર્માતાએ મારા પિતાને કહેલું, ‘મધુને રાત્રે મોકલજો. એનો સ્ક્રીન ટેસ્ટ લઈશ.’ મારા પિતાનું પઠાણ લોહી ગરમ થઈ ગયેલું.

એમણે જાનકીદાસને એક તમાચો રસીદ કરી દીધેલો જેની ગૂંજ આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંભળાયેલી. સહુ અતાઉલ્લા ખાનથી ડરવા લાગ્યા હતા. મને હીરોઈન તરીકે કામ નહોતું મળતું ને મારા પિતાને હવે નોકરી કરવાની આદત છુટી ગઈ હતી. પરિવારમાં ફરી એક વાર ખાવાના ફાંફાં પડવા લાગ્યા. અમે પાછા દિલ્હી જવાનો નિર્ણય લઈ લીધો.

ફરી પાછા અમે સહુ મુંબઈ છોડીને દિલ્હી આવ્યા. મારે માટે તો મજાની વાત હતી કારણ કે, હવે સ્ટુડિયોમાં જવાનું નહોતું, કામ કરવાનું નહોતું, રમવા મળતું, બહેનપણીઓ સાથે મટરગશ્તી કરવાની મજા પડવા લાગી હતી… મને ભવિષ્યની ચિંતા નહોતી, અથવા કદાચ એવું બધું વિચારવા માટે હું બહુ નાની હતી. (ક્રમશ:)

આ પણ વાંચો…કથા કોલાજઃ મારે તો રોજિંદા જીવન માટે પણ સંઘર્ષ કરવો પડ્યો છે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button