કથા કોલાજઃ મારી બધી કમાણી ચૂકવીને પણ મારો જીવ બચાવી શકતી નથી એ કેવું દુર્ભાગ્ય!

કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 3)
નામ: મુમતાઝ જહાન દહેલવી (મધુબાલા)
સમય: 20 ફેબ્રુઆરી, 1969
સ્થળ: બ્રિચકેન્ડી હૉસ્પિટલ, મુંબઈ
ઉંમર: 36 વર્ષ
36 વર્ષની ઉંમર મરવાની ઉંમર તો નથી જ ને? હજી તો જિંદગી જીવવાની શરૂ કરી હતી… મારું પોતાનું ઘર, ગાડી ખરીદ્યા હતાં! મારા બાળપણના અભાવોથી મુક્ત થવાની આ શરૂઆત જ હતી કે, મને હૃદયરોગ છે એવી ખબર પડી! નવાઈની વાત એ છે કે, કોઈએ ક્યારેય મારી તબિયત પર ધ્યાન આપ્યું જ નહોતું. મારા અબ્બા અતાઉલ્લાા ખાન માટે હું પૈસા કમાવાનું મશીન હતી… હું ક્યારેક મારી તબિયતની, થાકની ફરિયાદ કરતી, પણ અબ્બા ખજૂર-બદામ ખાવાનું કહીને અમ્મીને મારું ધ્યાન રાખવાનું કહી વાત ‘આઈ-ગઈ’ કરી નાખતા.
જોકે, છેલ્લા થોડા સમયથી મને ઝીણો તાવ આવતો. થર્મોમીટરમાં ન દેખાય, પણ શરીર હૂંફાળું થઈ જાય, ચક્કર આવે, પરસેવો થાય… બે-ચાર ડોક્ટરને બતાવ્યું પણ બધાએ ઓવરવર્ક અને ડાયેટિંગને કારણે નબળાઈ હશે એમ માનીને બહુ ધ્યાન નહોતું આપ્યું. અબ્બા માટે મારું સ્વાસ્થ્ય મહત્ત્વનું હતું, એટલે એમણે એવું નક્કી કર્યું કે, બહારનું ખાવા-પીવાનું તદ્દન બંધ કરી દેવું. હવે શૂટિંગમાં મારે માટે પીવાનું પાણી, ચા અને મારું ખાવાનું ઘરેથી આવવા લાગ્યું હતું.
જોકે, આનાથી મારી તબિયતમાં બહુ ફેર ન પડ્યો! રણજિત સ્ટુડિયોમાં શૂટિંગ કરતી વખતે 16-17 વર્ષની ઉંમરે એક દિવસ મને લોહીની ઊલટી થઈ હતી, પરંતુ સાચું પૂછો તો એ વખતે પણ અબ્બાએ બહુ ધ્યાન નહોતું આપ્યું. આજે વિચારું છું તો સમજાય છે કે, આટલા બધા પૈસા કમાયા પછી પણ હું મારી બધી કમાણી ચૂકવીને મારો જીવ બચાવી શકતી નથી એ કેવું દુર્ભાગ્ય છે!
મારી હીરોઈન તરીકેની પહેલી ફિલ્મ ‘નીલકમલ’માં મારો હીરો (રાજ કપૂર) એક શિલ્પકારનો રોલ કરતા હતા. દેવી-દેવતાઓની મૂર્તિ બનાવીને એને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે જ્યારે હું એની પ્રેમિકા, ઈશ્વરભક્ત વ્યક્તિનો રોલ કરતી હતી… એમાં એક સીનમાં મારો સંવાદ હતો, ‘ભગવાન અને માણસમાં એટલો જ ફરક છે કે, ભગવાન પોતાના રહસ્ય આપણી સામે ખોલતો નથી અને માણસને પોતાના જ જીવનનું રહસ્ય સમજવા માટે જિંદગી આખી ઓછી પડે છે…’ આજે વિચારું છું તો સમજાય છે કે, આ ડાયલોગ મારા જીવન માટે પણ કેટલો સાચો સાબિત થયો! હીરોઈન તરીકેની પહેલી ફિલ્મ મને મળી એની કથા પણ રસપ્રદ છે. કોઈ ફિલ્મની સ્ટોરી જેવી!
અમે તો મુંબઈ છોડીને દિલ્હી આવી ગયા હતા. અમને રહેવા માટે સારી જગ્યા મળે એવું હતું નહીં એટલે દિલ્હીમાં રેફ્યુજીઓની વસ્તીમાં એક નાનકડી ઝૂંપડી જેવી જગ્યાએ અમે રહેતા હતા. મુંબઈની જાહોજલાલી પછી અહીં રહેવું મને જરાય ગમતું નહોતું… મારા પિતા કામની શોધમાં ઈધર-ઉધર ભટકવા લાગ્યા હતા. ત્રણ બહેનોનું પેટ કેવી રીતે પાળવું એની ચિંતામાં એ ચીડચીડા અને ક્રોધી બની ગયા હતા.
એવામાં એક દિવસ અચાનક મેં જાનકીદાસને અમારી વસ્તીમાં ભટકતા જોયા. હું એમની પાછળ દોડી, ‘જાનકીચાચા…’ મેં બૂમ પાડી. એ મને જોતાંની સાથે ખુશ થઈ ગયા. જાનકીદાસ અમારી ‘વસંત’ ફિલ્મના ડિરેક્ટર સાથે સંપર્કમાં હતા. એમણે અમિય ચક્રવર્તીને ફોન કર્યો અને કહ્યું કે, ‘બેબી અહીં દિલ્હીમાં છે!’ નવાઈની વાત એ છે કે, અમે મુંબઈ છોડ્યું એ પછી અમિય ચક્રવર્તી અમને શોધી રહ્યા હતા. એમણે ‘જ્વારભાટા’ ફિલ્મ અનાઉન્સ કરી હતી જેમાં મારો રોલ હતો. દેવિકારાણીએ મને શોધવાની સૂચના આપી હતી, પરંતુ મારા પિતાએ મુંબઈમાં એટલી ઉધારી કરી હતી કે, મુંબઈ છોડતી વખતે સરનામું મૂક્યું નહીં!
અમિય ચક્રવર્તી દિલ્હી આવ્યા. મારા અબ્બા સાથે મિટિંગ કરી. અબ્બાને સમજાઈ ગયું હતું કે, બોમ્બે ટોકિઝને મારી જરૂર હતી. એમણે ઘણા વધારે પૈસા અને પાંચ વર્ષના કરારનો પ્રસ્તાવ મૂક્યો. અમિય ચક્રવર્તીએ એ વિશે કંઈ પણ નિર્ણય આપવાની પોતાની અશક્તિ જાહેર કરી. એમણે કહ્યું, ‘તમે મુંબઈ આવો પછી જ બધી વાત કરીએ.’ અબ્બાએ ઘરે આવીને મુંબઈ જવાની જાહેરાત કરી. અમે સહુ ખુશ થઈ ગયા.
ફરી એક વાર બોમ્બે ટોકિઝ! મારી પિતાની શરતો માની લેવામાં આવી. મારું વેતન પણ વધારી દેવામાં આવ્યું. એમણે જે નક્કી કર્યું એ બધાની હા પાડવામાં આવી ત્યારે મારા પિતાને પણ નવાઈ તો લાગી. એમની ગણતરી હતી કે, ઘણી માથાકૂટ પછી કદાચ એમણે માગ્યા છે એના કરતા ઓછા પૈસા મળશે, પરંતુ દેવિકારાણી એક બુદ્ધિશાળી અને દૂરંદેશી વ્યક્તિ હતાં. એમણે કદાચ મારામાં બોમ્બે ટોકિઝનું ભવિષ્ય જોઈ લીધું હતું.
‘જ્વારભાટા’માં આગા ખાન અને શમીમ મુખ્ય કિરદારમાં હતા. બીજો એક યુવાન છોકરો પણ એ ફિલ્મમાં હતો, જેનું નામ યુસુફ ખાન હતું, પરંતુ એને યુસુફ ખાન તરીકે ફિલ્મોમાં ઓળખાણ નહોતી જોઈતી! એના પિતા ફળના વ્યાપારી હતા. 12 ભાઈ બહેનમાં યુસુફ 8મો હતો. એના પિતા ક્યારેય નહોતા ઈચ્છતા કે યુસુફ ફિલ્મોમાં કામ કરે, પરંતુ યુસુફને ફિલ્મ સિવાય કોઈ ચીજમાં રસ નહોતો! એના પિતા ફિલ્મો જોતા નહીં-ક્યારેય જોવાના નહોતા એટલે જો નામ બદલીને યુસુફ ફિલ્મોમાં કામ કરે તો એના પિતાને ક્યારેય ખબર પડવાની નહોતી, એવા વિશ્વાસ સાથે યુસુફે અભિનેતા તરીકે ઝંપલાવ્યું હતું.
એ સમયે મુસ્લિમ કલાકારોના હિન્દુ નામ પાડવાની ફેશન હતી. મહેજબિનનું નામ ‘મીનાકુમારી’ પાડવામાં આવ્યું હતું, યુસુફનું નામ ‘દિલીપ કુમાર’ પાડવામાં આવ્યું. મારા અબ્બાએ આગ્રહ રાખ્યો કે, હવે મારું નામ ‘બેબી મુમતાઝ’ નહીં ચાલે. આમ પણ, હું ‘બેબી’ નહોતી રહી! દેવિકારાણીને ખુશ કરવા માટે મારા પિતાએ કહ્યું કે, એમણે જ મારું નામ રાખવું જોઈએ એટલે દેવિકારાણીએ મારું નામ ‘મધુબાલા’ પાડ્યું.
આ પણ વાંચો…કથા કોલાજઃ મારે તો રોજિંદા જીવન માટે પણ સંઘર્ષ કરવો પડ્યો છે
મારા પિતાને બોમ્બે ટોકિઝ સાથેના કરારથી સંતોષ નહોતો. મારી લોકપ્રિયતાને એ વધુમાં વધુ એન્કેશ કરવા માગતા હતા… એ સમયે જાનકીદાસ રાજકમલ સાથે જોડાયેલા હતા એટલે મારા પિતાએ રાજકમલ, પ્રભાત જેવા સ્ટુડિયોઝના દરવાજા પણ ખખડાવવા માંડ્યા. જોકે, આ યોગ્ય નહોતું. અમે બોમ્બે ટોકિઝ સાથે કરારબદ્ધ હતા… પરંતુ, વધુ ને વધુ પૈસાની લાલચમાં મારા અબ્બા ભાન ભૂલી ગયા હતા, કદાચ! દેવિકારાણીને કદાચ આ વાતની જાણ થઈ હતી એટલે ‘જ્વારભાટા’નું શૂટિંગ તો ચાલુ થઈ ગયું, પણ મને ડેટ્સ ન આપી.
મારા અબ્બા જ્યારે ખબર કાઢવા ગયા ત્યારે એમને કહેવામાં આવ્યું કે, યુસુફ ખાન-દિલીપ કુમારની સાથે નાયિકાના રોલમાં એક બીજી છોકરીને પસંદ કરી લેવામાં આવી છે. પરિસ્થિતિ બગડી ગઈ. મારા અબ્બા ગુસ્સાવાળા તો હતા જ, એમણે બોમ્બે ટોકિઝ સાથે છેડો ફાડવાની ધમકી આપી, જોકે દેવિકારાણી મજબૂત ઔરત હતા, એ આવી કોઈ ધમકીથી ડરે એમ નહોતા.
એમણે કહ્યું, ‘ચોક્કસ! મધુને સારું કામ મળતું હોય તો હું તમને કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરી દઈશ…’ મારા અબ્બાએ આવું ધાર્યું નહોતું! હવે એમને બીજા લોકોને મળ્યા સિવાય છૂટકો નહોતો, એટલે એ વી. શાંતારામ અને રાજકમલમાં જાનકીદાસ પાસે પહોંચ્યા. કારદાર અને ચંદુલાલ શેઠને પણ એમણે મળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ વખતે કોઈ એમને દાદ દે એમ નહોતું. રૂપતારા સ્ટુડિયોમાં કેદાર શર્માની ઓફિસ હતી.
મારા અબ્બા અને જાનકીદાસ કેદાર શર્માને મળવા ગયા ત્યારે એમણે એક ફિલ્મની વાત કરી, જે ચંદુલાલ શેઠ રણજિત ફિલ્મ કંપનીમાંથી બનાવી રહ્યા હતા. એમણે ‘મુમતાઝ મહેલ’ નામની ફિલ્મ ઓફર કરી. મારા અબ્બા ખુશ થઈ ગયા. એમણે ચંદુલાલ શેઠ સાથે 300 રૂપિયાનો કરાર કર્યો અને કરાર લઈને દેવિકારાણીને મળવા ગયા… દેવિકારાણીએ ખાનદાની બતાવીને તરત જ અમને કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરી દીધા. હવે હું બોમ્બે ટોકિઝની નહીં, બલકે રણજિત ફિલ્મ સ્ટુડિયોની હીરોઈન હતી.
14 એપ્રિલે, મઝગાંવ ડોકમાં એક જહાજમાં બ્લાસ્ટ થયો. અમારા ઘરમાં છાપરું ઊડી ગયું. ઘરમાં રહી-સહી ઘરવખરી પણ ઊડી ગઈ, પરંતુ અબ્બા મને લઈને રણજિત ફિલ્મ કંપનીમાં પહોંચી ગયા. ચંદુલાલ શેઠ જેવા માણસને આ વાત ન દેખાય એવું શક્ય જ નહોતું. એમણે એ જ દિવસે મારા અબ્બાને કહ્યું, ‘બેબીની પહેલી ફિલ્મ રણજિત જ કરશે!’ કેદાર શર્માના નિર્દેશનમાં પહેલી ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો.
હીરો માટે પૃથ્વીરાજ કપૂરના દીકરા રાજ કપૂરને પસંદ કરવામાં આવ્યો. હું 16 વર્ષની હતી અને રાજ 19નો. કેદાર શર્માની એક સ્ક્રીપ્ટ ‘બેચારા ભગવાન’ એમની પત્ની કમલા ચેટર્જી સાથે બનાવવા માગતા હતા, પરંતુ એમના પત્નીનું અકાળે અવસાન થયું… સ્ક્રીપ્ટ પડી રહી હતી, કેદાર શર્માએ એ સ્ક્રીપ્ટ પત્નીને અંજલિ આપવા માટે બનાવવાનું નક્કી કર્યું, પરંતુ ચંદુલાલ શેઠે નામ બદલવાનો આગ્રહ રાખ્યો અને ફિલ્મનું નામ રાખવામાં આવ્યું, ‘નીલકમલ’.
(ક્રમશ:)
આ પણ વાંચો…કથા કોલાજઃ આ છોકરી હીરોઈન બનવા તૈયાર થશે ત્યારે પહેલો ચાન્સ બોમ્બે ટોકીઝનો રહેશે…



