આજની ટૂંકી વાર્તા: અટેચમેન્ટ, આટલાં વરસે તું આમ કેમ પૂછે છે મા?

-અજય ઓઝા
‘રહેવા દે મા, એ બધું તને નહીં સમજાય.’ માના સવાલને ટાળવા હું બોલી.
એની વિમાસણને અટકાવવા માટે મેં વાત આગળ ચલાવી,
‘સારું થયું મા, તું આવી, નહીંતર અહીં હું તો સાવ એકલી જ પડી ગઈ છું.’ બોલી શકાય એટલી હળવાશથી મેં કહ્યું.
‘તારે તો લહેરે છે. આવડા મોટા શહેરમાં આવડો મોટો બંગલો કોને મળે? હળવાફૂલ શરીરને સોફા પર ટેકવતાં આખા બંગલામાં ચોતરફ નજર ફેરવી ખુશીની ચમક સાથે મા બોલી, ‘આટઆટલી સુખ-સાહ્યબી બીજા કોઈને સપનામાં પણ ન મળે. નિશુ, તું ખરેખર બહુ ભાગ્યશાળી છે.’
હું હસી ને માની નજીક આવી. એ કહે, ‘તારાં બાળકો સારી સ્કૂલમાં ભણે છે, મનીષકુમાર આટલું તારું ધ્યાન રાખે છે, કોઈ વાતની તકલીફ નથી તારે. તું એકલી નથી પડી નિશુ, તારી પાસે તો જીવનનાં કેટલાં બધાં સુખો છે.’
‘છોડને મા, એ બધું તને નહીં સમજાય.’ માની સામે ગોઠવાતાં નિસાસાની લકીરો છુપાવતાં મારાથી ફરી બોલી જવાય છે.
ઘણા વરસે મા આજે મારા ઘેર આવી હતી. મનીષને તો બહુ કામ રહે એટલે એ તો વહેલો જ ઓફિસ જવા નીકળી ગયેલો, જતાં જતાં કહેતો ગયેલો, ‘ડ્રાઈવરને તરત પાછો મોકલું છું, એ તારી મમ્મીને લઈ આવશે, એટલે તારે કશી ચિંતા નહીં.’
કંપનીએ બંગલા સાથે ગાડી પણ આપી છે. ડ્રાઈવર માને લઈ આવેલો. પછી ડ્રાઈવર બાળકોને સ્કૂલે મૂકવા ગયો. મારે ખરેખર કોઈ ચિંતા ન રહેતી. કોઈ કામ કરવાનું રહેતું નહીં, આખો દિવસ ફુરસત જ ફુરસત. એટલે હું સામે ચાલીને ઘરનાં કેટલાંક કામ કરવામાં સમય પસાર કરું.
કૉફીના બે મગ ટિપાઈ પર આવી ગયા. કૉફી પીતાં પીતાં માએ પૂછ્યું, ‘તું સુખી તો છે ને? મનીષકુમાર બરાબર સાચવે તો છેને?’ માની આંખોમાં સહેજ ચિંતા સળવળી હોય એમ જણાય છે.
આ પણ વાંચો… આજની ટૂંકી વાર્તા : લપડાક
‘આટલાં વરસે તું આમ કેમ પૂછે છે મા? તું જ જોને, હું કેટલી સુખી છું! કશી વાતની ફિકર નથી મારે. મનીષ તો મારી ખૂબ કૅર લે છે. હું તો સુખી જ સુખી છું.’ હું માના મનમાં સળવળેલી ચિંતાને નાબૂદ કરવા પ્રયત્ન કરું છું. માને હૈયે ધરપત વળી હોય એમ જણાતાં મને પણ આનંદ થાય છે.
હું વોશિંગ મશીન ચાલુ કરું છું. એ જોઈ મા બોલી, ‘આપણે ત્યાં તો ફળિયાની ચોકડીમાં કપડાં ધોવાના એ દિવસો તને યાદ હશે, નહીં નિશુ?
‘હા, બધું યાદ છે. કૂંડીમાંથી પાણી લેવાનું, ચોકડીએ ડોળ કાઢવાનો, ને વચ્ચોવચ ગોઠવાયેલા પેલા પથ્થર પર કપડાં ધોકાવવાનાં. ને મા, ખબર છે? …પપ્પાના કપડામાંથી ક્યારેક પાકીટ નીકળે તો ક્યારેક ઘડિયાળ, એ બાબતે પપ્પાની સાથે થતો એ તારો મીઠો ઝઘડો…! ફળિયાની આપણી અને રંજનમાસીની સામસામી દીવાલે બાંધેલી દોરી પર કપડાં સૂકવવાનાં. ને એ વખતે અચૂક આવી પહોંચતા બાજુવાળાં રંજનમાસી સાથે વાતો પણ કરવાની, કેવી મજા હતી નહીં મા?’ ઉત્સાહમાં હું એકસામટું ઘણું બધું બોલી ગઈ.
એ એક પળમાં તો ફંગોળાઈને હું એ ફળિયામાં જઈ પહોંચી, દોડીને કૂંડીમાં બંને પગ ઝબોળી જ દીધા, આહ… શી એની ઠંડક…! ઘડીભર કૂંડીના પાણીને છબછબિયાં કરી ડહોળી જ નાખ્યુંં. એનાં વમળોમાં ઊછળતું મારું બાળપણ જાણે મારી સાથે છબછબિયાં કરવા બહાર દોડી આવ્યું! મજા પડી ગઈ. દીવાલો પર ઊડ ઊડ થઈ રહેલી દોરીએ ટીંગાઈ લઉં છું, એ ઘર ને આખુંય ફળિયું હાલક-ડોલક. હું ઝૂલું છું કે આખું ફળિયું હાલક-ડોલક થાય છે. શી ખબર? આહ. કેવી મજા! પપ્પા જોઈ ગયા તો આવી બન્યું સમજો, ને રંજનમાસીનો વીરુ પણ હાથમાં બૅટ લઈને દોડે…
-દોરી છૂટી ગઈ, હું તરત જ નીચે ખાબકી, પપ્પા તો હવે ક્યાં? ને વીરુ તો…-?
માએ મને ઝાલી લીધી ને બીજી પળમાં હું આવી પહોંચી માના ખોળામાં, કશુંક ઉતાવળમાં પાછળ છૂટી ગયું હોય એમ લાગ્યું. મા કહેવા લાગી, ‘મજા તો તારે છે આજે. જોને એક સ્વિચ ચાલુ કરી એટલે વોશિંગ મશીન ચાલુ. બીજી કોઈ કડાકૂટ જ નહીં, ખરી મજા છે હોં તારે નિશુ.’ મા બોલી.
‘આ મશીનમાં બધું છે મા, ફુલ્લી ઓટોમેટિક, કપડાં ધોવાય, સૂકવાય, બધાં જ કન્ટેટેનર એેટેચ, પણ એમાં એ આપણા એ ફળિયાનું એટેચમેન્ટ નથી, મા.’ હું બોલી.
‘એટલે?’ માને સવાલ થાય છે, પણ મારી પાસે ક્યાં જવાબ હોય છે?
‘રહેવા દે મા, એ બધું તને નહીં સમજાય.’ હું બોલી અને વોશિંગ મશીનના બજરે મારા બાકીના શબ્દો બચાવી લીધા.
બપોરે જમવા બેસતી વખતે મા કહે, ‘મનીષકુમાર જમવા નહીં આવે? સૌ સાથે જમીએ, બોલાવી લે.’
આ પણ વાંચો…આજની ટૂંકી વાર્તા : સુગંધી ઘર
‘અરે મા, એમનું તો નક્કી જ નહીં, ભાગ્યે જ જમવા ઘેર આવી શકે, ટિફિન પણ ફાવે નહીં, કામમાંથી ફુરસત મળે તો કેન્ટીનમાં જમી લે, બાકી તો કામ અને કોફી જ એમનો ખોરાક. શું કરવું મા? સૌ સૌનું એટેચમેન્ટ.’ હું બોલી.
‘જમવાનું ભુલાવે એવી તે વળી શી કામની બલા?’ માએ પૂછ્યું.
‘તને એ બધું નહીં સમજાય, મા. તું જમવાનું ચાલુ કર. હું છુંને તારી સાથે.’ મેં માને જમવા બેસાડી, ને પીરસવા લાગી, ‘આ અહીંનું મશહૂર અથાણું છે, તને જરૂર ભાવશે, બધી રસોઈ મેં જાતે બનાવી છે, તું શરૂ કર હું પાપડ લાવું.’
થોડું ચાખ્યા પછી માએ પૂછ્યું. ‘નિશુ, તું અથાણાં-મસાલા બહારથી તૈયાર મગાવે છે? જાતે નથી બનાવતી? તને યાદ છે, સીઝન આવે ત્યારે અડોશ-પડોશનાં પાંચ-સાત બહેનો ભેગાં મળીને આપણા જ ફળિયામાં અથાણાં, પાપડ, બધું બનાવતાં, ને કેટલા દિવસ એ બધો મેળાવડો ચાલતો?’
‘યાદ જ હોયને મા, રંજનામાસી
પણ આવે. હું તો એ સીઝનની રાહ જોતી હોઉં, ભેગા થયેલા સૌની પાસેથી કેટકેટલી વાતો જાણવા-શીખવા મળતી! અડોશ-પડોશનું એ સાયુજ્ય કેમ ભુલાય મા!’ મેં કહ્યું.
મારી નજર સામે મારા એ ફળિયાનું રંગીન દૃશ્ય ઊપસવા લાગ્યું. ફળિયામાં સૂકવેલા પાપડ પર વીરુ હાથફેરો કરતો હોય, કોઈ હળદર સૂકવતું હોય તો કોઈ ધાણા સાફ કરતું હોય, એક ખૂણે પડ્યા રહેતા ખાંડણિયાનું સ્થાન પણ હવે મિક્સરે લઈ લીધું હશે.
વેરવિખેર દૃશ્યો પણ કેટલાં ઝડપથી અવળ-સવળ થઈ નજર સામેથી પસાર થઈ રહ્યાં, પાનવાળા પાસેથી માગીને લાવેલા મોટા સૂડામાં કાચી કેરીઓ કાપતો વીરુ દેખાય, તડકે સૂકવેલી હળદર જોઈ રંજનમાસી માને પૂછતી હોય,
‘ઓણ તમારી નિશુનાં લગન લેવાં હોય તો હળદર વધારે કરીએ, છોને જરા વધુ રૂપાળી થાય.’
હું શરમાઈ જવા જેવું બહું શીખી નહોતી એટલે સૌની સાથે હું પણ જરા હસી લઉં. રંજનમાસીની વાતે બીજા કોઈને પાનો ચઢે તો વળી એ કહે, ‘જે નક્કી કરો એ વહેલાસર કહેજો, તો હું ધાણા સાફ કરું છું એમાં મારે જીરું ઉમેરવાનું છે કે ગોળ -એની ખબર પડે.’
વળી સૌ ખખડે, વીરુને સૂઝે તો ‘હું ગોળ લેતો આવું’ -કહેતોકનેે દોડે, એટલે એને પકડીને બેસાડી દઉં પાછો કાચી કેરી કાપવા, એવી જ કોઈ મસ્તીમાં એના સૂડામાં એક દિવસ મારી આંગળી આવી ગયેલી, ને કાચી કેરીઓના કટકા મારા લોહીથી લાલ-લાલ થઈ ગયા.
એ વખતે એ વીરુડો એટલું જ બોલ્યો કે, ‘હવે અથાણાંમાં કોઈ મરચું નહીં નાખતા, મરચાનો કલર અને તીખાશ બંને આ નિશાડીએ ભેળવી દીધાં છે.’
-‘અથાણું સહેજ ફીકું તો લાગે છે હોં નિશુ? તીખાશમાં પણ અને રંગમાં પણ…’ માએ કહ્યું ને હું ફળિયામાંથી ફંગોળાઈને પાછી આવી.
‘એ તો લાગે જને મા, લોહીનું કશું ‘એટેચમેન્ટ’ જ નથી રહ્યું હવે!’ હું બોલી જાઉં છું, કહો કે મારા મોંએથી શબ્દો નીકળી જાય છે. મને ખબર હતી કે માને એ નહીં સમજાય.
‘એટલે?’ માનો સવાલ સ્વાભાવિક જ હતો.
‘રહેવા દે મા, એ બધું તને નહીં સમજાય.’ હું બોલી, તું નિરાંતે જમી લેને મા, મારે તો દાળ-ભાત લેવા જોઈશે. તને પાપડ આપું કે?
ફરી ફરીને કશુંક પાછળ છૂટી ગયું હોય એવું અનુભવાય છે.
અહીં તો એટેચમેન્ટ જેવું કશું જ નહીં, વોશિંગ મશીન, મિક્સર, ઓવન, એ.સી., ગ્રાઈન્ડર, વેક્યુમ ક્લીનર, એક્વાગાર્ડ, લેપટોપ, મોબાઈલ ફોન, ગીઝર જેવાં મશીનો બધું કામ આસાન કરી આપે. એ બધાં મશીનોનું ખપપૂરતું વળગણ રહે પણ અદકેરું સાયુજ્ય તો શેં રહે!
અમારા ફળિયામાં હોમ-હવન હોય કે કશોક પ્રસંગ હોય, ઉમંગ મઢેલા પડોશીઓથી ફળિયું, ઊભરાય, ભેગા થઈ સૌ કામ કરે, એ મેળવડામાં સૌનાં સુખ-દુ:ખ શેર થાય અને વહેંચાય જાય. ઘરગથ્થુ કૌશલ્યો સમજવા મળે, માને કેમ સમજાવું કે તેં શીખવેલાં એ ‘સ્કિલ્સ’ અહીં મારે કશા કામમાં આવતાં નથી!
અહીં તો અડોશ-પડોશમાં પણ સૌ પોતપોતાનામાં વ્યસ્ત લોકો જ રહે. દિવસના ભાગે તો આખીયે સોસાયટીના બંગલાઓમાં સિક્યુરિટીમેન અને પાળેલા કૂતરાઓ જ હાજર હોય, બાકી બધું સૂમસામ ભાસે, આમાં કયું સાયુજ્ય શોધવું?…ઝીરો એટેચમેન્ટ!
પરવારીને સોફા પર લાંબી થયેલી માને ફરી કંઈક યાદ આવ્યું. ‘નિશુ, એક વાર વેકેશનમાં તું આવી ત્યારે તારી લખેલી કોલેજ વખતની કોઈ બુક શોધતી હતીને?’
‘અરે… હા મા. તને યાદ છે?’ મેં પૂછ્યું.
મને યાદ આવ્યું. કોલેજમાં કવિતા સાથે જરા એટેચમેન્ટ થયેલું. મનીષને કેટલીક વાર કંઈક સંભળાવું તો એ કહે, ‘નિશુ ડિયર, હું એકપત્નીવ્રત પુરુષ છું. તને જ ચાહી શકું, તારી આ રૂપાળી કવિતાને નહીં ચાહી શકું.’
પછી કંઈ પણ લખું તો હું એને કહેવાને બદલે સોશિયલ સાઈટ્સ પર શેર કરી મન મનાવી લઉં. પણ થોડા જ દિવસોમાં મનીષે કહ્યું, ‘નિશુ, તારી કવિતા પર ‘વાહવાહી’ ફેંકવા પડાપડી કરનારાના કર્સર તારી કવિતા કરતાં પણ તારા પ્રોફાઈલ પિક્ચર પર વધુ ફરતા હોય છે, એ બધાના પ્રોફાઈલ મેં જોયા છે. એક વાર તારી કોઈ સારામાં સારી કવિતા મારા નામે મૂકી જોજે. સમજાઈ જશે. આ બધા ‘કમેન્ટિયામેન’ વરસાદના દેડકાથી વધુ કંઈ નથી. તું છોડ આ બધું શેરિંગ-ફેરિંગ, નકામું છે આ બધું.’
એ દિવસથી શેરિંગનું જ નહીં કવિતાનું એટેચમેન્ટ પણ છૂટી ગયું! પછી તો પિયર ભૂલી આવેલી એ કવિતાની એ બુક પણ વીસરાઈ ગયેલી.
‘મા, કોઈ વાર માળિયા ખાલી કરો તો સહેજ જોજેને, લાલ રંગના પૂંઠાવાળી બુક છે. મળે ત્યારે મને મોકલી દેજે.’ મેં માને કહ્યું.
‘અરે હોય કાંઈ? હું સાથે લેતી આવી છું તારી એ બુક.’ કહેતાં ત્વરાથી મા ઊભી થઈ, ને પોતાના થેલામાંથી બુક લાવી મારા હાથમાં મૂકતાં કહે છે, ‘વીરુ આવેલો એ દિવસે, તો એને જ માળિયે ચઢાવેલો, પૂછતો હતો કે લાલ પૂંઠાવાળી જ બુકને? બિચારાએ બે કલાકની ભારે મહેનતે શોધી આપી. નીચ ઊતર્યો ત્યારે એનો ચહેરો ભારે નીતરતો હતો, કહે કે માળિયામાં જ આખી બુક વાંચી લીધી, એ બારકસ હજુ પણ સુધર્યો જ નથી.’
હું તો તરબતર થઈ રહી. કશુંક છૂટી ગયેલું પકડવા મથતી હોઉં એમ એ બુક મેં મારા હાથમાં લીધી. ભારે રોમાંચ સાથે હું એ બુક ખોલું છું.
પહેલે જ પાને… વસંતનું ગીત,
બીજે પાને કિશોરીનો કલબલતો… થનગનાટ,
ત્રીજે પાને… ચાતકની પ્યાસ,
ચોથે પાને… મેઘરાજાનું સ્વાગત,
પાંચમે પાને… વિરહિણીનું રુદન,
છઠ્ઠે પાને… જીવનનું સત્ય,
અને… આહ, સાતમે પાને… એક તાજું જ ગુલાબનું પુષ્પ… હા, વર્ષોથી દબાયેલું છતાં જાણે કાલ સવારનું જ હોય એવું તાજું જ સાયુજ્ય એ પુષ્મમાંથી ફોરમવા લાગે છે.
…ને મને વધુ એક એટેચમેન્ટ યાદ આવી જાય છે…! મારી ભીની થયેલી આંખોને વાંચતી મા વળી પૂછી બેસે છે, ‘નિશુબેટા? શું થયું?’ હું સ્વસ્થ થવા કોશિશ કરું છું, ‘મા…’ મને વચ્ચે જ અટકાવી મા મારી પાસે આવે છે. મારી પીઠ પર હાથ ફેરવતાં ધીમા ભીના અવાજે કહે છે,
‘રહેવા દે નિશુ, એ બધું મને નહીં સમજાય!’ (સમાપ્ત)