કથા કોલાજઃ એક દિવસ હું હિન્દી સિનેમા પર રાજ કરીશ

કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 4)
નામ: મુમતાઝ જહાન દહેલવી (મધુબાલા)
સમય: 20 ફેબ્રુઆરી, 1969
સ્થળ: બ્રિચ કેન્ડી હોસ્પિટલ, મુંબઈ
ઉંમર: 36 વર્ષ
‘નીલકમલ’ પૂરું થતા ફિલ્મના ટાઈટલનો વારો આવ્યો. મારા અબ્બાને ભય હતો કે, ‘મધુબાલા’ નામ તો દેવિકારાણીએ આપ્યું છે એટલે કદાચ, એ પોતે આપેલું નામ વાપરવા નહીં દે, પરંતુ દેવિકારાણી દીર્ઘદ્રષ્ટિ ધરાવતી વ્યાપારી સ્ત્રી હતી. એણે મધુબાલા નામ વાપરવાની છુટ આપી એટલું જ નહીં, ‘નીલકમલ’ના પ્રીમિયરમાં પોતે હાજર રહેશે એવું વચન આપ્યું. એમને કદાચ ખબર હતી કે, એક દિવસ હું હિન્દી સિનેમા પર રાજ કરીશ અને ત્યારે બોમ્બે ટોકિઝને મારી જરૂર પડી શકે છે.
જોકે, ‘નીલકમલ’માં મધુબાલા નામ ન વાપરી શક્યા કારણ કે, કોન્ટ્રાક્ટની તારીખ પૂરી થવાની વાર હતી. પૃથ્વીરાજ કપૂરના દીકરા રણબીર રાજ કપૂરને કેદાર શર્માએ કહ્યું, ‘ઈતના બડા નામ મત રખિયે. સિર્ફ રાજ કપૂર હી કાફી હોગા.’ એમણે માની લીધું, એટલે ‘બેબી’ કાઢીને ‘મુમતાઝ જહાન’ અને હીરોનું નામ ‘રાજ કપૂર’ રાખવામાં આવ્યું. 8 ઓગસ્ટ, 1947ના દિવસે ‘નીલકમલ’ લેમિંગ્ટન સિનેમામાં પ્રદર્શિત થઈ, પરંતુ આઝાદીનો જુવાળ હતો અને ફિલ્મ એટલી સ્લો હતી કે લોકો એ ફિલ્મ જોવા આવ્યા નહીં.
મારી પહેલી ફિલ્મ નિષ્ફળ ગઈ… ત્રણ મહિના સુધી કોઈ નિર્માતા કે દિગ્દર્શક અમારા ઘર સુધી ફરક્યા પણ નહીં. અબ્બા ડરી ગયા હતા. એમણે અનેક નિર્માતા, દિગ્દર્શકોને મળવાનું શરૂ કરી દીધું. એ વખતે એમને મોહન સિંહા નામના એક નિર્દેશક મળ્યા. એમણે એક-બે ફિલ્મો બનાવી હતી. રણજિત સ્ટુડિયોમાં કામ માટે ચક્કર મારતા હતા, એમની પાસે નિર્માતા તો હતો, પરંતુ કોઈ હીરોઈન એમની સાથે કામ કરવા તૈયાર નહોતી, કારણ કે એ કોઈ મોટા ગજાના દિગ્દર્શક નહોતા.
અબ્બાએ એમને રાજી કરી લીધા કે એ મારી સાથે ફિલ્મ કરે. ‘નીલકમલ’ માટે મને 25 હજાર રૂપિયા મળ્યા હતા, પરંતુ અબ્બાનો લોભ વધી ગયો હતો. એમણે મોહન સિંહા પાસે 30 હજાર રૂપિયાનું પારિશ્રમિક નક્કી કરાવ્યું, સામે મોહન સિંહા પણ ઓછો નહોતો. એણે એક વર્ષ માટે કરાર કર્યો કે, મધુબાલા કોઈપણ સંસ્થામાં ફિલ્મ સાઈન કરે, પરંતુ દિગ્દર્શક મોહન સિંહા જ હોવો જોઈએ.
ટૂંકમાં, મને કામ મળે તો એને મળે જ એવી ગોઠવણ એણે કરી લીધી. એક જ વર્ષમાં એણે મારી પાસે પાંચ ફિલ્મો કરાવી. પાંચે પાંચ એક જ વર્ષમાં રિલીઝ કરી અને બધી ફ્લોપ થઈ ગઈ. અબ્બા અકળાઈ ગયા. સ્વભાવ મુજબ એમણે ઝઘડો કર્યો અને મોહન સિંહા સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો.
આ સમય દરમિયાન બજારમાં એક એવી વાત ફેલાઈ ગઈ હતી કે, અતાઉલ્લા ખાન પોતે જ કરેલા કોન્ટ્રાક્ટનો આદર કરતા નથી. વાતો થવા લાગી કે, એમની સાથે કોન્ટ્રાક્ટ કરવાનો કોઈ મતલબ જ નથી કારણ કે, એ પૈસા માટે કોન્ટ્રાક્ટ બ્રેક કરતાં અચકાતા નથી! આવી વાતોની મારી કારકિર્દી પર ખૂબ અસર થઈ. કામ ઘટી ગયું, પરંતુ મારા અબ્બુ એમ વાત છોડે? એમણે પારિશ્રમિક વધારી દીધું અને બજારમાં એવી વાત ફેલાવી કે મધુબાલા પાસે ડેટ જ નથી… આ વાતની અસર થઈ.
‘48માં મેં ઘણી ફિલ્મો કરી. ‘અમર પ્રેમ’, ‘પરાઈ આગ’, ‘લાલ દુપટ્ટા’ અને ‘અપરાધી’. કરદારની ‘દુલારી’, જે.કે. નંદાની ‘સિંગાર’ અને ઓલ ઈન્ડિયા પિક્ચર્સની ‘પારસ’ જેવી ફિલ્મો ‘48ના અંત સુધી પ્રદર્શિત થઈ… મીનરવા મુવી ટોનની ‘દૌલત’ પણ ‘49ના જાન્યુઆરીમાં પ્રદર્શિત થઈ. મારી ગણતરી એ ગ્રેડની હીરોઈનમાં થવા લાગી એટલું જ નહીં, એ સમયમાં કોઈને નહોતું મળતું એટલું પારિશ્રમિક હું મેળવવા લાગી.
આજે હોસ્પિટલના બિછાના પર પડી પડી વિચારું છું તો સમજાય છે કે, અબ્બુએ મારો વિચાર કર્યો જ નહીં. વધુને વધુ પૈસા કઈ રીતે મેળવી શકાય એ વિશે જ એ વિચારતા રહ્યા. એ પૈસાનું એમણે શું કર્યું એની મને આજે પણ ખબર નથી કારણ કે, જ્યારે મને ટ્રીટમેન્ટ માટે લંડન લઈ જવાની વાત આવી ત્યારે મારા ખાતામાં એટલા પૈસા નહોતા એ જાણીને મને આઘાત લાગ્યો હતો…
1948 પછી, હિન્દી ફિલ્મ જગતમાં ‘મધુબાલા’ એક એવું નામ બની ગઈ કે, લગભગ તમામ નિર્માતા-દિગ્દર્શકો અને હીરો એની સાથે કામ કરવા માગતા હતા. હું સ્વભાવે તોફાની અને બાલિશ હતી. મારી સાથે કામ કરતાં લગભગ તમામ હીરો સાથે ફ્લર્ટ કરતી રહેતી. બસ, એક અશોક કુમાર હતા જેમને હું ભાઈ માનતી અને એ પણ મને નાની બાળકી જેવી જ ટ્રીટમેન્ટ આપતા.
એક દિવસ એમણે મારા અબ્બુને કહેલું, ‘અભી બહોત છોટી હૈ, ઉસસે ઈતના કામ મત કરાઈએ. ખેલને કી ઉંમર હૈ’ પરંતુ, મારા અબ્બુએ એમની વાત કાને ધરી નહીં. અશોક કુમાર (દાદા મુનિ) હોમિયોપથીના જાણકાર હતા. મારી તબિયત વારંવાર બગડી જતી. મને ઝીણો તાવ આવવા લાગતો. ક્યારેક સેટ પર ચક્કર આવતા. એ વખતે તો બધાને એમ જ લાગતું હતું કે, હું વધુ પડતું કામ કરું છું માટે વિકનેસ આવી જાય છે, પરંતુ અશોક કુમારે મારા પિતાને કહેલું, ‘આના ટેસ્ટ કરાવો.
આ ઉંમરે આવી રીતે વારંવાર બીમાર પડવું નોર્મલ નથી.’ મારા અબ્બુએ વાત કાને ન ધરી. જો ત્યારે જ તપાસ કરાવી હોત તો કદાચ, આજે હું અહીં ન હોત! અબ્બુને ખૂબ પૈસા જોઈતા હતા. ગાડી, બંગલો, એશોઆરામની જિંદગી, એમનો જુગાર અને ભોજન-પાર્ટીના શોખ મારી કમાણીમાંથી જ પૂરા થતા હતા…
ને બીજી તરફ હું હતી, સાચું પૂછો તો મને પોતાને આવાં કોઈ સપનાં કે મહત્ત્વકાંક્ષાઓ નહોતી. મારો પરિવાર સારી રીતે જીવે એટલું કમાઈ શકું એ સિવાય મારી કોઈ ઝંખનાઓ પણ નહોતી. મોંઘાં વસ્ત્રો, દાગીના ખરીદવાનો મને ક્યારેય શોખ નહોતો. એને બદલે ઘરમાં વધુ સગવડ થાય એવી ચીજો ખરીદવામાં મને આનંદ આવતો.
જેવા બોમ્બે ટોકિઝના પૈસા આવવા માંડ્યા કે તરત જ મેં અબ્બાને કહ્યું કે, આપણે કોઈ સારી જગ્યાએ રહેવા જતા રહીએ. હવે નાની એક રૂમમાં રહેવાના દિવસો પૂરા થયા હતા. અબ્બાને પણ લાગ્યું કે નિર્માતાઓ ઘરે મળવા આવતા હોય એવા સમયે વાર્તા સાંભળવા, લોકોની મહેમાનગતિ કરવા એક અલગ કમરો હોવો જોઈએ. એમણે બાંદ્રામાં થોડા ફ્લેટ જોયા. હું તો મારા કામમાં વ્યસ્ત હતી.
એમણે જાતે જ નક્કી કરી લીધું અને ‘નીલકમલ’ ના મારા શુટિંગ દરમિયાન શિફ્ટિંગ પણ પતી ગયું. એક દિવસ સ્ટુડિયો પરથી નીકળીને અમારા મઝગાંવ ડોક નજીક આવેલા ઘર તરફ જવાને બદલે અબ્બાએ ગાડી બાંદ્રા તરફ લેવડાવી ત્યારે મને નવાઈ લાગી. મેં પૂછ્યું, ‘આપણે ક્યાં જઈએ છીએ?’ અબ્બાએ કહ્યું, ‘નવા ઘરે…’
બાંદ્રાનો એ ફ્લેટ અદભુત હતો. સરસ મજાની બાલ્કની, જેના પરથી મુખ્ય રસ્તો દેખાતો હતો. આકાશ દેખાતું હતું. ઘરનો સૌથી મોટો રૂમ મારે માટે રાખવામાં આવ્યો. એક તરફ પાર્ટીશન કરીને મારું ડ્રેસિંગ ટેબલ અને વસ્ત્રો સજાવી દેવામાં આવ્યા હતા. સરસ મજાનો મોટો પલંગ અને વાંચવા માટે નાનકડી આરામ ખુરશી પણ ગોઠવી દેવામાં આવી હતી. મને રડવું આવી ગયું. ક્યાં દિલ્હીની ઝૂંપડપટ્ટી, અને ક્યાં આવું મજાનું ઘર! હવે ઘરમાં ફોન હતો.
અમારે નિર્માતાઓના ફોન રિસીવ કરવા માટે કરિયાણાની દુકાને જવું પડતું નહોતું… જિંદગી સુંદર હતી! બસ, આટલા બધા વ્યસ્ત દિવસોમાં હું થાકી જતી. મારો શ્વાસ રુંધાવા લાગતો. ક્યારેક અબ્બુને કહેવાનું મન થતું કે, હવે આપણી પાસે બધું છે, હું કામ ઓછું કરવા માગું છું. થોડો આરામ કરવા માગું છું, પરંતુ અબ્બુને કંઈ કહેવાની અમારી કોઈની હિંમત નહોતી. એમનો ગુસ્સો સહન કરવાની અમારા કોઈની તૈયારી નહોતી!
અબ્બુ ઘરમાં દાખલ થાય એની સાથે જ સોંપો પડી જતો. સહુ પોતપોતાના રૂમમાં જતા રહેતા. એ જમવા બેસે ત્યારે અમારી કામવાળી અને અમ્મી જ હાજર રહેતા… ભાગ્યે જ કોઈ દિવસ એવો રહેતો જે દિવસ અબ્બુ ગુસ્સો કર્યા વગર જમી લે! એ ઘર મોટું હતું. સગવડો ખૂબ હતી, પરંતુ વાતાવરણ તો એ જ હતું… અમારા દિલ્હીના ઝૂંપડપટ્ટીના ઘરમાં જે ડર અને ભયનો માહોલ હતો એ અમે આ ઘરમાં આવીને પણ બદલી શક્યા નહીં. (ક્રમશ:)
આ પણ વાંચો…કથા કોલાજઃ મારી બધી કમાણી ચૂકવીને પણ મારો જીવ બચાવી શકતી નથી એ કેવું દુર્ભાગ્ય!



