લાડકી

સિનેમાની પ્રથમ ગ્લેમરસ ગર્લ સુરૈયા

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદની
મૈં તેરા રાગ તૂ મેરી રાગિની..

આ ગીત સાંભળ્યું છે ને ? 1949માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘દિલ્લગી’નું સુરૈયાએ સૂરીલા સ્વરે ગાયેલું આ કર્ણપ્રિય ગીત આજે પણ ખૂબ લોકપ્રિય છે. ઉપરાંત ‘પ્યાર કી જીત’નું ‘ઓ દૂર જાનેવાલે..’ અને ‘મિર્ઝા ગાલિબ’નું ‘દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ’ જેવાં સુરૈયાને કંઠે ગવાયેલાં ગીતો પણ એટલાં જ મશહૂર છે. ‘મિર્ઝા ગાલિબ’ ફિલ્મમાં સુરૈયાને સાંભળીને દેશના વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કહેલું કે, ‘તમે મિર્ઝા ગાલિબના આત્માને જીવંત કરી દીધો છે!’

સુરૈયાનો કંઠ તો સૂરીલો હતો જ, સાથે અભિનયનાં અજવાળાં પણ એમાં ભળેલાં.કેટલીક બહેતરીન ફિલ્મોમાં સુરૈયાએ કંઠનાં કામણ પાથરવાની સાથે અભિનયની કળા પણ દાખવેલી. રૂપેરી સૃષ્ટિમાં આ ગાયિકા-અભિનેત્રીએ કરેલા અણમોલ પ્રદાનને પગલે ભારત સરકારે સુરૈયાની સ્મૃતિમાં 3 મે 2013ના પાંચ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડેલી.

સૂરીલી સુરૈયાનો જન્મ 15 જૂન 1929ના પંજાબના ગુજરાંવાલામાં થયેલો. માતાપિતાનું એકમાત્ર સંતાન હતી એ. જૂના જમાનાના મશહૂર ખલનાયક જહૂર સુરૈયાના કાકા હતા. એમને કારણે સુરૈયાનો સિનેમાપ્રવેશ થયો. 1937માં ‘ઉસને ક્યા સોચા’ ફિલ્મમાં પદાર્પણ કરીને સુરૈયાએ બાળકલાકારની ભૂમિકા ભજવી. 1941માં શાળાની રજાઓમાં સુરૈયા મોહન સ્ટુડિયોમાં ‘તાજમહલ’ ફિલ્મનું શૂટિંગ જોવા ગયેલી. એ વખતે નિર્દેશક નાનુભાઈ વકીલની નજર સુરૈયા પર પડી. એમણે મુમતાઝ મહલના બાળપણની ભૂમિકા માટે સુરૈયાની પસંદગી કરી લીધી.

સુરૈયાએ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું, પણ એનો પહેલો પ્રેમ ગાવા પ્રત્યે હતો. ઓલ ઇન્ડિયા રેડિયો પર એને ગાવાનો મોકો પણ મળેલો. પ્રસિદ્ધ સંગીતકાર નૌશાદે સુરૈયાને રેડિયો પર સાંભળી અને એના સ્વરથી પ્રભાવિત થયા. એમણે સુરૈયાનો સંપર્ક સાધ્યો. આ મુલાકાતને પગલે ‘શારદા’ ફિલ્મમાં સુરૈયાએ કંઠનાં કામણ પાથર્યાં.

કહેવાય છે કે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે અથવા તો એકસાથે બે નાવ પર કે બે ઘોડા પર સવાર ન થઈ શકાય, પણ સુરૈયાએ એક મ્યાનમાં અભિનય અને ગાયનની બે તલવાર રાખી અને સફળતાથી રાખી. પ્યાર કી જીત, બડી બહન અને દિલ્લગીને ધૂમ સફળતા મળી. લોકોમાં ગજબની ઘેલછા હતી સુરૈયાની. જોકે સુરૈયા દેવ આનંદ પાછળ પાગલ હતી. સુરૈયા અને દેવ આનંદની ફિલ્મોને જ્વલંત સફળતા મળેલી. વિદ્યા, જીત, શાયર, અફસર અને સનમ જેવી ફિલ્મોમાં દેવ આનંદ સાથે જોડી જમાવીને સુરૈયા અભિનયના આસમાને પહોંચી ગયેલી. સિનેમાના પરદે દેવ આનંદ સાથે જોડી જમાવ્યા પછી વાસ્તવિક જીવનને પરદે પણ દેવ સાથે જોડી જમાવવાનું સોહામણું સ્વપ્ન સુરૈયાએ જોયું. દેવ આનંદ અને સુરૈયાની પહેલી મુલાકાત વિદ્યાના સેટ પર થયેલી.

વિદ્યાના સેટ પર જ દેવ અને સુરૈયાના પ્રેમ પ્રકરણનો આરંભ થયો. એ વિશે એક મુલાકાતમાં સુરૈયાએ કહેલું, ‘વિદ્યાના સેટ પરના એક દ્રશ્યમાં સુરૈયાએ નાવડીમાં સવાર થવાનું હતું. સુરૈયા નાવ પર સવાર થઈ. પણ પાણીમાં કેટલુંક અંતર કાપ્યા પછી નાવડી ઊંધી વળીને પાણીમાં ડૂબવા લાગી. સુરૈયા પણ ડૂબવા લાગી. એ જોઈને દેવ આનંદ પાણીમાં કૂદયા. સુરૈયાને બચાવી લીધી. સુરૈયાએ આભાર માનીને કહ્યું, ‘જો તમે મને ન બચાવી હોત તો આજે તો હું ખતમ થઈ ગઈ હોત.’ ત્યારે દેવ આનંદે કહ્યું, ‘જો તારો જીવ ગયો હોત તો હું પણ ખતમ થઈ જાત.’ સુરૈયાની દ્રષ્ટિએ આ કદાચ એ પહેલી પળ હતી જયારે બેયને પરસ્પર પારાવાર પ્રેમ હોવાની જાણ થયેલી.

દેવ અને સુરૈયાને એમ કે એમની પ્રણયગાથા વિશે કોઈ
જાણતું નથી, પણ ઝણકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં…. પ્રેમઝાંઝર ઝણક્યાં અને બધાંને દેવસુરૈયાની પ્રેમકથા અંગે ખબર પડી ગઈ. વાતને પાંખ આવી અને સુરૈયાની નાની સુધી પહોંચી. એમણે દેવને પોતાને ઘેર આવવા પર પ્રતિબંધ લગાવી દીધો. સુરૈયાની માતાને દેવ પસંદ હતો, પણ પોતાની માતા પાસે એમનું કાંઈ ન ચાલ્યું. સુરૈયાની નાનીનો દેવ સામેના વિરોધનું મુખ્ય કારણ એનો ધર્મ હતો. મુસ્લિમ સુરૈયા હિંદુ દેવને પરણે એ બાબત નાનીને સ્વીકાર્ય નહોતી, એથી એમણે સુરૈયા પર નિયંત્રણો લાદી દીધાં.

દેવ અને સુરૈયાએ ફિલ્મના સેટ પર જ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. એમણે સેટ પર પંડિતજીને બોલાવ્યા. એક દ્રશ્યના ફિલ્માંકન વખતે પંડિતજીએ મંત્રોચ્ચાર શરૂ કરી દીધા. સુરૈયાના સહાયકે આ લગ્ન અંગે નાનીને જણાવી દીધું. સુરૈયાની નાની સેટ પર પહોંચી. એને ખેંચીને પોતાની સાથે ઘેર લઈ ગઈ. એ પછી નાનીના કહેવાથી સિનેજગત સાથે સંકળાયેલા લોકો સુરૈયાને દેવ સાથે લગ્ન ન કરવા સમજાવવા આવ્યાં.

દેવ સાથે લગ્ન એ જીવનની સૌથી મોટી ભૂલ ગણાશે એવું કહેવા લાગ્યા. નાદિરાના પહેલા પતિ નક્શબે તો સુરૈયાની સામે કુરાન મૂક્યું. કુરાન પર હાથ મૂકીને દેવ સાથે લગ્ન ન કરવાના સોગંદ લેવાનું કહ્યું. નાની અને મામાએ દેવને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારે સુરૈયાએ હથિયાર હેઠાં મૂક્યાં. ત્યાર પછી એ દેવને ક્યારેય ન મળી. દેવ આનંદે અભિનેત્રી કલ્પના કાર્તિક સાથે લગ્ન કરી લીધાં, પણ સુરૈયા ક્યારેય ન પરણી. દેવ સુરૈયાના આત્મામાં સમાઈ ગયો. આખરે દિલમાં દેવની યાદો સાથે 31 જાન્યુઆરી 2004ના સુરૈયાનું મૃત્યુ થયું.

આપણ વાંચો:  મારું જીવન ખૂબ જ ઘટનાપૂર્ણ ને સાહસપૂર્ણ રહ્યું

સુરૈયાએ ગાયિકા અને અભિનેત્રી તરીકે પોતાના નામને સાર્થક કરેલું. સુરૈયા નામનો અર્થ સુંદર, સમૃદ્ધ, વિનમ્ર અને શાનદાર થાય છે. નામ પ્રમાણે જ વિનમ્ર સુરૈયા સુંદર હતી, એનો સ્વર સૂરાવલીથી સમૃદ્ધ હતો અને એનો અભિનય શાનદાર હતો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button