ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : ઈમોશનલ મેનિપ્યુલેટર બનવાથી કંઈ રીતે બચી શકાય… | મુંબઈ સમાચાર
લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : ઈમોશનલ મેનિપ્યુલેટર બનવાથી કંઈ રીતે બચી શકાય…

  • શ્ર્વેતા જોષી અંતાણી

પ્રિયલ સ્કૂલ તેમજ આસપડોશમાં એક એવી પ્રેમાળ છોકરી કે જે હંમેશાં દુ:ખી રહેતી એવા ટેગ સાથે જાણીતી હતી. ક્યારેક એને કોઈ પ્રોજેક્ટની બહાર કરી દીધી હોય. કોઈએ બર્થ – ડે પાર્ટીમાં ના બોલાવી હોય તો એ દુ:ખી થઈ જતી. એવા સમયે લોકો એને દિલાસો આપતા અને પ્રિયલને એ ગમતું. શરૂઆતમાં આ બધું અજાણપણે થયું, પણ ધીરે-ધીરે એને સમજમાં આવવા લાગ્યું કે જ્યારે પણ એ દુ:ખી થાય છે ત્યારે લોકો એની વાત જલ્દીથી માની લે છે. ટીચર ભૂલ માફ કરી દે છે, દોસ્તો મદદ કરવા દોડી આવે છે ને મમ્મી-પપ્પા વિરોધ ઓછો કરે છે.

ધીમે-ધીમે પ્રિયલ પોતાની લાગણીઓને એક હથિયાર માફક વાપરવાનું શરૂ કરવા લાગી. હોમવર્ક ના કરવું હોય તો કહી દે કે, એને અત્યારે સારું નથી લાગી રહ્યું. ‘મેન્ટલી લો’ ફીલ કરી રહી છે એવું કહેતાંવેંત અજાણ્યા લોકો પણ મદદે દોડી આવે. જો કોઈ ફ્રેન્ડ એનો મેસેજ ના વાંચે તો ઘડીકમાં બીજો લાંબોલચક ઈમોશનલ મેસેજ મોકલી દે:

‘યાર હું બહુ neglected ફીલ કરી રહી છું. અંતે અટેન્શન સિકર કે સિમ્પથી ગેનર ગણાતી પ્રિયલ હવે એ કામમાં હથોટી કેળવી ઈમોશનલ મેનિપ્યુલેટર બની ગઈ.

ઈમોશનલ મેનિપ્યુલેટર એટલે કે ભાવનાત્મક નિયંત્રણનો સીધો મતલબ એ છે કે, કોઈ વ્યક્તિ દ્વારા અન્યોની ભાવનાને એવી રીતે પ્રભાવિત કરવી કે જેથી એ તમારી વાત માનવા તૈયાર થઈ જાય. તમારી જરૂરિયાતો પૂરી કરવા મજબૂર બની જાય. પછી ભલે એ વાત સાચી હોય કે નહીં.

આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ સાચી સહાનુભૂતિની ખોટી લાલસા

તરુણાવસ્થા દરમિયાન લાગણીઓ અત્યંત તેજ હોય છે. આત્મ-વિશ્વાસ હજુ બની રહ્યો હોય ત્યારે અમુક ટીનએજર્સ પ્રિયલ માફક જાણીતા અથવા અજાણપણે અન્યોની ભાવનાઓ સાથે રમત કરતા શીખી જતા હોય છે. જેને emotional manipulation તરીકે ઓળખવામાં આવે છે.જ્યારે કોઈ ટીનેજર વારંવાર બીજાને એ મહેસૂસ કરાવે કે એની કોઈ વાત કે હરકતથી એ બહુ દુ:ખી થયું છે એટલે સામેવાળા એની વાત માને નહીં તો કઈ નહીં, પણ એને મનાવવા ચોક્કસ આવે , જેમકે પ્રિયલ મિત્રોને હંમેશાં એવું કહેતી કે, મને લાગે છે કે હવે તને આપણી દોસ્તીમાં રસ નથી ઘણી વખત આવા ટીનએજર્સ ડ્રામા કરે કે ઓવર રીએક્શન આપે.

નાની-નાની વાતોને બહુ મોટી બનાવીને પીરસે , જેના કારણે લોકોનું ધ્યાન અને સહાનુભૂતિ એના તરફ આવતા રહે. ઘણી વખત નાટક કરવાને બદલે આવા તરુણો સાઇલેન્ટ ટ્રીટમેન્ટ આપવાનું પસંદ કરે એટલે કે, કંઈ કીધા વગર ચૂપચાપ દૂર રહેવા લાગે અને સામેવાળું માણસ જાતે જ એની પાસે આવીને મનાવે. ભલે ભૂલ હોય કે ના હોય, સંબંધ સાચવવા માટે માણસ નીચું નમી જાય. પ્રિયલ જેવા લોકોને એમાં મજા આવે એટલું ઓછું હોય એમ જાતને હંમેશાં પીડિત બતાવવી. કોઈ પણ વાતમાં પોતે નિર્દોષ, ઉદાસ અને દુ:ખી હોય અન્ય લોકોએ એનો પક્ષ લેવો જ જોઈએ એવો હઠાગ્રહ રાખવા લાગે , જેમ કે પ્રિયલને સતત એવું કહેવાની આદત પડી ગયેલી કે ‘તમે કોઈ મને સમજતા નથી.’

ક્યારેક આવા તરુણ ઈમોશનલ થ્રેટ્સ એટલે કે ધમકીઓ આપવા લાગે : જો તું આમ નહીં કરે તો, હું તારી સાથે ક્યારેય વાત નહીં કરું.. મને તો એવું થાય છે કે હું મરી જાઉ કે ઘરમાંથી ભાગી જતી રહું.— તમે કોઈ મને સમજતા જ નથી. બસ, હવે હું એકલી પડી ગઈ છું. આ પ્રકારનું ઈમોશનલ દબાણ અન્યો પર લાદવાની ટીનેજરને આદત પડી જાય અને ધીરે ધીરે એ ઈમોશનલ મેનિપ્યુલેટર બની જતા હોય છે.

આવું થવાનું કારણ છે તરુણાવસ્થા દરમિયાન ઓળખ મેળવવાની ઊભી થતી જરૂરિયાત. ઘણી વખત આત્મવિશ્વાસનો અભાવ હોય કે અસુરક્ષા અનુભવાતી હોય તો પણ ટીનએજર્સ આ પ્રકારે વર્તન કરવા લાગતા હોય છે. આમાં અમુક સોશ્યલ મીડિયાના પ્રભાવ પણ કંઈ ઓછા નથી હોતા. બીજાની પરફેક્ટ લાઇફ જોઈને પોતાની જિંદગી અધૂરી લાગે ત્યારે ટીનેજર આવું બિહેવીયર કરવા લાગે છે.

પ્રિયલ માફક તમે પણ ઈમોશનલ મેનિપ્યુલેટર કયારે બની ગયા છો એની ખબર કઈ રીતે પડે? જો તમે વારંવાર બીજાની સહાનુભૂતિ લેવા માટે દુ:ખી દુ:ખી વાતો કરતા હોય.

(મીનાકુમારી! ) તમે ઇચ્છતા હોય કે લોકો તમારી વાત માને નહીંતર તમે નારાજ થઈ જાઓ. તમે અકારણ ગુસ્સો કરવા લાગો. મનમાં રોષ ભરવા લાગો. લોકોને કંટ્રોલ કરવાની ભાવના રાખવા લાગો તો ચોક્કસ તમે મેનિપ્યુલેટર બની રહ્યા છો એમ સમજવું.

જોકે, ટીએજમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, આ પ્રકારે ઈમોશનલ મેનિપ્યુલેટર બનવાથી લોકો ધીરે ધીરે તમારાથી દૂર થતાં જશે. આવું ના થાય એના માટે જાગ્યા ત્યારથી સવાર એમ સમજી જાતને સંભાળતા શીખવું. પરિસ્થિતિ આપણા પ્રમાણે ના ચાલે તો એને સ્વીકારવી. આપણી ભૂલ હોય તો માફી માગવી. દરેક વખતે આપણે નિર્દોષ નથી હોતા એ સમજવું.

અંતે ઈમોશનલ મેનિપ્યુલેશનને દૂર કરવાથી જ આગળની જિંદગી સારી રીતે જીવાશે એ હકીકતને આ ઉંમરે ગળે લગાવવી જ રહી.

આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ કુદરતી ચહેરા પર કૃત્રિમ સૌંદર્યની છલના

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button