ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: હકીકત ને કલ્પના વચ્ચે છે કેટલું અંતર? | મુંબઈ સમાચાર

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: હકીકત ને કલ્પના વચ્ચે છે કેટલું અંતર?

  • શ્ર્વેતા જોષી અંતાણી

ટિક.. ટિક.. ટિક…

અચાનક તંદ્રામાંથી જાગેલી તૃષાના કાને વેઈટિંગ રૂમની ઘડિયાળનો અવાજ અથડાયો. સતર વર્ષની તૃષા કંઈક અસહજ રીતે ઉભડક બેસેલી. ચોતરફ એની નજર, માત્ર એ ચકાસવા ફરી કે કોઈ જાણીતું અહીં આવી તો નથી ચડ્યું ને!-પણ, અહીં તૃષાએ આમ ચોરી-છૂપી શા માટે આવવું પડે ને એ પણ વળી સાયકિયાટ્રિકની કલીનિકમાં…? આ પ્રશ્ન ક્ધસલ્ટિંગ રૂમમાં બેસેલા ડો. મહેતાને પણ થયો.

વાત જાણે એમ હતી કે તરુણાવસ્થાને આરે પહોંચતા તૃષાએ મનોમન કાલ્પનિક મિત્ર બનાવેલો. નામ એનું ઋતુલ. એ મિત્ર સાથે પોતે એટલી તો ખુશ રહેવા લાગી કે, એને થયું આ ખુશી કોઈ સાથે વહેંચવી બહુ જરૂરી છે માટે એક પ્રકારે જૂઠ્ઠાણાનું જાળું પોતાની આસપાસ રચતી ચાલી. પોતાના જીવનમાં કોઈ વ્યક્તિ એવી છે કે જે એની લાગણીની દરેક જરૂરિયાતો પૂરી કરે છે. એવા આભાસમાં તૃષા ખોવાતી ગઈ, પણ એમ એની આસપાસની દુનિયા ઓછી કાલ્પનિક હતી! કલ્પનામાં ઘડેલા મિત્રને દુનિયા સમક્ષ લાવવાની ઘેલછા થકી તૃષાના જીવનમાં રકાસ ઊભો થયો. એ બધી વાત એણે ડો. મહેતા પાસે માંડીને કરી. જવાબમાં ડો.મહેતાનું વર્તન એને વિચિત્ર લાગ્યું : ના કોઈ કાઉન્ટર સવાલ- ના કોઈ સલાહ- ના કોઈ હાવભાવમાં ફર્ક કે ના કોઈ સાંત્વના….
આમ તો અહીં આવવાનું પોતે જ નક્કી કરેલું, પણ કોણ જાણે કેમ તૃષાને ના સંતોષ વળ્યો- ના સમાધાન મળ્યું. મુખ્ય કારણ તો એ કે સાયકિયાટ્રિક પ્રેક્ટિસ મોટાભાગે દવાઓ પર ચાલતી હોય. તૃષાની ઈમેજીનેશન દ્વારા રચાયેલા મિત્રની વાત સાંભળી ડો.મહેતાએ એને ‘ડિસોસિએટિવ ડિસઓર્ડર’ જેવું નામ આપી પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું.

હવે અહીં તો દવા ચાલુ કરવાનો સવાલ જ નહોતો. એક તો તૃષા પાસે પૂરતાં પૈસા નહોતા ને બીજું હોસ્ટેલની હાથખર્ચી બહુ લિમિટેડ રહેતી. વધુ પૈસા માટે મા-બાપને આ વાતની જાણ કરવામાં તો તૃષાબેન ધ્રુજી ઊઠતાં. એને ખ્યાલ હતો કે, પપ્પા કદાચ ઢીલ મૂકે, પણ મમ્મી તો સીધી બાવડું ઝાલીને ઘેર પાછી ના લઈ જાય તો જ નવાઈ.

હવે શું કરું? એ ફરી મૂંઝાઈ. મૂંઝવણ થાય એટલે એને તુરંત ઋતુલ યાદ આવે. એકલી બેસી વિચારે. જાતને પ્રશ્નો કરે :

‘ઋતુલ હકીકતમાં તું કેમ નથી?’ એવું પૂછી બેસે. જોકે આ પ્રશ્નનો જવાબ એને ક્યાંયથી ના મળે. વારંવાર પૂછયા પછી પણ એનું મન કોઈ જવાબ આપી શકે નહીં એવી હાલતમાં અંતે તૃષાએ પોતાની જાતે તોડ કાઢ્યો. ફ્રેન્ડ્સ પાસે કબૂલી લીધું કે, ‘ઋતુલ જેવો કોઈ છોકરો હકીકતમાં છે નહીં… એ માત્ર પોતાને અન્યોથી અલગ જતાવવા-દર્શાવવા જુઠ્ઠુ બોલતી હતી…’

હા, ઋતુલ એનો ઈમેજીનરી ફ્રેન્ડ છે એ વાત પોતે ધરાર ગળી ગઈ. એની હોસ્ટેલ મેટ્સે ભેગા મળી થોડા દિવસ પીઠ પાછળ બિચિંગ કર્યું. અમુક મોંઢેમોંઢ સંભળાવી ગયા તો અમુકે જ્ઞાનની સરવાણી વહાવી. થોડા દિવસોમાં લગભગ બધું થાળે પડી ગયું.
તૃષાના વાસ્તવિક દુનિયા તરફ જે ડગ મંડાયા હતા એ ફટાક દઈને જાણે પાછા ખેંચાય ગયા. હવે તૃષા સાવધ થઈ ગઈ. જ્યાં-ત્યાં ઋતુલની વાતો કરવામાં એ ધ્યાન રાખતી. કોઈ સાંભળવા માટે શ્રોતા મળે જાહેર નહીં પણ ખાનગીમાં ગુસપુસ કરતી. સામેવાળાને વિશ્વાસમાં લઈ પોતાની અને ઋતુલની વાતો કરી પોરસાતી. વળી, છેલ્લે ટપકું પણ મુકી દેતી કે ‘જો, જો હોં કોઈને કહેતા નહીં. ધીસ ઈઝ, સ્ટ્રીક્ટલી બિટવીન યુ એન્ડ મી!’

આમ એક તરફ ઋતુલનો આભાસી સાથ માણતી તૃષાની ટીનએજ હવે અંતિમ તબક્કામાં હતી. તો બીજી તરફ યુવાની તૃષાના દરવાજે દસ્તક દેતી ઊભેલી. રોમેન્ટિક ફિલ્મોની શોખીન તૃષાને એક દિવસ નવો વિચાર સ્ફૂર્યો : ‘સાચે જ કોઈ ઋતુલ જેવો છોકરો મળે તો અબઘડી પરણી જઉં…!’

તૃષાની નિર્દોષ કાલપનિક મિત્રતામાં હવે પ્રેમનો રંગ ભળ્યો. ઋતુલમાં એને આદર્શ પ્રેમી દેખાયો. તૃષાને ગમે એવો. સ્વભાવમાં એને વફાદાર, દેખાવમાં હેન્ડસમ, સોશ્યલી સ્ટેબલ, સતત સાથ આપતો, સંભાળ રાખતો, મિત્રો-સ્નેહીજનોમાં લોકપ્રિય અને છોકરીઓનો હાર્ટથ્રોબ ને ટીચર્સનો વ્હાલો…. આમ કોઈને પહેલી જ નજરે ગમી જાય એવો ફૂટડો યુવા. જેના માટે તૃષાથી વિશેષ આ દુનિયામાં કંઈ નથી-ન હોય!

પોતે જે કોઈ પુસ્તક વાંચે, ટેલીવિઝન કે સિનેમા જુએ, ગીતો સાંભળે એ બધાંમાં આવતાં પુરુષ પાત્રોમાંથી એને ગમતા કેરેક્ટરિસ્ટિક લઈ એણે ઋતુલનું નવસર્જન કર્યું. રોજ રાત્રે સૂતા પહેલા આંખ મીંચી એ સપનાઓ જોતી. રીતસર પોતાને ગમતી ઘટનાઓ મનમાં મમળાવી એ બંધ આંખે મેઘધનૂષી દ્રશ્યો રચતી. આમને આમ, તરુણાવસ્થાની શરૂઆતમાં તૃષાએ સ્થાપેલો સંબંધ હદ વળોટી ગયો. બાળકો મનમાં ગમતા વ્યક્તિની ઈમેજ રચે, એ મોટાભાગે સામાન્ય ગણાય છે. ઉંમર વધતાં એ મેમરીમાંથી ભૂંસાતું ચાલે. આમ તો બાળપણ તેમ જ કિશોરાવસ્થા દરમિયાન ઈમોશનલ સપોર્ટ આપતું આભાસી માણસ આપણી ‘સેફ સ્પેસ’ ગણાય. જાણે જાતને એકાંતમાં અભિવ્યકત કરવાનો છાનો ખૂણો. ના સમજાતી પરિસ્થિતિઓ સામે ઝઝૂમવા માટેનો ટેકો. અમુક વખતે વ્યક્તિત્વ વિકાસમાં પણ આગળ પડતો ભાગ ભજવે.

તૃષા માફક અનેક તરુણો આવી દોસ્તી આજીવન નિભાવી જાણતા હોય છે. કોઈને ખ્યાલ પણ આવવા નથી દેતાં કે એમના મનમાં શું ચાલી રહ્યું છે. આભાસી વ્યક્તિનો સાથ તરુણ જીવનનું એક એવું પાસું છે જે ક્યારેય કોઈ પાસે ઉજાગર નથી થતું.
જોકે, તરુણાવસ્થા દરમિયાન ઊભી થયેલી આ માનસિકતા જો તૃષા માફક યુવાનીમાં પણ સાથ ના છોડે તો શું કરવું?

અહીં તૃષાના મનમાં ફરી એકવાર કલ્પના અને હકીકત વચ્ચેનું અંતર ભૂંસાતુ ગયું. કોઈપણ પરિસ્થિતિ સામે ઢાલ – તૃષાનું ‘કોપિંગ મિકેનિઝમ’ એટલે ઋતુલ. અંતે તૃષાએ મનમાં ગાંઠ વાળી કે, હવે કોઈપણ ભોગે ઋતુલ જેવો છોકરો શોધી લેવો, પણ શું એવું શક્ય છે ખરું? આનો જવાબ ના તૃષા પાસે હતો, ના એના મન પાસે અને ના દુનિયાની કોઈ વ્યક્તિ પાસે. હતો તો માત્ર એની ડેસ્ટિની-ભાગ્ય પાસે, જેની માત્ર રાહ જોવી રહી…

આપણ વાંચો:  કથા કોલાજ: હું ઘરનો મોટો દીકરો નથી તો શું થયું? ઘરની મોટી દીકરી પણ કેમ કમાઈ ન શકે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button