વિશેષ – પૂર્ણમાસી જાની: એક આદિવાસી સ્ત્રી કઈ રીતે બની ‘પદ્મશ્રી’?

રાજેશ યાજ્ઞિક
વડા પ્રધાન મોદીએ પૂર્ણમાસીને આદરપૂર્ણ ઝૂકીને પ્રણામ કર્યા
ઓડિશા કે ઓરિસ્સા રાજ્ય પ્રકૃતિ અને ઇતિહાસનું અનોખું મિશ્રણ ધરાવે છે. આ રાજ્યમાં આદિવાસીઓની વસતિનું પ્રમાણ પણ બહોળું છે. એમની જીવનશૈલી સાદી અને પ્રકૃતિમાં એકરૂપ થયેલી હોય છે. આ રાજ્ય વારંવાર આવતા વાવાઝોડાના કારણે પરેશાન રહે છે. આમ છતાં, ત્યાંના લોકો એ પ્રત્યેક વાવાઝોડાને માત આપીને જીવનમાં આગળ ધપે છે.
આ જ રાજ્યમાં એક એવી સશક્ત મહિલા પણ છે, જે પોતાના જીવનમાં આવેલા પ્રત્યેક તોફાનને પરાસ્ત કરીને ‘પદ્મશ્રી’ બનવા સુધીની સફર પૂરી કરી. એમનું નામ છે પૂર્ણમાસી જાની. એમનો જન્મ બ્રિટિશ રાજ દરમિયાન 1944માં કંધમાલ જિલ્લામાં એક ગરીબ પરિવારમાં થયો હતો. માતા-પિતાએ નામ પૂર્ણમાસી રાખ્યું હતું, પરંતુ એમનું જીવન ઝડપથી અંધકારમય બની ગયું. માતાનું ખૂબ જ નાની ઉંમરે અવસાન થયું અને પરિવારની જવાબદારીઓ પૂર્ણમાસીના ખભા પર આવી ગઈ. ભાઈ-બહેનોની જવાબદારીના પરિણામે ક્યારેય શાળાનું મોઢું જોવા ન મળ્યું.
થોડા સમય પછી જ એના લગ્ન થઈ ગયા. લગ્નના 10 વર્ષમાં નાની ઉંમરની પૂર્ણમાસી 6 સંતાનની માતા બની ગઈ.
વિધિએ પૂર્ણમાસી માટે કંઈક અલગ લેખ લખ્યા હતા. સંતાનો એક પછી એક મૃત્યુ પામ્યાં. નાની ઉંમરમાં માતાને ગુમાવ્યા. હજી બાળક કહેવાય તેવી ઉંમરે લગ્ન થઇ ગયા, એટલું ઓછું હોય તેમ છ સંતાનોની માતા બનીને જવાબદારીઓનો ડુંગર માથા ઉપર આવ્યો. તે પછી પણ છ- છ સંતાનને આંખો સામે મૃત્યુ પામતા જોવા કઈ માતા માટે સરળ હોય? એના હૃદય પર જે આઘાત લાગ્યો હશે તેની તો કલ્પના કરવી પણ આપણા માટે અશક્ય છે.
આ આઘાતમાંથી બહાર આવવા સદાનંદ નામની એક વ્યક્તિએ એમને સંતો અને ધર્મનો આશરો લેવાની સલાહ આપી. દર્દમાંથી બહાર આવવા એણે ભક્તિનો રસ્તો પસંદ કર્યો. પાછળથી સંતોના સાન્નિધ્ય માટે ગામની પાસેની તાડીસરુંના ડુંગર પર એ ગયાં. ત્યાંથી પાછાં આવ્યાં બાદ એમનામાં પણ સંતો જેવી પ્રતિભા આવેલી જોઈ, લોકો એમન ‘તાડીસરું બાઈ’ તરીકે ઓળખતા થયા.
ઈશ્વરની જાણે ઉપર કૃપા ઊતરી હોય તેમ એમને ત્યાં બે દીકરીનો પણ જન્મ થયો. ઈશ્વર પ્રત્યે ભક્તિ અને શ્રદ્ધા દ્રઢ થતી ગઈ.
એમણે ભક્તિ ગીતો અને કવિતાઓ રચવા શરૂ કર્યા. વિચાર કરો, ઈશ્વરની આરાધનાએ એમના જીવનમાં કેવું પરિવર્તન આણ્યું?! એક અભણ, અંગૂઠાછાપ સ્ત્રી ભક્ત કવિ બની ગઈ.!
ભજન કાવ્યોની રચનાની શરૂઆત લગભગ 1969માં શરુ થઇ. ઓડિશામાં ધીમે ધીમે ખ્યાતિ મળતી ગઈ. એમની એક વિશિષ્ટતા એ કે ક્યારેય પોતાની રચના એ ફરીવાર નહોતાં ગાતાં, કારણ એ કે તો સતત નવી રચનાઓ કરતા જ રહેતા હતા. માન્યતા તો એવી છે કે એમણે લગભગ એક લાખ જેટલી રચનાઓ કરી છે.
1990ની આસપાસ એમની રચનાઓ તે ક્ષેત્રનો પ્રવાસ કરનારા લેખકોના ધ્યાનમાં આવી પછી કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ એની ચર્ચા થવા લાગી. એમના જીવન વિશે લોકોને વધુ ને વધુ માહિતી મળવા લાગી. તેમના લગભગ 5000 જેટલાં ભજન સાહિત્યિક સમિતિઓ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યા. ડો. સુરેન્દ્રનાથ મોહંતી દ્વારા એમની જીવનકથા આલેખવામાં આવી. ડો. સુરેન્દ્ર પ્રસાદ મોહંતી, ડો. પ્રેમાનંદ મહાપાત્રા, ડો. બનોજ કુમાર રે અને બીજા ઘણા લોકોએ એમની કવિતાઓનો સંગ્રહ સંકલિત કર્યો છે. એમના અનુયાયીઓ ‘તાડીસારુ ટ્રસ્ટ’ દ્વારા ઘણી કવિતાઓને પુસ્તકોના રૂપમાં પ્રકાશિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ‘રેવનશો’ વિશ્વવિદ્યાલયમાંથી એમના સાહિત્ય ઉપર પીએચડી પણ કરવામા આવ્યું! એમણે ઘણી દેવી આરતી અને જગન્નાથ ભજનોની રચના કરી. એમની મોટાભાગની રચનાઓ ઓડિયા અને સ્થાનિક કુઇ ભાષામાં છે.
સમય જતાં પૂર્ણમાસી જાનીને પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર, બંશીધર ઇલા પાંડા સારસ્વત સાધના પુરસ્કાર અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. 2021માં ભારત સરકારે સાહિત્યમાં અમૂલ્ય પ્રદાન માટે એમને ‘પદ્મશ્રી’ થી સન્માનિત કર્યા હતા. એક આદિવાસી જિલ્લાની, અભણ મહિલાના જીવનમાં આવેલું આ પરિવર્તન અદભુત અને અકલ્પનીય કથા જેવું રોમાંચક છે. સાથે એક સ્ત્રીની શક્તિ અને પ્રબળ ઇચ્છાશક્તિનું ઉત્તમ ઉદાહરણ પણ છે.
2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કંધમાલ જિલ્લાની મુલાકાતે હતા ત્યારે યાદ રાખીને એમને આમંત્રિત કર્યા હતા અને મંચ પર એમનું સન્માન પણ કર્યું હતું. એટલુંજ નહિ, એમને પગે લાગીને દેશના વડા પ્રધાને અભૂતપૂર્વ સન્માન આપ્યું હતું અને કહ્યું હતું કે ‘તમે ખરેખર અદભુત કાર્ય કર્યું છે.!’
આ પણ વાંચો…વિશેષઃ દીકરીઓનો પણ દિવસ ઉજવાય છે, જાણો છો?