લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : કાંટા લગા… કંટાળો !

શ્વેતા જોષી-અંતાણી

મે મહિનાનું પહેલું અઠવાડિયું. શહેરભરમાં ગરમી પુરજોશથી વર્તાય રહી હતી. રસ્તાઓ પર ગરમ લૂનું વર્ચસ્વ ને ઘરમાં પંખા, એરકન્ડિશનર લગાતાર ચાલુ. એવામાં તેર વર્ષની અનાયા ડ્રોઈંગ રૂમની જમીન પર પસરાઈને છતને તાકી રહેલી. જાણે છતમાંથી હમણાં કંઈક મજેદાર ટપકી પડશે એની રાહ જોતી હોય એમ.

‘હું ભયંકર બોર થઈ રહી છું…’ એણે સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ સાતમી વખત એકનું એક વાક્ય દોહરાવતા કહ્યું. મમ્મી માંડ નવરી પડેલી એટલે એ મોબાઈલ મચડવામાં મશગૂલ હતી. એણે અનાયા સામે જોયાં વગર ફરમાવ્યું : ‘તો જા તારો રૂમ સાફ કરી લે….’

અનાયાએ કંટાળાના ભાવ સાથે રીતસર મોઢું મચકોડ્યું.’

‘એવું કામ કોણ કરે. એમાં તો વળી વધુ કંટાળો ચડશે.’

વેકેશન પડ્યું એના ગણ્યાં-ગાંઠ્યા દિવસોમાં એ આ બધું અજમાવી ચૂકેલી. સોશ્યલ મીડિયા રીલ્સથી માથું ને ઓનલાઈન ગેમ્સ થકી અંગૂઠા દુ:ખવા લાગેલા. નાના ભાઈ સાથે લૂડો રમવામાં ચીતરી ચડતી. મમ્મીને મદદ કરવાના કામ તો એને મહા બોરિંગ લાગતાં. કોઈ પણ નવી વાત, વસ્તુ કે વિચારમાં એનો જીવ દસ મિનિટથી વધારે ચોંટતો નહીં. ‘આ વખતે વેકેશનની રજાઓ એને પહેલા જેવી કેમ નથી લાગતી?’ એ પ્રાણ પ્રશ્ન એને રોજ મૂંઝવતો.

અનાયાની બધી ફ્રેન્ડ્સ ક્યાંકને ક્યાંક વ્યસ્ત ને મસ્ત હતી. મીરા બેંગ્લોરમાં કોઈ રોબર્ટેક્સ કેમ્પમાં હતી તો અનુજા મનાલીમાં મોજ કરતી હતી. સિમરન યુરોપ ટુર પર હતી તો સ્વરા હેન્ડમેડ પર્સ બનાવી એને ‘ઈન્સ્ટાગ્રામ’ પર વેંચી રહેલી. ટૂંકમાં બધાં આનંદમાં ગરકાવ હતાં. ત્યારે અનાયા કંટાળા અને બોરડમની દુનિયાની ક્વીન બની બેસેલી.

આજે પણ આખો દિવસ એમને એમ ચાલ્યો ગયો. બપોર પછી એણે પોતાની જૂની સ્કેચબુક ખોલી, પણ કંઈ દોરી ના શકી. મમ્મીના ડેસ્ક પરની નોવેલ એને હાસ્યાસ્પદ, પપ્પાનું ઓફિસ મેગેઝિન આઉટડેટેડ અને દાદા વાંચતા એ પુસ્તક વેદીયું લાગ્યું. ચિત્ત ક્યાંક ચોંટાડવા એણે કોરિયન રોમકોમ સિરીઝ જોવાની ચાલુ કરી, પણ એમાંથી તુરંત ધ્યાન ભટકી ગયું. ફોન જોયો, કોઈના મેસેજ નહોતાં.

સાંજે પાંચ વાગતા એણે હાર માની લીધી. જઈને ઊભી બાલ્કનીમાં, પણ ગરમ હવાએ એવો જોરદાર તમાચો માર્યો કે બીજી મિનિટે અનાયા એ.સી. નીચે પડી.

આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી- જિંદગીનાં બંધનો વચ્ચે મુક્તિની ઝંખના

નાનપણમાં અનાયાને આ જ રજાઓ એટલી હદે વ્હાલી લાગતી કે ના પૂછો વાત. નાનીના ઘેર જવાનું, પાણીથી રમવાનું, રાત્રે આઇસક્રીમ ને બપોરે આઈસ ગોલા ખાવાના, પાર્કમાં જવાનું, મામાના છોકરાઓ સાથે મજાક-મસ્તી કરવાની. આહાહા..વો ભી ક્યા દિન થે! અને હવે? સ્કૂલમાં ભણવાથી તો છુટ્ટી મળી ગયેલી. પણ આખો દિવસ માત્ર સોફા ઉપર ફેલાયને સૂવાનું. ટીવી, મોબાઈલ ઘૂરતા રહેવાના અને કંટાળો- કંટાળો કૂટ્યા રાખવાનું.

‘આવું કેમ થાય છે,મમ્મી?’ અનાયાએ ફરી એકવાર પૂછેલા પ્રશ્નનો અંતે સીમાએ જવાબ આપ્યો:

‘બેટા, અચાનક જ કાંઈ કરવું ના ગમે, કંટાળો આવ્યા રાખે એ ટીનએજની નિશાની છે. તું તેર-ચૌદ વર્ષની થઈ. આ ઉંમરે આવી રીતે મનનું બેચેન થવું એ સામાન્ય ગણાય. કારણ કે ના તું હવે બાળક રહી છો. ના પૂરેપૂરી એડલ્ટ. મનમાં અત્યારે છલોછલ ઊર્જાને શરીરમાં ઠાંસોઠાંસ એનર્જી ભરેલી છે, પણ એનો ઉપયોગ કરવાની દિશા નથી મળતી. એના કારણે કંટાળો ઊભો થાય એ સ્વાભાવિક છે. તારું મન વ્યસ્ત રહેવા માગે છે, પણ કઈ વાતમાં વ્યસ્ત રહેવું એ એને સમજાતું નથી…’

સીમાએ દીકરીને ખરેખર સરસ સમજણ આપી, પણ અનાયાને આટલું સાંભળવાનોય પાછો કંટાળો ચડ્યો હોય એમ ત્યાંથી ભાગી છૂટી.

બીજા દિવસે વળી એજ પ્રશ્ન:

‘કંઈ સમજાતું નથી, મમ્મી. મને એકદમ ખાલી-ખાલી લાગે છે.’ સીમાએ હસતાં મોંએ ડોકું ધુણાવ્યું:.

‘દરેક ઉંમરનો એક ચોક્કસ સમય હોય છે. અત્યારે સમય છે નવું જાણવાનો-શીખવાનો-સમજવાનો. જરા બહાર નીકળ, કોઈની સાથે વાત કર. જા….’ કહી સીમાએ દીકરીને બહાર તરફ રસ્તો બતાવ્યો.

અનાયાને માની વાત અજીબ લાગી, પણ એણે વિચાર્યું, ‘ચાલો ટ્રાય તો કરીએ. કંટાળો આવશે તો મેલીશું પડતું,.બીજું શું.?

આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ કારકિર્દીનાં વર્ષો દરમિયાન અપેક્ષાઓનો બોજ

પહેલી શરૂઆત એણે દોસ્તીનો હાથ લંબાવવાથી કરી. રસ્તાની સામે તરફ એક ખુલ્લા પડેલા પ્લોટમાં રોજ અમુક છોકરાઓને લાકડાની પટ્ટીઓમાંથી કંઈક અવનવું બનાવતા એ જોતી. આજે એ ત્યાં રૂબરૂ પહોંચી તો ખ્યાલ આવ્યો કે, પાસેની સોસાયટીમાં રહેતા અમુક છોકરાઓ લાકડાના વેરહાઉસનો કચરો લાવી ક્રિએટીવ વસ્તુઓ બનાવતાં. અનાયાએ એમાં ભાગીદાર થવાની તૈયારી બતાવી. ચવાતાં મને પેલા છોકરાઓએ હા પાડી. એક છોકરી આવવાથી રંગમાં ભંગ પડશે એવું એ ટીનએજ ટાબરિયાવને લાગ્યું, પણ અનાયા જુદી માટીની નીકળી. એણે તો એ જગ્યાની સાફ-સફાઈ કરી, ત્યાં ચોકથી મોટા ખાના દોર્યાં. પેલા લોકોએ બનાવેલી વસ્તુઓને વ્યવસ્થિત ગોઠવી. આસપાસની સોસાયટીઓમાં માર્કેટિંગ કરી આવી કે, ‘અહીં જાતે બનાવેલી હેન્ડમેડ વુડન આઈટમ સસ્તા ભાવે મળશે…’ નવું શીખવાની સાથોસાથ એણે જૂની વસ્તુઓમાંથી કિંમત ઉપજાવી. અધૂરામાં પૂરું જોવા આવનાર લોકોના નાના છોકરાઓને માટીનાં રમકડાં બનાવતાં શીખવવાની પણ શરૂઆત કરી.

આખા વેકેશનમાં પહેલી વાર એને મજા આવી. હવે એ ખાલી પ્લોટ એનો અડ્ડો બની ગયો. ધીમે ધીમે ઉનાળાની એ કંટાળાજનક રજાઓ ઉત્સવમાં બદલવા લાગી. મેદાનમાં હવે માત્ર ધૂળ અને સૂકા ઘાસના ટુકડા નહોતા. એ એક પ્રયોગશાળા બની ચૂક્યું હતું. આસપાસમાંથી વીસ-પચ્ચીસ છોકરા-છોકરીઓ ત્યાં ભેગા થતાં. એકબીજાને અવનવું શીખવતાં રહેતાં. અને સાંજે ઘેર જતાં પહેલાં રમતો રમતાં, ગપ્પાં મારતાં અને છૂટ્ટા પડતાં. બસ, બાકીના દિવસો આમ જ વિતતા ગયાં.

વેકેશન ખુલવાના છેલ્લા દિવસે અનાયાએ મેદાનમાં બેસી ‘સ્નેપચેટ’ પર એક પોસ્ટ મૂકતાં લખ્યું:

‘કદાચ આજ તો કંટાળાનો સાચો મતલબ છે. જ્યારે જૂનું ખૂટી જાય ને ત્યારે કંઈક નવું શરૂ કરવાનો સમય આવે. કંટાળો એક એવી ખાલી જગ્યા છે, જ્યાં તમે ધારો એ બનાવી શકો છો. સો ફ્રેન્ડ્સ, ઈફ યુ ગેટ બોર..ડુ સમથીંગ ન્યુ.’

આ તરફ સાંજ ઢળવા લાગેલી. ચારેબાજું અંધકાર પહેલાનો સોનેરી ઉજાસ ફેલાય ગયેલો. બધાં છોકરાઓ ફરી દિવાળીના વેકેશનમાં અહીં જ મળવાનો વાયદો કરી ઘેર પાછા ફરવા લાગ્યા.

અનાયાએ છેલ્લી નજર મેદાન તરફ નાખી: કાલથી સ્કૂલ શરૂ, ક્લાસ શરૂ…આ મેદાનમાં પહેલીવાર પગ મૂક્યો એ અનાયા ને આજની અનાયામાં જમીન-આસમાનનો ફર્ક હતો. એ જાણતી હતી કે, રજાઓ ભલે બોરડમથી શરૂ થઈ હોય, પણ જિંદગીની સોનેરી યાદો પણ એ કંટાળાને જ આભારી છે.

આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : અનુભવ થકી સમજાય છે આ જિંદગી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button