ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: કાલ્પનિક મૈત્રીની આભાસી દુનિયા… | મુંબઈ સમાચાર

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: કાલ્પનિક મૈત્રીની આભાસી દુનિયા…

  • શ્ર્વેતા જોષી-અંતાણી

બે કલાકથી ટેલીવિઝન સ્ક્રીન પર ચાલી રહેલી ફિલ્મનાં દ્રશ્ય અપલક નજરે જોઈ રહેલી તૃષા તરસ છીપાવવા પણ ઊભી ના થઈ….ગળું સુકાઈ ગયું, મોઢું ખુલ્લું રહી ગયું, આંખો પહોળી થઈ ગઈ. અને તૃષા સ્ક્રીન પર દેખાય રહેલાં પાત્રોની દુનિયામાં ખોવાતી ચાલી, જેમાં હતાં એક છોકરો અને છોકરી. એમની વચ્ચે હતી ટીનએજ મિત્રતા.

નાદાન ઉંમર, નાજુક મન, નબળું હૃદય અને ગભરુ માનસિકતાની ધરાવતી એવી તૃષા હકીકતમાં કોઈ સાથે આવી મિત્રતા બાંધી શકે એ શક્ય નહોતું, પણ કલ્પનાની દુનિયામાં વિહરતા કોઈને રોકી થોડી શકાય છે? જે ક્ષણે તૃષાએ ફિલ્મ પૂરી કરી. બસ, એ જ ક્ષણથી એના મનમાં એક વિજાતીય પાત્રએ આકાર લીધો. અદ્દલ પોતાને ગમે એવો મિત્ર. રમતિયાળ છતાં હોશિયાર. હેન્ડસમ પણ એનું અભિમાન નહીં. છોકરીઓ એની આગળ-પાછળ ફરે, પણ એને તૃષા વ્હાલી હોય. તૃષાનું ધ્યાન રાખે, એની વાતો સાંભળે, એને સલાહો આપે. એ બંન્નેની મિત્રતાના લોકો વખાણ કરે. તૃષાએ મનમાં ઈમેજીનરી દુનિયા રચવાની શરૂ કરી. બે-ચાર દિવસ પોતે એકલી-એકલી ખુશ થઈ. ઈમેજીનરી-કાલ્પનિક મિત્ર બનાવીને જાણે એણે મોટી સફળતા મેળવી હોય એમ એ રાજી રહેવા લાગી.

થોડા દિવસો બાદ આ રાજીપો કોઈકની સાથે શેર કરવાની એને અદમ્ય ઈચ્છા થવા લાગી. એક દિવસ સાંજે પોતાની કઝિન જીયા સાથે વાતો કરતાં, ચીવટપૂર્વક એ ફ્રેન્ડને બહારની દુનિયામાં ડગ મંડાવ્યા :

‘મારો એક ફ્રેન્ડ છે. એના વિશે મેં કોઈને કહ્યું નથી…’

જીયાએ એની સામે એવી રીતે જોયું જાણે એના માન્યમાં ના આવતું હોય :

‘તૃષા રહેવા દે ને યાર… હું તને નાની હતી ત્યારથી ઓળખું. તારો કોઈ ફ્રેન્ડ નથી.’

‘ના છે, સાંભળ…’ તૃષાએ મનઘડત વાર્તાઓ શરૂ કરી :

‘અરે, આ વેકેશનમાં હું મામાને ત્યાં ગયેલી ને. ત્યાં મને એ મળ્યો હતો. અને પછી તો એ હમણાં જ અમારી સ્કૂલમાં શિફ્ટ થયો છે. મારા ક્લાસમાં જ ભણે છે…’

હવે આ વાત થોડી જીયાના ગળે ઊતરી હોય એમ એણે હા એ હા કરી:

‘હમ્મ.. શું નામ છે એનું? ’

જીયાએ સ્વાભાવિકપણે પૂછ્યું ને તૃષાબેન મૂંઝાયા.

‘પછી કહીશ..’ એમ કહી એણે વાત બદલી નાખી, પણ એ રાત્રે એણે નામ પણ ઘડી કાઢ્યું :

‘ઋતુલ… હા બસ પરફેક્ટ!’ મનમાં ચાર-પાંચ વખત બોલી એ મીઠી નીંદરમાં પોઢી ગઈ.

હવે તૃષા દરરોજ અવનવાં દ્રશ્યો કલ્પવા લાગી. ઋતુલ સાથે એક એવી દુનિયા રચવા લાગી, જે હકીકતમાં નહોતી. એ પ્રસંગો પોતે ડાયરીમાં લખે. જીયાને વર્ણન કરે. અમુક અજાણ્ય માણસોને વિસ્તારથી એની અને ઋતુલની મૈત્રી વિશે વાતો કરે.

સ્કૂલમાં જોકે આ વાત કરવાની હિંમત એણે નહોતી કરી. કારણકે, એને બરાબર ખ્યાલ હતો કે ત્યાં કોઈ જૂઠને આવરી નહીં શકાય.

બારમું ધોરણ પૂરું થવાને આમ પણ માત્ર છ મહિના બાકી હતા. પછી તો તૃષાબેન અન્ય શહેરમાં અજાણ્યા લોકો અને અજાણ્યા માહોલમાં પહોંચી ગયાં. ત્યાં જઈને સૌથી પહેલું કામ ઋતુલ નામના જુઠ્ઠાણાને વેગ આપવાનું કર્યું. હોસ્ટેલની મિત્રો હોય કે કોલેજ ફ્રેન્ડસ. ઋતુલને બધાના મગજમાં પોતાના બેસ્ટ ફ્રેન્ડ તરીકે એણે જડબેસલાક ઠોકી બેસાડ્યો,

પણ એમ કંઈ છાબડે ઢાંક્યા સૂરજ થોડા ઢંકાય છે? એટલે થયું એવું કે, હોસ્ટેલની બે-ચાર ફ્રેન્ડસ કે જેની સામે તૃષા સતત ઋતુલ નામની માળા જપતી. એમણે એક દિવસ જોરશોરથી માગણી કરી :

‘તૃષલી, તું જેના આટલા બધા વખાણ કરે છે એ ઋતુલને જોયા વગર અમારાથી હવે રહેવાશે નહીં. અમારે એ છોકરાને મળવું છે. ..! ’

આ સાંભળી તૃષાના મોતિયાં મરી ગયાં. ઋતુલ લાવવો ક્યાંથી? એણે પોતાની રીતે પ્રયત્નો કર્યા. બસમાં- ટ્રેનમાં- કોલેજથી આવતાં- જતાં એને કોઈપણ ભોગે એવો છોકરો જોઈતો હતો, જે એની કલ્પનાના ઋતુલ સાથે મેચ થાય… પણ, પોતાની ઈમેજીનેશનનો એ આદર્શ છોકરો લાવવો ક્યાંથી?

અને કદાચ કોઈ વિરલો એવો મળી પણ જાય તો એને સમજાવવું શું ? એને મનાવવો કઈ રીતે? એને કેમ કહેવું કે તું – મારો ઈમેજીનરી- કાલ્પનિક ફ્રેન્ડ બનવાનો રોલ પ્લે કર…. આમ છતાં તૃષા એમાં સફળ રહે છે. એણે એક બકરો શોધી કાઢ્યો, પણ એમ તો તૃષાની ફ્રેન્ડ્સ ચાલાક હતી. એમને એવો અણસાર આવી ગયેલો કે, તૃષા જુઠ્ઠું બોલે છે. આ નામનું કોઈ માણસ છે જ નહીં. એ બધાંએ ભેગા મળી તૃષાનો ભાંડો ફોડવાનું નક્કી કર્યું. બધાને એને ખુલ્લી પાડવામાં રસ હતો. કોઈએ એવું જાણવાનો પ્રયત્ન ના કર્યો કે, તૃષા શા માટે આવું જુઠ્ઠુ બોલતી હશે? એવી કોઈ વ્યક્તિની વાતો કરવાની શી જરૂર છે, જેનું આ દુનિયામાં અસ્તિત્વ જ ના હોય?

હકીકતમાં કોઈ એકલતા, કંટાળો, યોગ્ય સાથનો અભાવ કે જાતને અન્યો કરતાં અલગ દેખાડવાની ભાવના જેવા કારણોસર અમુક ટીનએજર્સ આ પ્રકારે કાલ્પનિક મિત્રો ઊભા કરતાં હોય છે. મોટાભાગે બિનહાનિકારક આ ટેવ ક્યારેક તૃષાના જેવી ઉપાધિ નોતરી આવે છે.

તૃષાની હમઉમ્ર બહેનપણીઓ પાસેથી આવી કોઈ સમજણની વધુ અપેક્ષા થોડી રાખી શકાય! એ બધાં માટે તો તૃષાના કાલ્પનિક દોસ્તનું એનકાઉન્ટર કર્યે છૂટકો. સામે તૃષા પણ કોઈ રીઢો ગુનેગાર તો હતી નહીં એટલે થર્ડ ડિગ્રી ટોર્ચરની જરૂર પડે એ પહેલા ભાંગી પડી. અપમાન, અવહેલના, ભોંઠપથી ઘેરાયેલી તૃષાની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ઊઠી. એની ફ્રેન્ડ્સના કહેવા મુજબ એ એક માનસિક રોગી છે. એને ટ્રીટમેન્ટની જરુર છે. એ એબનોર્મલ છે….

તૃષાએ જાતને રૂમમાં પૂરી દીધી. પૂરા બે અઠવાડિયા એ દુ:ખ, હતાશા અને ઉદાસીના કબ્જામાં રહી. રોઈ-રોઈને આંખો નીચોવી નાખી. પોતાની જાતને અરીસામાં જોવી ગમે નહીં એવી હાલત કર્યા બાદ અંતે મનમાં ચાલી રહેલી ગડમથલનો તાગ મેળવવા એણે સાયકિયાટ્રીક ડોક્ટરનો નંબર ડાયલ કર્યો. હવે કોઈપણ ભોગે જાતને ઓળખવી જ રહી વિચારી એણે દિવસો બાદ રૂમની બહાર ડગ માંડ્યા…કાલ્પનિક દુનિયામાંથી બહાર આવીને વાસ્તવિક જગતમાં ફરી પ્રવેશવા માટે !

આપણ વાંચો:  લાફ્ટર આફ્ટર: તમે તો બહુ ડાહ્યાં…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button