એશિયન ખેલોમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ: કમલજીત સંધૂ
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
જો તમે રમતગમત જગત વિશે જાણતા હો તો તમને ખબર હશે કે સ્પ્રિંટ એટલે ટૂંકા અંતરની વેગીલી દોડ…સામાન્યપણે આ દોડસ્પર્ધા બસ્સો કે ચારસો મીટરની હોય છે. પંજાબની કમલજીત સંધૂ ૧૯૭૦માં એશિયાઈ ખેલોમાં ચારસો મીટરની ટૂંકા અંતરની વેગીલી દોડમાં એટલા વેગથી દોડી કે ૫૭.૩ સેક્ધડમાં દોડ પૂરી કરીને ભારત માટે સુવર્ણ ચંદ્રક લઇ આવી. આ સુવર્ણ ચંદ્રક જીતીને કમલજીત સંધૂએ ઈતિહાસ સર્જેલો, કારણ કે એશિયાઈ ખેલોમાં સુવર્ણ ચંદ્રક જીતનારી એ પહેલી ભારતીય મહિલા હતી !
કમલજીત સંધૂની અન્ય ઉપલબ્ધિઓ : ચારસો મીટરની દોડમાં ટ્યૂરિન, ઈટલીમાં આયોજિત વિશ્ર્વવિદ્યાલય ખેલોમાં ફાઈનલમાં પહોંચનાર મહિલાઓમાંની એક, રાષ્ટ્રીય સ્તરે બાસ્કેટબોલ અને આંતર વિશ્ર્વવિદ્યાલય હોકી ખેલાડી અને દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી પુરસ્કૃત મહિલા.
કમલજીત સંધૂનો જન્મ ૨૦ ઓગસ્ટ ૧૯૪૮ના રોજ પંજાબમાં થયેલો. સિંધિયા ક્ધયા વિદ્યાલયમાં ભણી. બાળપણના દિવસો વિશે કમલજીતના પોતાના શબ્દો સાંભળીએ : ‘મને એથ્લીટ બનવાની તક સાંપડી, એને હું મારું સૌભાગ્ય જ સમજું છું, કારણ કે એ સમયમાં મહિલાઓ માટે પરિવારની બહાર કોઈ ભૂમિકા નહોતી. મારા પિતા મોહિન્દર સિંહ મારા માટે બહુ મોટી ઢાલસમા- એક સપોર્ટ સિસ્ટમ હતા. એ પોતાના કોલેજ દિવસોમાં બહુ સારા હોકી ખેલાડી હતા.. હું ચાર બહેનોમાં બીજા નંબરે હતી, પણ મારા પિતાએ મને કાયમ દીકરો જ ગણી. શાળામાં પ્રત્યેક રમતમાં હું જ અવ્વલ નંબરે રહેતી.’
પિતા મોહિન્દર સિંહ હંમેશાં કમલજીતને આગળ વધવા પ્રોત્સાહિત કરતા. સિંધિયા ક્ધયા વિદ્યાલયમાં ભણતી વખતે કમલજીત પ્રત્યેક ખેલ પ્રતિયોગિતામાં મોખરે રહેતી. દીકરીની આ પ્રતિભા જોઈને પિતા મોહિન્દર સિંહે પોતાના મિત્ર રાજા કરણી સિંહની સલાહ લીધી. વિદ્યાર્થિની તરીકે કમલજીત દરેક ખેલમાં ઉત્સાહથી ભાગ લેતી. દરમિયાન, ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીએ પોતાનું ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ખોલ્યું. એમણે કમલજીતને પોતાને ત્યાં જોડાવાનું આમંત્રણ આપ્યું. કમલજીત ત્યાં જોડાઈ. એ ત્યાં પણ પ્રત્યેક રમતમાં ભાગ લેતી. બાસ્કેટબોલ, રનિંગ અને અન્ય ખેલમાં ઉમળકાથી ભાગ લેતી.. કમલજીતના શબ્દોમાં કહીએ તો, ઘણી છોકરીઓ પહેલી જ વાર ઘરની બહાર પગ મૂકી રહેલી. એમાંની એક હું પણ હતી!
કમલજીત શારીરિક શિક્ષણ વિભાગમાં તો જોડાયેલી, પણ હજુ સ્પેશિયલાઈઝેશન અંગે એને ખબર નહોતી. ૧૯૬૭માં કમલજીતે પોતાના કોચના કહેવાથી નેશનલ ચેમ્પિયનશિપમાં ચારસો મીટરની દોડમાં ભાગ લીધો. પણ અનુભવ અને પ્રશિક્ષણના અભાવે તે દોડ પૂરી ન કરી શકી.
સંધૂનો આ પહેલી દોડમાં પરાજય થયો, પણ પરાજિત થવા છતાં કમલજીતની વેગીલી દોડથી ઉપસ્થિત સહુ ખૂબ પ્રભાવિત થયાં. રાજા કરણી સિંહે એશિયન ખેલોના ગોલ્ડ મેડલિસ્ટ અજમેર સિંહ પાસેથી પ્રશિક્ષણ લેવાની કમલજીતને સલાહ આપી. એ દિવસોમાં મહિલા ખેલાડીઓ માટે પ્રશિક્ષણની કોઈ સુવિધા નહોતી. ૧૯૬૩માં સ્થપાયેલા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ સ્પોર્ટ્સ, પતિયાળામાં પણ મહિલા કોચની સુવિધા નહોતી. હકીકતમાં મહિલાઓને પ્રશિક્ષિત કરવાની દિશામાં શું કરવું એ જ કદાચ કોઈને સમજાતું નહોતું. આ સંજોગોમાં સંધૂએ કોચ અજમેર સિંહ પાસે તાલીમ લીધી. કોચ અજમેર સિંહ પહેલી વાર કોઈ મહિલાને પ્રશિક્ષણ આપી રહેલા. કમલજીત સંધૂએ એક વર્ષ તાલીમ લીધી.
આ ગાળામાં, ૧૯૬૯માં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ સ્પોર્ટ્સ-એનઆઈએસમાં એક શોર્ટ કેમ્પ માટે કમલજીતને નિમંત્રણ મળ્યું, ત્યારે એને ખબર પડી કે એશિયન ગેમ્સ માટે એના નામ પર વિચાર થઈ રહ્યો છે. કમલજીત પુરજોશથી ખેલની તૈયારીમાં લાગી ગઈ.
અધિકારીઓની અનિચ્છાએ પણ કમલજીતની પસંદગી બેંગકોકમાં આયોજિત છઠ્ઠા એશિયાઈ ખેલો માટે થઈ. એશિયન ખેલો પહેલાં ઇન્ટરનેશનલ એક્સપોઝર ટુર્નામેન્ટ ખેલાઈ. એમાં પણ કમલજીત વિજેતા બની. એ વખતે કમલજીતે કહેલું કે, ‘મને યાદ છે જયારે મેં ૧૯૭૦ના એશિયાઈ ખેલો પહેલાં પહેલી વાર ખેલાડીઓ માટેનું લાઈટ ગ્રે બ્લુ કલરનું ઇન્ડિયન બ્લેઝર જોયેલું. મેં એ પહેર્યું ત્યારે હું અત્યંત ગૌરવાન્વિત મહેસૂસ કરી રહેલી. એશિયન ગેમ્સમાં ભાગ લેવાની વાતથી એવી અનુભૂતિ થઈ જાણે હવામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય.૧૯૭૦ સુધીમાં કોઈ ભારતીય મહિલાએ વ્યક્તિગત રીતે સુવર્ણ ચંદ્રક જીત્યો નહોતો, પણ મને વિશ્ર્વાસ હતો કે હું અવશ્ય ચંદ્રકવિજેતા બનીશ. એ શક્ય હતું, છતાં મોટા ભાગના લોકો એ માનવા તૈયાર નહોતા..
મારી જીતની મને ખાતરી હતી. મને તો બીજા નંબરે આવનાર માટે ખરાબ લાગતું હતું. ફાઈનલમાં, હું તાઈવાનની ચી ચેંગ સાથે દોડવાની હતી, જે ૧૯૬૮ ઓલિમ્પિકની કાંસ્યચંદ્રક વિજેતા હતી. જયારે હું વોર્મિંગ અપ કરી રહેલી, ત્યારે ગણગણાટ થઈ રહેલો, ઓહ, તારે તો ચી ચેંગ સાથે દોડવાનું છે !’
૧૪ ડિસેમ્બર ૧૯૭૦….એ દિવસે ટ્રેક પર કમલજીત સંધૂ સહુની મોખરે હતી. બસ્સો મીટર સુધીની દોડ સુધી એણે અગ્રીમ સ્થાન જાળવી રાખ્યું. પણ ઝડપથી તાઈવાનની ચી ચેંગે દોડ વેગીલી બનાવી અને સંધૂથી આગળ નીકળી ગઈ. પણ ફિનિશ લાઈન પર કમલજીત પહેલાં પહોંચી. લોકો ચિચિયારીઓથી એનું સ્વાગત કરી રહેલા, ત્યારે કમલજીતને થયું કે, યહ તો હોના હી થા.. હું જીતવાની જ હતી. આ લોકો કેમ આટલી ચીસાચીસ કરી રહ્યાં છે ? પણ પછી સમજાયું કે આ ચીસો અને નારાઓ તો ભારતને સુવર્ણ ચંદ્રક મળવા બદલ અને ભારતનું ગૌરવ વધારવા બદલ હતા ! કમલજીત ૧૯૭૩માં એથલેટિક્સમાંથી નિવૃત્ત થઈ. ૧૯૭૫માં કમલજીત સંધૂ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ સ્પોર્ટ્સ, પતિયાળાની ઇન્ચાર્જ રહી. ત્યાર પછી ૧૯૮૨માં ભારતીય મહિલા સ્પ્રિંટ ટીમના કોચ તરીકે એશિયાઈ ખેલોમાં ભાગ લીધો. કોચ તરીકે કમલજીત સંધૂએ મહિલા ખેલાડીઓની તાલીમના સ્વરૂપમાં ધરમૂળથી ફેરફાર કર્યો.. કોચ તરીકે કમલજીતની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ હતી. કમલજીતે દોડના ક્ષેત્રમાં પોતાને પાયાનો પથ્થર ગણતાં કહેલું, પ્રથમ મહિલા આઈપીએસ બનનાર કિરણ બેદી અને હું કલાસમેટ હતાં. મને લાગે છે કે એક રીતે કહીએ તો અમે બન્ને પોતપોતાના ક્ષેત્રમાં અગ્રેસર હતાં. પાયોનિયર હતાં..!