ફેશનઃ યુવતીઓના ફેવરિટ ઓવર સાઈઝ શર્ટ

- ખુશ્બુ મુલાણી ઠક્કર
હાલમાં યુવતીઓમાં ઓવર સાઈઝ શર્ટ ખૂબ જ પ્રખ્યાત છે. ઓવર સાઈઝ શર્ટ એટલે તમારી જે સાઈઝ હોય તેના કરતા બે કે ત્રણ સાઈઝ મોટા શર્ટ પહેરવા. આ શર્ટ પહેરવામાં ખૂબ જ આરામદાયક લાગે છે અને જોવામાં સ્ટાઈલિશ લુક આપે છે. મોટાભાગે આ શર્ટની પ્રિન્ટ બોલ્ડ હોય છે અને ફેબ્રિક કોટન કે સિલ્ક બેસ્ડ હોય છે.
આ શર્ટ પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે. આ શર્ટ તમે અલગ અલગ રીતે પહેરી શકો. શર્ત માત્ર એટલી જ કે તમને ફેશનની આગવી સૂઝ હોવી જોઈએ. ચાલો જાણીયે ઓવર સાઈઝ શર્ટ કોણ પહેરી શકે અને કઈ રીતે પહેરી શકાય.
લેગિંગ અને ઓવર સાઈઝ શર્ટ-લેગિંગ સાથે ઓવર સાઈઝ શર્ટ બેસ્ટ લુક આપે છે. ખાસ કરીને કોલેજ ગોઈંગ યુવતીઓનો આ મનપસંદ આઉટફિટ છે. એમાં વધારે કાઈ મિક્સ મેચની જરૂર પડતી નથી એટલે કે, બ્લેક લેગિંગ સાથે કોઈ પણ કોન્ટ્રાસ્ટ કલરનું ઓવર સાઈઝ શર્ટ પહેરી શકાય.
જો તમને કંઈક અલગ લુક જોઈતો હોય તો બ્લેક લેગિંગ સાથે સોલિડ કલરના પ્લેન શર્ટ પહેરી શકાય એટલે કે, બ્લેક કલરના લેગિંગ સાથે રોયલ બ્લુ શર્ટ કે પછી ઓરેન્જ કલરનું શર્ટ કે પછી ડાર્ક ગ્રીન કલરનું શર્ટ. તમારી પર્સનલ ચોઈસ મુજબ તમે લેગિંગના કલર બદલી શકો જેમકે, વાઈટ કલરના લેગિંગ સાથે રાની પિન્ક કલરનું ઓવર સાઈઝ શર્ટ પહેરી શકાય.
કંઈક અલગ લુક માટે એન્કલ લેન્થના લેગિંગ સાથે ઓવર સાઈઝ શર્ટ પહેરી થીં બેલ્ટ પહેરી શકાય અને પગમાં હાઈ હિલ્સ પહેરી એક હટકે લુક આપી શકાય. જો તમને ઓવર સાઇઝ શર્ટ પહેરી કોઈ પાર્ટીમાં જવું છે તો રેગ્યુલર લેગિંગની બદલે મેટાલિક લેગિંગ પહેરી શકાય જેથી એક શાઈની લુક આવે.
ડેનિમ સાથે ઓવર સાઈઝ શર્ટ-ડેનિમ સાથે ઓવર સાઈસ્ડ શર્ટ પહેરવાની એક અલગ જ સ્ટાઇલ છે. ખાસ નોંધવા જેવી એ વાત છે કે, કોઈ પણ સ્ટાઇલના ડેનિમ સાથે ઓવર સાઇઝડ શર્ટ સારા લાગી શકે. ડીપેન્ડિંગ તમને કઈ પેટર્નનું ડેનિમ પહેરવું છે. સ્કિની ડેનિમ સાથે ઓવર સાઈઝ શર્ટ પહેરવું હોય તો શર્ટના કમર સુધીના બટન બંધ કરવા બાકીના બટન ખુલ્લા રાખી તેની કમર પર ગાંઠ બાંધવી. આ સ્ટાઇલ યન્ગ યુવતીઓની ફેવરિટ છે.
લુઝ ડેનિમ સાથે જો ઓવર સાઈઝ ડેનિમ પહેરવું હોય તો કમર સુધી આ બટન બંધ રાખવા અને એક સાઈડનું શર્ટ ડેનિમમાં ઈન્ટક કરવું અને બીજી સાઈડનું શર્ટ બહાર જ રાખવું. આ સ્ટાઇલ એક ફન્કી લુક આપે છે. ડેનિમ સાથે પ્લેન અને પ્રિન્ટેડ એમ બન્ને ટાઈપના શર્ટ પહેરી શકાય.
લુઝ ડેનિમ સાથે અંદર બોડી હગિંગ ટીશર્ટ પહેરવું અને તેની પર ઓવર સાઈઝ શર્ટ પહેરી શર્ટના બટન ખુલ્લા રાખવા. આ બધીજ સ્ટાઇલ પહેરવા માટે જો તમે કોન્ફિડન્ટ ન હોવ તો આ સ્ટાઇલના કપડાં ન પહેરવા. આ સેટિલ સાથે ચોક્કસ પ્રકારના શૂઝ જ ચાલશે. જેમકે, સ્પોર્ટ્સ શૂઝ, સ્નીકર્સ કે પછી લોફર્સ પહેરી શકાય.
ઓવર સાઈઝ શર્ટ એઝ ડ્રેસ-ઓવર સાઇઝ શર્ટ એટલે કે તમે જે સાઈઝ પહેરો છો તેના કરતા મોટું શર્ટ કે જે પહેર્યા પછી તેની લંબાઈ નોર્મલ શર્ટ કરતાં વધારે લાગે. આ ઓવેર સાઈઝ શર્ટ તમે ડ્રેસ તરીકે પણ પહેરી શકો. કે જેને ફિટિંગ આપવા માટે થીં કે બ્રોડ બેલ્ટ પહેરી શકાય. તમારા બોડીને અનુરૂપ તમે બેલ્ટની પસંદગી કરી શકો. અને ઇવેન્ટ અનુસાર ફૂટવેર પહેરી કેઝ્યુઅલ કે ફોર્મલ લુક આપી શકાય.
આપણ વાંચો: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ સંબંધમાં સંવાદ ને ભરોસાની બાદબાકી થાય ત્યારે…



