વાર-તહેવાર: આયા શ્રાવણ ઝુમકે…!

આસ્થા + વિજ્ઞાનનો છે આ મહિનો!
- ખુશ્બુ મુલાણી ઠક્કર
તમે ક્યારેય વિચાર્યું છે કે, ઘણા લોકો શ્રાવણ માસમાં શું કામ ઉપવાસ કરતા હશે?
વેલ, શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાની પ્રક્રિયામાં એક કારણ ધાર્મિક છે તો તેની સાથે અમુક વૈજ્ઞાનિક કારણ પણ સંકળાયેલાં છે.
શ્રાવણ મહિનો આવવાનો હોય તેની પહેલાં મોટા ભાગના આસ્થાળુ ઉપવાસ ક્યારે અને કેટલા કરવા તેનું પ્લાનિંગ શરૂ કરી દેતા હોય છે અને એ પોતાની ધાર્મિકતાને ધ્યાનમાં રાખી ઉપવાસ કરે છે. શ્રાવણ મહિનામાં પુણ્ય કમાઈ લઈએ તે દ્રષ્ટિએ એ ઉપવાસ કરે છે તો બીજી તરફ એક વર્ગ એવો છે,જે ડાયેટની દ્રષ્ટિએ કરે છે . શ્રાવણના અમુક દિવસોમાં ખાણી- પીણીની પરેજી રાખીને એ શરીરને ચુસ્ત બનાવવાની કવાયત કરે છે. આમ બધાની માન્યતા અને ધારણા ઉપવાસ કરવા માટે અલગ અલગ હોય છે.
જોકે, ઉપવાસ કરવા એ બધાના ગજાની વાત નથી. પૌરાણિક કથાઓ દ્વારા આપણે જાણ્યું છે કે કેટલાય સંત – ગુરુઓ ઘણાં વર્ષો સુધી ઉપવાસ કરતા. એવા કઠિન તપ દ્વારા ઉપવાસ કરવાવાળો એ વર્ગ આખો અલગ જ છે. આસ્થાની વાત બાજુ પર રાખીએ તો આપણું શરીર કુદરતી રીતે એટલું સરસ રીતે ઘડવામાં આવ્યું છે કે, જો તમે 21 દિવસ સુધી અમુક વાનગીઓ ખાધા વગર ભૂખ્યા રહી શકો તો તમે આખું જીવન પણ એ ખાધા વગર જીવી શકો છો. ઉપવાસ કરવાથી તમારા આંતરડાંને આરામ મળે છે અને તેમાં કોઈ ખરાબી હોય તો એ આપમેળે સુધરે પણ છે.
ઉપવાસમાં અમુક જ વાનગીઓ ખાવાની હોય છે અને બીજા જન્ક ફૂડથી દૂર રહેવાનું હોય છે. ખાસ કરીને નોન વેજ ખાનારા શ્રાવણના એક મહિના માટે નોનવેજ-માંસાહાર એકદમ બંધ કરી દે છે. આ દિવસોમાં ભજીયા- સમોસા- વડા -પાવ અને વધારે તીખું ખાવાનું બંધ હોય છે તેથી તમારું લીવર અને કિડની ડિટોક્સિફાઇડ થાય છે શરીરની શુદ્ધિ થાય છે અને એ અંગોને પૂરતો આરામ મળે છે.
શહેરના અમુક અનુભવી ડાયેટિશિયન્સના મતે ઉપવાસ કરવાથી મેટાબોલિઝમ (ચયાપચય) સુધરે છે. બ્લડ સુગર અને ઘટતી-વધતી ઇન્સ્યુલિનની માત્રા ક્ધટ્રોલમાં રહે છે. ઉપવાસથી માનસિક શાંતિની સાથે આધ્યાત્મિક અને ધાર્મિક રુચિ વધે છે. જો તમે ઉપવાસ નિયમિત કરતા હશો તો તમને પોતાને ખ્યાલ આવશે કે, જંક ફૂડની ક્રેવિંગ- તલપ ઓછી થઇ જશે.
ડાયેટિશિયન્સના મતે મોટા ભાગના લોકો આખું વર્ષ ખાવામાં કોઈ જાતની પરેજી પાળતા નથી. તેથી બધાએ એક યા બીજાં કારણસર પણ વાર તહેવારે ઉપવાસ કરવા જોઈએ. ઉપવાસ હોય એટલે તમારે ખાવામાં ક્ધટ્રોલ કરવો પડે અને અમુક વાનગીઓનો ત્યાગ કરવો પડે છે તેથી જ ઉપવાસ કરવા માટે શ્રાવણ મહિનો ખૂબ જ યોગ્ય છે, કારણ કે અહીં ધાર્મિકતા સાથે વૈજ્ઞાનિક કારણો પણ સંકળાયેલાં છે.
ઉપવાસમાં શું ખાવું ને શું છે એનાં ફાયદા…
ફળ ને શાકભાજી :
કેળા, પપૈયા, સફરજન, દૂઘી, કાકડી, બટેટા અને શક્કરિયા. આ બધા જ ફળો અને શાકભાજી ખૂબ જ રિચ ઈન ફાઈબર હોય છે. ફળો અને શાકભાજીમાં કુદરતી રીતે પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે, જે ઓક્સિડેટિવ તાણથી બચાવે છે અને સમય પહેલા વૃદ્ધત્વને ટાળવામાં મદદ કરે છે.
મીલેટ્સ :
મીલેટ્સ એટલે કે, રાજગીર, સામો, સાબુદાણા, કૂટીનો ડારો, શીંગદાણાનો લોટ વગેરે. આ બધા જ લોટ ગ્લુટેન ફ્રી હોય છે, જેથી એ ખાવાથી પેટ તો ભરાય જ છે સાથે શરીર સ્ફૂર્તિ ચુસ્તી અનુભવે છે. આ બધા જ લોટ પચવામાં હલકા છે
ડેઅરી પ્રોડકટ :
ડેઅરી પ્રોડક્ટ્સ એટલે દૂધ, દહીં, છાશ અંને પનીર. આ બધા બેકરી પ્રોડક્ટ્સમાં ખૂબ જ કેલ્શિયમ અને પ્રોટિન હોય છે. પ્રિ -બાયોટિક હોવાના કારણે આંતરડાંમાં જે બેક્ટેરિયા હોય છે તેને સારા બેક્ટેરિયામાં રૂપાંતર કરે છે અને પાચનક્રિયા સુધારે છે.
ડ્રાય ફ્રૂટ- શીંગદાણા :
ડ્રાય ફ્રૂટ અને શીંગદાણા ખાવાથી મગજને સારું પોષણ મળે છે. એમાં રહેલાં તત્ત્વો મગજને પોષણ પૂરું પાડે જ છે સાથે એ શરીર માટે પણ એટલા જ મહત્ત્વના છે.
ઉપવાસ કઈ રીતે કરશો?
ઉપવાસ એટલે કે ફાસ્ટિંગ કરવાની પણ એક રીત હોય છે. જો તમે દિવસમાં માત્ર એક જ વાર થાળી ભરીને ફરાળ ખાશો તો તમને જરૂરથી નુકસાન પહોંચશે. આ બિલકુલ ખોટી રીત છે. દિવસમાં એક જ વખત ખાવાથી એસિડિટી થશે અને થાક પણ લાગશે…
જો તમને એક વખત ખાઈને જ ફાસ્ટિંગ કરવું હોય તો છાશ, નારિયેળપાણી, હર્બલ ટી વગેરે પીતા રેહવું જોઈએ, જેથી કરીને શરીરમાંથી પાણી ઓછું ન થઈ જાય – ડિહાઇડ્રેટ ન થઇ જવાય.
એક જ વખત ખાવું હોય તો ડોક્ટરની સલાહ લઈને ફાસ્ટિંગ કરી શકાય અને પ્રોટિનયુક્ત અને ગુડ ફેટ્સવાળો ખોરાક ખાવો જોઈએ. જો તમને ડાયાબિટીસ હોય કે પછી તમે સગર્ભા હોવ તો તમારે ડોક્ટરના સુપરવિઝન સાથે જ ફાસ્ટિંગ કરવું જોઈએ.
એક નિષ્ણાત તબીબના કહેવા અનુસાર આજકાલ બધાને જ સોશિયલ મીડિયા પર દેખાડવામાં આવેલું ડાયેટ કરવું છે. બધાની ડાયેટ ડેફિનેશન અલગ છે. તમારો ડાયેટ પ્લાન એ તમારી લાઇફસ્ટાઇલ પર ડીપેન્ડ કરે છે. કોઈનું આંધળું અનુકરણ કરવું નહીં. ડાયેટમાં પણ ઘણા પ્લાન હોય છે .
તમારી હેલ્થને કયો ડાએટ પ્લાન સૂટ કરે છે તે માત્ર એક ડોક્ટર જ કહી શકે તેથી જ ડોક્ટરની સલાહ અનુસાર જ ડાએટ કરવું.
હું શા માટે શ્રાવણ મહિનો પાળું છું?
મનીષ દેડિયા
શ્રાવણના પવિત્ર મહિના દરમિયાન, ઘણા હિન્દુ ધર્મી મુખ્યત્વે ધાર્મિક અને આધ્યાત્મિક કારણોસર ધૂમ્રપાન અને દારૂ પીવાનું ટાળે છે, કારણ કે આ પદાર્થોની નકારાત્મક ઊર્જા આધ્યાત્મિક અનુભૂતિમાં વિક્ષેપ પાડે છે. વધુમાં, શ્રાવણ એ ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ દર્શાવવાનો સમય છે અને આવાં નશીલાં પદાર્થનું સેવન દેવતા પ્રત્યે અપમાનજનક વર્તન માનવામાં આવે છે.
મુંબઈ- કાંદિવલી પરામાં રહેતા 53 વર્ષીય મનીષ દેડિયાનું કહેવું છે કે, હું 45 દિવસનો શ્રાવણ મહિનો કરું છું. હું એકલો જ નથી, મારું આખું મિત્ર વર્તુળ- અમે બધા સાથે મળીને શ્રવણ મહિનો ઉજવીએ છીએ. અમારા માટે તો જાણે 45 દિવસ તહેવાર જેવા જ હોય. આ દરમિયાન અમે કોઈ જ દારૂ કે સિગારેટ પીતા નથી… કાંદા- લસણ ખાતા નથી. હું આખો મહિનો માત્ર ફ્રૂટ્સ અને લિક્વિડ- પ્રવાહી પર રહું છું. ખાસ વાત તો એ છે કે, હું 45 દિવસમાં રોજ એક શિવાલયમાં દર્શન કરવા જાઉં છું…. આ ઉપરાંત દર સોમવારે અમે બધા સાથે મળીને અભિષેક, રુદ્રી કે હવન કરીએ છીએ….
ચિંતન મહેતા
મુંબઈ- પાર્લા પરામાં રહેતા 46 વર્ષીય ચિંતન મહેતા નું કહેવું છે કે, ‘હું 45 દિવસનો શ્રાવણ મહિનો એકટાણાં કરું છું. છેલ્લાં 14 વર્ષથી હું શ્રાવણ મહિનામાં અને શિવરાત્રીના દિવસે પશુપતિનાથ અચૂક જાવ છું. આ 45 દિવસ માટે દારૂ કે સિગારેટનો ત્યાગ કરો છો?’ એના જવાબમાં ચિંતન રસપ્રદ વાત કરતા કહે છે કે, ‘શિવજીને પૂજવા માટે કઈ ત્યાગ કરવાની જરૂર નથી. તમે નાહ્યા વગર પણ દૂધ ચડાવા જાવ તો પણ ભગવાન નારાજ નથી થતા. શિવજી તો તમારી શ્રદ્ધા જુવે છે. ઘણાં વર્ષોથી ચાલતું આવ્યું છે કે દારૂ નહીં પીવાનો એટલે હું પણ એ નિયમ પાળું છું. બાકી એનું સેવન ન કરવાનું કોઈ ચોક્કસ કારણ નથી. જ્યારથી હું પશુપતિનાથ ગયો છું ત્યાર પછી મારી શ્રદ્ધા એક અતૂટ વિશ્વાસમાં ફેરવાઈ છે કે ચોક્કસ એક શક્તિ છે, જે આપણી સાથે છે અને જે અનંત છે.’
આ પણ વાંચો…આ પણ બની શકે એક આદર્શ નિવાસસ્થાન