લાડકી

દરેક યુવતીની પહેલી પસંદ પ્રી સ્ટિચ્ડ સાડી


ફેશન પ્લસ -પ્રતીમા અરોરા

સાડી આપણાં દેશની પરંપરાનો જ એક ભાગ છે. દરેક પ્રસંગે પહેરવામાં આવતી સાડી મહિલાની શોભામાં વધારો કરે છે. વર્તમાનમાં સાડી પહેરવું કેટલીક મહિલાને થોડું મુશ્કેલ લાગે છે. જોકે હવે ફેશનના ભાગરૂપે સાડી પહેરવી પણ સહેલું બની ગયું છે. હવે માર્કેટમાં પ્રી સ્ટિચ્ડ સાડીઓ મળવા લાગી છે. આ રેડીમેડ સાડીને સ્કર્ટ સાથે પહેરવામાં આવે છે, જેને બ્લાઉઝ સાથે જોડવામાં આવે છે, જેની પ્લીટ્સ અને પાલવ અગાઉથી બનેલો હોય છે. એને પહેરીને તમે ઝડપથી તૈયાર થઈ શકો છો.

આજે નાના-નાના બુટિકમાં પણ આ સાડીઓ સહેલાઈથી મળી શકે છે. એમાં પણ નવા નવા વર્ઝન માર્કેટમાં અવેઇલેબલ છે. એમાં અલગ પ્રિન્ટ, ડિઝાઇન, સ્ટાઇલ અને ડિઝાઇનર બ્લાઉઝ પણ જોવા મળે છે. એથી જે લોકોને સાડી પહેરવુ કંટાળાજનક લાગતું હતું, તેમના માટે આવી પ્રી સ્ટિચ્ડ સાડી સારો પર્યાય છે. આવી સાડીમાં ના તો પ્લીટ્સ વાળવાની સમસ્યા, ના તો પાલવને પિન-અપ કરવાની તકલીફ. સાથે જ સાડીને પ્રેસ કરવાથી પણ છુટકારો. આવી સાડીમાં મટિરીયલ એવું હોય છે કે જેમાં ક્રીઝ નથી થતી. એને કેમ પણ વાળીને રાખી શકો છો.

જે મહિલા સાડી પહેરવા માગે છે, પરંતુ એ પહેરવી મુશ્કેલ લાગે છે. તેમની તો સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. અગાઉ પરંપરાગત સાડીઓ મોંઘી અને હેવી રહેતી હતી. એ પહેરવી અને સંભાળવી પણ માથાનો દુખાવો હતી. પ્રી સ્ટિચ્ડ સાડીએ આ તકલીફનું પણ સમાધાન આપી દીધું છે. ઓછા બજેટમાં સારી પ્રિન્ટેડ, રંગ અને ડિઝાઈનમાં આવી સાડીઓ ઉપલબ્ધ છે. સાડીમાં બોર્ડરને જાળવવી, બ્લાઉઝ પીસ કાઢીને સીવડાવવું એ બધાથી હવે છુટકારો મળી ગયો છે. રેડીમેડ સાડીમાં આવી કોઈ પરેશાની નથી. એને અલગ-અલગ સ્ટાઇલમાં તમે કૅરી કરી શકો છો. આવી સાડીઓ દરેક શરીરના આકારમાં મળી રહે છે. આ સાડીઓ બનારસી કે અન્ય સીલ્કની સાડીની સરખામણીએ હલકી હોય છે. રેડી-ટૂ-વિયર સાડીઓ હલકી અને કમ્ફર્ટેબલ હોય છે. આ સાડીની વિશેષતા એ છે કે એને તમે સ્કર્ટ કાં તો જીન્સ ઉપર પણ પહેરી શકો છો. સાડી મહિલાના વ્યક્તિત્વમાં નીખાર લાવે છે. જેમ-જેમ સમય બદલાયો તેમ-તેમ સાડી પહેરવાની સ્ટાઇલમાં પણ પરિવર્તન આવ્યું. અગાઉ સાડી 9 ગજની રહેતી હતી. હવે એ 6 ગજની થઈ ગઈ છે.

સાડીની સાથે બ્લાઉઝમાં પણ ઘણી વિવિધતા આવી છે. મહિલાઓ ડિઝાઇનર સાડી અને બ્લાઉઝની સાથે-સાથે ફુટવિયરમાં પણ બદલાવ લાવી છે. તેઓ સાડીની સાથે બૂટ્સ, હિલ્સ, ફ્લેટ્સ અને ચપ્પલ પહેરે છે. બ્લાઉઝમાં પણ વિવિધ ટ્રેન્ડ જોવા મળે છે. એમાં સ્ટ્રેપલેસ, બેકલેસ, ચોલી કટ અને એવી અનેક સ્ટાઇલ આવી છે. પ્રી સ્ટિચ્ડ સાડીઓ કૉટન, સીલ્ક, ર્જ્યોજેટ, ઓર્ગેન્ઝા, નેટેડ અને અન્ય આધુનિક સ્ટાઇલમાં જોવા મળે છે. દરેક ઉંમરની મહિલા અને દરેક તબક્કાની સસ્તી અને મોંઘી સાડીઓ મળી રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button