લાફ્ટર આફ્ટર : પ્રેસિડેન્ટને ‘ભાવભર્યો ભારે’ પત્ર | મુંબઈ સમાચાર
લાડકી

લાફ્ટર આફ્ટર : પ્રેસિડેન્ટને ‘ભાવભર્યો ભારે’ પત્ર

  • પ્રજ્ઞા વશી

વસંતભાઈની વસંત ભર વસંતમાં કરમાઈ જવા આવી હતી. નિવૃત્ત થયા બાદ પેરિસની ગલીઓમાં ફરવાનાં સપનાં જોયાં હતાં. કેનેડા, યુરોપ, લંડન, અમેરિકા જઈને યુવાનોની માફક ફોટોશૂટ કરવાનો ઍજન્ડા મનોમન આકારી દીધો હતો. પત્ની લલિતાને પણ ફરવા જવાનું લિસ્ટ આપી દીધું હતું, પણ હાય રે કિસ્મત! અમેરિકા જવાનું થયું પણ જ્યારે ઘૂંટણ ઘસાઈ જવા આવ્યાં અને અન્ય અંગો પણ જડવત્ થવા લાગ્યાં હતાં ત્યારે…

એકના એક દીકરાને ત્યાં દીકરો આવ્યો એટલે વસંતભાઈની અને લલિતાબહેનની ટિકિટ આવી ગઈ. ફરી વસંતભાઈની વસંત મનોમન ખીલી ઊઠી, પણ હાય રે કિસ્મત! દીકરાના લલ્લાને સ્ટ્રોલરમાં નાખીને સવારથી સાંજ બાળ ઉછેર પ્રવૃત્તિમાં ગળાબૂડ લાગી ગયાં.

વસંતભાઈની લલિતા ઉર્ફે લતા પણ ભર વસંતનાં સપનાં ધીરે ધીરે ભૂલીને હાલરડાં ગાવા લાગી.

નાકે આવેલા બગીચામાં રોજ સ્ટ્રોલર લઈને વસંતભાઈ એની લતા અને લલ્લાને લઈને દો બેચારે જેવા બાંકડે બેસતાં, પણ ધીમે ધીમે ખબર પડી કે અહીં ખરી પડવાની તૈયારી જેવા ઘણા શૂરવીરો સ્ટ્રોલર લઈને કંઈક આવા હાલરડાં ગાતાં હતાં: ‘સૂઈ જા રે લલ્લા સૂઈ જા. તું ઊંઘે તો કંઈક અમને સૂઝે. તારે ખાતર વાડી વજીફા છોડી અહીં આવ્યાં. પિઝા-પાસ્તા ખાઈ ખાઈને ચક્કર આવવા લાગ્યાં. ભર વસંતે પાનખર જેવાં અમે અમેરિકામાં શા માટે આવ્યાં…
સપના આખર સપના હોય એ મોડે મોડે સમજ્યાં. સૂઈ જા લલ્લા સૂઈ જા…’

પણ લલ્લો જો ધરાર ઊંઘે! અમેરિકાનું પ્યોર દૂધ પીને લલ્લો ઊંચકવો પણ અઘરો. લતાની કેડ ગઈ ને વસંતની તો ડાળે ડાળ સુકાવા લાગી. ધીમે ધીમે દાદા- દાદી અને નાના-નાનીઓનું સંગઠન થયું અને નક્કી થયું કે પ્રેસિડેન્ટ ઑફ અમેરિકાને આપણા અણ ઉકેલાયેલ પ્રશ્નો અંગે પત્ર લખવો. દરેક પીડિત વયસ્કોએ એક એક સૂચન લખાવ્યાં.

સુજ્ઞ પ્રેસિડેન્ટશ્રી,

નમસ્કાર!

અમો પત્ર લખનાર જુદા જુદા દેશનાં તમારા દેશમાં વખાના માર્યાં ભૂલમાં આવી ચડેલાં વયસ્કો છીએ…

ભાઈ પ્રેસિડેન્ટ, અમારા જાણ્યા પ્રમાણે એટલી તો ખબર પડી છે કે તમો વરસો ત્યારે બહુ વરસો છો અને ક્રોધે ભરાવ છો ત્યારે નહીં ધારેલા ફતવા બહાર પાડી દો છો. જો કે જ્યારે એનાં પરિણામ અંગે તમને ખોટ ખાયાનું પ્રતિપાદિત થાય ત્યારે તમે તમારા પતંગની દોર ઢીલી છોડો છો. જુઓ ભાઈ, તમારે અન્ય દેશ સાથે જેવાં ગતકડાં કાઢવાં હોય તે કાઢવાં, પણ ગાંધીજીની ભૂમિ સાથે ચેડાં કરવા નહીં. ભાઈ, તું શેર છે તો અમારા પ્રેસિડેન્ટ સવાશેર છે એ ભૂલવું નહીં. (થોડી આડવાત થઈ ગઈ. ‘ઘરનો બળ્યો ગામ બાળે એવું છે…’ તો માફ કરશો.)

આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : દાંત સાથે ચેડાંના ચક્કર…

-તો ભાઈ, અમારી વડીલોની કેટલીક માગણી, કેટલાંક સૂચનો છે. એના ઉપર તમો તમારી પત્ની સાથે બેસીને વિચાર કરીને આખરી નિર્ણય લેશો, કારણ કે અમારી માગ ઘરેલુ અને સામાજિક હિત માટેની છે. તેથી માનવતાના ધોરણે પ્રથમ ક્રમે મૂકીને વિચારશો તો ગમશે.

આવાં કાર્યોમાં કોઈ ટૅરિફના પ્રશ્નો વચ્ચે લાવશો નહીં. કારણ કે ભવિષ્યમાં કદાચ તમારે પણ અમારી જેવાં ઘરેલુ કામો તેમજ બાળ ઉછેર પ્રવૃત્તિના શિકાર થવું પણ પડે. ઘડી પછીની આપણને ક્યાં કંઈ ખબર છે!

સોરી, થોડીક સલાહ અપાઈ ગઈ. અમારે ત્યાં આમ પણ વયસ્કો સાઠ વર્ષ પછી સલાહ સૂચન અને આશીર્વાદ આપવા તેમજ બાળ ઉછેર માટે કામ આવે છે. જો કે અમને અમેરિકાના વયસ્કોની ઈર્ષા આવે છે, કારણ કે એ લોકો યુવાનીમાં જ બાળકોને કહી દે છે: ‘જા, તું તારે રસ્તે અને અમે અમારે રસ્તે.’

હવે સીધા મુદ્દા પર આવું છું.

તમારે અહીં લાકડાના ઘરની જગ્યાએ સિમેન્ટ કોંક્રિટના પાકા ઇન્ડિયા જેવાં ઘરો બનાવવા, કારણ કે અહીં રાતના અમને ઊંઘ આવતી નથી. ધીમે રહીને અમે વહુની કુથલી કરીએ છતાં લાકડાના ઘરમાં વહુ સાંભળી લે છે ને સવારે ઘરમાં મહાભારત ખેલાઈ જાય છે… રોજ રાતે અમારે ચા-નાસ્તો કરવો હોય, પણ ચોર પગલે ચાલવા છતાં વહુને ડિસ્ટર્બ થાય છે અને અમારી ચોરી પકડી પાડે છે તે નફામાં!

અહીંના દરેક વયસ્કોને બાગમાં સૂવાની સગવડ કરી આપવી. જેથી સ્ટ્રોલરમાં લલ્લો ઊંઘે અને પોચા પોચા બાંકડા ઉપર અમે પણ ઊંઘ કાઢીને જ એકવરા ઘેર જઈએ.

એક બે કાયદા એવા પણ બનાવો કે વધારેમાં વધારે ત્રણ મહિના પછી આ વયસ્કોને પૂરાં સન્માન સાથે પરત મોકલવા. પિઝા, પાસ્તા, કોકની જગ્યાએ દાળ, ભાત, શાક, ભજિયાં, પાતરા, પૂરી વગેરેનું ક્યાં તો ઘરમાં બને અથવા તો ટિફિનની વ્યવસ્થા જો કરી આપશો તો અમે તમારાં ઋણી થઈશું.

અરે, હા! બની શકે તો ગલીએ ગલીએ ભેલ, પાણીપૂરી ને ગરમાગરમ ભજિયાંની લારીઓ શરૂ કરાવો. અમારા ભારતની જેમ ગૃહવિકાસ, લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન… ‘સબકા સાથ સબકા વિકાસ ‘જેવાં પ્રોત્સાહિત બેનરો હેઠળ ગરીબોને ઉન્નતિના રસ્તે લઈ જાવ. તમારે આવાં કાર્યો માટે વધારે માહિતી, જ્ઞાન અને પ્રોત્સાહન જોઈતું હોય તો લાલ જાજમ પાથરીને અમારા વિદેશમંત્રી કે પ્રમુખશ્રીને આમંત્રિત કરવા રહ્યા. અમે આવા પરોપકારના કામ કરવા માટે ઠેર ઠેર જઈએ જ છીએ. એમાં અમે કોઈ ટૅરિફ કે નફા ખોટને વચ્ચે લાવતાં નથી. લારી ગલ્લા સંસ્કૃતિ માટે અને લારી ઉદ્યોગો ચલાવવા માટે તમને માણસોની જરૂર પડે તો એક માગો તો લાખો માણસો તમને વિનામૂલ્યે મળશે.

-અને હા… તમારે ત્યાંના પાણીથી અમારા બધાના ઘેઘૂર વડલા જેવા વાળ ઊતરી ગયા એનું શું? એક તો અહીં ઠંડી પુષ્કળ પડે. ઉપરથી અહીં અમારું માથું છાપરા વગરનું! બોલો, અમે કેવી રીતે અહીં શિયાળો કાઢીએ? કમિટી બેસાડીને આર્થિક સહાય જરૂરથી આપશો તો તમારી સાથે મૈત્રી રાખેલી લેખે લાગશે.

ભાઈ, તમે અમારા યોગા, અમારું સંગીત, અમારા વૈજ્ઞાનિકો, અમારા એન્જિનિયરોથી લઈને અમારા સ્કિલ વર્કરો લઈ લીધા… ઠીક છે ભાઈ, એ માટે અમે તમને માફ કરીએ છીએ, પણ એના બદલામાં તમારે અમને શું શું આપવું જોઈએ તેનું અમે તમને એક લિસ્ટ જણાવીશું.

હવે છેલ્લી માંગ એ છે કે દરેક ઘરમાંથી કેમેરા પણ કઢાવી નાખવા, કારણ કે હવે ડોસા ડોસી શું અને કેટલું ખાય છે એ પણ એમાં દેખાય અને એનું પરિણામ તો… તમને શું કહું ભાઈ!

અમારે ત્યાં તો ઘરનાં બારણાં બારે માસ ખુલ્લાં બારણે આવેલો ભિખારી હો ભૂખ્યો ના જાય એમ તમે હો ઠેર ઠેર પરબ ખોલાવજો.

અને… તા.ક.

ભજિયાં તેમજ ભેલપૂરી, પાણીપૂરીની લારીઓનું ભૂલતા નહીં. ….બસ, ભૂલચૂક લેવી દેવી. કોઈ બફાટ થઈ ગયો હોય તો અમારાં બાળકોને હેરાન ના કરશો.

લિ. તમારા હિતવર્ધકના આશીર્વાદ.

આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : કવિતા પણ કેવી કેવી રચાશે?!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button