ઈયર કફ બનાવે છે તમને આકર્ષક ને સુંદર

ફોકસ પ્લસ -પ્રતિમા અરોરા
ઈયર કફ એટલે કાનમાં પહેરવામાં આવતું ફંકી આભુષણ. જેને કાન વિંધાવ્યા વગર પહેરી શકાય છે. ઈયર કફની ફેશન આમ તો ઘણી જૂની છે. આમ છતાં એ પહેરો એટલે લુક હટકે લાગે. એને કોઈપણ ડ્રેસ, સાડી કે ઇન્ડો-વેસ્ટર્ન પર કે પછી કોઈપણ ફંક્શનમાં પહેરી શકાય છે. આ ઈયર કફ દરેક વયની યુવતીઓ પર ખીલી ઉઠે છે. જોકે વનપીસ, ટ્યૂનિક, ઈવનીંગ ગાઉનની સાથે પહેરવામાં આવે તો એ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. આ ઈયર કફ અનેક ડિઝાઇન અને શેપમાં મળે છે. એમાં પણ બટરફ્લાય અને હાર્ટના શેપના ઈયર કફ ખૂબ પૉપ્યુલર છે.
જો તમે એક જ કાનમાં ઈયર કફ પહેરવા માગો છો તો ફુલોની ડિઝાઈન બેસ્ટ ઓપ્શન રહેશે. વેસ્ટર્ન ગાઉન પર એ નીખરી ઉઠશે. આ ઈયર કફની ખાસિયત એ છે કે એને પહેરવા માટે કાન વિંધાવવાની જરૂર નથી પડતી. એથી એક કાનમાં તમે ઘણી બધી ડિઝાઈનને કૅરી કરી શકો છો.
હલકા અને હેવી ડિઝાઈન સિવાય ચેનવાળા ઈયર કફ પણ ખૂબ પસંદ કરવામાં આવે છે, જે લૂકને પર્ફેક્ટ બનાવે છે. પાર્ટીમાં કે પછી લગ્નમાં હેવી ગોલ્ડ અને સિલ્વર ચેનવાળા ઇયર કફ તમારી પર્સનાલિટીને નીખારે છે. જીન્સ પહેર્યું હોય તો પણ ઈયર કફ પહેરી શકાય છે. સાડી પર જો ઈયર કફ પહેરવાના હોવ તો એથનિક ડિઝાઈન પસંદ કરવી.
અન્ય જ્વેલરી સાથે ઈયર કફ પણ સારો ઉઠાવ આપે છે. જો તમે મોટા ઈયર કફ પહેરવાના હોવ તો એને એક કાનમાં જ પહેરો. સાથે જ હાર, કંગન અને અંગુઠીઓ સાથે બૅલેન્સ કરવું. જો તમે એક હૂકવાળો ઈયર કફ પહેરવાના હોવ તો એની સાથે હેવી નેકલેસ પહેરવો જોઈએ. જો ઈયર કફ મોટા હોય તો નાના નેકલેસ કે પછી સિમ્પલ જ્વેલરી સાથે એને પહેરવા.
ઈયર કફ તમારા લૂકને હટકે બનાવે છે અને કોઈપણ ફંક્શનમાં તમે નોખા તરી આવો છો. એના માટે અનૂકુળ હેર-સ્ટાઇલ પણ હોવી જોઈએ. તો જ તમે આકર્ષક દેખાશો. વાળને બાંધવા જોઈએ અને જો વાળ ખૂલ્લા રાખવા હોય તો એને એવી રીતે પાર્ટિશન કરવા જેથી જ્યાં ઈયર કફ પહેર્યાં છે ત્યાં ઓછા વાળ આવે. જોકે પ્રયાસ કરવો કે ખૂલ્લા વાળ સાથે ઈયર કફ ન પહેરવા, કેમ કે એનાથી કાન ઢંકાઈ જાય છે. હેર-સ્ટાઇલ એવી કરવી કે જેનાથી ઈયર કફ સારી રીતે ચહેરા પર દેખાઈ આવે અને તમારી સુંદરતામાં નવો નીખાર આવે.
આપણ વાંચો: વર્કિંગ વુમન એન્ડ ઓવરઓલ…