
કૌશિક મહેતા
ડિયર હની,
આપણી દીકરી મોટી થઇ ને ધોરણ બાર પાસ થઇ પછી શું કરવું એની મથામણ હતી. દરેક ઘરમાં આવી મથામણ થતી જ રહે છે. દીકરો કે દીકરી એને શું બનાવવા એ મા-બાપ જ નક્કી કરે છે , પણ દીકરો કે દીકરી શું બનવા ઈચ્છે છે એ એમને મોટાભાગે પૂછવામાં આવતું નથી અને એમાંથી જ બધી સમસ્યા પેદા થાય છે. આપણે પણ એમાંથી પસાર થયા છીએ. બીજાં મા- બાપ પણ પસાર થાય છે તો અહીં ચૂક ક્યાં થાય છે?
મને બરાબર યાદ છે કે, એ સમયે સીએ બનવાનો ક્રેઝ ચાલતો હતો. હજુ ય છે. દીકરીની શાળામાં હું ગયેલો અને ત્યાંના શિક્ષકે ઘણા બધા વિદ્યાર્થીઓને એવી સલાહ આપી કે, સીએ થવાય- સીએસ થવાય…,જે વાત આપણી દીકરીની દિમાગમાં ઘૂસી ગઈ. એણે મને કહ્યું : ‘પપ્પા, મારે સીએ થવું છે…’ પછી આપણે ત્રણેયે વાત કરી હતી ને એને કહેલું કે બેટા, સીએ થવામાં મહેનત ઘણી બધી કરવી પડશે. એ માટે તૈયાર છે ને ..? એણે કહેલું કે, હું મહેનત કરીશ…. એણે મહેનત કરી. કલાસીસ પણ જોઈન કર્યા. આઈપીસીસી પહેલું પગથિયું ગણાતું. હવે તો એનું નામ બદલાઈ ગયું છે, પરીક્ષા નજીક આવી.
પરીક્ષા આપ્યા બાદ એને વિશ્વાસ હતો કે, પાસ થઇ જશે. પણ પરિણામ આવ્યું તો એ નાપાસ થયેલી. બહુ રડી હતી એ દિવસે. ત્યારે મેં કહેલું કે, બેટા, કોઈ વાંધો નહિ. હજુ બીજી વાર ચાન્સ લઈએ. તારી તૈયારી હોય તો મને ફી ભરવામાં કોઈ વાંધો નથી. એ અવઢવમાં હતી કે, બીજી વાર પરીક્ષા આપવી કે નહિ? સાંજ સુધી એની આંખો ભીની થતી રહી. અને સાંજે કહે કે, ‘પાપા, મારે સીએ નથી થવું…’ મેં પૂછેલું, તો શું કરવું છે ? એને કહ્યું કે, ‘પપ્પા, મારે તો ઇન્ટિરીયર ડિઝાઈનિંગ કરવું છે. મને થયું કે, આ નવું શું આવ્યું? આપણે ત્રણેયે ફરી વાત કરી આખરે નક્કી કર્યું કે, એ ચાહે છે એ જ એને કરવા દઈએ. હું વલ્લભવિદ્યાનગર ભણેલો અને ત્યાં આવી બહુ પ્રતિષ્ઠિત કોલેજ છે એ મને ખબર હતી. ત્યાં સંપર્ક કર્યો તો ખબર પડી કે ત્યાં તો એડમિશનની પ્રોસેસ પૂરી થઇ ગઈ છે… મારાથી મોટોભાઈ પણ ત્યાં રહે. એમણે અન્યત્રે પણ તપાસ કરી તો ખબર પડી કે, એ જ વર્ષથી નવી કોલેજ શરૂ થઈ છે. ત્યાં વાત કરી તો એના ડિરેક્ટર સાથે ઓળખાણ નીકળી અને આપણે નક્કી કર્યું કે, બીજા દિવસે વલ્લભવિદ્યાનગર પહોંચીને પહેલા તો કોલેજ જોઈ અને પ્રિન્સિપલને મળ્યા. તું પણ સાથે હતી. દીકરીને પૂછ્યું કે, બોલો શું કરવું છે?
એડમિશન લેવું છે? દીકરીએ હા પાડી એટલે ત્યાં જ બધી પ્રક્રિયા પૂરી કરી. દીકરીને હોસ્ટેલમાં મૂકી, એનો સામાન મુક્યો. મનમાં ઉચાટ તો હતો. તું તો મારા કરતાં વધુ ડિસ્ટર્બ હતી, કારણ કે પહેલીવાર દીકરી ઘરથી દૂર જઈ રહી હતી. મને એ ઉચાટ હતો કે, ગુજરાતી મીડિયમમાં એ ભણી છે અને અહીં તો અંગ્રેજી મીડિયમ છે…. આપણે બંને હોસ્ટેલમાંથી બહાર નીકળ્યા દીકરીની વિદાય લીધી ત્યારે તારી આંખમાં આંસુ હતા. મેં કહેલું કે, એની સામે રડમાં, નહિ તો એ ય ઢીલી પડી જશે.
પણ મને બરાબર યાદ છે કે આપણી દીકરી મક્કમ હતી. પછી શું થયું એ આપણે જાણીએ છીએ. એ સારા માર્ક સાથે પાસ થયેલી. ચાર વર્ષ ઘરથી દૂર રહી. હા, એને કેટલીક સમસ્યાઓ આવતી. ખાસ કરીને અંગ્રેજી માધ્યમના કારણે. એ મને પૂછતી રહેતી. હું એના પ્રશ્નોના જવાબ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં એને વળતો મેલ કરતો. એટલે એને બરાબર સમજાય. આ રીતે એ શીખતી ગઈ અને આપણી અપેક્ષા કરતાં એ વધુ સારી રીતે પાસ થઇ. એટલું જ નહિ પાસ થયા બાદ એણે બે ત્રણ જગ્યાએ આર્કિટેક્ટને ત્યાં કામ કર્યું. એણે પોતે પણ એકાદ બે પ્રોજેક્ટ કર્યા.
કહેવાનું એ છે કે, દીકરો હોય કે દીકરી, એની મરજી પૂછી એની કારકિર્દી એને જ નક્કી કરવા દો. ઘણાં મા-બાપ તો પોતાનાં અધૂરાં સપનાં સંતાન પર થોપે છે. બાળકનાં ખભા એ ભાર વહન કરી શકતા નથી ને તૂટી જાય છે. પરીક્ષાના જીવનમાં જ નહિ, જીવનની પરીક્ષામાં પણ એ પછી નાપાસ થાય છે. પાયો ખોટો નખાય તો મકાનનું ચણતર બરાબર ક્યાંથી થાય ?
દરેક મા બાપે આ વાત સમજવાની જરૂર છે.
તારો બન્ની
આ પણ વાંચો…બાળક ના થવા માટે જવાબદાર કોણ?