ડોટર્સ ડે: શા માટે ઉજવાય છે અને કઈ રીતે દીકરી સાથે બોન્ડ મજબૂત બનાવશો, જાણો અહીંયા…
આજે 24મી સપ્ટેમ્બર એટલે કે ડોટર્સ ડે. પરંતુ શું તમે આ દિવસ કેમ ઉજવવામાં આવે છે એની પાછળનો ઈતિહાસ કે સ્ટોરી જાણો છો? નહીંને આજે અમે તમને એના વિશે જણાવીશું અને હિંદુ ધર્મમાં દીકરીનું શું મહત્ત્વ છે એના વિશે વાત કરીશું.
દર વર્ષે 24મી સપ્ટેમ્બરના દિવસે ડોટર્સ ડે તરીકે ઊજવવામાં આવે છે અને માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં આ દિવસ ઊજવવામાં આવે છે.
ડોટર્સ ડે ક્યારથી ઊજવવામાં આવે છે એની વાત કરીએ તો વર્ષ 2007થી તેની ઊજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી અને આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ એવો હતો કે ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં પુત્રોને વધુ મહત્વ આપવામાં આવતું હતું. લોકોની આ વિચારસરણીનો અંત લાવવા અને પુત્ર અને પુત્રીને સમાન દરજ્જો આપવાનો હેતુ હતો.
હિંદુ ધર્મની વાત કરીએ તો જ્યારે પણ કોઈ હિંદુ પરિવારમાં દીકરીનો જન્મ થાય છે ત્યારે ઘણી વાર એવું કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મી આવી છે.
તેનું કારણ એ છે કે દીકરીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સદાચારી વ્યક્તિના ઘરે જ દીકરીનો જન્મ થાય છે, કારણ કે માતા લક્ષ્મી ક્યારેય અધર્મીઓના ઘરમાં વાસ કરતી નથી. હિન્દુ ધર્મમાં દીકરીઓને દેવીની જેમ પૂજનીય માનવામાં આવે છે અને તેથી જ દીકરીઓ કે કુંવારી છોકરીઓએ કોઈના ચરણ સ્પર્શ ન કરવા જોઈએ.
હિંદુ ધર્મમાં દીકરીના જણાવેલા મહત્ત્વથી માહિતગાર થયા બાદ આગળ વધીએ અને વાત કરીએ કે આજના આ દિવસે કઈ રીતે તમે દીકરીને પરિવાર અને સમાજમાં ગરિમાપૂર્ણ દરજ્જો આપી શકો છો અને તેના મિત્ર બની શકો છો-
સૌથી પહેલો તમારી પુત્રીની તુલના તેના મિત્રો, પડોશીઓ અથવા ભાઈ-બહેનો સાથે ન કરો. દીકરીની સરખામણી બીજા સાથે કરીને તમે તેના પર દબાણ લાવો છો અને તે આ કારણોસર તે ચિડાઈ શકે છે. તે જ સમયે, તેમને એવું પણ લાગશે કે તમે તેમના ગુણોનું સન્માન નથી કરતા, જેના કારણે તેઓ તમારી જાતને તમારાથી દૂર કરવાનું શરૂ કરી શકે છે.
ઘણી વખત એવું બને છે કે તમારી પુત્રી તમારી સાથે કંઈપણ શેર કરતી નથી કારણ કે તેણીને લાગે છે કે તમે તેની વાત સાંભળશો નહીં કે સમજી શકશો નહીં. પરિણામે તેની વાત સાંભળીને તેને સમજવાનો પ્રયાસ કરો. આવું કરવાથી તમારી અને તેની વચ્ચેનું અંતર ઘટી જશે.
જો તમારામાં વિશ્વાસ રાખીને તેણે તમારી સાથે કોઈ વાત શેર કરી છે તો તે તમારા સુધી જ રાખો અને એમાં પણ ખાસ કરીને તેના મિત્રો અને પડોશીઓ સાથે તો બિલકુલ નહીં. જો તમે તેની અંગત વાત બીજા કોઈને કરશો તો તે બીજી વખત તમારા પર વિશ્વાસ નહીં કરે અને આને કારણે તમે એનો વિશ્વાસ ગુમાવી બેસશો.
શક્ય છે કે અન્ય છોકરીઓની સરખામણીએ તમારી દીકરીના શોખ તદ્દન અલગ હોઈ શકે છે એટલે તમે એના શોખને સમજવાનો પ્રયાસ કરો. તેથી તેના શોખમાં રસ લેવાનો પ્રયાસ કરો. ઘણીવાર તમારી દીકરી તમારી સાથે સમય વિતાવતી નથી કારણ કે તમે તેને ગમતી વસ્તુઓમાં રસ લેતા નથી. આવી સ્થિતિમાં તેમની પસંદ-નાપસંદ જાણવાનો પ્રયાસ કરો. આ તમારા બોન્ડને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.