વિશેષઃ દીકરીઓનો પણ દિવસ ઉજવાય છે, જાણો છો?

રાજેશ યાજ્ઞિક
ભારતના ધાર્મિક-સામાજિક માળખામાં નારીશક્તિ વિશે ખૂબ વાતો થાય છે. કેવી રીતે આપણાં શાસ્ત્રોમાં સ્ત્રીને દેવી અને માતાની ઉપમા આપી છે, કેવી રીતે સ્ત્રી એક શક્તિ છે વગેરેની ગૌરવશાળી વાતો આપણે સાંભળી છે અને સાંભળતા રહીએ છીએ. ભારતના પ્રાચીન ઇતિહાસમાં સ્ત્રી ગૌરવની આ કથાઓ આપણને એક માનસિક સંતોષ જરૂર આપે છે કે આપણે સ્ત્રી સન્માન અને સ્ત્રી અધિકારમાં દુનિયાથી જોજનો આગળ છીએ.
પણ સિક્કાની બીજી બાજુ એ પણ રહી છે કે, જ્યાં એક તરફ આપણે દીકરીને વ્હાલનો દરિયો કહીએ છીએ, તો બીજી બાજુ તેને સાપનો ભારો પણ કહેવાય છે. આજે એકવીસમી સદીમાં પણ દીકરીનો જન્મ ઘણી જગ્યાએ ઉજવણીનું કારણ નથી બનતો એ વરવી હકીકત છે.
વિશ્વમાં પણ સ્ત્રીઓની સ્થિતિ કંઈ બહુ સારી કહેવાય તેવી નહોતી. આખી દુનિયા જાણે પુરુષથી જ ચાલતી હોય તેવું વાતાવરણ હતું. એકબાજુ સ્ત્રીઓ વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ સક્રિય હતી, તેમ છતાં સ્ત્રીઓને ચૂંટણીમાં મતદાનનો અધિકાર નહોતો, ચૂંટણી લડવાની વાત તો દૂર રહી. પણ ઓગણીસમી સદી આવતા આવતા આ ચિત્ર થોડું બદલાતું થયું.
તેમ છતાં સમાજની માનસિકતામાં રહેલો ભેદ દૂર થતાં વર્ષોનાં વહાણા વીતી ગયાં. અને આજે પણ દરેક જગ્યાએ સ્ત્રીને સમાન નજરે જોવાય છે, એવું કહેવા જેટલા આપણે સક્ષમ છીએ? એ પ્રશ્ન તો ઊભો જ છે.
આવી પરિસ્થિતિમાં પરિવાર અને સમાજમાં દીકરીઓના અદભુત યોગદાનને બિરદાવવા અને સમાજની વિચારધારામાં પરિવર્તન લાવવા ‘દીકરીઓનો દિવસ’ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. પણ આવો કોઈ દિવસ ઉજવાય છે તેની આપણને જાણ છે ખરી? અમેરિકામાં તો રાષ્ટ્રીય દીકરી દિવસનો લાંબો ઇતિહાસ છે. ત્યાં ઓછામાં ઓછો 1932 થી આ દિવસ ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો…વિશેષઃ એક એવું મંદિર જ્યાં દેવી અગ્નિસ્નાન કરે છે!
ધીમે ધીમે વિશ્વના અન્ય દેશો પણ આમ જોડાતા ગયા. જોકે, કોઈ ચોક્કસ માળખામાં આ દિવસની ઉજવણી શરૂ નહોતી થઇ, પરંતુ વિશ્વના ઘણા અગ્રગણ્ય દેશો, જેમાં ભારત પણ સામેલ છે, ભેગા મળીને સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારને વિશ્વ દીકરી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ બનાવવાનું મૂળ કારણ કેટલાક દેશોમાં છોકરાને બદલે છોકરી હોવાના કલંકને ભૂંસી નાખવાનું હતું, પરંતુ વિકસિત દેશોમાં દીકરી દિવસ એ દીકરી હોવાના અને દીકરીના ઉછેરના આનંદની ઉજવણી કરવાનો દિવસ છે.
આ ઉજવણી લિંગ સમાનતા અને છોકરીઓના સશક્તીકરણના મહત્ત્વ પર ભાર મૂકે છે. આ એક તક છે કે દીકરીઓને મોટા સપના જોવા, તેમના સપનાને અનુસરવા અને સામાજિક અવરોધોને તોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. આપણા પરિવારો અને સમાજને ઘડવામાં દીકરીઓની નોંધપાત્ર ભૂમિકા છે, જેને નજરઅંદાજ કરી શકાય નહીં.
દાયકાઓ સુધી આ ઉજવણી ભુલાઈ ગઈ હતી. ભારતમાં 2007માં એક ગ્રીટિંગ કાર્ડ્સ બનાવતી બહુ જાણીતી કંપનીએ દીકરી દિવસને યાદ કરીને તેના વિશેષ કાર્ડ બજારમાં મુક્યા અને તેનો પ્રચાર કરવાની શરૂઆત કરી. તેના કારણે ભારતમાં ફરી એકવાર ‘દીકરી દિવસ’ ચર્ચામાં આવ્યો.
શા માટે દીકરી દિવસ ઉજવવાની જરૂર છે?
આમ તો આપણે વિશ્વ મહિલા દિવસ ઉજવીએ છીએ, માતૃદિવસની પણ ઉજવણી કરીએ છીએ. તો પછી દીકરી દિવસ શા માટે? એવો પ્રશ્ન સહેજે થાય એમ છે. સૂક્ષ્મ રીતે જોઈએ તો મહિલા તરીકે સ્ત્રી સમાજમાં સ્થાન ભોગવે છે, માતા તરીકે સ્ત્રી લગ્ન પછી પોતાના શ્વસુર ગૃહે સ્થાન ભોગવે છે. પણ દીકરી તરીકે તે હંમેશાં જે ઘરમાં જન્મી છે, તેની સાથે જોડાયેલી રહે છે.
પરિવારોમાં, દીકરીઓ ઘણીવાર વધારાની જવાબદારીઓ લે છે- ભાઈ-બહેનોને ઉછેરવામાં મદદ કરવી, ઘરકામની જવાબદારીઓ સંભાળવી, અથવા પછીનાં વર્ષોમાં માતાપિતાની સંભાળ રાખવી. ઘણા કિસ્સામાં તો એ જે ઘરમાં પરણીને ગઈ હોય તેના ઉપરાંત પોતાના પિયરના પરિવારની જવાબદારી પણ નિભાવતી હોય છે.
ભારતમાં આપણે ક્ધયાપૂજન કરીએ છીએ, પણ એ દરેક ક્ધયા એક દીકરી તરીકે જે જવાબદારીઓ નિભાવે છે તેની ઉજવણી કરવાનું જાણતા-અજાણતા ચુકી જઈએ છીએ. તેથી જો આવો દિવસ ઉજવાય તો એ બહાને આપણે આપણી દીકરીઓને કહીએ કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.
તેમને બતાવી શકીએ કે પરિવારમાં તેમના યોગદાનની ન માત્ર નોંધ લેવાઈ છે, પરંતુ તેની કદર પણ થાય છે. તેમને એ પણ અનુભવ કરાવીએ કે તેને એ દરેક અધિકાર છે, એ દરેક સ્વતંત્રતા છે, જે પરિવારના અન્ય કોઈપણ વ્યક્તિને મળતા હોય. આવી રહેલા ચોથા રવિવારે આપણે પણ દીકરી માટે આ દિવસ વિશેષ બનાવીએ.
આ પણ વાંચો…વિશેષઃ આપણે આપણો ધર્મ સંભાળવો!