નૃત્ય મારો વ્યવસાય નહીં, મારા અસ્તિત્વનો અંશ છે
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: ૪)
નામ: સોનલ માનસિંહ
સ્થળ: સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ, ન્યૂ દિલ્હી
સમય: ૨૦૨૪
ઉંમર: ૮૦ વર્ષ
જીવન કેટલું અદ્ભુત છે! ૧૯૭૨માં મ્યુનિક ઓલિમ્પિક્સ માટેના ફોટોશૂટમાં હું જ્યોર્જને મળી હતી… એ ક્ષણ મારા જીવનની સૌથી જીવંત અને અવિસ્મરણીય ક્ષણ છે. બે વર્ષ જાણે પલક ઝપકતાં પસાર થઈ ગયાં. હું એની સાથે જર્મની શિફ્ટ થઈ ગઈ. અમે જર્મનીમાં નૃત્ય સાધનાની શરૂઆત કરી. એણે મારી કલાને આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચાડવામાં ઘણી મદદ કરી છે. જ્યોર્જ એક સારો માણસ છે, પરંતુ સાથે જ જીવવું એ અમારી નિયતિ નહીં હોય, કદાચ. ‘૨૪ ઓગસ્ટ, ૧૯૭૪ના દિવસે અમે એક કાર્યક્રમમાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે અમારો એક્સિડેન્ટ થયો. એવો ભયાનક એક્સિડેન્ટ હતો કે જોનાર કોઈપણ વ્યક્તિને લાગે કે આમાં બેઠેલી વ્યક્તિ જીવિત નહીં બચી હોય, પરંતુ અમે બંને બચી ગયાં. જોકે, મને એ એક્સિડેન્ટની અસરમાંથી બહાર નીકળતા ઘણો સમય લાગ્યો. જ્યારે ગાડી અથડાઈ અને ધડાકો થયો ત્યારે બેહોશ થવાની ક્ષણ પહેલાં મેં એક જ વિચાર કરેલો, જીવન નશ્ર્વર છે, પરંતુ કલા અમર છે. હું આ એક્સિડેન્ટમાંથી બચું કે નહીં, પરંતુ મારી કલા મારા અસ્તિત્વ પછી પણ જીવતી રહેશે એની મને ખાતરી છે.’
Also read:
જર્મનીમાં થયેલા એક્સિડેન્ટ પછી ડૉક્ટર્સે કહી દીધું હતું કે, ‘હું ચાલી શકીશ, એક સામાન્ય જિંદગી જીવી શકીશ, પરંતુ નૃત્ય નહીં કરી શકું.’ મારી આસપાસના લોકો નિરાંત થયા હતા, પરંતુ હું નહીં. મેં તૂટેલા પગે અને ભાંગેલી કરોડરજ્જુ સાથે નૃત્યની સાધના રજૂ કરી. ડૉક્ટર્સની ચેતવણી છતાં મેં નૃત્ય કરવાનું છોડ્યું નહીં. ૯ મહિનાના અથાગ પરિશ્રમ પછી ૨૦ એપ્રિલ, ૧૯૭૫ના દિવસે મેં મુંબઈના રંગભવનમાં મારો પહેલો (એક્સિડેન્ટ પછીનો પહેલો) નૃત્યનો કાર્યક્રમ રજૂ કર્યો ત્યારે પ્રેક્ષકોએ ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. હું પણ રડી પડી… આપણે સામાન્ય રીતે એવું માની લઈએ છીએ કે નિયતિએ કરેલો નિર્ણય આખરી છે… પરંતુ, નિયતિની આગળ પણ વિનંતી કરી શકાય છે, વિનંતી ન માને તો સંઘર્ષ અને સંઘર્ષ પણ ન માને તો જીદે ચડીને પણ વ્યક્તિ પોતાનું ધાર્યું કરી શકે છે એ વાતનો હું જીવતો જાગતો નમૂનો છું.
નૃત્યાંગના તરીકેની મારી કારકિર્દી તો ઉજજવળ છે જ, પરંતુ એ પછી અનેક લોકોએ મને નૃત્ય શિક્ષક તરીકે આમંત્રિત કરવાનું શરૂ કર્યું ત્યારે મને એક વિચાર આવ્યો કે, ભારતીય નૃત્ય કલાની આ અદ્ભુત પરંપરાને જીવંત રાખવી એ પણ મારી જવાબદારીનો જ એક હિસ્સો છે. મેં ઘણું વિચાર્યા પછી સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સની સ્થાપના કરી. હું બહુ નસીબદાર છું કે વિતેલી પેઢીના અનેક મહાન ગુરુઓ પાસે મને શીખવાની તક મળી. બાલા સરસ્વતી પાસે હું નૃત્ય શીખી. ભાનુમતીદેવી પાસે કુંભકોણમમાં રહીને એમના ઘરમાં હું નૃત્ય શીખી શકી… ડૉ. ટી.એન. રામચંદ્રન પાસે નાટ્યશાસ્ત્ર શીખી. રૂક્મણિદેવી અરૂડેલ ઘણી વખત અમારા ઘરે મહેમાન બન્યાં છે ને હું પણ એમને ત્યાં રહીને શીખી શકી. એથી આગળ વધીને વિચારું તો સમજાય કે, મેં કેવા કલાકારોને નૃત્ય કરતાં નિહાળ્યાં છે-મારું સદ્ભાગ્ય છે કે જે લોકો નૃત્ય શાસ્ત્રના આરાધ્યદેવ કહેવાય એવા શાંતા રાવ, કમલા લક્ષ્મણ, ગુરુ રાઉણી મેનન, કુંજુ નાયર, કુંજુ કુરૂપ અને મણિપુરીના અમોઘી સિંઘ, વેદાંતમ સત્યનારાયણ શર્મા જેવા કલાકારોને નજરે નિહાળવાની મને તક મળી છે. હું ગઈકાલ અને આજ વચ્ચેનો એક સોનેરી સેતુ બની શકી, એ વાતે મારા નૃત્યને અને મારા ઈશ્ર્વરને હંમેશાં નમન કરું છું.
Also read: પ્રથમ ભારતીય મહિલા અંતરિક્ષયાત્રી કલ્પના ચાવલા
ગઈકાલના નૃત્ય ગુરુઓ પાસેથી હું શીખી શકી. આજના કલાકારો સાથે નવી નવી ટેક્નિક અને નવા વિચારોના નૃત્યના પ્રયોગો કરવાની મને તક મળી અને આવતીકાલના અનેક કલાકારો મારી સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ, ન્યૂ દિલ્હીમાં દેશ-વિદેશથી આવીને નૃત્ય સાધના કરે છે. નવી નવી તરાહના પ્રયોગ કરે છે અને વિશ્ર્વભરમાં ભારતીય કલા, નૃત્ય અને નાટ્યશાસ્ત્રનો પ્રચાર થઈ શકે છે. પશ્ર્ચિમ અને પૂર્વ વચ્ચે એક મોટો તફાવત એ છે કે પશ્ર્ચિમમાં ‘નવતર પ્રયોગ’ અથવા ‘નવો વિચાર’ એ એક્સાઈટમેન્ટ છે, જ્યારે ભારતીય અથવા પૂર્વની સંસ્કૃતિમાં આપણી મૂળ વેલ્યૂ સિસ્ટમ-સંસ્કૃતિ ને પરંપરાને કાયમ રાખીને જે નવું વિચારી શકાય અથવા થઈ શકે એ આપણે માટે ‘પ્રયોગ’ છે. મેં નૃત્ય શાસ્ત્ર સાથે અનેક પ્રયોગો કર્યા. ઇન્દ્રધનુષ, મેરા ભારત, દ્રૌપદી, ગીત ગોવિંદ, સબરસ, ચતુરંગ, પંચક્ધયા, દેવી દુર્ગા, આત્માયન, સમન્વય જેવા અનેક શો મેં નૃત્યના વિવિધ સ્વરૂપોને એકત્ર કરીને ડિઝાઈન કર્યા. જેની ભરપૂર સરાહના થઈ.
૬૦ના દશક પહેલાં ભારતમાં ચાર જ પ્રકારના નૃત્ય પ્રચલિત હતા, ભરત નાટ્યમ, કથક, કથકલી, મણિપુરી… ૬૦ના દશકમાં પહેલી વાર ઈન્દ્રાણી રહેમાન નામની એક કલાગુરુએ ‘કુચીપુડી’ નૃત્યને ભારતીય કલા જગતની ઓળખાણ કરાવી. લોકોને ત્યારે ખૂબ નવાઈ લાગતી કે આ કયા પ્રકારનું નૃત્ય છે. કેટલાક લોકો મજાક કરતા, ‘હલવા પુરી, આલુ પુરી,’ પરંતુ સમય સાથે પણ એ નૃત્યને પોતાની ઓળખ મળી. મેં મારા નૃત્ય પ્રયોગોમાં પણ કુચીપુડીને સમ્મિલિત કર્યું. એ પછી મોહિની અટ્ટમની ઓળખ થઈ. અત્યારે સાવ નવો નૃત્ય પ્રયોગ શત્રિય અમે સૌ જુદી જ રીતે રજૂ કરીએ છીએ. ભારતના સૌથી પુરાણા નાટ્ય અને નૃત્યના મિશ્ર એવા કલા સ્વરૂપ ‘કોડીઅટ્ટમ’ને પણ જનસામાન્ય સુધી લઈ આવવાનું શ્રેય મને મળ્યું છે.
Also read: કથા કોલાજ : અમે પ્રેમમાં પડીને લગ્ન કર્યાં ને સહમતીથી છૂટાછેડા લીધા
એક નૃત્યાંગના તરીકે આજે પણ, ૮૦ વર્ષની ઉંમરે જ્યારે પાછું વળીને જોઉં છું ત્યારે દેખાય છે મણિપુરી ડાન્સ કરતી એક નાનકડી સોનલ. જેને કલ્પના પણ નહોતી કે, એક દિવસ એ ‘ડૉ. સોનલ માનસિંહ’ બનશે. ૧૯૯૨માં ‘પદ્મભૂષણ’નો અને ૨૦૦૩માં ‘પદ્મવિભૂષણ’નો અવૉર્ડ મેળવશે અને વિશ્ર્વભરમાં લોકો એના પ્રશંસક હશે… આવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. મારે માટે નૃત્ય એ પેશન હતું, એમ્બિશન કે મહત્ત્વાકાંક્ષા નહોતી. મારે ક્યાંક પહોંચવું છે, કશુંક મેળવી લેવું છે અથવા નૃત્ય દ્વારા પ્રસિદ્ધિ કે નામના મેળવવી છે એવું કંઈ મારા મનમાં નહોતું. મારે માટે નૃત્ય એ મારા અસ્તિત્વ સાથેનું એક અનુસંધાન છે-જેના દ્વારા હું મારી જાતને પામી, એ પછી હું જે પામી તે મેં જનસામાન્ય સુધી પહોંચાડ્યું. વિશ્ર્વભરમાં ભારતીય નૃત્યને વિખ્યાત કરવાનું કામ સોંપીને કદાચ મને પરમપિતાએ આ ધરતી પર મોકલી, ને મેં મારું કામ સુપેરે-પૂરી શ્રદ્ધા અને શિદ્દતથી કર્યું છે એવું હું કહી શકું છું.
એક વાર બુએનોસ એરિસમાં હું પરફોર્મ કરતી હતી. અમે મેરિ નામના એક પોએટની કવિતા, જે ક્રિશ્ર્ચિન વિભાવના પર આધારિત છે, એના ઉપર એક નાનકડું નૃત્ય રજૂ કર્યું, જ્યારે કાર્યક્રમ પૂરો થયો ત્યારે એમ્બેસેડર અને બીજા લોકો તો મને મળવા આવ્યા જ, પરંતુ એક બહુ મોટા પાદરી પણ મને મળવા આવ્યા. એમની આંખોમાં આંસુ હતાં, એમણે મારો હાથ પકડ્યો-મારી હથેળીના પાછળના ભાગે આદરપૂર્વક ચુંબન કર્યું, ઘૂંટણ પર બેઠા અને સ્પેનિશ ભાષામાં મને કહ્યું, ‘આજે તમારા નૃત્યમાં હું ક્રાઈસ્ટને જોઈ શક્યો.’ મેં મારા દુભાષિયાને કહ્યું, ‘હું જે કહું છું એને કાળજીપૂર્વક અને શબ્દશ: અનુવાદ કરજો.’ એ પછી મેં એ મહાન પાદરીને જવાબ આપ્યો, ‘મારે માટે કૃષ્ણ અને ક્રાઈસ્ટ ભિન્ન નથી. બંનેનો સંદેશ અને બંનેની વિભાવના એક જ છે. બેઉં જગતના કલ્યાણ માટે જન્મ લે છે… બંને ધર્મની સંસ્થાપના કરે છે. આપને મારા નૃત્યમાં ક્રાઈસ્ટની અનુભૂતિ થઈ એ મારું અહોભાગ્ય છે.’ આ સાંભળીને એ પાદરી ફરી રડવા લાગ્યા. એમણે કહ્યું, ‘તમે ક્રિશ્ર્ચયન છો?’ મેં કહ્યું, ‘ના. હિન્દુ છું.’ એમણે ફરી વખત મારો હાથ પકડીને મને કહ્યું, ‘તમે તમારી નૃત્યની કલા સાધના દ્વારા વિશ્ર્વને ધર્મનો સંદેશ આપી રહ્યા છો. આ સંદેશમાં તમે જે આપી રહ્યા છો એ એટલું બધું બહુમૂલ્ય છે કે એને શબ્દોમાં મૂલવી શકાય તેમ નથી. ‘હું આપને પ્રણામ કરું છું…’ આવી તો અનેક અનુભૂતિ મને અવારનવાર થઈ છે. પ્રેક્ષક ગૃહમાં બેઠેલા અનેક લોકો મારી પાસે આવીને મને કહે છે, ‘તમે અદ્ભુત નૃત્ય કરો છો…’ હું નાનકડું સ્મિત કરીને એમને નમસ્કાર કરું છું, પરંતુ હું જાણું છું કે હું જે કંઈ કરું છું એ નૃત્ય નથી, મારા ઈશ્ર્વરની-એક પરમતત્ત્વની આરાધના છે. નૃત્યની ક્ષણો દરમિયાન હું એ પરમતત્ત્વનો અંશ બની જાઉં છું. મારા દ્વારા એ પરમતત્ત્વ-એ તેજ પ્રેક્ષકો સુધી પહોંચે છે તેથી એમને મારા નૃત્યમાં કશીક અદ્ભુત, કશીક અલૌકિક અનુભૂતિ થાય છે…
Also read: ભારતની વીરાંગનાઓ : વિદેશમાં શૂટિંગ કરનાર પ્રથમ ભારતીય અભિનેત્રી: નલિની જયવંત
જન્મ સમયે બાળકની મુઠ્ઠી બંધ હોય છે અને મૃત્યુ પામતા માણસની મુઠ્ઠી ખુલ્લી … એક રીતે જોવા જઈએ તો આ બહુ પ્રતીકાત્મક છે કારણ કે, નવજાત શિશુ પોતાની મુઠ્ઠીમાં પોતાની નિયતિ લઈને આવે છે અને જીવન જીવીને ગયેલી વ્યક્તિ પોતાની સાથે લાવેલી નિયતિ, કલા, અસ્તિત્વ આ જગત માટે છોડીને ખાલી હાથે પ્રયાણ કરે છે. આ જગતમાં મને જે કંઈ મળ્યું છે એ બધું જ હું આ જગતમાં મૂકીને પ્રયાણ કરીશ, પરંતુ મારી સાથે મારી સાધના અને મારા સ્મરણો જશે, જે મારે માટે અમૂલ્ય મૂડી છે.
(સમાપ્ત)