
-પ્રજ્ઞા વશી
નાના હતાં અને જ્યારે ગામમાં રહેતાં હતાં ત્યારે વારે વારે અમારાં અથવા ઘરમાંથી કોઈ નહીં તો કોઈનાં મુખેથી આ વાક્ય સંભળાતું, ‘જરીક પાદરે ગેઈને આયવો.’ (કે આયવી) ટટટ’ સમય બદલાયો અને અમે શહેરમાં લદાયાં. ત્યારબાદ અમે ઘાંચીના બળદની જેમ રાત-દિવસ એક જ ધરી ઉપર ગોળ ગોળ ફરવા લાગ્યાં. (યાદ આવે છે ને તમને કે ‘ઘાંચીનો બળદ, ના ઘરનો કે ના ઘાટનો!’) બસ, અમે પણ બની ગયાં’ના ઘરનાં કે ના ઘાટનાં.’
પ્રવાસના અનેક પ્રકારોમાં આ પણ કદાચ એક પ્રકાર જ છે ને ભલા! કેટલાક પ્રવાસો કર્મે તો કેટલાક ભાગ્યથી તો કેટલાક આપણે જાતે ઊભા કરીએ છીએ. અમે તો પ્રવાસને નિયતિનો જ એક ભાગ બનાવીને હંમેશાં ઍન્જોય કર્યો છે , કારણ કે પ્રવાસ વિના પ્રગતિ પણ ક્યાં શક્ય છે?
જુઓ ને, વિકાસની લ્હાયમાં ગામડાંઓએ શહેરમાં પ્રવાસ કરીને અડ્ડો જમાવ્યો અને શહેરો બિચારાં હાફવાં લાગ્યાં. ‘ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે!’ એ ઉક્તિ મુજબ અમે પણ કોલેજ કરવા ગામનું પાદર છોડીને શહેરમાં ઉલેચાયાં. ત્યારે અમને અમારો એ પ્રવાસ, કે જે નાની-નાની પગલી અને ફગ્ગો ફગ્ગો રમતાં હતાં, એ સમયે બા – બાપાની આંગળી પકડીને કરેલો એ યાદ આવ્યું એટલે કે હુરત હેરમાં જન્માષ્ટમીનો મેળો જોવા ગયેલાં એ યાદ આવ્યું. દસ પૈસાની પીપૂડી, ને ફુગ્ગામાં તો જાણે સ્વર્ગનો આનંદ લૂંટેલો! પણ આજે જ્યારે શહેરમાં કાયમ માટે ચારે કોરથી ભીંસાઈ રહ્યાં છીએ… આકાશ, સૂર્ય, ચંદ્ર, તારા, પવન, પાદર જોવા તડપી રહ્યાં છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ઘરમાંથી નીકળીને ગામને પાદર જવું સહેલું હતું, પણ ગામથી નીકળીને શહેર જવું ને ત્યાં સ્થાયી થવું એટલે ‘હાથે કરીને પગ પર કુહાડી મારવા જેવો ઘાટ.’ બીજું કંઈ નહીં.
જો કે ગામ છોડેલું ત્યારે તો અમે બધા બહુ ખુશી ખુશી ગામમાં ફરી ફરીને કહી વળેલાં. ‘લ્યો, અમે તો આ ચાલ્યાં… સ્વર્ગમાં. (હકીકત નર્કમાં !) જ્યારે સામે અમને ગ્રામવાસીના નિ:સાસા સંભળાયેલા. (કે અમે કેવાં કમભાગી અને આ જનારાં કેવાં ભાગ્યશાળી છે!) કાશ! ત્યારે અમને અમારાં પાદર, ગામ, ઘર અને ખેતરોની કિંમત સમજાઈ હોત…
આ પણ વાંચો…લાફ્ટર આફ્ટરઃ એક પંથ દો કાજ
પ્રવાસ કરનારાઓ અંદરથી તો જાણતાં જ હોય છે કે કોઈપણ પ્રવાસ ક્યારેય સુવિધાજનક તો હોતો જ નથી. ઘણી બધી રીતે ખર્ચાયા પછી ઘરે આવીને એટલું સમજાય છે કે આના કરતાં તો ઘરમાં રહીને સોફા ઉપર સૂતાં સૂતાં સિંગાપોર, બેંગકોક, થાઈલેન્ડ ગૂગલ કે યુટ્યૂબ પર, ટ્રાવેલ લોગ ઉપર, ઘરનું મફત અને સ્વાદિષ્ટ ભોજન ખાતાં ખાતાં જોઈ લેતે તો પૈસા પણ બચતે અને આ પ્રવાસનો થાક વત્તા આવીને આ કપડાં ધોવાનો અને ઘર સાફ કરવાનો થાક તો ના લાગતે. (રાંડ્યા પછીનું ડહાપણ!!)
આજકાલ લોકોને વાતે વાતે ને થોડી થોડી વારે જીવનમાં ચેન્જ પરિવર્તન બહુ જોઈએ છે. ટાબરિયાં, યુવાનો, બુઢ્ઢા ઓ કે ગૃહિણીઓ પણ થોડી થોડી વારે કહેતી ફરે છે કે જીવનમાં કંઈક ચેન્જ લાવવો પડશે. ‘આઈ વોન્ટ સમ ચેન્જ ઈન લાઇફ…’
ગૃહિણી આવું બોલી એટલે પતિદેવે પાછળથી કોમેન્ટ કરી. ’પહેલાં એકરાગિતાને અંગ્રેજીમાં શું કહેવાય એ તો શીખ. કદાચ એમ કરતાં ચેન્જ મળી જાય.’ એટલું બોલ્યા અને માહોલમાં તડાફડીનો ચેન્જ આવી ગયો. અંતે એ ‘ચેન્જ’ ખાતર પતિદેવે પત્નીને સિંગાપોર, બેંગકોકની ટ્રીપ કરાવવી જ પડી.
આમ પ્રવાસ અચાનક પણ ઘડાઈ જતો હોય છે, પણ દરેક તડાફડી બાદ પતિ પ્રવાસ કરાવશે એમ સમજીને રોજ તડાફડી કરનારાઓના કેસમાં તલાક… તલાકનો પ્રવાસ ના થઈ જાય એ પણ જોવું રહ્યું.
કોલેજિયનોને તો બેન્કમાંથી લોન લઈને પણ વિદેશમાં ભણવાનો પ્રવાસ કરવો છે. ગમે તે રીતે વિઝા માટે ગમે ત્યાંથી પૈસાનું તિકડમ કરીને પણ વિદેશ ઊપડવું છે. ભલે ત્યાં ભર ઠંડીમાં… ઘૂંટણભેર બરફમાં ઠૂંઠવાતાં ઠૂંઠવાતાં, ફાસ્ટ ફૂડ ‘સબ- વે’ ના કાઉન્ટર પર કામ કરીને પણ પાર્ટ ટાઇમ ભણવાનો પ્રવાસ કરવો છે. તમે કાચી કળી છોડ ઉપરથી તોડો, તો કળીઓની શી દશા થાય? અને બંને પક્ષના વિરહી પ્રવાસની કથાઓથી આપણે અણજાણ નથી જ નથી. જોકે, હવે ચડસાચડસીનો યુગ એટલે ‘બાજુવાળો પોયરો કેનેડા ગયો ને ડૉલર લાવતો થેઈ ગીયો ને આપણા ઘરમાંથી એકેય પોયરો વિમાનમાં બેઠો નથી! કંઈ કરો… કંઈ કરો…’ ના ટકોરા ટક ટક થયા કરે ને વિમાન ભરાતાં રહે છે.
અમારાં બાજુવાળા રમીલાબહેન જ્યારે જ્યારે એના પોયરાને ત્યાં અમેરિકા જઈને આવે, ત્યારે મારી હારુ નેઇલપોલિશ, શેમ્પૂ કે પછી લિપસ્ટિક લઈ આવે અને બે કલાક મોટી મોટી ડિંગ હાંકીને જાય. જાણે કે અમે સાવ કંગાલ ના હોઈએ! એકવાર એમના પતિદેવ હારે આવેલા અને રમીલાબહેને ડિંગ હાંકવી શરૂ કરી. ત્યાં એમના ભુરાભાઈ ભુરાયા થયા કે, ‘હવે પછી તારા પોયરાની વાત કે અમેરિકાની વાત તો કરટી જ ની. ચાર દાડા’નું વાહી શાક ને બે મહિનાની વાહી દાળ, દાંત તૂટી પડે એવાં નાન ખવડાવીને તારી વહુએ મારા દાંત ઢીલા કરી મૂક્યા ને મારું બાર કિલો વજન ઓછું કરી નાખ્યું. હવે તો ગામનું ઘર ખોલીને ત્યાં ચેન્જ લેવા જવાં. પણ હવે મારે પરદેશની વાત જોઈતી નથી. હમજી?’
રમીલા તો કાપો તો લોહી નહીં નીકળે એવી થઈ ગઈ. જ્યારે અમે તો રમીલાને બતાવી દેવા માટે વેકેશનમાં અમેરિકા જવા વિચારતાં હતાં, પણ હવે ચેન્જને નામે સીધા ગામનું ઘર ખોલી, ત્યાં ઉનાળામાં નિરાંતે કેરી ખાઈને તાજામાજા થવાનો પ્રવાસ મનમાં ગોઠવી દીધો. પણ ભાઈ, આ મનરૂપી માંકડું છે. ક્યારે ક્યાંનો પ્રવાસ ગોઠવી દે એ કંઈ કહેવાય નહીં. સમજ્યા!
સાવધાન: મનફાવતા અર્થઘટન કરનારા લેભાગુ મુલ્લા – મૌલવીઓથી સાવધાન રહો.
આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : અબે, આન્ટી કિસકો કહતે હો…?!