લાડકી

મન જો મક્કમ હોય તો વિકલાંગપણું નડતું નથી… ધાર્યા ડુંગર પણ ચઢી શકો…એવરેસ્ટ વિજેતા અરુણિમાસિંહાની પ્રેરકકથા.

વિશેષઃરાજેશ યાજ્ઞિક

ઈશ્વરે જેમને સર્વાંગ સંપૂર્ણ બનાવીને આ ધરતી ઉપર મોકલ્યા છે, તેમને એક પ્રશ્ન પૂછવાનું મન થાય. જો આપણને આંખ ન હોય તો? કે સાંભળી ન શકતા હોઈએ? જો હાથ ન હોય, કે પગ ન હોય તો? શરીરનું એકેય અંગ એવું નહીં, જેની ગેરહાજરી હોય તો પણ આપણને પૂર્ણતાનો અનુભવ થાય. તેમાં પણ જન્મથી જેને બધાંજ અંગો હોય, પણ પાછળથી છીનવાઈ જાય તો તેનું દર્દ, હતાશા અવર્ણનીય હોય છે.

આજે એક એવી લાડકીની વાત કરવી છે, જે પોતાના હાથ-પગના બળે રાષ્ટ્રીય સ્તરે ઝળકી. એક બદકિસ્મત દિવસે એ અપંગ બની….અને હતાશા પછી રાખમાંથી બેઠા થવાની આ કથા આપણા સહુ માટે પ્રેરણાદાયક છે. એ લાડકીનું નામ છે અરુણિમા સિંહા.

અરુણિમા સિંહાનો જન્મ ઉત્તર પ્રદેશના લખનઊ નજીક આંબેડકર નગરમાં 1989માં થયો હતો. તેના પિતા ભારતીય સેનામાં હતા અને માતા આરોગ્ય વિભાગમાં સુપરવાઇઝર હતી. અરુણિમા બાળપણથી રમત-ગમતની શોખીન હતી. જ્યારે અરૂણિમા ચાર વર્ષની હતી ત્યારે જ તેના પિતાનું અવસાન થયું. તે બહુ સારી ફૂટબોલ પ્લેયર હતી. અરુણિમા શાળામાં ફૂટબોલ રમતી હતી. તે વોલીબોલની પણ અચ્છી ખેલાડી હતી. આ ખેલમાં તેને વધારે તકો પણ મળી અને બાદમાં રાષ્ટ્રીય સ્તરે વોલીબોલમાં કોલેજનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે હોકી પણ રમી હતી. એક રમતવીર હોવાને કારણે અરુણિમાએ કોઈપણ સંજોગોનો લડાયક મિજાજથી સામનો કરવાનું શીખ્યું હતું.

અણિમાએ સમાજશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી છે અને ઉત્તરકાશીમાં ‘નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ’ માંથી પર્વતારોહણની તાલીમ પણ મેળવી હતી. જ્યારે અરુણિમા 14 વર્ષની હતી, ત્યારે કેટલાક બદમાશોએ તેની બહેન લક્ષ્મીને થપ્પડ મારી હતી. અરુણિમાએ બદમાશોનો સામનો કરીને તેમને માર માર્યો હતો. અસંખ્ય ઇન્ટરવ્યૂ અને પ્રેરક ભાષણોમાં, અરુણિમાએ જણાવ્યું છે કે આ એટીટ્યુડ-આ જુસ્સો તેનામાં ખેલકૂદના કારણે જ આવ્યો હતો. તેથી, દરેક વ્યક્તિએ કોઈને કોઈ રમતમાં સામેલ થવું જોઈએ. અરુણિમાની ઈચ્છા સીઆઈએસએફ (CISF)માં જોડાવાની હતી. 2011માં તેને આની પરીક્ષા આપવા માટે લખનઊથી દિલ્હી જવાનું હતું. આ યાત્રા તેનું જીવન બદલાનારી સાબિત થશે એ આશા સાથે તેણે પદ્માવત એક્સપ્રેસ ટ્રેન પકડી. તે ટ્રેનના જનરલ કોચમાં પ્રવાસ કરી રહી હતી.

રાત્રે લગભગ 1 વાગ્યે, બદમાશો ટ્રેનમાં ચઢ્યા. તેમણે અરુણિમાના ગળામાં પહેરેલી ચેઈન છીનવી લેવાનો પ્રયાસ કર્યો. અરુણિમાએ આનો વિરોધ કર્યો, જેના કારણે બદમાશોએ તેને બરેલી નજીક ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી. એ સમયની વાત તેના શબ્દોમાં: ‘હું હલનચલન કરી શકતી નહોતી. મને યાદ છે કે મેં એક ટ્રેન મારી તરફ આવતી જોઈ. મેં ઊભા થવાનો પ્રયાસ કર્યો. પણ….ત્યાં સુધીમાં ટ્રેન મારા પગ ઉપરથી પસાર થઈ ગઈ હતી. ત્યાર પછી મને કંઈ યાદ નથી… ’ સમાંતર ટ્રેક પર બીજી એક ટ્રેન તેના પગને ઘૂંટણથી નીચે કચડી ગઈ.

અરુણિમા સાત કલાક સુધી પાટા પર પડી રહી અને 49 ટ્રેનો તેના પરથી પસાર થઈ ગઈ. વહેલી સવારે આસપાસના ગામના લોકોએ તેને પાટા પર તરફડતી જોઈ. તેને ગંભીર પગ અને પેલ્વિક ઇજાઓ સાથે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ડોકટરોએ તેનો જીવ બચાવવા માટે તેનો ગોઠણથી અલગ થઇ ગયેલો પગ કાપી નાખ્યો. આ ઘટના બની ત્યારે તે માત્ર 22 વર્ષની હતી. આટલી નાની ઉંમરે તે સાત વખત ભારતીય વોલીબોલ ખેલાડી પણ રહી ચુકી હતી.

વિચાર કરો, જે વ્યક્તિ પોતાના પગના જોરે રમતગમતમાં રાષ્ટ્રીય સ્તરે પહોંચી હોય એ જ પગના બળે દેશસેવા માટે દોડવાનું સપનું જોતી હોય, તેના પગ જ કપાઈ જાય, ત્યારે તેને કેવી લાગણી થતી હશે? આપણે તેની કલ્પના પણ કરી શકીએ ખરાં? કદાચ, હતાશામાં એક ક્ષણ માટે એવો પણ વિચાર આવ્યો હોય, કે આના કરતા તો જીવ ચાલ્યો ગયો હોત તો સારું હતું, પણ અરુણિમા અલગ માટીની બનેલી હતી. તે એક લડવૈયાની દીકરી હતી. હતાશા કે નિરાશા તેને સ્પર્શી શકે તેમ નહોતું. આટલા ગંભીર અકસ્માતમાંથી તે તેની જિજીવિષાના બળે જ ઉગરી ગઈ. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) માં સ્વસ્થ થવામાં ચાર મહિના લાગ્યા.

હવે એક પહાડ જેવો પ્રશ્ન તેની સામે ઊભો હતો, કે હવે ભવિષ્યનું શું? તેના ભાઈ ઓમપ્રકાશે તેને ન માત્ર સધિયારો આપ્યો, પણ એક લક્ષ્ય પણ આપ્યું, પર્વતારોહણનું. જેના માટે હવે સામાન્ય રીતે ચાલવું પણ અશક્ય હતું તે અરુણિમાએ માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનો સંકલ્પ કર્યો. તેને ક્રિકેટર યુવરાજ સિંહ (જે કેન્સરમાંથી સ્વસ્થ થયો હતો) અને અન્ય ટેલિવિઝન શો દ્વારા પ્રેરણા મળી, જેથી તેને લાગ્યું કે તે પોતાના જીવનમાં કંઈક કરી શકે છે…‘

આવા દ્રઢ નિશ્ચય સાથે તેણે પ્રોસ્થેટિક પગ સાથે પોતાની આગળની જીવનયાત્રા શરૂ કરી. સાજા થયા પછી તરત તેણે માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલનો સંપર્ક કર્યો. પાલને મળીને અરુણિમાએ તેને પોતાની કહાણી જણાવી. બચેન્દ્રી પાલે અરુણિમાને જે કહ્યું એ શબ્દો અદભુત હતા: ’ મારી દીકરી, તેં આ પરિસ્થિતિઓમાં કૃત્રિમ પગથી માઉન્ટ એવરેસ્ટ ચઢવાનું નક્કી કર્યું. તું માઉન્ટ એવરેસ્ટ ચઢી ચુકી છે, તેના ઉપર ફતેહ મેળવી લીધી છે, મારી દીકરી, હવે માત્ર દુનિયાને તેની તારીખ જાણવાની બાકી છે.. ! ’

આ શબ્દોએ અરુણિમાની ઈચ્છાશક્તિમાં પ્રાણ પૂર્યા. તેણે ઉત્તરકાશી સ્થિત ‘નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ’માંથી પર્વતારોહણની શરૂઆતની તાલીમ લીધી. આ અભ્યાસક્રમમાં તેણે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. તેના ભાઈનું પ્રોત્સાહન અને પ્રેરણા તો હતાં જ.

અરુણિમાએ 2012 માં એવરેસ્ટ ચઢાણની તૈયારી તરીકે આઇલેન્ડ પીક (6150 મીટર) પર ચઢાણ કર્યું. 21 મે 2013 ના રોજ 17 કલાકની સખત મહેનત પછી, સિંહા સવારે 10:55 વાગ્યે માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કર્યું. તે એવરેસ્ટ પર ચઢનાર ભારતની જ નહીં, વિશ્વની પ્રથમ દિવ્યાંગ મહિલા બની. શિખર પર પહોંચ્યા પછી તેણે એક કાપડ પર લપેટીને બરફમાં ઈશ્વરનો આભાર માનતો એક નાનો સંદેશ લખ્યો. પોતાની દિવ્ય પ્રેરણા તરીકે તેણે ભગવાન શંકર અને સ્વામી વિવેકાનંદને લેખાવ્યા.

માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યા પછી, અરુણિમાનું આગામી લક્ષ્ય સાતેય ખંડોના તમામ સાત સૌથી ઊંચા શિખરો પર ચઢાણ કરવાનું હતું. 2014 સુધીમાં તેણે છ શિખરો સર કર્યા. તેણે સર કરેલા પર્વતો છે, એવરેસ્ટ (એશિયા), કિલીમંજારો (આફ્રિકા), માઉન્ટ એલ્બ્રસ (યુરોપ), માઉન્ટ કોસિયુઝ્કો (ઓસ્ટ્રેલિયા), એકોનકાગુઆ (દક્ષિણ અમેરિકા), ડેનાલી (ઉત્તર અમેરિકા). 4 જાન્યુઆરી 2019 ના રોજ, તેણે એન્ટાર્કટિકા પર સાતમા શિખર પર ચઢાણ કર્યું અને વિન્સન મેસિફ (એન્ટાર્કટિકા) પર ચઢાણ કરનારી વિશ્વની પ્રથમ દિવ્યાંગ મહિલા બની.

ઉત્તર પ્રદેશના તે સમયના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે રૂપિયા 25 લાખના પુરસ્કારથી તેનું સન્માન કર્યું. અરુણિમાએ 2014માં ‘બોર્ન અગેન ઓન ધ માઉન્ટેન’ નામનું પુસ્તક લખ્યું. 2015માં ભારત સરકારે તેને પદ્મશ્રી થી સન્માનિત કરી. તેને ભારતનો ‘તેનઝિંગ નોર્ગે સર્વોચ્ચ પર્વતારોહણ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત પણ તેને અગણિત સન્માનો મળ્યા છે.

દૃઢ નિશ્ચય અને સાચી ધીરજને કારણે જ તેને ગૌરવ પ્રાપ્ત થયું. અરુણિમા સિંહાએ કોઈ શોર કર્યા વિના, બહુ મોટું પ્રદર્શન કર્યું, બિલકુલ માઉન્ટ એવરેસ્ટની જેમ!

આ પણ વાંચો…વાહ વૈષ્ણવી વાહ! કારકિર્દીની પહેલી જ સિરીઝમાં પોતાના આદર્શ સમાન હરમનપ્રીત અને સ્મૃતિને પોતાની પ્રશંસક બનાવી દીધી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button