પુરુષલાડકી

બધાને એકસરખી પજવતી સર્વસામાન્ય સમસ્યા: ઍસિડિટી

આરોગ્ય એક્સપ્રેસઃ રાજેશ યાજ્ઞિક

લગ્ન સમારંભ, હોટેલ કે અન્ય જગ્યાએ ભરપેટ ભોજન પછી અથવા મોડી રાત્રે ખાધા પછી, દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક તો છાતીમાં અસ્વસ્થતા, બળતરા અને ઊલટી થવા જેવો અનુભવ કર્યો હશે. આવી સમસ્યાઓમાંની એક છે ઍસિડિટી. આપણે તેને પિત્ત તરીકે પણ ઓળખીએ છીએ.

સહુ જાણીએ છીએ કે, ખોરાકના પાચનનું કામ શરીરમાં રહેલું અમ્લ અર્થાત્ કે ઍસિડ કરે છે. સામાન્ય પરિસ્થિતિમાં, આ ઍસિડ પોતાની જગ્યાએ રહે છે અને ચૂપચાપ તેનું કાર્ય કરે છે, પરંતુ ક્યારેક ક્યારેક, તે અન્નનળી તરફ ઉપર આવે છે, જેને કારણે આપણે પેટમાં કે છાતીમાં બળતરાનો અનુભવ કરીએ છીએ. જ્યારે ઍસિડિટી થાય છે, ત્યારે આપણા શરીરની અંદર ખરેખર શું થઈ રહ્યું હોય છે અને આપણે તેને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ? તે જાણવું જોઈએ.

કેવાં હોય છે એનાં લક્ષણ?
ઍસિડિટીના મુખ્ય સંકેતોમાંનું એક છે, આપણને અસ્વસ્થ કરે તેવી બળતરા. તે સામાન્ય રીતે ખાધા પછી થાય છે અને છાતી અથવા ગળામાં અનુભવી શકાય છે. જ્યારે ઍસિડ અન્નનળીમાં પાછું ઉપરની તરફ વહે છે ત્યારે તે થાય છે, આ સ્થિતિને ‘ઍસિડ રિફ્લક્સ’ તરીકે ઓળખવામાં આવે છે.

ઘણીવાર હાર્ટબર્ન સાથે મોઢામાં ખાટો કે કડવો સ્વાદ આવવો એ ઍસિડિટીનું બીજું સામાન્ય લક્ષણ છે. આ ત્યારે થાય છે જ્યારે પેટમાં ઍસિડ ગળામાં ઉપર ચઢે છે, જે સ્વાદની કળીઓને અસર કરે છે.

ઍસિડિટી પેટમાં ભરાઈ જવાની અથવા પેટ ફૂલેલું અને ભારે થઇ ગયું હોય તેવી લાગણી થઇ શકે છે. તેને કારણે આપણે સતત અસ્વસ્થતાનો અનુભવ કરીએ છીએ. વારંવાર ઓડકાર આવવા પણ સામાન્ય છે કારણ કે શરીર અપચાને કારણે બનેલો વધારાનો ગૅસ છોડવાનો પ્રયાસ કરે છે. ઍસિડિટીથી થતી અગવડતા ઊબકાનું કારણ બની શકે છે. ગંભીર કિસ્સાઓમાં, આ ઊલટીમાં પરિણમી શકે છે. આ ઘણીવાર પેટમાં બળતરા અથવા ખોરાકના ઉપર ચઢવા અને પેટનું ઍસિડ મોં તરફ આવવાના કારણે થાય છે.

તીવ્ર ઍસિડિટી, ખાસ કરીને જો તે સતત રહે, તો ક્યારેક માથાનો દુખાવો થઈ શકે છે. આ પેટના અસ્તરમાં બળતરાને કારણે શરીર પર પડતી તાણને કારણે હોઈ શકે છે અથવા તે ક્રોનિક અપચા સાથે સંકળાયેલી અસ્વસ્થતા અને તણાવ સાથે સંબંધિત હોઈ શકે છે. દરેક વ્યક્તિને આવાં બધાંજ લક્ષણો દેખાતા હોય તેવું જરૂરી નથી. તેની તીવ્રતા અને સમય બંને અલગ હોઈ શકે છે.

ઍસિડિટીનાં કારણ…
અનેક કારણો હોય છે. તણાવ, આપણી જીવનશૈલી અને ખોરાકની પસંદગીઓ આ બધાની અસર થઇ શકે છે. લાક્ષણિક કારણોમાં જેનો સમાવેશ થાય છે, તે છે કસમયનું ભોજન, ખૂબ વધારે પડતું અથવા ખૂબ જ ઝડપથી ખાવું, ચરબીયુક્ત, તળેલા અથવા મસાલેદાર ખોરાક, કાર્બોનેટેડ અને કૅફીનયુક્ત પીણાં, તણાવ અને શારીરિક નિષ્ક્રિયતા ઍસિડિટીને ઉત્તેજિત કરતા ખોરાક-પીણાં…

કેટલાક ખોરાક અને પીણાં ઍસિડિટીને ઉત્તેજિત કરી શકે છે, જેમાં સામેલ છે, તેલયુક્ત અને મસાલેદાર ખોરાક, ખાટાં ફળો, ચા-કોફી અને અન્ય કૅફીનયુક્ત પીણાં, કાર્બોનેટેડ પીણાં, ચોકલેટ અને ચરબીયુક્ત ખોરાક…

ઍસિડિટીનું કારણ બનતી જીવનશૈલી…
અલબત્ત, ઍસિડિટી કેવી અને કેટલીવાર થાય છે તેનો આધાર એ વાત પર છે કે આપણી જીવનશૈલી કેવી છે. જો આપણું જીવન બેઠાડું હોય, પચવામાં ભારે હોય તેવું ભોજન લેતા હોઈએ, રાત્રે મોડેથી જમવાની કે ફરીથી ખાવાની ટેવ હોય તો ઍસિડિટી થવાની શક્યતા વધુ હોય છે. લાંબા ગાળાના તણાવ, ધૂમ્રપાન અને દારૂના ઉપયોગના પરિણામે પણ ઍસિડ રિફ્લક્સ થવાની શક્યતા વધુ હોય છે.

ઝડપી રાહત માટે ઘરગથ્થુ ઉપચાર..
અચાનક બળતરા માટે, ઘરગથ્થુ ઉપચાર ઝડપી રાહત આપી શકે છે. આપણા પરિવારોમાં પરંપરાગત રીતે આવા ઉપાયો લોકપ્રિય છે અને સાધારણ સમસ્યામાં તે કારગત પણ છે. એક ગ્લાસ ઠંડું દૂધ પીવું, એક ચમચી વરિયાળી ચાવીને ખાવી, આદુંની ચા પીવી, એક પાકેલું કેળું ખાવું, બેકિંગ સોડા પાણીમાં ભેળવીને તે પીણું પીવું, વગેરે ઘણા ઉપાયો અજમાવી શકાય છે.

આયુર્વેદમાં પણ પિત્તના શમન માટે ઘણા ઉપચારો ઉપલબ્ધ છે. આપણી પ્રકૃતિ અને સમસ્યાને ધ્યાનમાં રાખીને વૈદ્ય આપણો ઈલાજ કરે છે. તેવું જ એલોપેથિક ઉપચારનું પણ છે.

આમ તો, ઍસિડિટી આપણી સામાન્ય જીવનશૈલીમાં અચાનક આવેલા ફેરફારને કારણે, અથવા આપણે લીધેલા ખોરાકમાં પિત્ત વધારતા તત્ત્વો આવવાથી થાય છે, પણ જો આપણને સતત ઍસિડિટી રહેતી હોય અથવા વારંવાર થતી હોય તો આપણા આરોગ્ય માટે તે જોખમની નિશાની છે. તેના કારણો જાણીને તેના ઉપાયો કરવા આવશ્યક છે. એના વિશે હવે પછી….

આપણ વાંચો:  હળદર: હર્બ ઑફ ધ યર 2026

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button