લાડકી

વિશેષઃ ન્યાયના મંદિરના દરવાજા મહિલાઓ માટે ખોલનારાં અન્ના ચાંડી

રાજેશ યાજ્ઞિક

કાયદાના ક્ષેત્રમાં ન્યાયના પ્રતીક તરીકે એક દેવી છે. પરંતુ એ જ ન્યાયના મંદિરમાં એક સમયે એકપણ મહિલા નહોતી એ કેવી વિડંબણા! આ પ્રથાને તોડનારી એક મહિલાની કથા પણ જાણવા જેવી છે.

ન્યાયાધીશ અન્ના ચાંડી, ભારતમાં પ્રથમ મહિલા ન્યાયાધીશ અને બ્રિટિશ સામ્રાજ્યના પ્રથમ મહિલા ન્યાયાધીશોમાંના એક હતા. અન્ના ચાંડીનો જન્મ 1905માં તે વખતના ત્રાવણકોરના રાજ્યમાં થયો હતો અને તેમનો ઉછેર ત્રિવેન્દ્રમમાં થયો હતો. તેમની માતા સ્થાનિક શાળામાં કામ કરતા હતા. ત્રાવણકોર રાજ્યમાં પ્રબળ નાયર સમુદાય દ્વારા અનુસરવામાં આવતી માતૃવંશીય પરંપરાઓના કારણે સ્ત્રીઓ ઘણીવાર પોતાના ભાગ્યની સ્વયં માલિક હતી. એટલે સુધી, કે રાજ્યના રાજવી પરિવારમાં પણ માતૃસત્તાનું પાલન કરવામાં આવતું હતું. તે સમયે ત્રાવણકોરના કારભારી અને હકીકતમાં મુખ્ય સાર્વભૌમ અને શક્તિ કેન્દ્ર, મહારાણી સેતુ લક્ષ્મીબાઈ હતા .

અન્ના ચાંડીને સુધારાના એવા મોજાનો લાભ મળ્યો જેણે મહિલાઓ માટે નવા રસ્તા ખોલ્યા. 1927માં, મહારાણી સેતુ લક્ષ્મીબાઈએ ભારે વિરોધ છતાં ત્રિવેન્દ્રમની સરકારી કાયદા કોલેજમાં મહિલાઓ માટે પ્રવેશ ખોલ્યો. અન્ના ભણવામાં હોંશિયાર હતા.

સ્વાભાવિક રીતે રાજસત્તા સામે વધુ બોલવાની કોઈની હિંમત નહોતી, પણ અન્ના ચાંડી જેવી સ્ત્રી, જે કાયદાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા હતા, તેમનો માર્ગ મોકળો થયો. પોતાની વચ્ચે એક મહિલા સહાધ્યાયીને જોઈને પુરુષ વિદ્યાર્થોના ભવાં ચોક્કસ ઊંચકાયા હતા. તે સમયે કોલેજોમાં મહિલાઓને ધ્યાનમાં રાખીને સુવિધાઓનો અભાવ પણ હતો. તેમ છતાં, અન્ના મક્કમ હતા.

સમાજ અને તેમના પુરુષ સાથીદારોના તિરસ્કારભર્યા વલણનો સામનો કરીને, અન્ના કેરળમાં કાયદાની ડિગ્રી મેળવનાર પ્રથમ મહિલા બન્યા. તેમણે 1926માં ત્રિવેન્દ્રમની સરકારી કાયદા કોલેજમાંથી ડિસ્ટિંકશન સાથે અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો. આવું કરનારા તે ફક્ત ત્રાવણકોર જ નહીં, પરંતુ સમગ્ર કેરળના પ્રથમ મહિલા હતા. તેમણે 1929 માં બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરી અને ફોજદારી કાયદામાં વિશેષતા મેળવી.

1930ના દાયકામાં, જ્યારે ભારતીય કોર્ટરૂમમાં માત્ર પુરુષોનું વર્ચસ્વ હતું, ત્યારે ત્રાવણકોરની એક યુવતી શાંત નિશ્ચય સાથે અંદર આવી, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. કેટલાકે ધીમો ગણગણાટ કર્યો, કેટલાકે શંકા વ્યક્ત કરી, અને કેટલાકે ખુલ્લેઆમ પ્રશ્ન કર્યો કે એક મહિલાએ કાયદાનો માર્ગ કેમ પસંદ કર્યો. પરંતુ ચાંડીએ પોતાની બેઠક લીધી, પોતાના કાગળો ગોઠવ્યા અને શાંતિથી ઇતિહાસ ફરીથી લખવાનું શરૂ કર્યું.

વકીલ તરીકેના શરૂઆતના વર્ષોમાં, ચાંડીને નિયમિતપણે એવા સાથીદારો તરફથી વિરોધનો સામનો કરવો પડતો હતો જેઓ માનતા હતા કે મહિલાઓ કોર્ટરૂમનો હિસ્સો ન હોવી જોઈએ. આવી જ એક સુનાવણી દરમિયાન, એક વરિષ્ઠ વકીલે “મહિલાઓના વ્યવસાયમાં પ્રવેશ” અંગે ખુલ્લેઆમ પોતાની અસ્વસ્થતા વ્યક્ત કરી હતી. અન્ના ચાંડીએ ગુસ્સાથી પ્રતિક્રિયા આપી નહીં. તે ફક્ત ઊભા થયા, ન્યાયાધીશને સ્પષ્ટતાથી સંબોધિત કર્યા, અને પોતાના કેસની દલીલ એટલી શાંતિથી કરી કે કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો!

આ ઘટના ત્રાવણકોરના કાનૂની વર્તુળોમાં ચર્ચાનો વિષય બની, કે કેવી રીતે તે યુવતીએ વિરોધથી હચમચી જવાને બદલે, પૂર્વગ્રહ સામે લડી, અને એક શાંત શક્તિથી તેનો પ્રતિકાર કરીને તેને તોડી પાડ્યો હતો.

ન્યાયના યુદ્ધ ઉપરાંત, અન્નાએ મહિલાઓના ઉત્થાન માટે પણ કામ કર્યું. 1930માં તેમણે ‘શ્રીમતી’ નામના મલયાલી મેગેઝિનની શરૂઆત કરી, જે મહિલાઓના અધિકારો માટે એક મંચ બન્યું હતું. પોતાના સામયિકમાં, અન્નાએ વિધવા પુનર્લગ્ન, મહિલાઓની સ્વતંત્રતા, સ્ત્રી-દ્વેષપૂર્ણ સામાજિક ધારાધોરણો અને કામ કરતી મહિલાઓ સાથે ભેદભાવ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.

તેમણે ત્રાવણકોર રાજ્યની પ્રતિનિધિ સંસ્થા (શ્રી મુલમ પોપ્યુલર એસેમ્બલી) ની ચૂંટણીમાં ઊભા રહેવાનું નક્કી કર્યું. તેમનો વિરોધ કરવામાં આવ્યો અને આ માટે તેમના ચરિત્ર ઉપર કાદવ ઉછાળવામાં આવ્યો હતો. પણ મજબૂત ઈરાદા સાથે ચૂંટણી લડેલા અન્ના ચાંડી વિધાનસભાની બેઠક જીત્યા હતા.

જ્યારે એક સાથી ધારાસભ્યએ મહિલાઓને સરકારી નોકરી આપવાનો વિરોધ કર્યો, ત્યારે અન્ના ચાંડીએ તેમના ભાષણમાં આ રૂઢિવાદી ટિપ્પણીનો કડક જવાબ આપ્યો હતો. સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે અનામત માટે તેમની અવિરત લડાઈને કારણે જ સરકારી નોકરીઓમાં મહિલાઓને કામ કરવાથી રોકતા કાયદાને નાબૂદ કરવામાં આવ્યો.

આ સાથે, તેઓ મહિલા અનામત માટે લડનાર દેશની પ્રથમ મહિલાઓમાંની એક બન્યા. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ તે વિચાર સાથે, 1935માં તેમણે મહિલાઓને મૃત્યુદંડની સજામાંથી મુક્તિ આપતા કાયદા સામે પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે ત્રાવણકોર રાજ્યના એ કાયદાનો પણ વિરોધ કર્યો જે પુરુષોને તેમની પત્નીઓની સંમતિને ધ્યાનમાં લીધા વિના વૈવાહિક અધિકારોની મંજૂરી આપતો હતો.

1937માં ત્રાવણકોરમાં તેઓ ત્રાવણકોરમાં મુનસિફ (ન્યાયાધીશ) તરીકે નિયુક્ત થયા ત્યારે અન્ના દેશના પ્રથમ મહિલા ન્યાયાધીશ બન્યા. બાદમાં, તેમને 1948માં જિલ્લા ન્યાયાધીશના પદ પર બઢતી આપવામાં આવી. 9 ફેબ્રુઆરી 1959ના રોજ કેરળ હાઈ કોર્ટમાં નિમણૂક પામીને, અન્ના ચાંડી ભારતીય હાઈ કોર્ટમાં પ્રથમ મહિલા ન્યાયાધીશ બન્યા, જેમણે વધુ એક ઐતિહાસિક દાખલો બેસાડ્યો.

તેઓ માત્ર ભારતના પ્રથમ મહિલા ન્યાયાધીશ જ નહીં, પરંતુ કોમનવેલ્થ દેશોમાં હાઈ કોર્ટના ન્યાયાધીશ બનનાર પ્રથમ મહિલા પણ બન્યા. તેમણે 5 એપ્રિલ 1967 સુધી આ પદ સંભાળ્યું અને નિવૃત્તિ પછી ભારતના કાયદા પંચમાં કામ કર્યું. ‘આત્મકથા’ નામની તેમની આત્મકથા 1973માં પ્રકાશિત થઈ હતી અને 1996માં 91 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

આપણ વાંચો:  ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ તીખાશનો તરખાટ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button