ફક્ત 24 વર્ષની ઉંમરે ઓસ્કર જીતનારી હું છું પહેલી અભિનેત્રી!

કથા કોલાજઃ કાજલ ઓઝા-વૈદ્ય
નામ: એન્જેલિના જોલી
સમય: 2026
સ્થળ: લોસ ફેલિઝ, લોસ એન્જલિસ, કેલિફોર્નિયા
ઉંમર: 50 વર્ષ
તમે મારું નામ તો સાંભળ્યું જ હશે. એકેડેમી એવોર્ડ, એક્શન સ્ટાર, સોશિયલ મીડિયા ઉપર મારા વિડિયોઝની સાથે સાથે મારા લગ્નો અને એની સાથે જોડાયેલા વિવાદ વિશે તમે ન જાણતા હો એવું બને નહીં. હોલિવૂડ ફિલ્મસ્ટાર હોવાની સાથે સાથે 1999માં ફક્ત 24 વર્ષની ઉંમરે ઓસ્કાર જીતનારી હું પહેલી અભિનેત્રી છું. મારાં પિતા જ્હોન વોઈટ સાથેના મારા સંબંધોને કારણે પણ એક સમયે હું ચર્ચામાં રહી છું. જુદા જુદા દેશમાંથી ત્રણ બાળકોને મેં દત્તક લીધા છે.
ત્રણ બાળકોની મા છું. આજે યુ.એન.એચ.સી.આર.ની સ્પેશિયલ એન્વોય છું. આફ્રિકા, મધ્ય-પૂર્વ એશિયા, લેટિન અમેરિકાના 60થી વધારે દેશોના શરણાર્થી કેમ્પમાં મેં કામ કર્યું છે. બ્રિટનની સાથે મળીને જાતિય હિંસા સામે અવાજ ઉઠાવનાર હું પહેલી અમેરિકન અભિનેત્રી છું. કમ્બોડિયા, અફઘાનિસ્તાન અને આફ્રિકાના દેશોમાં છોકરીઓના શિક્ષણ માટે મેં અનેક સ્કૂલ પ્રોજેક્ટ્સ શરુ કર્યાં છે. બ્રેસ્ટ કેન્સર વિરોધી અભિયાન માટે જેનેટીક ટેસ્ટીંગ અને સારવાર માટે મેં ઘણું કામ કર્યું. બીજાં માનવ સેવાના કામમાં રસ લઈ રહી છું. ફિલ્મોનું નિર્દેશ અને લેખન કરું છું…
આ બધાની સાથે મારા સંતાનોને ખૂબ સ્નેહથી ઉછેરું છું. કેલિફોર્નિયાના ઉત્તર વિસ્તારમાં આવેલું મારું ઘર બે એકર જમીન પર ઊભું કરાયેલું ઐતિહાસિક એસ્ટેટ છે. પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક સેસિલ બી. ડિમેલનું આ એસ્ટેટ મેં એમની પાસેથી ખરીદ્યું ત્યારે મારા મનમાં એક જ વિચાર હતો, મારા બાળકોની અંગત જિંદગી ડિસ્ટર્બ ન થાય એવી કોઈ જગ્યાએ મારે એમનો ઉછેર કરવો છે. હું જાણું છું, હોલિવૂડ સ્ટાર હોવાને કારણે હું સતત પાપારાઝીના કેમેરામાં રહું છું. મારી એક પણ ક્ષણ અંગત નથી, એનું કારણ એ છે કે હું એક ફિલ્મસ્ટાર છું. આ કારકિર્દી મેં જાતે પસંદ કરી છે અને આ જીવન પણ.
હું કોઈના ઉપર આરોપ કે આક્ષેપ નથી લગાવતી, પણ એટલું તો કહેવું જ જોઈએ કે એમની પ્રસિદ્ધિ માટે કોઈના અંગત જીવન સાથે રમવાનો આ પત્રકારો કે પાપારાઝીઓને અધિકાર નથી. આજે પણ પાછી ફરીને જોઉં છું તો મને સમજાય છે કે મારા પિતા, જે એક અભિનેતા હતા એમની સાથેનું મારું બાળપણ જરાય સરળ કે સહજ નહોતું. મારી મા પણ એક ફિલ્મસ્ટાર હતી, માર્શલિન બર્ટ્રેન્ડ. એ મારા પિતાની બીજી પત્ની હતી. મારા પિતાની પહેલી પત્ની લીટીશિયા ટીશ હતી. જેની સાથે છૂટાછેડા લઈને મારા પિતાએ મારી મા સાથે લગ્ન કર્યાં.
મારા પિતા ચેકોસ્લોવાકિયન અને જર્મન મૂળના હતા. મારી માએ મારા ભાઈ અને મારો ઉછેર કરવા માટે અભિનયની કારકિર્દી છોડી દીધી, પરંતુ મારી માના એ ત્યાગ અને સ્નેહને સમજવાને બદલે મારા પિતા જ્હોન વોઈટનો અફેર થઈ ગયો. 1976માં મારા માતા-પિતા અલગ થયાં ત્યારે અમે ભાઈ-બહેન બંનેએ માની સાથે રહેવાનું પસંદ કર્યું.
મારી મા પાસે પોતાના સારા એવા પૈસા હતા, એટલે આર્થિક રીતે અમને કોઈ તકલીફ નહોતી, પરંતુ મારા પિતા જ્હોન વોઈટ છૂટાછેડા પછી પણ અમને શાંતિથી રહેવા દેતા નહીં. એમને કદાચ, એમના આ અફેર માટે અફસોસ હશે કે પછી સંતાનો વગરની જિંદગી એમને ડંખતી હશે, પરંતુ એમણે મારી મા સાથેના છૂટાછેડા પછી સ્ટેસી પિકરેન સાથે લગ્ન કર્યાં. સ્ટેસી એક વ્યસ્ત સ્ત્રી હતી. સિનેમા અને ટેલિવિઝનની કારકિર્દી સાથે એની પાસે એવો સમય નહોતો કે એ સંતાનોને ઉછેરે… મારા પિતા સાથે એણે સ્પષ્ટ શરત કરી હતી કે, લગ્ન પછી એ અમને નહીં રાખે.
એ જ્યારે પણ મળવા આવતા ત્યારે પોતાની સફળતા વિશે વાતો કરતા. મારી માએ અભિનય નહોતો છોડવો જોઈતો, એણે જિંદગી બરબાદ કરી જેવાં વિધાનો કરીને એ મને અને મારા ભાઈને વિચલિત કરી નાખતા. થોડા સમય પછી મારી માએ કોર્ટના ઓર્ડર લઈને મારા પિતાને અમને મળવાની મનાઈ ફરમાવી.
મારી માએ અમારો ઉછેર ખૂબ સારી રીતે કર્યો, એવું સ્વિકારીએ તો પણ હું 14 વર્ષની ઉંમરે એક વિદ્રોહી અને માનસિક રીતે વિચલિત બાળક હતી. પ્રમાણમાં પાતળી અને ચશ્મા પહેરેલી સાવ સામાન્ય દેખાવની એક છોકરીને સ્કૂલમાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો. મારા સહપાઠીઓ મારી મજાક ઉડાવતા અને બ્રેસિસને કારણે મને ‘વિચ્ચ’ (ડાકણ) કહીને ચિડવતા. પિતા સાથેના સંબંધ વિશે પણ અખબારોમાં છપાતું રહેતું, જેને કારણે સ્કૂલમાં મારી મજાક ઉડાવવામાં આવતી. મારા પિતાના અફેર્સ વિશે જ્યારે ફોટા કે સમાચાર છપાતા ત્યારે ક્લાસમાં બધા એના કટિંગ લઈને મને દેખાડતા.
14 વર્ષની ઉંમરે જ મને લાગતું હતું કે જિંદગી નકામી છે. મેં 16 વર્ષની ઉંમરે પહેલી વાર આપઘાતનો પ્રયાસ કર્યો. મારી માએ મને સાઈક્યોટ્રીસ્ટને બતાવી, એમણે કહ્યું કે, હું માનસિક રીતે ‘ડેમેજ’ થઈ ચૂકી છું. મારી ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી, પરંતુ એનાથી કંઈ બહુ ફરક પડ્યો નહીં. અત્યાર સુધી માના પૈસા પર જીવતી હતી, ત્યારે એ જેમ કહે તેમ કરવું પડતું. મારી મા પ્રમાણમાં રુઢિચુસ્ત હતી અથવા કહો કે, એને આ જગતની પૂરેપૂરી ઓળખ હતી. એ મારા આવવા-જવાના સમય પર રોક-ટોક લગાવતી.
હું જ્યાં જાઉં ત્યાં જણાવીને જવું પડતું અને એના કહેલા સમયે પાછા આવવું પડતું. મારો ભાઈ જ્હોન સીધો અને કહ્યાગરો દીકરો હતો, એટલે એને બહુ વાંધો આવતો નહીં. એ આજે પણ એક સરળ, લો પ્રોફાઈલ અને શાંત વ્યક્તિ છે. હું એવી નહોતી… મારી મા સાથે મારે દલીલો થતી. ક્યારેક ખૂબ ગુસ્સે થઈને હું એને મારા પિતા પાસે ચાલી જવાની ધમકી આપતી, ત્યારે એ વધુ ચિડાઈ જતી. એને કદાચ અસુરક્ષાનો ભાવ હતો.
હું જે રીતે વર્તી રહી હતી અને વધુ ને વધુ બેપરવાહ, બેફામ બનતી જતી હતી, એનાથી એને સાચે જ ભય લાગ્યો હશે કે હું મારા પિતા પાસે ચાલી જઈશ. એણે અમારા ઉછેર માટે સ્વયંને સમર્પિત કરી દીધી હતી. એ પછી, જો હું એને છોડીને ચાલી જાઉં તો અજાણતા જ એના ઈગો પર ચોટ લાગે. મારા પિતા કદાચ એને અમારો ઉછેર સારી રીતે ન કરવા બદલ બે-ચાર વાતો સંભળાવે, એવા ભય સાથે એ મને પૂરી દેતી. હું એના ચોકી-પહેરામાંથી ભાગવાના રસ્તા શોધતી રહેતી!
બંધ ઘરનું લોક ખોલવા માટે હું ફળ સમારવા માટેની છરીનો ઉપયોગ કરતી. એ દિવસોમાં મને જાત-ભાતની છરી અને ચાકૂ એકઠાં કરવાનો શોખ લાગી ગયો. હું મારા રૂમમાં જાત-જાતના ચાકૂ અને હથિયારો રાખતી. મેં કાળાં કપડાં પહેરવાના શરૂ કરી દીધા. મારી જાતને મેં એક વિદ્રોહી વ્યક્તિ તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું એટલું જ નહીં, 16 વર્ષની ઉંમરે જ હું મારા બોયફ્રેન્ડ સાથે રહેવા ચાલી ગઈ. મારો બોયફ્રેન્ડ 27 વર્ષનો હતો. એક લોકલ બેન્ડમાં ગિટાર વગાડતો. મારો બોયફ્રેન્ડ મોશિંગ કરતો. તેજ, રોક કે મેટલ મ્યુઝિક પર ભીડમાં એકમેકને અથડાઈને નાચવાની ગાંડપણ જેવી પ્રક્રિયાને મોશિંગ કહેવાય છે.
આ લડાઈ નથી હોતી, પણ હાઈ એનર્જી ડાન્સની એક રીત છે. ગોળ-ગોળ દોડવું, એકમેકના ખભા અથડાવવા, કૂદવું, ચીસો પાડવી અને એકમેક સાથે પછડાવું, ધક્કામુક્કી કરવી આ બધું મોશિંગનો ભાગ છે. આ નૃત્ય નથી, બલ્કે સમાજ સામે જેને વિદ્રોહ હોય એવા યુવાવર્ગની પોતાની જાતને એક્સપ્રેસ કરવાની એક અમેરિકન રીત છે. આમાં વાગી જવાની, હાડકાં તૂટવાની પણ શક્યતાઓ રહેલી છે. સ્ટેજ પરથી મોશપીટમાં પડી જવાના કેટલાય કિસ્સા બન્યા છે, જેમાં માથામાં વાગવાથી મૃત્યુ પણ થયા છે. મારી મા અને ભાઈ જેમ્સ કેટલીક વાર મને શોધતા આવી પહોંચતા. સમજાવીને ઘરે લઈ જતાં, પરંતુ હું બહુ દિવસ એ લોકો સાથ રહી શકતી નહીં…
એ દિવસોમાં મોશિંગની સાથે સાથે હું ડ્રગ પણ કરવા લાગી. એ દિવસોમાં મોશિંગ કરતાં કરતાં એક ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીએ મને મોડલિંગની ઓફર કરી. મને પહેલીવાર સમજાયું કે, હું ખૂબ ફોટોજેનિક છું. તૈયાર કપડાંના એ ફોટોશૂટમાં મારી તસવીરો જોઈને હું જ ખુશ થઈ ગઈ. અત્યાર સુધી મારો સેલ્ફ એસ્ટિમ આત્મવિશ્વાસ સાવ તળિયે હતો, પરંતુ આ ફોટોશૂટ પછી મને સમજાયું કે હું કમાઈ શકું છું…
(ક્રમશ:)
આ પણ વાંચો…મારી પાસે રાજનીતિક વારસો હતો



