કથા કોલાજ: ‘અલબેલા’એ મને ખૂબ પ્રસિદ્ધિ ને લોકપ્રિયતા અપાવ્યાં…

-કાજલ ઓઝા-વૈદ્ય
નામ: ગીતા બાલી
સમય: 18 જાન્યુઆરી, 1965
સ્થળ: મુંબઈ
ઉંમર: 34 વર્ષ
બાળકલાકાર તરીકે ફિલ્મો કર્યા પછી અભિનેત્રી તરીકે (લીડ રોલમાં) હું કામ નહીં કરું એવું કદાચ બધાએ વિચાર્યું હતું, પરંતુ હરકીર્તનના નસીબમાં કદાચ ગીતા બનવાનું લખાયું હતું.
1949માં… કેદાર શર્માએ બીજી ફિલ્મ ઓફર કરી, ‘બાવરે નૈન’, જેમાં રાજ કપૂર હીરો હતા. પૃથ્વીરાજ કપૂરના દીકરા રાજ કપૂરની એ વખતે ખૂબ ચર્ચાઓ થતી હતી. રોશનના સંગીત સાથે એ ફિલ્મ સુપરહિટ પુરવાર થશે એમાં કોઈને શંકા નહોતી. મારા પિતાએ કેદાર શર્માની એ ફિલ્મ માટે હા પાડી. રાજ કપૂર અને મારી મુલાકાત પહેલીવાર, ‘બાવરે નૈન’ ફિલ્મના સેટ પર થઈ-ત્યારે મેં કોઈ દિવસ ધાર્યું નહોતું કે, એક દિવસ એ જ રાજ કપૂર મારા જેઠ બનશે!
‘બાવરે નૈન’ ખૂબ સારી ચાલી અને પછી તરત માસ્ટર ભગવાન એક મ્યુઝિકલ ફિલ્મની ઓફર લઈને આવ્યા. પોતે હીરો બનવા માગતા હતા કારણ કે, એમની પાસે બીજા સ્ટારને આપવાના પૈસા નહોતા. સી. રામચંદ્ર એમના સારા મિત્ર એટલે એમણે ઉધારમાં સંગીત કરી આપવાનું વચન આપ્યું. સ્ટુડિયો અને રામચંદ્રના પૈસા બાકી રાખવામાં આવ્યા… મને પણ માત્ર સાઈનિંગ અમાઉન્ટ આપીને ફિલ્મ રિલીઝ થતા જ પૂરા પૈસા ચૂકવી આપવાનું વચન આપવામાં આવ્યું. માસ્ટર ભગવાન અથવા ભગવાન દાદા માટે આ ફિલ્મ જીવન-મરણનો ખેલ હતી કારણ કે, એ આ ફિલ્મના લેખક, દિગ્દર્શક, અભિનેતા અને કોરિયોગ્રાફર સહિત પ્રોડ્યુસર પણ હતા.
કોણ જાણે કેમ, પરંતુ ભગવાન દાદાને એવો દ્રઢ વિશ્વાસ હતો કે આ ફિલ્મ બોક્સઓફિસના રેકોર્ડ તોડી નાખશે. અમે સહુએ ફિલ્મનું સંગીત સાંભળ્યું ત્યારે મને પણ લાગ્યું કે, સંગીત ખૂબ સારું હતું… અભિનેતા બનવા માગતા એક માણસ (પ્યારેલાલ)ની આ કથા લોકોને ખૂબ ગમી. ગીતો ખૂબ લોકપ્રિય થયા અને ફિલ્મ બોક્સઓફિસ પર જબરજસ્ત હીટ નીવડી. ‘બાવરે નૈન’ પછી તરત ‘અલબેલા’એ મને ખૂબ પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા અપાવ્યાં. એ ફિલ્મમાં મારું નૃત્ય પણ બહુ વખણાયું.
એ પછી ‘જલસા’, ‘નયી રાત’, ‘દુલારી’, ‘બડી બહન’, ‘નેકી ઔર બદી’, ‘દિલ કી દુનિયા’, ‘શાદી કી રાત’ જેવી ફિલ્મો હું કરતી રહી. જેમાં સારા પૈસા મળતા રહ્યા. 1950ના દશકની સૌથી લોકપ્રિય અને સફળ અભિનેત્રીઓમાં મારું નામ ગણાવા લાગ્યું.
મુંબઈના બાંદ્રા વિસ્તારના પર્લ અપાર્ટમેન્ટમાં બે છોકરાઓ રહેતા હતા. બંને એકબીજાને ઓળખતા નહોતા. એમાંનો એક આસિસ્ટન્ટ ડિરેક્ટર અને કોરિયોગ્રાફર હતો. જ્યારે બીજો અભિનેતા તરીકે પોતાની પહેલી ફિલ્મ કરી રહ્યો હતો. આસિસ્ટન્ટ ડિરેક્ટર મૂળ મેંગલોરનો હતો, વસંતકુમાર પદુકોણ. એનો પરિવાર કલકત્તા શિફ્ટ થઈ ગયો હતો જ્યારે બીજો, અભિનેતા બનવા આવેલો છોકરો ધરમદેવ આનંદ હતો. બંને જણની મુલાકાત એક કોમિક ઘટનાથી થઈ, પરંતુ પછી બંને દોસ્ત બની ગયા. બંનેએ એકબીજાને વચન આપ્યું કે, બેમાંથી જે પહેલો સ્ટાર બનશે, સફળ થશે એ બીજાને ચાન્સ આપશે.
ધરમદેવ ખૂબ દેખાવડો હતો-અભિનેતા તરીકે એની કારકિર્દી પહેલાં એસ્ટાબ્લિશ થઈ ગઈ, એ દેવ આનંદ તરીકે મશહૂર થયો. એણે પોતાના બેનર ‘નવકેતન ફિલ્મ્સ’ની સ્થાપના કરી અને પહેલી ફિલ્મ વસંતકુમાર પદુકોણ ઉર્ફે ગુરુ દત્તને ડિરેક્ટ કરવા આપી. હિન્દી સિનેમામાં એ વખતે આવી સસ્પેન્સ થ્રિલર બનતી નહોતી. ગુરુ દત્તે પહેલી ફિલ્મ બનાવી, ‘બાઝી’, જેમાં એણે મને દેવ આનંદની સામે હીરોઈનની ભૂમિકા આપી. એ જ ફિલ્મના ગીતો ગાવા માટે ગીતા રોય ચૌધરી આવ્યાં (જે પછીથી ગીતા દત્ત બન્યાં) ફિલ્મ ખૂબ સફળ થઈ. ગીતા બાલી અને દેવ આનંદની જોડી પણ લોકોને ગમી, માટે નવકેતને બીજી ફિલ્મ બનાવી જેમાં પણ સેઈમ કાસ્ટ રિપીટ કરવામાં આવી. દિગ્દર્શક તરીકે ગુરુ દત્ત પણ સફળ થયા અને અભિનેતા તરીકે દેવ આનંદ સુપરહિટ પુરવાર થયા. મને પણ આ ફિલ્મોથી ખૂબ ફાયદો થયો. ફિલ્મના ગીતો ખૂબ લોકપ્રિય થયા, ‘તદબીર સે બિગડી હુઈ તકદીર બના લે…’ અને ‘યે રાત યે ચાંદની ફિર કહા…’ જેવાં ગીતો લોકજીભે ચઢી ગયા.
ગુરુ દત્ત સાથે મેં ત્રણ-ચાર ફિલ્મો કરી અને પછી એમણે મધુબાલા સાથે ‘મિસ્ટર એન્ડ મિસિસ ફિફ્ટી ફાઈવ’ની જાહેરાત કરી. એ જ ગાળામાં રાજ કપૂરના ભાઈ શમશેર રાજ કપૂર પણ અભિનેતા બન્યા. 1953 થી 54 સુધીમાં એમણે દસેક ફિલ્મો કરી, જેમાંની કેટલીક સફળ થઈ, અને કેટલીક ન ચાલી. એ ડાન્સિંગ સ્ટાર તરીકે પ્રખ્યાત થયા. દેખાવડા, ઊંચા, કપૂર ખાનદાનની ગુલાબી ત્વચા અને ભૂરી આંખો ધરાવતા શમ્મી કપૂરના અનેક દીવાના હતા. શમ્મી કપૂર બે જ વર્ષમાં મોટા સ્ટાર બની ગયા.
1955માં શમ્મી કપૂર સાથે મને એક ફિલ્મની ઓફર આવી. ‘મિસ કોકાકોલા’. મેં ફિલ્મ કરવાનું નક્કી કર્યું, ત્યારે હું શમ્મી કપૂરને પહેલીવાર મળી. તોફાની અને એકદમ લાઈવ વ્યક્તિત્વ ધરાવતા શમ્મી કપૂર સાથે કોઈની પણ દોસ્તી થઈ જાય એ સ્વાભાવિક હતું. અમે બીજી ફિલ્મમાં પણ જોડાયાં, ‘રંગીન રાતે’. એ એક રોમેન્ટિક થ્રિલર ફિલ્મ હતી. અમે બંને જણાં નૈનિતાલમાં શૂટિંગ કરતાં હતા ત્યારે અમારા સંગીતના અને બીજા કોમન શોખને કારણે ખૂબ વાતો થવા લાગી. ધીરે ધીરે અમારી દોસ્તી પ્રેમમાં પરિણમી.
આ પણ વાંચો…કથા કોલાજ: અમેરિકાના બે સૌથી પાવરફુલ માણસ સાથે પેરેલલ અફેર રાખવાની મારી લાલચ…
રાજ કપૂરના લગ્ન થઈ ચૂક્યાં હતાં. એમના પત્નીનું નામ ક્રૃષ્ણા રાજ કપૂર હતું. પૃથ્વીરાજ કપૂરે પોતાના જ ઘરમાં એક નિયમ બનાવ્યો હતો જેમાં એમની પુત્રવધૂ સિનેજગતમાંથી નહીં હોય, એ વાતની ક્લેરિટી એમણે પોતાના પુત્રો સાથે કરી દીધી હતી. એ વખતે એમનો પરિવાર રાજ-નરગિસના પ્રણયસંબંધને ક્રાઈસીસમાંથી પસાર થતો હતો. એ જ ગાળામાં, શમ્મી કપૂરે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ હું મારા કુટુંબની જવાબદારીઓને કારણે એમની સાથે લગ્ન કરી શકું એમ નહોતી. મેં વિનમ્રતાથી લગ્નની ના પાડી. શમ્મીજીએ એકથી વધુ વખત પોતાના ચાર્મને વાપરીને મને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું એ વખતે લગ્ન કરી શકું એવી મારી માનસિક તૈયારી નહોતી.
બીજું, મને ડર હતો કે એમના માતા-પિતા મને નહીં સ્વીકારે કારણ કે, હું ફિલ્મો છોડી શકું એમ નહોતી. મારે લગ્ન પછી પણ કામ તો ચાલુ જ રાખવું પડે એવી સ્થિતિ હતી કારણ કે, મારું કુટુંબ હજી આર્થિક રીતે સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ શકે એમ નહોતું. લાંબુ વિચારીને મેં એમને સમજાવ્યા. શમ્મીજીએ વાત સ્વીકારી લીધી, પરંતુ એમણે કહ્યું કે, હું તારી સાથે દોસ્તી તોડવા માગતો નથી. હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને એ પ્રેમ આપણી વચ્ચે અકબંધ રહેવો જોઈએ. મને પણ શમ્મી કપૂર ખૂબ ગમતા હતા એટલે મેં પણ સંબંધ તોડવાને બદલે પરિસ્થિતિને સ્વીકારીને એમને કહ્યું, ‘હું પણ તમને બહુ પ્રેમ કરું છું, પરંતુ હમણાં લગ્નનો વિચાર પણ કરી શકું એમ નથી.’
અમારી વચ્ચે આ પ્રણયસંબંધ લગભગ છ મહિના ચાલ્યો. શમ્મી મારા ઘરે આવતા, મારા માતા-પિતાને પણ મળતા. અમારા સંબંધમાં કશું છુપાવવાનું નહોતું. અખબારો અમારી મુલાકાતો અને પ્રણયસંબંધો વિશેની વિગતો, અમારા ફોટા પ્રકાશિત કરતા. એક દિવસ રાત્રે હું મારા પિતા સાથે બેઠી હતી ત્યારે એમણે મને પૂછ્યું, ‘તું એને પ્રેમ કરે છે?’ અમારા ઘરમાં સહુ એકબીજા સાથે સાચું બોલતાં. મેં મારા પિતાને ‘હા’ પાડી. એમણે મને કહ્યું, ‘તારે એની સાથે લગ્ન કરી લેવાં જોઈએ.’ મેં દલીલ કરી, ‘હું લગ્ન પછી પણ કામ કરીશ, જ્યાં સુધી દિગ્વિજય-ડીગી, સેટલ ન થઈ જાય ત્યાં સુધી હું તમારો મોટો દીકરો છું. એમના પિતા મને લગ્ન પછી ફિલ્મો છોડવાનું કહેશે…’ મારા પિતા ખૂબ સમજદાર અને મેચ્યોર વ્યક્તિ હતા. એમને ઈશ્વરમાં અથાગ શ્રદ્ધા હતી. એ પોતાની દરેક સમસ્યાનો ઉકેલ ઈશ્વર પાસે જ શોધતા. એમણે મને કહ્યું, ‘તારે તારી વાત પૂરી પ્રામાણિકતાથી એમની સામે મૂકવી જોઈએ. એ પછી એનો પરિવાર જે નક્કી કરે તે ફાઈનલ…’
એ રાત્રે મેં શમ્મીને પૂછ્યું, ‘મારી સાથે લગ્ન કરીશ?’ શમ્મીએ લેન્ડલાઈનના ફોન પર મને જવાબ આપ્યો, ‘હમણાં જ.’ અમે મળ્યાં. અમારાં લગ્ન મુંબઈના મલબાર હિલ નજીક બાણગંગા મંદિરમાં થયા. 24 ઓગસ્ટ, 1955! શમ્મી એટલી ઉતાવળમાં એમના ઘરેથી આવ્યા કે, મંગળસૂત્ર, કંકુ પણ એમની પાસે નહોતું. મારી પર્સમાંથી લિપસ્ટિક કાઢીને એમણે મારી માંગ ભરી. નિર્માતા-દિગ્દર્શક હરિ વાલિયા અને શમ્મીના થોડા મિત્રો અમારી સાથે હતા એમાંથી એક જણે અડધી રાત્રે એક જ્વેલરની દુકાન ખોલાવીને મંગળસૂત્ર ખરીદ્યું…
(ક્રમશ:)
આ પણ વાંચો…કથા કોલાજ: હું ઘરનો મોટો દીકરો નથી તો શું થયું? ઘરની મોટી દીકરી પણ કેમ કમાઈ ન શકે?