લાડકી

કથા કોલાજઃ યુસુફની સાથેનો સંબંધ તૂટ્યા પછી હું કોઈ સાથે જોડાઈ શકતી નહોતી

કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 10)
નામ: મુમતાઝ જહાન દહેલવી (મધુ બાલા)
સમય: 20 ફેબ્રુઆરી, 1969
સ્થળ: બ્રિચ કેન્ડી હોસ્પિટલ, મુંબઈ
ઉંમર: 36 વર્ષ

‘મોગલ એ આઝમ’ની પ્રથમ જાહેરાત 1945માં કરવામાં આવી, પણ શુટિંગ શરૂ થયું, પહેલાં 1946માં… પૈસા અને બીજા પ્રશ્નોને કારણે ફિલ્મ ધીરે ધીરે ડીલે થતી ગઈ. એ દરમિયાન અનેક ઉતાર-ચઢાવમાંથી ફિલ્મ પસાર થઈ. મૂળ ફાઈનાન્સર હતા શિરાજ અલી હકીમ જેમણે કે.આસિફની સાથે ‘ફૂલ’ નામની ફિલ્મ બનાવી હતી, પરંતુ ભારત પાકિસ્તાનના ભાગલા વખતે એ પાકિસ્તાન ચાલી ગયા. ફિલ્મ ખોરંભે પડી. એ વખતે શાપુરજી પાલનજી મિસ્ત્રી આગળ આવ્યા અને એમણે ફિલ્મ ફાઈનાન્સ કરવાનો નિર્ણય લીધો.

1.5 કરોડની લાગતથી ફિલ્મ પૂરી તો થઈ, પરંતુ છેલ્લાં દ્રશ્યો બાકી હતા ત્યારે શાપુરજી પણ થાકી ગયા. શીશમહેલના દ્રશ્યોનું ચિત્રીકરણ થઈ રહ્યું હતું ત્યારે શાપુરજી સોહરાબ મોદીને લઈને આવ્યા. એમણે કે.આસિફને ફિલ્મ છોડી દેવાનું કહ્યું. ખાસી દલીલો પછી અંતે મારે આગળ આવીને કહેવું પડ્યું, ‘આ ફિલ્મનો મારો કોન્ટ્રાક્ટ કે.આસિફના દિગ્દર્શનમાં કામ કરવાનો છે. કે.આસિફ જો છોડશે તો હું પણ છોડી દઈશ.’ 85 ટકા ફિલ્મ બની ગઈ હતી. હવે, શાપુરજીને પણ પૈસા ગુમાવવા પોષાય એમ નહોતું.

કરોડો રૂપિયાના ખર્ચે ‘મોગલ એ આઝમ’ પૂરી થઈ. 5 ઓગસ્ટ, 1960ના દિવસે રિલીઝ કરવામાં આવી. ફિલ્મની જાહેરાતમાં પણ મબલખ રૂપિયા ખર્ચવામાં આવ્યા. પહેલે દિવસે બધા અખબારોમાં ફ્રંટ પેજ જાહેરાત થઈ જેમાં આસિફે લખ્યું હતું, ‘મેં આ કર્યું છે. હવે તમે નિર્ણય કરો કે આ કેવી છે…’ લોકો આકર્ષાયા. પ્રિન્ટ હાથી પર આવી અને એડવાન્સ બુકિંગમાં 40 લાખ રૂપિયાની આવક થઈ! ફિલ્મ સુપરહીટ થઈ ગઈ, પરંતુ મારી જિંદગીનો અંધકારમય સમય શરૂ થઈ ચૂક્યો હતો.

‘મોગલ એ આઝમ’ના છેલ્લા દિવસોમાં શુટિંગ ચાલતું હતું ત્યારે મારી તબિયત એટલી ખરાબ હતી કે, સેટ પર ડોક્ટરને હાજર રાખવા પડતા. હું અચાનક બેહોશ થઈ જતી. લોહીની ઊલ્ટીઓ થવા લાગતી. ઓક્સિજનનો સિલિન્ડર રાખવો પડતો… એ બધા પછી પણ અમુક જ કલાક કામ કરી શકતી.

મારી બીમારી કોઈ સાધારણ નહોતી. જન્મ સમયથી જ મારા હૃદયમાં એક બહુ નાનું કાણું હતું જે ધીમે ધીમે મોટું થતું જતું હતું. 1953માં ‘બહોત દિન હુએ’ ફિલ્મના શુટિંગ વખતે પહેલીવાર આ વાતની ખબર પડી. જેમિની સ્ટુડિયોના પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મ માટે હું ચેન્નાઈ ગઈ હતી. અબ્બુ મારી સાથે જ હતા. કામ શરૂ થયું અને ત્રણ દિવસના શુટિંગ પછી અમે એક તામિલ ફિલ્મ જોવા જતા હતા. એ ફિલ્મની રિમેક ‘બહોત દિન હુએ’ના નામે બની રહી હતી.

અબ્બા નમાઝ પઢતા હતા અને હું તૈયાર થઈ રહી હતી ત્યાં અચાનક મને ખાંસી આવી. લોહીની ઊલ્ટી થઈ ગઈ. ડોક્ટરને બોલાવવામાં આવ્યા. વાસનજી (જેમિનીના માલિક) એ મારી દવા કરાવવામાં કશું બાકી ન રાખ્યું. લગભગ 15 દિવસ સુધી વાસનજીની પત્નીએ મારી કાળજી રાખી. હોટેલમાંથી અમે ઘરે શિફ્ટ થઈ ગયા અને હું ધીમે ધીમે સારી થવા લાગી. ફિલ્મ રિલીઝ થઈ અને ફિલ્મને ખૂબ સફળતા પ્રાપ્ત થઈ. અન્ય નિર્માતાઓ પણ દક્ષિણની ફિલ્મો તરફ જોવા લાગ્યા. એ દરમિયાનમાં મારી ફિલ્મો પૂરી કરવા માટે હું કામ કરતી રહી.

‘મિસ્ટર એન્ડ મિસિસ 55’, ‘બંબઈ કા બાબુ’, ‘એક દિલ સો અફસાને’, ‘ઢાકે કી મલમલ’, ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’, ‘નકાબ’, ‘શીરીં ફરદાહ’, ‘એક સાલ’, ‘રાજહઠ’, ‘પોલીસ’ જેવી ફિલ્મો મેં ધડાધડ સાઈન તો કરી, પણ કોણ જાણે મારી ભીતરથી કોઈ છઠ્ઠી ઈન્દ્રિય મને કહી રહી હતી કે, હું આ બધી ફિલ્મો પૂરી નહીં કરી શકું. અબ્બુ બધું જ સમજતા હતા તેમ છતાં એક પછી એક કોન્ટ્રાક્ટ કરી રહ્યા હતા. ‘નયા દૌર’ના અનુભવ પછી સાઈનિંગ એમાઉન્ટ લેતા હું ડરવા લાગી હતી.

ફિલ્મ પૂરી ન થઈ શકે તો આપણી જવાબદારી બને એ વાત મને ડરાવતી હતી. 1958ની આસપાસ રાજ ખોસલા જ્યારે ‘બંબઈ કા બાબુ’માં મને લેવા માટે કટિબદ્ધ હતા ત્યારે મેં રાજને ફોન કરીને એકાંતમાં ઘરે બોલાવ્યા. મેં એમને કહ્યું કે, ‘હું તમારી દોસ્ત છું અને તમારું નુકસાન થાય એ મને નહીં પોષાય. પ્લીઝ કોઈ બીજી હીરોઈનને લઈને ફિલ્મ શરૂ કરી દો. મારી રાહ જોવાની ભૂલ નહીં કરતા કારણ કે, અત્યારે મારી જે હાલત છે એ જોતાં હું છ મહિના સુધી કામ નહીં કરી શકું…’

હું 30 વર્ષની થઈ ગઈ હતી. યુસુફની સાથેનો સંબંધ તૂટ્યા પછી હું કોઈ સાથે જોડાઈ શકતી નહોતી. કમાલ અમરોહી સાથે થોડો સમયની નિકટતા રહી, પરંતુ એમના મીનાકુમારી સાથેના સંબંધો ગાઢ થતા ગયા અને મારે માટે કોઈ જગ્યા ન રહી! એ પછી, મેં લગ્નની આશા જ છોડી દીધી હતી. બીમાર હોવાને કારણે વારંવાર અઠવાડિયાઓ સુધી ઘરે રહેવું પડતું. કંટાળી જતી, ડરી જતી એવા સમયમાં કિશોર કુમાર મને ફોન કરતા. હું એમની સાથે કલાકો વાતો કરતી. એ મને હસાવતા.

મારી અનેક ફિલ્મોમાં નાયક રહી ચુકેલા અશોક કુમારના નાના ભાઈ હોવાને કારણે એ મારો આદર કરતા. એમણે ફિલ્મોમાં ગાયક અને અભિનેતા તરીકે પદાર્પણ કરી દીધું હતું. પછી કે.એસ. ફિલ્મ્સ નામથી પોતાની સંસ્થા શરૂ કરી. પહેલી ફિલ્મની જાહેરાત કરી, ‘ચલતી કા નામ ગાડી’, જેમાં હીરોઈનનો રોલ મને ઓફર કર્યો. એમની સાથે કામ કરવાની મજા આવશે, હલકી-ફૂલકી વાર્તા અને મજાનો રોલ જોઈને મેં ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો.

‘ચલતી કા નામ ગાડી’ના સેટ પર અમે નજીક આવ્યા. કિશોર કુમાર પણ એ સમયે એકલવાયા હતા. એમના પત્ની રૂમાદેવી એમના દીકરા અમિતને લઈને ચાલી ગયા હતા. કિશોર કુમારની સાથે ધીરે ધીરે દોસ્તી થવા લાગી. ‘મહેલો કે ખ્વાબ’, ‘નોટી બોય’ જેવી ફિલ્મો અમે સાથે કરી. દરમિયાનમાં એક દિવસ કિશોરે અચાનક જ મને પ્રપોઝ કરી નાખ્યું. મને લાગ્યું એ હંમેશની જેમ મજાક કરે છે, પરંતુ એ મજાક નહોતા કરતા.

એમણે પહેલાં પણ આવી મજાક કરી હતી. ઝેરની બોટલ પકડીને નાટક કરતા, ‘લગ્ન કરવાની ના પાડીશ તો હું આપઘાત કરીશ…’ કહીને ઓવર એક્ટિંગ કરતા… મને લાગ્યું આ એવી જ કોઈ મજાક હશે, પરંતુ એ દિવસે કિશોર સિરિયસ હતા. સાચું પૂછો તો એ દિવસે મેં પણ પહેલીવાર લગ્ન વિશે વિચાર્યું. મારી પાસે જેટલી જિંદગી બચી હતી એમાં કોઈ સાથી હોય, મારી કાળજી કરે, મને પ્રેમ કરે એ મારી પણ જરૂરિયાત તો હતી જ! મેં હિંમત કરીને અબ્બુ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો… અબ્બુ એક બંગાળી બ્રાહ્મણને પોતાનો જમાઈ બનાવવા હરગિઝ તૈયાર નહોતા, પરંતુ એ પણ મારી હાલત સમજતા હતા.

હવે અબ્બુનો ઈગો ક્યાંય કામ લાગતો નહોતો. એમની જે કોઈ દાદાગીરી હતી એ બધી મારી સફળતા પર આધારિત હતી, પરંતુ મારી તબિયતને કારણે ફિલ્મોની ઓફર ઘટી ગઈ હતી. ઘરની આવક પણ ઘટવા લાગી હતી. અબ્બુની ઐયાશી ઉપર રોક લાગી ગઈ હતી. આવા સમયમાં જો હું લગ્ન કરી શકું તો કદાચ જમાઈ એમનો આધાર બની શકે, એમને મદદરૂપ થઈ શકે એવું વિચારીને અબ્બુએ ન છુટકે લગ્નની હા પાડી, પરંતુ શરત મૂકી કે, કિશોર કુમારે ધર્મ પરિવર્તન કર્યું. અબ્બુની શરત સ્વીકારીને કિશોર કુમારે ધર્મ પરિવર્તન કર્યું. અબ્દુલ કરીમ નામ રાખીને 16 ઓક્ટોબર, 1960ના દિવસે અમે લગ્ન કરી લીધાં.

મારી તબિયત તદ્દન ખલાસ થઈ ગઈ હતી. મને ઘરની બહાર નીકળવાની પણ છુટ નહોતી. નિકાહ ખૂબ સાદી રીતે થયા. કિશોર કુમારના બંને ભાઈઓ ધર્મ પરિવર્તન માટે તૈયાર નહોતા-એટલે એમણે લગ્નમાં હાજરી આપવાનું પણ સ્વીકાર્યું નહીં. પછીથી સૌ વચ્ચે સમાધાન થયું અને એક નાનકડા રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું. તેમાં સોથી પણ ઓછા લોકો હાજર રહી શક્યા. મારે સૌથી દૂર રહેવાનું હતું, ઈન્ફેક્શનનો ભય હતો. લગ્ન તો શું, થયાં… બસ! એક મુરાદ પૂરી થઈ ગઈ.

લગ્ન પછી તરત કિશોરે મને લંડન લઈ જવાનો નિર્ણય કર્યો. પ્રેસ માટે આ હનીમૂનની જાહેરાત હતી, પરંતુ ખરેખર તો મારી બીમારીના ઈલાજ માટે અમે લંડન ગયા. ક્યાંય સુધી હોસ્પિટલોનાં પગથિયાં ઘસ્યા પછી અમને બંનેને સમજાઈ ગયું કે, મારી પાસે હવે બે વર્ષથી વધારે સમય નથી!
(ક્રમશ:)

આપણ વાંચો:  વિશેષઃ ન્યાયના મંદિરના દરવાજા મહિલાઓ માટે ખોલનારાં અન્ના ચાંડી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button