લાફ્ટર આફ્ટર : અબે, આન્ટી કિસકો કહતે હો…?!

ઉપરનું છાપરું થોડા થોડા દિવસે સફેદ થઈ જાય ત્યારે અરીસામાં મોઢું જોવાનું કોઈને ગમતું નથી. એ જ રીતે ઉંમર વધતાં ધીમે ધીમે ઉપરના છાપરાના ઘટાદાર વાળ કે જે એક જમાનામાં સ્ત્રીઓ લટ રૂપે ઉછાળતી રહેતી અને પુરુષો ફૂંક મારીને પોતાના વાળ ઉડાડીને વટ પાડતાં રહેતા તો કેટલાક વારે વારે વાળમાં હાથ નાખીને પોતે યુવાન છે એવું સર્ટિફિકેટ જાતે જ લઈ લેતા,પણ …… પણ આ જ વાળ, કે જેમાં તમે વારંવાર હાથ નાખીને આગળ – પાછળ, ઉપર – નીચે કરીને લાડ લડાવ્યાં હોય, એ ખરે સમયે દગો દઈ જાય ત્યારે ‘વક્ત ને કિયા, ક્યા હસીં સિતમ..’ કે પછી ‘જાનેવાલે કભી નહીં આતે…’ જેવાં ગીતો બાંકડે બેસીને ગાઈને પોતાનાં દર્દને વહેતું કરી લેવું પડે છે.
આ જગતવ્યાપી દુ:ખદ સંજોગો માટે આવા છાપરા વિહોણાં ભાઈ – બહેનોનો સર્વે કરતાં કેટલીક વાતો ધ્યાનમાં આવી. એ અહીં લખવાથી કદાચ જે જે મારાં તમારાં જેવાં સમદુ:ખિયાઓ છે એમને હાશકારો થાય.
એક ભાઈને મેં પ્રશ્ન પૂછેલો : ‘ભાઈ, આવું ક્યારથી થઈ ગયું?’
ભાઈએ પોતાના સફાચટ, ચળકતા, ચમેલીના તેલ પાયેલા માથા ઉપર પ્રેમાળ હાથ ફેરવતાં ઠૂઠવો જ મૂક્યો :
‘બહેન, શું કરું એ કંઈ જ સમજાતું નથી. એવાં કેવાં મેં પાપ કરેલાં કે આવું ભોગવવાનું આવ્યું! જ્યારે માથા ઉપર ઘેરાયેલાં વાદળોની માફક ઘટાદાર કાળા ભમ્મર વાળ હતા ત્યારે હું વેંત વેંત ઊંચો ચાલતો હતો. રાજેશ ખન્નાની જેમ ફૂંક મારીને વાળ ઉછાળતો (કોમેડિયન મહેમૂદ પણ આમ જ પોતાના વાળગુચ્છ ઉડાડતો ! ). એ વખતે બાએ બતાવેલી કેટલીય સુંદર છોકરીઓને ના પાડતો જ ગયો. પછી તો બા પણ ઉપર સિધાવી ને આ તરફ અમારા ઉપરના છાપરાના ઝુલ્ફો ધીમે ધીમે ક્યારે સફાચટ થઈ ગયા, એ ખબર જ ન પડી. હવે હું હા પાડું છું, પણ છોકરીઓ મને જોઈને મોં મચકોડીને ચાલતી પકડે છે અને જતી જતી પાછી પોતાની મોટી લટને આંગળીઓમાં રમાડતી રમાડતી ને મને જલાવતી પણ જાય છે. બહેન, શેરના ભાવ આસમાને હોય ત્યારે વેંચી જ કાઢવાના. ખોટા ભાવ ખાવામાં ક્યારે શેરના ભાવ ગગડી જાય (મારી જેમ), એ કંઈ કહેવાય નહીં….સમજ્યાં?’
પછી એ ભાઈ, પૂરી આર્દ્રતાથી મારાં માથે થયેલાં ધોળાં- કાળાં મિશ્રણને જોઈને હજી પૂછવા જ જતા હતા, ત્યાં ‘અમે તો ભાઈ, પરણેલાં છીએ.’ એમ જણાવીને ત્યાંથી આગળ જ નીકળી ગયાં.
બીજા એક સર્વેમાં મેં એક ભાઈને પૂછ્યું, ‘ભાઈ, આ વાળ રિસાઈ ગયા, એનો રંજ તમને થાય છે ખરો?’
આ પણ વાંચો…લાફ્ટર આફ્ટરઃ એક પંથ દો કાજ
પેલા ભાઈએ ફિલોસોફર જેવો ગહન પોઝ આપતાં, નર્મદની જેમ લમણે આંગળી મૂકીને, બે ચાર મિનિટ બાદ કહ્યું, ‘યુ નો, મને એમ લાગે છે કે યુવાનીમાં લગ્ન થાય, ત્યારે આપણે ઉડ્ડયન કરીએ. કારણ કે બંને પક્ષે (પતિ અને પત્ની) છાપરા ઉપરનો ફાલ ભર વસંતની જેમ લીલોછમ અને ઘટાદાર હોય. પણ પછી બાળકો આવે, જવાબદારી વધે, મા – બાપ ઘરડાં થાય, માંદગી વધે, ચિંતા વધે, નોકરીનું ટેન્શન, સામાજિક, આર્થિક ટેન્શન. અને એમાં તન – મન બંને ઘસાઈ જાય. પાનખર શરૂ થઈ જાય ત્યારે ફરી આપણને એમ થાય કે સરસ જીવી લેવું જોઈએ. પડોશમાં રહેવા આવેલી ચાંદ જેવી પડોશણને જોવા રોજ બારી ખોલું છું, પણ આ સફાચટ છાપરું જોઈને કે શું મને જોઈને, એણે બારી ફટાક દઈને બંધ કરી દીધી.’
મેં કહ્યું, ‘એ કદાચ તમારું અનુમાન માત્ર હશે. બારી બંધ કરવાનું કારણ કોઈક બીજું પણ હોઈ શકે ને, ભાઈ!’
‘ના બહેન, એ ચંદ્રમુખીએ પોતાના હબીના માથાના વાળ ઘસતાં કહ્યું હતું કે ‘હબી, રોજ મારી પાસે વાળમાં માલિશ કરાવજે. નહીંતર સામેની બારીએ તો એક પૂનમનો ચાંદ છે જ અને આ તરફ તું બીજો!’ ના બાબા ના…! હબી, હું તો હવે એ તરફની બારી ખોલતી જ નથી.’
‘તે તમે કેવી રીતે એમની વાત સાંભળી હતી , ભાઈ?’
‘કારણ કે હું રોજ જ એ બારીએ કાન માંડીને ઊભો રહું છું કે મને એનાં દીદાર થાય. બટ, આઇ એમ લુઝર… …’
મને એ લુઝર ભાઈની થોડી દયા આવી ગઈ. મેં કહ્યું, ‘ભાઈ, તમે પણ એ પૂનમના ચાંદનું અભિમાન ઉતારી શકો છો. જો તમે ધારો તો…’
‘પણ હું તો હજી પણ એક તરફો પ્રેમ કરું છું. એનું શું?’
‘તો રહેવા દો ભાઈ, તમારું માથું ફૂટે તો મને કહેશો નહીં. છતાં લગે રહો. બેસ્ટ લક!’
બારીએ વારંવાર ડોકિયાં કરવાં, બંધ બારીએ ટકોરા મારવા, જતાં – આવતાં ઇશારા કરવામાં એકવાર એમણે મેથીપાક ખાધો. અને છેવટે અમને મળવા આવેલા એ ભાઈને અમે કહેલું, ‘પહેલાં તો આ વાહિયાત વીગ પહેરવાનું બંધ કરો. ઉંમર ઉંમરનું કામ કરે છે જ. બસ, આયના સામે ઊભા રહીને બોલજો કે હું સુંદર છું… હું સુંદર છું… અને હા, બારી ખોલીને ફાંફાં મારવાનું તો બંધ જ કરજો. નહીંતર ફરી ક્યારેક તમારી પડોસણ કે એનો કહ્યાગરો પતિ વીફરશે તો… …’
કાન પકડીને પછી એ ભાઈએ ગુલાંટ નહીં મારવાનું સ્વીકાર્યું, પણ જતાં જતાં મને કહે, ‘મારે પેલો બદલો લેવો હોય તો શું કરી શકાય?’
મેં કહ્યું, ‘વધારે કશું જ કરવાનું નથી. તમારી આસપાસના છોકરાઓને કહી રાખો કે પેલાં બહેનને જતાં આવતાં ‘આન્ટી’ જ કહીને બોલાવે. તમે પણ એ જ્યારે સામે મળે, ત્યારે ‘આન્ટી, તમારા આ વાળને શું થયું? પહેલાં તો કેટલા ઘટાદાર હતા! અને હવે કેમ સાવ આવું થઈ ગયું?’ તમારી પત્નીને પણ આમ પૂછવાનું કહી દો. બે – ચાર વાર આન્ટી કહેશો અને એમના વાળ ઉપરના ગર્વને ખંડિત કરશો ને, તો એ ગુસ્સે થઈને કહેશે કે ‘અબે, મુઝે આન્ટી મત કહો! બસ,એ સાથે જ તમારાં વેરનાં વળામણાં પૂરાં !’
આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : દાંત સાથે ચેડાંના ચક્કર…