લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ સાચું નેતૃત્વ કોને કહેવાય?

શ્વેતા જોષી-અંતાણી

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની આર્યા મહેતાને બધાં ઓળખતાં. એનું નામ સવારની પ્રાર્થનાસભાઓમાં ગૂંજતું રહેતું. વાર્ષિકોત્સવમાં ઈનામોની વણઝાર લાગતી. નોટિસ બોર્ડ તો જાણે એનો કાયમી અડ્ડો. બેડમિન્ટનમાં નેશનલ વિજેતા, બોર્ડની પરીક્ષામાં ટોપર અને સ્કૂલની હેડગર્લ… એ એક એવી સ્ટુડન્ટ, જેનો અવાજ ડિબેટ કોમ્પિટિશનમાં આખા ઓડિટોરિયમને શાંત કરી દેવા સક્ષમ હતો. આર્યા એવા વિદ્યાર્થીઓમાંની એક હતી, જેનો શિક્ષકો ગર્વથી ઉદાહરણો આપતા. પેરેન્ટ્સ પોતાના બાળકોને એના જેવું બનવા માટે દબાણ કરતાં. જેના ઘરના કબાટ ટ્રોફીથી છલકાતા રહેતાં અને ફાઇલ્સ પ્રમાણપત્રોથી.

આવી અદ્દલ કોઈ ડ્રીમ સ્ટુડન્ટની કાર્બન કોપી જેવી આર્યા આમ કોઈ પર્ફેક્શનનું લેબલ લઈ નહોતી ફરતી. એ પોતાના ઈમ્પર્ફેક્શન થકી વધુ જાણીતી બનેલી. એનું કામ અસ્ત-વ્યસ્ત હોવા છતાં ફાઈનલ રિઝલ્ટ ધમાકેદાર જ આવતું. ટૂંકમાં દશેરાના દિવસે આર્યાનો અશ્વ પૂરપાટ દોડતો.

જોકે આ બધા વચ્ચે આર્યાની ખરી ઓળખ હતી એનો સંયમ. ગુસ્સાને કાબૂમાં રાખવાની કળા એને હસ્તગત હતી એટલે એ ટીનએજમાં ઉછાંછળા થયેલા અન્ય હમઉમ્ર છોકરા-છોકરીઓની સરખામણીએ ઠરેલ અને ઠાવકી જણાતી.

જોકે એના ઠાવકાપણાંની અગ્નિપરીક્ષા ત્યારે થતી જ્યારે ક્લાસમાં ‘કજિયાખોર જીયા’ તરીકે ઓળખાતી સહાધ્યાયી સામે સંયમ રાખવાનો વારો આવતો. જીયાની જબાન તીખી હતી. લાપરવાહી રગેરગમાં વહેતી. ઊંચા અવાજે બોલતી, બધાંને ધાકધમકી આપતી ફરે એવી એ છોકરી મજાકના નામે દરેક વાક્યે અપશબ્દો બોલવામાં માહેર.

આજકાલ ટીનએજ વર્ષો દરમિયાન છોકરાઓ માફક છોકરીઓમાં પણ અપશબ્દો બોલવાનું પ્રમાણ વધતું જાય છે. આર્યાને પણ એ બોલતાં આવડતું, પરંતુ એ શાંતિથી સંયમપૂર્વક માત્ર એટલા માટે સાંભળી લેતી, કારણ કે એ સ્કૂલની હેડગર્લ હતી. શિસ્તમાં રહેવું એ એની ફરજ હતી. મહિનાઓ સુધી આર્યા એને નજરઅંદાઝ કરી આવેલી. સહુ એના ધૈર્યની પ્રશંસા કરતાં કે,’ યાર, તારી જગ્યાએ અમે હોઈએ તો આવું બિલ્કુલ ના ચલાવી લઈએ. મૌન એ તારી તાકાત છે દોસ્ત, પરંતુ જ્યારે મૌનને બહુ લાંબા સમય સુધી ખેંચવામાં આવે ત્યારે એ દર્દ ઉપાડે છે…’

આખરે એક સમય આવ્યો જ્યારે પાણી સર પરથી વહી ગયું. એ દિવસે રિસેસ દરમિયાન જીયાએ હદ વળોટી. જુનિયર્સની સામે હલકી કક્ષાના શબ્દો થકી એણે જાણીજોઈને આર્યાનું અપમાન કર્યું. અંતે આર્યાના સંયમનો બાંધ તૂટી ગયો. સામેથી આવેલા અપશબ્દોની વણઝાર સામે એ એક જ અપશબ્દ બોલી અને એના નસીબ બળ્યાં તે એ જ સમયે કો-ઓર્ડિનેટર મેડમ ત્યાંથી પસાર થયાં.

આર્યાએ કચકચાવીને જીયાને એની જ ભાષામાં જવાબ આપ્યો હતો. એ સાંભળી ત્યાં હાજર રહેલા બધાં સ્તબ્ધ થઈ ગયા. એ તો ઠીક, પણ તકલીફ એ થઈ કે ટીચરે માત્ર આર્યાનો જવાબ જ સાંભળેલો. એ પહેલાં મહિનાઓથી કરાતી એની ઉશ્કેરણી અંગે ના કોઈને ખ્યાલ હતો. ના એને ખુલાસો આપવાની તક આપવામાં આવી.

સજા સ્વરૂપે એની પાસેથી હેડગર્લનો બેજ ખૂંચવી લેવાયો. રિપોર્ટમાં લખાય ગયું કે એક હેડગર્લ તરીકે આ પ્રકારનું વર્તન અયોગ્ય ગણાય. જો હેડગર્લ થઈ આ રીતે વર્તન કરશે તો અન્ય વિદ્યાર્થીઓ એની પાસેથી શું શીખશે? શાળાનું પ્રતિનિધિત્વ કરનાર પાસે આ પ્રકારની ગેરવર્તૂણૂક ની અપેક્ષા ના હોય.

જે બેજ એના કોટ પર ગર્વથી લાગેલું રહેતું, એ આજે પ્રિન્સિપલના કબાટમાં કેદ હતું. એ રાત્રે આર્યા પોતાના રૂમમાં ટ્રોફીઓને ઘૂરતી બેઠી હતી. જાણે કે દોષ આપી રહી હોય. પહેલીવાર એ બધું એને વ્યર્થ લાગી રહ્યું હતું. પેરેન્ટ્સે તો મોં સીવી લીધેલું. ના ગુસ્સો, ના ખીજ. બસ, એમના ચહેરાઓ પર નિરાશા વર્તાતી. એમનું મૌન આર્યાને મન સજા કરતાં પણ વધુ પીડાદાયક હતું. એ દિવસે એને જીવનનું એક કડવું સત્ય સમજાય ગયું.‘ માત્ર એક પળ વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે.’

દિવસો વીતતાં ગયાં. આર્યાએ ક્લાસમાં જવાબ દેવાનું બંધ કરી દીધું. એ વાદ-વિવાદથી દૂર રહેવા લાગી. જે છોકરી ક્યારેક નીડરતાનો પર્યાય હતી, એ હવે એક-એક શબ્દ તોળી-તોળીને બોલતી. એમ કરતાં મહિનાઓ વિત્યાં. એન્યુઅલ ઈન્ટર સ્કૂલ ડિબેટનું ટાણું આવ્યું. આર્યા વગર ટીમ પહેલાંજ રાઉન્ડમાંથી બહાર ફેંકાય શકે એવી હાલત હતી. નવી હેડગર્લના તો હાંજા ગગડી ગયેલા.

અંતે આર્યાને બોલાવવામાં આવી. એ મંચ પર ઊભી થઈ. એણે દલીલો શરૂ કરી. એના અવાજમાં ના ગુસ્સો હતો. ના કોઈ અભિમાન. હતી તો જાતને સાબિત કરવાની તાલાવેલી. એના શબ્દો ચોતરફ ફરી વળ્યાં. એનું ઝનૂન જોઈ ઓડિટોરિયમમાં શાંતિ છવાઈ ગઈ. એની ધારદાર દલીલો એ સામેની ટીમના છોતરાં ઉડાડી દીધાં. એ દિવસે ઝેવિયર્સની ટીમ જીતી. સ્કુલનું નાક કપાતાં બચી ગયું.

આર્યાને એનો બેજ પાછો મળ્યો. આ વખતે ઈનામ તરીકે નહીં, પરંતુ એની મેચ્યોરિટી ના માન સ્વરૂપે. સ્ટેજ પર જ આર્યાએ બેજને છાતીસરસો ચાંપ્યો. આજે એનો ભાર ના લાગ્યો, કારણ કે એ શીખી ગયેલી કે, સાચું નેતૃત્વ પછડાટના ડર સાથે ના થઈ શકે. એનું ખરું જોમ તો પડીને ફરી ગરિમાપૂર્વક ઉઠવામાં સમાયેલું છે.

આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ સજાથી મળે સર્વોતમ શીખ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button