
- કૌશિક મહેતા
ડિયર હની,
એક દંપતીએ એમની 25મી વર્ષગાંઠને યાદગાર બનાવવા માટે અનોખો નિર્ણય લીધો. એમનાં લગ્નના 25 વર્ષ પછી ફરીથી લગ્ન કર્યા. એ દિવસે એમણે લગ્નના દિવસે જે કપડાં પહેરેલા એ ફરીથી પહેર્યા. પતિએ શેરવાની અને પત્નીએ લગ્નનો લહેંગો પહેર્યો. પછી એ યુગલે બાળકોની સાથે ચર્ચમાં જઈને ફરીથી એકબીજા સાથે લગ્નની પ્રતિજ્ઞાઓ લીધી….
આવો એક કિસ્સો મેં વાંચ્યો પછી મને પણ કેટલીક જૂની યાદો તાજી થઇ ગઈ. એ દિવસ આજ સુધી ભુલાયો નથી.
આપણા લગ્નની એ 25મી વર્ષગાંઠ હતી. સાથે 25 વર્ષ જીવ્યા હોય તો કેટલી બધી યાદો હોય! આ યાદોને તાજી કરવાનો અવસર આપણને આપ્યો આપણી દીકરીએ. એ તો સાસરે હતી પણ એણે નક્કી કરેલું. સરપ્રાઈઝ હતું. સવારમાં આપણે બંને એના ઘેર ગયા. અને ત્યાં પાર્કિંગમાં એક નાનકડો મંડપ બાંધવામાં આવેલો. આપણને બંનેને એવી કોઈ ખબર નહોતી.
વર્ષગાંઠની ઉજવણી છે એટલી જ ખબર હતી, પણ એ કઈ રીતે ઉજવાશે એની ગંધ દીકરીએ આવવા દીધી નહોતી. થોડીવાર થઇ ત્યાં મારા ભાઈઓની એન્ટ્રી થઇ. કેટલાક મિત્રો પણ આવ્યા. એમાં એક મિત્ર તો ધોતિયા અને ઝભ્ભામાં તો ય અંદાજ નહોતો કે શું થવાનું છે. તને મંડપનાં એક ખુણામાં લઇ જવામાં આવી. ત્યાં તો બે ખુરશી ગોઠવાઈ ગઈ.
મને કહેવામાં આવ્યું કે, બેસી જાવ. પછી થોડો ખ્યાલ આવ્યો. થોડી ક્ષણો થઇ ત્યાં તું હળવા પગલે મારા તરફ આવતી હતી એ દ્રશ્ય જોયું. અને તારી સાથે કેટલીક બહેનો હતી. દીકરી ય સાથે. અને બધા તને જાણે લગ્ન મંડપ તરફ દોરી જતા હોય એવું દ્રશ્ય હતું. જેવું આપણા લગ્ન વખતે હતું એવું જ અદ્દલ.
ત્યાં તો લગ્નના ગીતો ગવાવા લાગ્યા: ‘લાખોપતિ રે સાજન બેઠું માંડવે ..’ થી માંડી કેટલાય ગીતો ગવાયાં. તું મારી પાસે આવી અને બાજુની ખુરશીમાં બેસી ગઈ. તારા ચહેરા પર લગ્ન થયા તે વેળાનો ભાવ તો નહોતો પણ એની થોડી ઝલક તો જરૂર જણાતી હતી.
પછી બંનેનાં હાથ એકબીજાના હાથમાં મુકાયા. અને મંત્રોચ્ચાર શરૂ થયા. લગ્નની જેમ જ ફેરા પણ ફર્યા. તારો હાથ મારા હાથમાં હતો. અને લગ્ન થયા ત્યારે જે ઉષ્મા હતી એ જ હથેળીમાં અનુભવાતી હતી. મિત્ર કે જે ધોતિઆ ઝભ્ભામાં સજ્જ હતો એ મંત્રોચ્ચાર કરતો હતો. દીકરી જ્યાં રહેતી હતી ત્યાં પાડોશીઓને થયું આ છે શું? કેટલાક તો એ જોવા આવી ગયા હતા.! કોઈએ એમને કહ્યું કે, દીકરી રહે છે એના મમ્મી પપ્પાનાં લગ્નને 25 વર્ષ થયા એની ઉજવણી છે.
ફેરા પુરા થયા અને બધાએ શુભેચ્છાઓ આપી. એ વેળા તાર ને મારા મનમાં શું ચાલતું હતું એનું બયાન કરવું મુશ્કેલ છે. દીકરીએ સરપ્રાઈઝ એવું આપ્યું કે, આપણને દામ્પત્યનાં 25 વર્ષની સફર યાદ કરાવી આપી. સગાઈ અને લગ્ન વચ્ચેનો ગાળો અને એ પછીનું સંયુક્ત કુટુંબમાં પસાર કરેલું જીવન. ચઢતી-પડતી, દીકરીનો જન્મ, દીકરાનો જન્મ…ઓહો …કેટકેટલું યાદ આવી ગયું.
વીતેલી જિંદગી જાણે નજર સામે આખેઆખી રીવાન્ડ થઇ. એમ તો આપણે નવા ફ્લેટમાં રહેવા આવ્યા ત્યારે લગ્ન જીવનને 21 વર્ષ થયા હતા. અને ત્યારે પણ સમારંભ રાખેલો. વાસ્તુ તો હતું જ. સાથે બા પર બનાવેલી દસ્તાવેજી ફિલ્મ પણ રજૂ કરેલી. એ પ્રસંગ પણ યાદગાર હતો પણ દીકરીએ જે આ ’સિલ્વર જ્યુબિલી વેડિંગ’ સરપ્રાઈઝ આપેલું એ અવિસ્મરણીય બની ગયુ.
લગ્ન જીવન લાંબુ ચાલે એ આજનાં યુગમાં જરા આશ્ચર્ય ગણવા લાગ્યું છે. પશ્ચિમમાં લગ્નો બહુ ટકતા નથી. ભારતમાં પણ હવે એવી ઘટના વધી છે. પ્રેમીઓમાં બ્રેકઅપ બહુ જલદી થાય છે. આજના યુગમાં સબંધો બહુ બટકણા થઇ ગયા છે. એમને કોઈ યુગલ 25-30 વર્ષ સાથે ગાળે એ ગળે ઉતરતું નથી, પણ એવું નથી કે સાથે જીવાતું નથી. હા, જીવનમાં ભેદભાવ થયા છે.
એકબીજા સાથે ઝગડા થાય છે. પણ એક વ્યક્તિ થોડું જતું કરે છે અને બીજી વ્યક્તિ સાંજી જાય છે. એકબીજાને ટેકે જીવન આમ ક્ર્મશ: આગળ વધતું જાય છે. દરેક દંપતીએ પોતાના જુના દિવસો યાદ કરવા જોઈએ, એ યાદોને તાજી કરતી રહેવી જોઈએ.
અમદાવાદમાં રહેતા એક યુગલે અનોખો પ્લાન એમની લગ્નની દસમી વર્ષગાંઠે બનાવ્યો. એ બંને વર્ષગાંઠની સવારે એ જ કાફેમાં ગયા જ્યાં એમની પહેલી ડેટ થઇ હતી. પછી એ જ બસમાં બેઠા, જેમાં એ પહેલીવાર સાથે બેઠા હતા. ત્યારબાદ એ જ ફિલ્મને સિનેમા હોલમાં જોઈ, જે એમણે લગ્ન પહેલાં સાથે જોઈ હતી. આખો દિવસ આમ એ બન્ને એમની જૂની યાદોને વાગોળતા રહ્યા અને આ રીતે એકબીજાને ફરીથી પ્રેમનો અહેસાસ કરાવ્યો. આવું કરતા રહેવું જોઈએ. એનાથી એકબીજા પ્રત્યેની ઉષ્મા વધે છે.
સાચું કહું, આપણા જીવનના 50 વર્ષ થાય ત્યારે અનોખી ઉજવણી કરવી છે. મુંબઈમાં એક યુગલની જેમ. આ યુગલે એક મોટો ચાર્ટ પેપર લીધો અને તેના પર એકબીજાના જીવનના મહત્વના પ્રસંગોના ફોટા ચોંટાડ્યા. આ ચાર્ટમાં, એમણે તેમના બાળપણથી લઈને આજ સુધીના જીવનની યાદોને ફોટો અને લખાણ દ્વારા દર્શાવી.
આ ચાર્ટનું નામ ‘50 વર્ષના પ્રેમનો મેપ ’ રાખવામાં આવ્યું. જ્યારે એમના પૌત્ર-પૌત્રીઓ અને સંબંધીઓ આ મેપ જોવા આવ્યા, ત્યારે એ બધાએ એમના દાદા-દાદીના જીવનની સફરને જોઈને ખૂબ જ ખુશી વ્યક્ત કરી. આ અનોખી ઉજવણીએ સાબિત કરી દીધું કે પ્રેમ ક્યારેય જૂનો થતો નથી અને દરેક ઉંમરે તેના મૂલ્યમાં વધારો થાય છે. વર્ષગાંઠની ઉજવણી માત્ર એક પાર્ટી નથી, પરંતુ એકબીજા પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવાનો એક સુંદર અવસર છે.
તારો બન્ની