મહારાષ્ટ્રના એક નાના શહેરમાં એક કર્મઠ ગુજરાતીની જાણવા જેવી પ્રેરક કથા

નીલા સંઘવી
હમણાં મુંબઈમાં ભાષાનો વિવાદ વકર્યો છે. ધર્મને નામે વિવાદ થતાં જોયાં છે. હવે ભાષાને મામલે વિવાદ અને ફક્ત વિવાદ નહીં, મારામારી અને ગુંડાગીર્દી સુધી વાત પહોંચી જાય છે.
આ વાત આજે હું એટલા માટે કરી રહી છું કે ભાષાના મામલે વિવાદ અને ઝઘડા નહીં, પણ બંને ભાષાના લોકો સંપીને રહે તેવી કામગીરી બજાવી રહ્યા છે એક સિનિયર સિટીજન. મારે એ જ કહેવું છે કે અગર એક સિનિયર સિટીજન જો કોઈ કાર્ય કરે છે કે કોઈ કામ કરવાની જવાબદારી લે છે તો એ બહુ જ નિષ્ઠાથી નિભાવે છે.
આપણે એમને અહીં મહેશભાઈ તરીકે ઓળખીશું. એ વર્ષોથી મહારાષ્ટ્રના એક નાના શહેરમાં રહે છે. ધંધાર્થે એ ત્યાં સ્થાયી થયા. આ શહેરમાં મહારાષ્ટ્રીયનોની બહુમતી છે. ગુજરાતીઓની વસતિ મરાઠીઓના પ્રમાણમાં ઘણી ઓછી છે, છતાં થોડા ગુજરાતી પરિવાર નોકરી-ધંધાને કારણે આ શહેરમાં સ્થાયી થયાં છે. અહીં મરાઠી સંસ્કૃતિ, મરાઠીઓના વર્ચસ્વ વચ્ચે પણ મહેશભાઈએ ગુજરાતીઓની આગવી ઓળખ કંડારી છે અહીંના ગુજરાતીઓને માન-સન્માન અપાવ્યું છે. મહેશભાઈ જ્યારે મહારાષ્ટ્રના આ શહેરમાં સ્થાયી થયા ત્યારે થોડા ગુજરાતીઓ હતા પણ એમનું કોઈ ગ્રૂપ ન હતું.
કોઈ એકબીજાંને ઓળખતું ન હતું. એ વખતે તો મુહેશભાઈની ઉંમર પણ નાની જ હતી. એમને વિચાર આવ્યો, આ શહેરમાં આપણો-ગુજરાતીઓનો પણ એક અવાજ હોવો જોઈએ. મહેશભાઈના પત્ની મીનાક્ષીબહેને પણ પતિ મહેશભાઈને ટેકો આપ્યો. મહેશભાઈએ ધંધાના વિકાસ સાથે સ્થાનિક ગુજરાતીઓનું એક મંડળ સ્થાપવાનો વિચાર કર્યો અને એ એને અમલમાં મૂકવા માટે કેટલાં ગુજરાતીઓ છે એનો સર્વે કરવા માંડ્યો.
પોતાની જ્ઞાતિના અહીં લગભગ દસ-બાર ઘર હતાં. એમને મળ્યા એમાંથી અમુક મદદ કરી શકે તેમ હતા મહેશભાઈ એ પછી માર્કેટમાં ગુજરાતીઓની દુકાનો-ઑફિસો શોધવા માંડી. જેમ જેમ લોકોને મળવાનું થતું હતું તેમ તેમ એમની પાસેથી બીજા મિત્રોના રેફરન્સ મળતા જતા હતા. આમ ક્રમશ : મિત્રવર્તુળ વધવા માંડ્યું. રજાના દિવસે બધાં ભેગાં મળતા અને શું કઈ રીતે કરવું એ વિશે ચર્ચા-વિચારણા કરતા. મહેશભાઈની દીર્ઘદૃષ્ટિ અને લોકોને ભેગાં કરવાની કુનેહને જોઈને સૌએ મહેશભાઈને નેતૃત્વ સોંપી દીધું હતું.
આ પણ વાંચો…જીવનસંધ્યાએ કોઈનું અશક્ય સપનું પૂરું કરવાનું પુણ્ય…
મહેશભાઈએ મિત્રો સાથે મળીને ‘ગુજરાતી મિત્ર મંડળ’ -ની સ્થાપના કરી. લગભગ બધાં જ ગુજરાતી પરિવાર આ મંડળમાં સભ્ય બન્યા. આ મંડળમાં બે-ત્રણ મહિને કોઈને કોઈ કાર્યક્રમનું આયોજન થવા લાગ્યું. . ગણપતિ, નવરાત્રિ, દિવાળી, હોળી જેવાં તહેવાર સાથે મળીને ઉજવતા. પર્યટને જતા.
આ દરમિયાન મહેશભાઈના ધ્યાનમાં એ વાત આવી કે મુંબઈ અને ગુજરાતથી ઘણા વ્યાપારીઓ અહીં વ્યાપાર અર્થે બે-ચાર દિવસ માટે આવે-જાય છે, પણ એમને એ બે-ચાર દિવસ રહેવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા આ શહેરમાં નથી એટલે મહેશભાઈએ તો કમર કસી. મહારાષ્ટ્ર ગર્વમેન્ટ,- દાતાઓ એમ બધે ટહેલ નાખી. બહુ કાળી મહેનત બાદ મહેશભાઈના પ્રયત્નોને લીધે જમીન મળી. દાતાઓ તરફથી આર્થિક મદ્દદ મળી. મહેશભાઈના પગમાં જોર આવ્યું.
એક પૈસો ખોટો કે વધારાનો ન વપરાય તેના પર ધ્યાન આપીને મહેશભાઈ આ મકાન બંધાવવા પાછળ રાત- દિવસ જોયા વિના મંડી પડ્યા અને આખરે અહીં નિર્માણ થયું ‘ગુજરાત ભવન’નું. મહારાષ્ટ્રના આ નાનકડા શહેરનું ‘ગુજરાત ભવન’ શહેર બહારના ગુજરાતીઓમાં પણ બહુ જાણીતું છે. અહીં બધી જ સુવિધા- સગવડવાળા રૂમ્સની સાથે મહેશભાઈએ દીર્ઘદૃષ્ટિ વાપરીને તેમણભવનમં એક સરસ મજાનો બેન્કવેટ હોલ પણ બંધાવ્યો છે, જે ભાડે આપીને કમાણી થઈ શકે છે. અહીંના ગુજરાતીઓની સાથે મરાઠીઓ પણ લગ્ન જેવા અવસર માટે આ બેન્કવેટ હોલ હોંશે બૂક કરાવે છે.
ગુજરાત ભવનના રૂમનું ભાડું પણ બહુ જ કિફાયતી હોય છે. બહારગામના ગુજરાતી વેપારીઓથી લઈને ગુજરાતી પરિવાર સાથે બાજુમાં આવેલાં તીર્થસ્થાને દર્શનાર્થે જવાના હોય તો ઉતારો તો અહીં ગુજરાત ભવનમાં જ રાખે. આજે જીવનના સાતમા દાયકામાં પ્રવેશેલા મહેશભાઈ ‘ગુજરાત ભવન’ની અને ગુજરાતી મિત્ર મંડળની પ્રવૃત્તિઓની દેખરેખ રાખે છે. એમનો ઉત્સાહ જોઈને એમ થાય કે વૃદ્ધાવસ્થા આવી હોવી જોઈએ. ‘ગુજરાત ભવન’ માં અનેક પુસ્તકોની એક એવી અતિ વ્યવસ્થિત લાઈબ્રેરી છે કે કોઈ પણ વાચનપ્રિય વ્યક્તિ તો ભાવ-વિભોર જ થઈ જાય. ગુજરાતી કાર્યક્રમોનું આયોજન કરવામાં મહેશભાઈ એક્કા. મુંબઈના કોઈ કવિ, લેખક, સાહિત્યકાર, નાટ્યકાર એવાં નહીં હોય, જેમને અહીંના
‘ગુજરાતી મિત્ર મંડળ’માં કાર્યક્રમ માટે આમંત્રણ ન આપ્યું હોય અને હવે તો મહેશભાઈ મહારાષ્ટ્રનાં બીજાં શહેરોમાં પણ ‘ગુજરાતી મંડળ’ની સ્થાપના કરી રહ્યા છે.
અમુક શહેરમાં એમના માર્ગદર્શન નીચે ગુજરાતીઓની ટીમ તૈયાર થઈ છે,જે પોતાના મંડળમાં કાર્યક્રમો યોજી રહ્યા છે. ખાસ કરીને વેવિશાળને લગતા કાર્યક્રમ થઈ રહ્યા છે. અહીંના ‘ગુજરાતી મંડળ’ની ખાસિયત આવી છે કે ગુજરાતી-મરાઠી અહીં સંપથી રહે છે. અહીં આયોજિત થતા કાર્યક્રમોમાં મરાઠી ભાઉ પણ ને પણ હોંશે હોંશે આવે છે. હમણાં જ આંખની તપાસ માટે એક વિશેષ વિભાગ પણ શરૂ થયો છે, જ્યાં નિષ્ણાત આંખના ડોક્ટર્સ મોતિયાના ઓપરેશન કરે છે, ફ્રીમાં ચશ્મા આપે છે.
આ યોજનાનો વધારે લાભ મરાઠીઓ જ લઈ રહ્યા છે. આમ વ્યવસાય સાહિત્ય સાંસ્કૃતિક આરોગ્યને અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતી- મરાઠીઓ વચ્ચે એકતા જાળવી રાખવામાં કર્મઠ એવા મહેશભાઈ સેતુ બનીને બિરદાવવા જેવી કામગીરી બજાવી રહ્યા છે.
આ પણ વાંચો…આમ થઈ શકે જીવન નિર્વાહની સાથે સમાજસેવા…