ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં… : શિયાળો રોમાન્સ ઉજવવાની ભરપૂર મોસમ

દેવલ શાસ્ત્રી

આપણી સંસ્કૃતિમાં ઋતુઓને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણી કથાઓ, ભોજનની લુફ્ત, ફેશન, ઉત્સવો, પ્રણાલિઓમાં ઋતુઓ જ ભાગ ભજવે છે. આપણા પ્રાચીન ગ્રંથોથી માંડીને આધુનિક સાહિત્ય અને સિનેમા સુધી ઋતુઓનું વર્ણન કરવું એ એક કળા છે. તેમાં પણ શિયાળો એવી ઋતુ છે જેને રોમાંટિક અને સુંદરતાના પ્રતીક તરીકે દર્શાવવામાં આવી છે.

મહાન કાલિદાસ `ઋતુસંહાર’માં છ ઋતુનું વર્ણન કરે છે. આ અદ્ભુત કાવ્યમાં શિયાળાને હેમંત મીન્સ શિયાળાની શરૂઆત અને પછી કડકડતી ઠંડીનો ઉત્સવ એટલે શિશિરને ઉજવવા જેવો છે.

ઋતુસંહારની હેમંત ઋતુ એટલે પ્રેમ અને રોમાન્સની નજાકત કહી શકાય. શિયાળો અને પ્રેમનું જોડાણ પ્રાચીન સમયથી છે. કાલીદાસ કથન મુજબ હેમંત ઋતુમાં ઠંડીના આરંભમાં પ્રેમીઓ એકબીજામાં ખોવાઈ જાય છે અને તેમના મિલન પછીના દાંતના નિશાન અને ઉઝરડાનું વર્ણન છે, હેમંત ઋતુમાં શિયાળાની ઠંડી કરતાં પ્રેમની ગરમાહટ વધુ છે. આમ તો વિશ્વના દરેક ખૂણે શિયાળો પ્રેમની ઋતુ તરીકે જોવાય છે. દુનિયાભરમાં ક્રિસમસ વેકેશનમાં પાર્ટનર સાથે વધુ સમય વિતાવતા હોવાના અભ્યાસ થયા છે.

શિશિરમાં શિયાળો વધુ કઠોર બને છે. કાલિદાસ તેને એવી ઋતુ તરીકે વર્ણવે છે જ્યાં લોકો ઘરમાં રહેવાનું પસંદ કરે છે. પ્રેમીઓ પ્રેમમાં મગ્ન થાય છે; બીજા દિવસે સ્ત્રીઓના વાળ તાજા ધોવાયેલા, ચહેરા સુશોભિત અને પ્રેમના ચિહ્નો શરીર પર જોવા મળે છે. પ્રેમ અને રોમાન્સ આમ તો કોઈ પણ ઋતુમાં હોઈ શકે છે, પરંતુ શિયાળામાં રોમાન્સની અલગ મજા હોય છે. ઠંડીના માહોલમાં તાપણું સળગાવીને બેઠા હોય, હળવું સંગીત ચાલતું હોય અને હાથમાં કોફીનો કપ હોય આ દરેકનું સ્વપ્ન છે.

ઠંડી વધતી જાય અને એક જ કંબલ છે એમાં એકબીજાને સ્પર્શીને બેઠા હોય ત્યારે સ્વર્ગની અનુભૂતિ ધરતી પર થવા લાગે છે. આ ભલે સિનેમેટિક કલ્પના છે પણ આ આનંદ કોને નથી ગમતો? સરવાળે શિયાળો આવે ત્યારે ફક્ત હવા જ ઠંડી થતી નથી, પરંતુ દિલમાં એક અજબની ગરમાહટ જાગે છે. આ ઋતુ માત્ર બરફ અને ધુમ્મસ કે ફરિયાદો કરવા માટે નથી, પરંતુ આ સીઝનમાં પ્રેમનું સૌથી ગાઢ કેન્વાસ બનાવી શકાય છે, જ્યાં હૂંફ, રોમાન્સ અને સેક્સનાં તત્ત્વો એકબીજા સાથે વીંટળાઈ અવનવા રંગો પેદા કરે છે.

સિનેમાએ શિયાળાના બ્લ્યુ કલરને અનેરી રીતે પ્રસ્તુત કર્યો છે. જે દ્રશ્યમાં બ્લ્યુ કલરનો ભરપૂર ઉપયોગ થાય એટલે દર્શક સમજી જાય કે વાત શિયાળાના રોમાન્સની ચાલે છે, બ્લ્યુ કલરની સાડી, શર્ટ, બ્લ્યુ બરફનો શેડ બ્લુ કલરનો ઉપયોગ શિયાળાને રોમેન્ટિક અને વિઝ્યુઅલી આકર્ષક બનાવે છે. તે કુદરતી રિયલિઝમ, સાયકોલોજિકલ ઇફેક્ટ અને આર્ટિસ્ટિક ચોઇસનું મિશ્રણ છે, જ્યાં ફક્ત રોમાન્સ છે. આપણી ફિલ્મોમાં શિયાળો વધુ રોમેન્ટિક અને ગીત-સંગીતના સીન્સમાં વપરાય છે, જ્યારે પશ્ચિમીમાં તે વૈવિધ્યપૂર્ણ અને રિયલિસ્ટિક છે. બોલિવૂડમાં શિયાળો પ્રેમ અને ઉત્સવ સાથે જોડાયેલો છે, પરંતુ પશ્ચિમીમાં તે માણસની એકલતા અને સંઘર્ષને દર્શાવે છે.

જો કે પશ્ચિમમાં પણ શિયાળાના રોમાન્સ પર જાતજાતના અભ્યાસ થયા છે. પુરૂષો શિયાળામાં મહિલાઓના શરીરને વધુ આકર્ષક માને છે અને ટેસ્ટોસ્ટેરોન ઓક્ટોબર-નવેમ્બરમાં પીક પર હોય છે, જે સેક્સ્યુઅલ ડિઝાયર વધારે છે. પરિણામે યુએસ અને યુકેમાં જન્મદરો જુલાઈ-સપ્ટેમ્બરમાં સૌથી વધુ હોય છે, ઠંડા વેધરમાં વધુ ઇન્ટિમેટ થનારાઓમાં 77 ટકા લોકો માને છે કે તેમનું શિયાળાનું સેક્સ અન્ય ઋતુઓ કરતાં વધુ સારૂ હોય છે. કુછ સમજે?

આમ તો પશ્ચિમની દુનિયા શિયાળાને કફિંગ સીઝન તરીકે ઓળખે છે. શિયાળામાં એટલે કે લગભગ ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીના આ સમયે વ્યક્તિ અને એમાંય ખાસ કરીને સિંગલ વ્યક્તિઓ શોર્ટ-ટર્મ રિલેશનશિપ અથવા કમ્પેનિયનશિપ શોધે છે. સિમ્પલ ભાષામાં કહીએ તો પાર્ટનર શોધે છે, આ ટર્મને કફિંગ મીન્સ હાથકડી પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે કે વ્યક્તિને શિયાળા દરમિયાન પાર્ટનર સાથે બંધાઈ જવા માંગે છે, કારણ ઠંડીમાં એકલતા વધુ અનુભવાય છે અને સપોર્ટની જરૂર પડે છે.

મનોવૈજ્ઞાનિકો એવું માને છે કે શિયાળામાં એકલતા અનુભવતી વ્યક્તિના વર્તણૂકમાં ફેરફાર આવતો હોય છે. પશ્ચિમમાં આ સમયે વેકેશન હોવાથી સાથે ફરવા રખડવા એક સાથીની ઊણપ વર્તાય છે.

ભારત જેવા સામાજિક તાણાવાણા ધરાવતા દેશમાં કફિંગ સીઝનની ખાસ અસર નથી. આપણો શિયાળો અતિશય ઠંડો નથી, શિયાળો એકલતાને બદલે ઉત્સવો અને સમુદાય સાથે જોડાયેલો છે. અને હા, આપણે ક્લાસિક પ્રજાતિ એવી ગુજરાતી શિયાળાને પ્રેમ કરવામાં, સોરી શિયાળામાં પ્રેમ કરવાની રીતને કોઇ ના પહોંચે બધા સુખોને સોરી, બધા શાકને ભેગા કરીને દુનિયા કરતાં ઊંધું કરવા માટે જાણીતી પ્રજાતિ મસ્ત મજાનું ઊંધિયુ ખાશે અને કોકની પતંગ કાપવાની મજા માણશે

પશ્ચિમી ફિલોસોફીમાં શિયાળો અને રોમાન્સનું જોડાણ સીધું સાદું નથી, જાતજાતની ફિલોસોફીઓ લખી છે. આમ પણ ત્યાં ઠંડી કાતિલ હોવાથી અલગ રીતે વિચારતા હશે. ત્યાં ઠંડી સંઘર્ષ છે અને આપણી ઠંડી રોમાન્સ છે.

આપણે ગુજરાતીઓ ખાણીપીણીના શોખ સાથે બોનફાયર આસપાસ બેસીને જાતજાતની વાર્તાઓ કહેવી, ગરમ ચા પીવી અને પરિવાર સાથે સમય વિતાવવો છે પણ આપણે શિયાળામાં ય ગાજરનો હલવો, મેથીના થેપલા, બાજરીના રોટલા સાથે ખાટી કે મીઠી કઢી અને પાલક, મેથી અથવા તુવેરનું શાક હોય. આ ભોજનમાં સોશ્યલ મીડિયામાં ચાલતી રિલ્સ મુજબ કફને કેવી રીતે સંતુલિત કરે છે એની ચર્ચાઓ કરીને જલસા જલસા પડી જાય.
ધ એન્ડ :
પ્રેમ વગરનો સેક્સ ફક્ત એક સ્વસ્થ કસરત હોય છે. (રોબર્ટ હેનલેન)

આ પણ વાંચો…ઔર યે મૌસમ હંસીં… : પ્રેમમાં પડવું સહેલું છે, પણ તેની કેમેસ્ટ્રી અઘરી કેમ છે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button