ખરીદી કરતા પત્નીઓ થાકતી કેમ નથી?

કૌશિક મહેતા
ડિયર હની,
શોપિંગની વાત આવે તો પત્નીઓને મજા પડી જાય છે. આ વાત બધી મહિલાઓને લાગુ પડે છે. શોપિંગ પસંદ ના હોય એવી છોકરી કે મહિલા ભાગ્યે જ આ પૃથ્વી પર જોવા મળે છે. ગર્લફ્રેન્ડ હોય કે પછી પત્ની… ‘ચાલ, શોપિંગ કરવા જઈએ’ એવું એના કાને અથડાય તો એ બધા વાંધાવચકા ભૂલી જાય છે.
મને તારી સાથે આવા ઘણા અનુભવ થયા છે. મોટાભાગે પતિઓને પત્ની સાથે ખરીદી કરવાનું પસંદ નથી હોતું. એનું કારણ એ છે કે, પત્નીઓ ખરીદી કરવામાં એટલી બધી વાર લગાડે છે કે પતિ થાકીને ઠૂસ થઇ જાય છે. અને પછી બિલ ચૂકવવાનો વારો આવે ત્યારે એની હાલત વધુ બગડી જાય છે.
મને એ દિવસ બરાબર યાદ છે. મને એક એવોર્ડ મળેલો અને આપણે બંને અમદાવાદ ગયા હતા. એવોર્ડ સમારંભ પૂરો થયો અને પછી તેં કહ્યું કે, હવે ફલાણી જગ્યાએ ખરીદી માટે જવું છે.
આપણ વાચો: પત્નીઓને બધી ખબર કેમ પડી જાય છે…?
ગમશે તો લઈશું. અને મિત્ર સાથે આપણે ત્યાં ગયા. તેં સાડીઓ જોવાનું શરૂ કર્યું અને અમે બે મિત્રોની વાત ખૂટી પડી, પણ તારી ખરીદી પૂરી ના થઇ. ક્યારે પૂરી થશે એ વિશે અમારા બેમાંથી કોઈ કહી શકે એવી સ્થિતમાં નહોતું.
આખરે ખરીદી પૂરી થઇ અને બિલ બનવા લાગ્યું. અમુક રકમના બીલ માટે મારી માનસિક તૈયારી જરૂર હતી, પણ બિલ આવ્યું ત્યારે એ જોઈ મને પરસેવો વળી ગયો. રૂમમાં એસી ફૂલ હતું, છતાં મારા કપાળે પરસેવો જોઈ મિત્રે પૂછ્યું કે, ‘કેમ પરસેવો વળે છે, તબિયત તો બરાબર છે ને…’ મેં એને સાડીનું બિલ બતાવ્યું પછી એ સમજી ગયો કે પરસેવો કેમ વળ્યો…
પાછું પત્નીઓ એક સ્ટોરમાં ખરીદી પૂરી કરતી નથી અને દિવસમાં પાંચ પંદર સ્ટોરમાં ફરવું પડે તો એ માટે એ તૈયાર હોય છે. બીજી બાબતોમાં એમને થાક લાગી શકે છે, પણ ખરીદીમાં કોણ જાણે એમનામાં ક્યાંથી એનર્જી આવી જાય છે, જે ખૂટતી નથી.
આપણ વાચો: ‘પત્ની અચલા સચદેવ જેવું શરમાતી નથી’
આ વિશે મેં બહુ વિચાર્યું પણ મેળ ના પડ્યો. પછી થોડા ખાંખાંખોળા કર્યા તો કેટલાંક કારણ મળ્યા.
પુરુષને ખરીદીમાં કંટાળો આવે છે અને સ્ત્રીને મજા એના કારણો છે કે, મહિલા ‘હેડોનિક’ અભિગમ ધરાવે છે એટલે કે મહિલાઓ ખરીદીને આનંદ, મનોરંજન, ભાવનાત્મક સંતોષ મળે છે.
જ્યારે પુરુષ એને માત્ર ખરીદીને કાર્ય તરીકે જુએ છે. જે વસ્તુની જરૂર હોય તે ઝડપથી શોધીને ખરીદવા અને સ્ટોરમાંથી જલદી બહાર નીકળી જવા પુરુષ માગે છે. કેટલાક સામાજિક જીવ વિજ્ઞાનીઓ આ તફાવતને ઉત્ક્રાંતિના સિદ્ધાંત સાથે જોડે છે.
ઐતિહાસિક રીતે, સ્ત્રીઓ ફળ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી વસ્તુઓ એકત્રિત કરવાની ભૂમિકા ભજવતી હતી. આ ભૂમિકાના કારણે, આધુનિક મહિલાઓમાં દુકાનોમાં વિગતવાર શોધ અને વિવિધ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ પસંદ કરવાની આદત વિકસિત થઈ છે.
સ્ત્રીની આવી ખરીદી પાછળના સામાજિક અને ભાવનાત્મક કારણો એવાં છે કે, ઘણી સ્ત્રી માટે ખરીદી એ તણાવ અને નકારાત્મક લાગણીઓમાંથી ધ્યાન હટાવવાનો અથવા સામનો કરવાનો એક આડકતરો ઉપાય બની શકે છે.
આને ઘણીવાર ‘રિટેલ થેરાપી’ કહેવામાં આવે છે. સંશોધનો એવું ય દર્શાવે છે કે મોટાભાગની સ્ત્રી ઘરની ખરીદી માટે પ્રાથમિક નિર્ણય લેનાર હોય છે. આ જવાબદારી તેમને વધુ સમય ખરીદી માટે ફાળવવા અને ગુણવત્તા, કિંમત તથા અનુકૂળતા પર વધુ ધ્યાન આપવા માટે પ્રેરે છે.
હવે સમજાયું કે, આવું કેમ બને છે કે પુરુષો ઝપાટે ખરીદી કરે છે અને સ્ત્રીઓને વાર લાગે છે. તમે જોજો કે, સ્ત્રી ખરીદી કરતા હોય કે પછી કોઈ શુભ પ્રસંગ માટે કેમ ના હોય તો પુરુષ સ્ટોરમાં એકબાજુ બેસી જાય છે અને બિલ ચુકવવાની વેળા આવે ત્યારે એમને યાદ કરવામાં આવે છે.
એક બીજી વાત નોંધવા જેવો છે કે, બધું નક્કી થઇ જાય એટલે પત્ની પતિને બોલાવે અને પૂછે: ‘આ બરાબર છે ને? કે પછી આ… ‘પુરુષ હાયે હા કરે છે. પત્નીએ પહેલેથી જ નક્કી કરી લીધું હોય છે કે શું ખરીદવું. પતિને સારું લાગે એટલે ખાલી પૂછવા ખાતર એમને પૂછવામાં આવે છે.
કેટલાક કિસ્સામાં પતિ સાથે જતા નથી. એમને બિલ ચૂકવવાની વેળાએ જાણ કરવામાં આવે છે કે ‘આટલાનું બિલ થયું છે…’ પછી પતિ પાસે હા કહેવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો. અને એમાં ય સેલ ચાલતું હોય તો વાત જવા દો. એક મજાનો જોક છે, સાંભળો…
પતિ અને પત્ની એક મોલમાં ગયા.
મોલના પ્રવેશદ્વાર પર એક મોટું બોર્ડ લગાવેલું હતું, જેના પર લખ્યું હતું ‘મોટો સેલ! 50 ટકા ડિસ્કાઉન્ટ!’
આ જોઈને પત્નીએ તરત જ પતિનો હાથ પકડી લીધો અને કહ્યું: ‘ચાલો, જલદી અંદર જઈએ!’
પતિએ હસીને પૂછ્યું: ‘કેમ? તારે કઈ વસ્તુ લેવી છે?’
પત્નીએ ગંભીરતાથી કહ્યું:
‘લેવું તો કંઈ નથી, પણ મોટા સેલનો ફાયદો ઉઠાવીને થાક્યા વગર ફરવાનો રેકોર્ડ બનાવવો છે ને! જો સ્ટોક પૂરો થઈ જશે તો મજા નહીં આવે!’
તારો બન્ની



