મગજ મંથન : સંસ્કારધામમાં હિંસા – હત્યા કેમ વધતી જાય છે?

- વિઠ્ઠલ વઘાસિયા
શિક્ષણ એ માનવજીવનનું સૌંદર્ય છે. શાળા એટલે જ્ઞાનનું મંદિર અને શિક્ષક એટલે માર્ગદર્શક, પરંતુ આજના યુગમાં દુ:ખદ વાત એ છે કે જે શાળા પ્રેમ, સહાનુભૂતિ અને સંસ્કારનું ધામ હોવી જોઈએ ત્યાં હિંસા, હત્યા અને ગુસ્સાના બનાવ વધી રહ્યા છે. ઘણીવાર અખબારો અને સમાચાર ચેનલોમાં સાંભળવા મળે છે કે વિદ્યાર્થી ગુસ્સામાં આવી શિક્ષકને મારી નાખે છે અથવા તો મિત્ર વિદ્યાર્થીની જ છરી કે ગન વડે હત્યા કરે છે. આવા બનાવ ફક્ત વ્યક્તિગત દુર્ઘટના નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણી છે.
અમદાવાદની `સેવન્થ ડે સ્કૂલ’ની ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે.
વિદેશ કલ્ચર ભારતમાં વિકસી રહ્યું છે. પેન-પેન્સિલની સાથે બાળકનું ગન કે છરી લઈને સ્કૂલમાં જવું એ ઘટના સૌ કોઈ વાલીઓ માટે કે સમાજ ચિંતકો માટે આંખ ઉઘાડનારી ઘટના છે. વળી તંત્ર વિદ્યાર્થીનું દફતર ચેક કરી ન શકે એ પણ કેવું ?
અમદાવાદ જેવી ઘટના હવે વધતી જાય છે. અગાઉ અન્ય રાજ્યોમાં પણ આવી ઘટનાના સમાચાર વાંચવા મળતા. હવે ગુજરાત પણ એ હરોળમાં આવી ગયું.
આ પણ વાંચો…મગજ મંથન : સફળતાની સીડીનાં ત્રણ પગથિયાં: પ્રેરણા-પ્રોત્સાહન ને પ્રયાસ
ટીન એજર્સ તણો આ હદ સુધી પહોંચી ગયા છે એ વાતથી ધ્રુજી જવાય છે. સમાજ સ્તબ્ધ છે. જ્યારે જ્યારે આવી ઘટના બને છે ત્યારે દોષનો ટોપલો શિક્ષકો ઉપર ઢોળી દેવામાં આવે છે. બાળકના બગડવા પાછળ માત્ર ને માત્ર શિક્ષકને જ દોષિત ગણવામાં આવી રહ્યા છે. આ આત્મખોજ કરવાનો વિષય છે. બાળકને સંસ્કારી બનાવવો એ ખૂબ જ અઘરી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયામાં 75 ટકા વાલી અને 25 ટકા જ શિક્ષકો જવાબદાર છે. પરિવાર સાથે 19 કલાક રહીને બાળક સંસ્કાર અને સદગુણ મેળવે છે અને માત્ર પાંચ કલાક શાળામાં રહે છે, જ્યાં શિક્ષકો વિદ્યાર્થીઓને સંસ્કારથી લઈને શિક્ષણના શ્રેષ્ઠ પાઠ શિખવવાના પ્રયાસ કરે છે. વળી જર પડે તો બાળકને ખીજાઈને કે શારીરિક શિક્ષા કરીને એની કુટેવ સુધારવા માટે તો શિક્ષક લાચાર હોય છે. જો કોઈ શિક્ષક ભૂલે ચૂકે પણ આવું કરે તો મા- બાપ કાયદા દ્વારા શિક્ષકને જેલમાં ધકેલી દે છે.
ઘર એ બાળક માટે પ્રથમ શાળા છે. જો ઘરમાં ઝઘડા, તણાવ, દારૂ-નશાના દૃશ્યો, માતા-પિતાની અવગણના કે સંતાનો સાથે સમય વિતાવવાનો અભાવ હોય, તો બાળક અંદરથી એકલું પડી જાય છે. આવી એકલતા ઘણીવાર ગુસ્સા અને હિંસાના સ્વરૂપે બહાર આવે છે. માતા-પિતાએ સંતાનો સાથે રોજ વાતચીત કરવી જોઈએ. સંતાનોને પૂરતો સમય આપવો જોઈએ.
આજના સમયમાં પેઢી વચ્ચે સંસ્કારનું અંતર વધી રહ્યું છે. જીવનમૂલ્યો, માનવતા અને સંવેદના નબળી પડી રહી છે.
આવા સમયે બાળકોની નાની સમસ્યાઓને પણ ગંભીરતાથી સાંભળવી જોઈએ. એને પ્રેમ, સહાનુભૂતિ અને ધીરજ સાથે માર્ગદર્શન આપવું જોઈએ. ગુસ્સા કરતાં સંવાદનો માર્ગ અપનાવવો જોઈએ.
શાળાઓમાં કાઉન્સેલિંગ સેલ હોવું જોઈએ, જ્યાં વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ પોતાની વાત કહી શકે.
શિક્ષકો માત્ર શીખવાડનાર નહીં, પણ માર્ગદર્શક અને મિત્ર તરીકે વર્તવું પડે તો બન્ને પક્ષે ઉત્તમ. રમતગમત, સંગીત, કલા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના ઊર્જા-પ્રવાહને સકારાત્મક દિશામાં વાળવા જોઈએ.
શિક્ષણનું સાચું લક્ષ્ય ફક્ત નોકરી કે કારકિર્દી બનાવવું નથી, પરંતુ માનવતા, સંવેદના અને શાંતિ સ્થાપિત કરવાનું છે. વિદ્યાર્થીએ પોતાના હાથમાં શસ્ત્ર નહીં, શાસ્ત્ર લેવું જોઈએ. પુસ્તક, પેન અને જ્ઞાન એ જ એનું સાચું હથિયાર છે.
જો પરિવાર, શાળા અને સમાજ મળીને પ્રયત્ન કરે તો ચોક્કસ ભવિષ્યમાં શાળાઓ ફરી એકવાર સાચા અર્થમાં જ્ઞાન અને પ્રેમના મંદિર બની જશે. ત્યાં હિંસા નહીં, પરંતુ મિત્રતા, અને શાંતિની સુગંધ ફેલાશે.
દેખાદેખી અને સ્પર્ધાને લીધે મા- બાપ અને ખાસ કરીને માતા ઊંચી ફીવાળી હાઈ-ફાઈ શાળાઓમાં બાળકને પ્રવેશ કરાવે છે અને આવી સ્કૂલમાં પોતાનું બાળક ભણે છે એનું ગૌરવ લે છે, પછી ભલે જે તે શાળામાં સંવેદનહીન અને લઘુતમ લાયકાત ધરાવતા શિક્ષકો હોય… વાસ્તવમાં જેમનો વ્યવસાય શિક્ષણ નથી એવા લોકોના હાથમાં આજનું શિક્ષણ જઈ રહ્યું છે.
એમની સરખામણીએ આજે સરકારી શાળાઓમાં ઉચ્ચ લાયકાત ધરાવતા અને ક્યારેય બદલી ન થાય એવા શિક્ષકો હોય છે. અરે, હવે તો નવી ભરતીમાં પીજી થયેલા અને પીએચડી થયેલા શિક્ષકો પણ ભણાવી રહ્યા છે. એટલું જ નહિ, અંતરિયાળ બોર્ડર પરના પછાત વિસ્તારના ગામમાં તો શિક્ષકો શાળાનાં બાળકોને હાથ પગના નખ કે માથાના વાળ પણ કાપી આપવામાં સંકોચ અનુભવતા નથી. અમુક વિસ્તારમાં તો વિદ્યાર્થીઓ સ્નાન કર્યા વગર જ શાળામાં આવે છે ત્યારે શિક્ષકો શાળામાં જ નવડાવે છે!
સર્વ શિક્ષા અભિયાન યોજના અંતર્ગત હવે તો પ્રાથમિક શાળાઓનાં બિલ્ડિંગ પણ કોર્પોરેટ કચેરીઓ જેવા બની ગયા છે. પર્યાવરણીય પરિસરથી શોભતી આવી ઈમારતો તમામ પ્રકારની ટેકનોલોજીથી સજજ પણ હોય છે.. આવી શાળાઓ છોડીને મા-બાપની ખાનગી શાળાઓ તરફની દોડ દુ:ખદ છે.
આ પણ વાંચો…મગજ મંથન : આશાવાદી વ્યક્તિ કયારેય સંજોગો સામે હાર સ્વીકારતો નથી