ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં… : વિશ્વને મહાન સૂત્રો આપવા છતાં સુખની ગણતરીમાં ભારત પાછળ કેમ?

-દેવલ શાસ્ત્રી

ભારતીય પરંપરાએ હજારો વર્ષથી માનવતા અને જ્ઞાન માટે આંતરરાષ્ટ્રીય સૂત્રો આપ્યાં છે. સમગ્ર વિશ્વ મારું કુટુંબ છે અને દશે દિશાઓથી અમને જ્ઞાન પ્રાપ્ત થાઓના વૈદિક વિચાર સાથે શાંતિ મંત્રોની પરંપરા આપી છે. ભારત જેવા સાંસ્કૃતિક વિવિધતા ધરાવતાં દેશમાં સુખને કોઈ એક ચોક્કસ માપદંડમાં ચકાસવું લગભગ અશક્ય છે, હિમાલયમાં તડકાની જરૂર પડતી હોય ત્યારે દેશના મધ્ય વિસ્તારોમાં ફ્રિઝનો બરફ પણ મનને શાતા આપતો હોય છે. દક્ષિણ ભારત કે પૂર્વ ભારતની આબોહવા અને સમસ્યા અલગ છે, દરિયાકિનારાના વિસ્તારોની સમસ્યા અલગ છે. ભારત જેવા દેશમાં એક સરખા માપદંડથી સુખનો આંક નક્કી કરવો લગભગ અશક્ય હોય એવું લાગે છે.

તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘વર્લ્ડ હેપ્પીનેસ’ રિપોર્ટ 2025 જાહેર કરવામાં આવ્યો છે. વિશ્વમાં પ્રસન્નતાનું સ્તર માપવામાં આવે છે અને રેન્કિંગ આપવામાં આવે છે.

આ વર્ષની થીમમાં જીવનની પ્રસન્નતા અને કલ્યાણની ભાવનાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વર્લ્ડ હેપ્પીનેસમાં રેન્ક નક્કી કરવા માટે જીડીપી, સામાજિક સમર્થન, આયુષ્ય, વૈચારિક સ્વતંત્રતા, સામાજિક સૌહાર્દ, ઉદારતા તથા ભ્રષ્ટાચારના પ્રમાણ જેવી અનેક બાબતનો આધાર લેવામાં આવે છે.

આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : માણસજાતનો એક કાયમી દોસ્ત નામ છે એનું ‘સાબુ’!

ફિનલેન્ડ છેલ્લા આઠ વર્ષથી હેપ્પીનેસ રેન્કિંગમાં ટોચ પર છે અને 2025ના રિપોર્ટમાં ભારત 118મા ક્રમે છે. ફિનલેન્ડ પછી ડેનમાર્ક, નોર્વે, આઇસલેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશો સામાન્ય રીતે ટોચના 10માં સ્થાન ધરાવે છે.
ભારતમાં હેપ્પીનેસનું સ્તર ઘણા ખરા વિકાસશીલ અને વિકસિત દેશોની તુલનામાં ઓછું છે. આર્થિક વિકાસ સાથે ભારતમાં સામાજિક સમાનતા, આરોગ્ય અને શિક્ષણ પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે.

કોસ્ટારિકા અને મેક્સિકો જેવા આર્થિક રીતે નબળા હોવા છતાં હેપ્પીનેસમાં પ્રથમ દશમાં સામેલ થયાં છે. કોસ્ટારિકા જેવા દેશનો અભ્યાસ કરીએ તો ખબર પડે કે ત્યાંના લોકો એકબીજાને મદદ કરવામાં અને સાથે સમય પસાર કરવામાં વધુ આનંદ મેળવે છે. વીજળી જેવી જરૂરિયાત માટે પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ કરે છે અને જંગલોના રક્ષણ કરવા સાથે લાંબું આયુષ્ય ભોગવે છે. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં લોકોપયોગી નીવડે તેવા નવા પ્રયોગ કરવામાં આવે છે. નેપાળ જેવા ગરીબ દેશમાં લોકોની અપેક્ષાઓ ઓછી હોવાથી સંતોષની લાગણી અનુભવે છે. બીજી તરફ, ભારતમાં ટીવી, સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ્સ થકી મધ્યમ વર્ગ અને યુવાનોની લકઝરી જીવન પરત્વે અપેક્ષાઓ વધવા લાગી છે. આ વર્ગની આવક અને અપેક્ષાઓનો મેળ મળતો નથી. આનાથી ખાસ કરીને મધ્યમ વર્ગ અને યુવાનોમાં અસંતોષ વધે છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા પોપ્યુલર મીડિયામાં લોકો પોતાનું જીવન સર્વોત્તમ બતાવવામાં જીવનમાં ડિપ્રેશન પેદા કરે છે. એક અભ્યાસ મુજબ 30% યુવાનો સોશિયલ મીડિયાના કારણે માનસિક તણાવનો શિકાર બને છે. શહેરીજનોના પ્રમાણમાં ગ્રામીણ જીવનનો ભેદ સામાજિક અસંતોષ પેદા કરે છે. હા, એ ખરું કે ‘સ્વચ્છ ભારત’ જેવી ઝુંબેશોને પરિણામે જીવનધોરણમાં સુધારો થયો છે. ભારત કેમ પાછળ છે એ પ્રશ્ન દરેક વ્યક્તિના મનમાં ઉદભવે છે. ભારતના પાછળના ક્રમ માટે આર્થિક સમૃદ્ધિ અને મહાન સંસ્કૃતિ હોવા છતાં ઘણેખરે અંશે સામાજિક, માનસિક અને વૈભવી જીવનની અપેક્ષાઓની અસંતુલન છે.

ઇકો ટુરિઝમ, ખેતી અને ગ્રામ્યજીવનમાં સુરક્ષા સાથે સુવિધાઓમાં સુધારો કરવાના સરકારના પ્રયાસો પર મહિલા અસુરક્ષા જેવા વિષયો વિદેશીઓની નજરે ચડતાં હોય છે. ભારત જેવા દેશમાં સુખનો આંક સુધારવા માટે લાંબા ગાળાના પ્રયાસ થવા જરૂરી છે. વર્લ્ડ હેપ્પીનેસમાં ટોચના દેશો સુખના સ્તરને જાળવી રાખવા માટે શિક્ષણમાં નવીન અને પ્રગતિશીલ પ્રયોગો કરે છે. આ પ્રયોગોમાં ક્લાસરૂમના સિલેબસ પર આધાર રાખવાને બદલે વિદ્યાર્થીઓની માનસિક સુખાકારી, સર્જનાત્મકતા અને સામાજિક ફરજો પર ધ્યાન કરવામાં આવે છે. ભારતમાં શિક્ષણ પ્રણાલી પરંપરાગત અને પરીક્ષાકેન્દ્રી છે, જેના કારણે નવા પ્રયોગોનો અભાવ જોવા મળે છે.

આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં…: મનોરંજનની દુનિયા : સરસ્વતી દેવીથી લઈને ઉષા ખન્ના સુધી…

ફિનલેન્ડે 2016થી પરંપરાગત વિષયોને બદલે વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનની સમસ્યાઓ સાથે પ્રકૃતિ અને સામાજિક સમસ્યાઓને સમજવામાં મુખ્ય વિષયોનું સંકલન કરવામાં આવે છે. ડેનમાર્કમાં સુખમય જીવન સાથે માનવીય સંબંધોનો ઉપયોગ કરીને લાગણીઓ સાથે મુખ્ય વિષયનું વ્યવહારિક જ્ઞાન આપવામાં આવે છે. સ્વિડનમાં હોમવર્ક પર ફરજિયાત પ્રતિબંધ સાથે ઘરમાં બાળકો સામાજિક તાણાંવાણાં વધુ શીખે એના પર ભાર મૂકવામાં આવે છે. નોર્વેમાં વિદ્યાર્થીઓને જંગલોમાં લઈ જઈને પર્યાવરણ, વિપરીત પરિસ્થિતિમાં ટકી રહેવા સાથે ટીમવર્ક શીખવાય છે. નોર્વેમાં શાળાજીવનમાં વિદ્યાર્થીઓ અંદાજે 25% સમય શાળાની બહાર જઈને દુનિયાને અનુભવે છે. ન્યૂઝિલેન્ડમાં શિક્ષણમાં સંગીત, કલા અને નૃત્ય પર ભાર આપીને વિદ્યાર્થીઓને પોતાની ઓળખ અને સર્જનાત્મકતા વિકસાવવાની તક આપવામાં આવે છે. જો તમારો મિત્ર અથવા પરિવારજન ઉદાસ હોય તો શું કરવું એના પર બાળકોની ખાસ પરિચર્ચા ગોઠવવામાં આવે છે. ફિનલેન્ડમાં 15 વર્ષની ઉંમર સુધી રાષ્ટ્રીય પરીક્ષાઓ નથી.

બીજી તરફ, ભારતમાં મુખ્ય વિષયોમાં ગોખણપટ્ટી કેન્દ્રસ્થાને છે. ભારતમાં નવી પેઢીના માનસિક સુખાકારી પર ધ્યાન આપવા માટે કાઉન્સેલિંગ સુવિધાઓ મર્યાદિત છે. ભારતમાં પાંચ છ વર્ષનાં બાળકોને લખવું, વાંચવું અને હોમવર્ક શરૂ થાય છે. પરીક્ષાનું દબાણ નાની ઉંમરથી શરૂ થાય છે. ભારતમાં સાંસ્કૃતિક વિવિધતા હોવા છતાં બાળકોને સ્થાનિક કલા કે ભાષાનું મહત્ત્વ ઓછું છે અને અભ્યાસક્રમ ગણિત અને વિજ્ઞાન પર કેન્દ્રિત છે. નવી શિક્ષણનીતિમાં ભારેખમ ફેરફાર કરવા છતાં સામાજિક સરહદો બાળકોને પરીક્ષાલક્ષી દબાણોમાં રાખે છે. વર્ષ 2022ના સરકારી ડેટા મુજબ અંદાજે 13,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષાના તણાવથી આત્મહત્યા કરી હતી.

સુખના પાછળના ક્રમ માટે સરેરાશ ભારતીય નારાજ હોય છે એ સ્વાભાવિક છે. ભારતીયોએ પાડોશી દેશો સાથે સરખામણી કરવા કરતાં પ્રથમ ક્રમાંકિત દેશો પાસે ઘણું શીખવાનું છે એ ભાવ સાથે પ્રયાસ કરવો જોઈએ.

ધ એન્ડ :
એક અભ્યાસ મુજબ ભારતમાં દશ કરોડ વયસ્કો એકલતા અને અવગણનાનો શિકાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button