ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં… : કાર ચલાવતી મહિલા સુંદર કેમ લાગે છે ?

-દેવલ શાસ્ત્રી

દેશના શહેરોમાં મહિલા કાર ચલાવે એ લગભગ સિત્તેરના દાયકાથી સામાન્ય બાબત છે. અમિતાભ અને રાજેશ ખન્નાના યુગમાં હીરોઈન કાર ચલાવતીને ગાયન ગાતા જોઈ છે. ધીમે ધીમે સમૃદ્ધિ ગ્રામ્ય વિસ્તારો તેમ જ દૂરદરાજના વિસ્તારોમાં વધવા લાગી છે. શહેરી વિસ્તારોમાં મહિલાઓ પોતાની પ્રતિભાને અનુરૂપ કારનું મોડેલ પસંદ કરવા લાગી છે અને કાર કંપનીઓ પણ મહિલાઓને પસંદ પડે એ રીતે કારની જાહેરાત કરવાનું ચુકતા નથી. ગ્રામીણ ભારત પણ બદલાવા લાગ્યું છે. ભારતના દરિયાકાંઠે, પહાડોની વચ્ચે કે જંગલના રોમાંચક માર્ગો પર કાર ડ્રાઈવ કરતી મહિલાઓ હંમેશાં આકર્ષક લાગે છે.

કાર ચલાવતીવેળા આપણે જે સ્ત્રીઓના આકર્ષક દેખાવની વાત કરીએ છીએ એમાં ફક્ત શારીરિક સૌંદર્યની વાત નથી, પણ આધુનિક સમયમાં સ્ત્રીઓમાં વધેલા આત્મવિશ્વાસ, સ્વતંત્રતા, જીવનશૈલી અને ડ્રાઇવિંગની કુશળતાને લીધે આકર્ષક લાગે છે.
આજના યુગમાં મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, કેરિયર માટે ગંભીર હોવાથી આર્થિક સ્વાયત્તતામાં આત્મનિર્ભર થવા લાગી છે, મહિલા કાર ચલાવે છે ત્યારે એના ચહેરા પર આવા અનેક કારણોસર જબરો આત્મવિશ્વાસ છલકે છે. મહિલામાં વધેલો આત્મવિશ્વાસ સૌંદર્યને નિખારે છે.

આ વાતને સરળ શબ્દોમાં કહીએ તો જિંદગીની ભાગદોડમાં સ્ત્રી માટે કાર ડ્રાઈવ કરવી એ કોઈ લકઝરી નથી, પણ જરૂરિયાત છે. મૂળ વાત એ છે કે પુરુષ કાર ચલાવતી વેળાએ ખાસ આકર્ષક લાગતો નથી, પણ સ્ત્રી જયારે કાર ચલાવે છે ત્યારે સશક્તીકરણ અને આધુનિકતા આંખે ઉડીને દેખાય છે. ભારતના સામાજિક સંદર્ભમાં વિચારીએ તો ડ્રાઇવિંગ કરતી મહિલાઓ દેશની બદલાતી માનસિકતાનું પ્રતીક છે. શિક્ષણ અને કેરિયરની તકના વધારા સાથે મહિલાઓ હવે ઘરની બહાર નીકળીને પોતાની ઓળખ બનાવી રહી છે.

મુંબઈ, દિલ્હી, બૅંગલુરુ, અમદાવાદ હોય કે પછી કોઈપણ ટ્રાફિકની ભીડભાડવાળા રસ્તાઓ પર કાર ચલાવતી મહિલા હંમેશાં આકર્ષક લાગતી હોય છે. ટ્રાફિક સિગ્નલ પાસે ઉભેલી કારમાં મહિલા સરસ મજાનું ગીત વાગતા કે મનગમતી વ્યક્તિ સાથે વાત કરતી વેળાએ સાઉન્ડ મોટો કરીને સ્ટીયરિંગ પર ગીતની તર્જ પર આંગળીઓ રમાડતી રાખીને હળવું સ્માઈલ આપે ત્યારે એ સુંદર જ નહીં, પણ તાજગીથી ભરપૂર લાગે છે. ભારતીય મહિલાઓને ખબર છે કે કપડાંની સ્ટાઇલ તેના વ્યક્તિત્વને આકર્ષક બનાવે છે. એટલે જ ફેશન જગત સલાહ આપતું હોય છે કે ડ્રાઇવિંગ દરમિયાન આરામદાયક અને સ્ટાઇલિશ કપડાં પસંદ કરવા જોઈએ. ફેશનની દુનિયા કાર ચલાવતી વેળાએ એક્સેસરીઝ અંગે માને છે કે વધુ પડતા ભારે ઘરેણાં ટાળો, કારણ કે તે ડ્રાઇવિંગ દરમિયાન અસુવિધા ઊભી કરી શકે છે. ડ્રાઇવિંગ દરમિયાન હળવી એસેસરીઝ નાજુક અને નમણો લૂક આપવામાં મદદ કરે છે.

આ પણ વાંચો….ઔર યે મૌસમ હંસીં… : ખાલીપો માણસને શા માટે પરેશાન કરે છે?

સામાન્ય સંજોગોમાં પુરુષ ઘરની બહાર હોવા છતાં અજ્ઞાત કારણોસર સ્કીનને સાફ કરતા રહેવી, પરસેવો સાફ કરવો કે ચહેરા પર સનલોશન ક્રીમ લગાવવા અંગે ખાસ જાગૃત હોતા નથી. સ્ત્રી કોઈપણ કારણોસર ઘરની બહાર કાર લઈને નીકળે ત્યારે પોતાના દેખાવ અંગે મહદઅંશે જાગૃત હોય છે. એ જરૂર જેટલો મેકઅપ કરતી હોય છે. ગરમીમાં એમના ચહેરા પર પરસેવો દેખાતો નથી અને સ્કિન ચમકતી દેખાય છે. આ હળવો મેકઅપ ડ્રાઇવિંગ દરમિયાન ચહેરાને ગ્લેમરસ અને ફ્રેશ રાખે છે. લાઇટ ફેસ ક્રીમ કે વોટરપ્રૂફ ફાઉન્ડેશન નેચરલ લૂક આપે છે- નાજુક દેખાવ આપે છે. આંખો માટે લાઇટ આઇશેડો, થોડું કાજલ અને વોટરપ્રૂફ મસ્કારા આકર્ષક બનાવે છે. સ્ત્રી પોતાના ચહેરા મુજબ ગોગલ્સ પસંદ કરતી હોવાથી તેના લૂકને વધુ ગ્લેમરસ બનાવે છે. ભારતના ગરમ હવામાનમાં મેટ ફિનિશવાળા પ્રોડક્ટ્સ લાંબો સમય ટકે છે અને ગ્લેમરસ લૂક જાળવી રાખે છે. સરવાળે ભારતના ગરમ અને ભેજવાળા હવામાનમાં સ્કિનની કાળજી આવશ્યક છે.

કાર ચલાવતા આકર્ષક દેખાવા માટે સૌથી વધુ જરૂરી છે વ્યક્તિના એક્સપ્રેશન એટલે કે હાવભાવ. ટ્રાફિકમાં અકારણ ગુસ્સો કરવા કરતાં સ્ત્રી શાંત રહી શકતી હોય છે. અકારણ ગુસ્સો અને ચીડિયાપણું દૂર કરીને વાહન ચલાવવાનો આનંદ વધારે આકર્ષક બનાવે છે. યુએસ અને યુરોપ જેવા પ્રગતિશીલ દેશોમાં મહિલાઓ લેધર જેકેટ, રિપ્ડ જીન્સ, ઓવરસાઇઝ્ડ ગોગલ્સ અને બોલ્ડ લિપસ્ટિક સાથે ડ્રાઇવ કરે છે. કારની પસંદગી બાબતે અલગ મત ધરાવતા હોય છે ને એમની પસંદ અંગે અનેક રિસર્ચ થતાં હોય છે. જાપાન અને દક્ષિણ કોરિયામાં લગભગ ભારતીય મહિલાઓની જેમ નેચરલ મેકઅપ સાથે નાજુક નમણાં લૂકને પસંદ કરે છે. ભારતીય ફેશન વિશ્વના ઘણા દેશોની મહિલાઓના આત્મવિશ્વાસને વધારવામાં મદદ કરે છે.

ભારતીય મહિલાઓને કાર ચલાવતી વેળાના સુંદર દેખાવ માટે ફિલ્મોએ મોટો ભાગ ભજવ્યો છે. ભારતીય સિનેમાએ ડ્રાઇવિંગ કરતી મહિલાઓના આકર્ષણને વધુ નિખાર્યું છે. ફિલ્મ ‘જબ વી મેટ’માં કરીના કપૂરનું બેફિકર અને બબલી લૂક, ‘ઝિંદગી ના મિલેગી દોબારા’માં કટરીના કૈફનું રોમેન્ટિક અને એડવેન્ચરસ લૂક હોય કે યે ‘જવાની હૈ દીવાની’માં દીપિકા પાદુકોણનો નાજુક અને આધુનિક લૂક અને ‘તુ જૂઠી મૈં મક્કાર’માં શ્રદ્ધા ક્પૂરનો લાપરવાહીવાળો લૂક યુવતીઓને હંમેશાં પ્રેરણા આપતું રહ્યું છે. યંગ ઓડિયન્સને લોભાવતી ફિલ્મોમાં ડ્રાઇવિંગ દ્રશ્યોમાં સ્ટાઈલિશ સનગ્લાસ, ખુલ્લા વાળ અને મોડર્ન ડ્રેસ બતાવવામાં આવે છે, જેણે ભારતીય મહિલાઓની ફેશન સેન્સ પર ઘણી અસર કરી છે.

આપણે ભલે સિનેમાથી પ્રભાવિત હોઈએ પણ વાસ્તવિક જગતમાં અલગ અલગ વિસ્તારોમાં મહિલાઓને કાર ચલાવતા જોઈએ ત્યારે એમના સૌંદર્ય સાથે એમની ફેશનની સમજ અને આત્મવિશ્વાસ નજરે ચડે છે. દરિયાકાંઠાના રસ્તાઓ પર કાર દોડાવતી સ્ત્રી ઘણીવાર રોમેન્ટિક, બેફિકર અને સ્વતંત્ર દેખાય છે.. જંગલના રસ્તાઓ પર કાર ચલાવતી સ્ત્રી બોલ્ડ, એડવેન્ચરસ અને નીડર દેખાય છે. જંગલનું કુદરતી વાતાવરણ તેના સૌંદર્યને એક અલગ નીડર રૂપ આપે છે. પહાડી રસ્તાઓ પર કાર ચલાવતી સ્ત્રી હંમેશાં શાંત, ગ્રેસફુલ અને રોમેન્ટિક લાગે છે. પહાડોની લીલોતરી અને ઠંડી હવા તેના લૂકને નાજુક અને આકર્ષક બનાવે છે. આપણા સિનેમાની અસરનો ફાયદો એ છે કે ક્યાં વિસ્તારમાં કેવી ડ્રેસ સેન્સ હોવી જોઈએ એની સમજ સ્ત્રીને ફક્ત આકર્ષક નહીં પણ તેનામાં આત્મવિશ્વાસ ભરી દે છે.

એક આડ વાત કરી લઈએ, આજકાલ સ્ત્રી મોટરસાઇકલ પણ ચલાવતી હોય છે. મોટરસાઇકલ ચલાવવી બોલ્ડ, રફ-ટફ અને રિસ્કી પ્રવૃત્તિ ગણાય છે. ભારતીય સમાજમાં મોટરસાઇકલ ચલાવવી એ હજુ પણ મોટે ભાગે પુરુષો સાથે જોડાયેલી છે અને જ્યારે સ્ત્રી ચલાવે છે ત્યારે એને બાગી ગણવામાં આવે છે. બાઈક ચલાવતી સ્ત્રીને નાજુક કે નમણી લાગવાને બદલે શક્તિશાળી અને દબંગ માનવામાં છે. સરવાળે કેટલાક લોકોની સુંદરતાની પરંપરાગત વ્યાખ્યા સાથે મેળ ખાતો નથી.

ધ એન્ડ
સ્ત્રીએ ડ્રાઇવિંગ દરમિયાન સ્ટ્રેસ દેખાવા દેવો જોઈએ નહીં, શાંત અને સંયમિત હાવભાવ એને વધુ ગ્લેમરસ અને આત્મવિશ્વાસભર્યું લૂક આપે છે.

આ પણ વાંચો….ઔર યે મૌસમ હંસીં… : એ લખોટીઓ તો મારા-તમારા બાળપણનો વૈભવ હતો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button