ઈન્ટરવલ

સફેદ ચહેરો(ભાગ-૮)

‘કેમ? દરેક માણસ પોતાના વતનમાં જ રહેવા માટે ઝંખતો હોય છે.’‘હશે. કદાચ હું માણસ નથી… બસને…? હું મારું જીવન નિષ્ક્રિય રીતે વિતાવવા નથી માગતો. મારે પ્રવૃત્તિ જોઈએ. બહરહાલ ઝઘડો વધી ગયો અને હું મુંબઈ પાછો ફર્યો.

કનુ ભગદેવ

(ગતાંકથી ચાલુ)
‘મારા ભાઈ મને કહેતા હતા કે મારે મુંબઈ છોડીને હવે હંમેશને માટે અહીં પાછા ફરીને આ ભૂતિયા જેવા ખંડેરોમાં એક ભગ્નહૃદય કવિરાજની જેમ જીવન વિતાવવું અને મારું આયુષ્ય પૂરું કરવું. આ વાત મને સદંતર મંજૂર નહોતી.’
‘કેમ? દરેક માણસ પોતાના વતનમાં જ રહેવા માટે ઝંખતો હોય છે.’
‘હશે. કદાચ હું માણસ નથી… બસને…? હું મારું જીવન નિષ્ક્રિય રીતે વિતાવવા નથી માગતો. મારે પ્રવૃત્તિ જોઈએ. બહરહાલ ઝઘડો વધી ગયો અને હું મુંબઈ પાછો ફર્યો. મેં મોટાભાઈને સાફ જણાવી દીધું હતું કે રંગપુર મને નથી ગમતું. મારે તમારી એસ્ટેટ કે જમીનદારી નથી જોઈતી. આ બાપનું ઘર છે, જેને જોઈએ તે લે. ભલે મારા કાકાનો દીકરો લે. જોકે એ પોતે જ આ જમીનદારી લેવા માટે રાજી નથી. છતાં ભલે લે, પરંતુ મને તો માફ જ કરવામાં આવે.’
ઈન્સ્પેક્ટરે પૂછયું: ‘તો એ તમારી છેલ્લી મુલાકાત હતી.’
‘હા, કહો તો હવે સ્ટેમ્પ પેપર પર લખીને આપું. આમ તો જો કે છેલ્લી મુલાકાત થોડીવાર પહેલાં જ થઈ છે. હું એમના મૃતદેહ જોઈ આવ્યો છું.’
‘ગઈ રાત્રે તમે કદાચ મુંબઈ ક્લબમાં હતા?’ ઈન્સ્પેક્ટરે પૂછયું.
દેશાઈભાઈએ કહ્યું: ‘હજુર, ચોક્કસ હતો. ફ્લશ રમતો હતો, જુગાર રમતો હતો. કેટલીયે હસીનાઓ સાથે નૃત્ય પણ કરતો હતો. રાત્રે બે વાગ્યે મેં ક્લબ છોડી અને એની ખાતરી હું તમને ડઝનબંધ માણસો પાસે કરાવી શકું તેમ છું. હું જાણું છું તમે લોકો પોલીસભાઈ છો. તમારા દિમાગમાં એવું ભૂસું ભરાઈ ગયું છે કે ગઈકાલે રાત્રે હું અહીં રંગપુરમાં હતો, પરંતુ આ ભૂસાને મગજમાંથી કાઢી નાખો.’
‘અમે તમારે વિષે એવું વિચારીએ છીએ એવી તમારી કલ્પના મગજમાંથી કાઢી નાખો દેશાઈભાઈ! ગમે તેવો કઠણ કલેજાનો માણસ પણ સ્વપ્નેયે એવો વિચાર ન કરે કે તમે જ તમારા…’
‘ભાઈબહેનનું કાટલું કાઢી નાખ્યું છે.’ દેશાઈભાઈ વચ્ચેથી જ તાડૂકી ઊઠયો. ‘એમ જ કહેવા માગો છોને તમે? સાહેબ, આંખોની લેંગવેજ મતલબ ભાષા હું પણ થોડીઘણી વાંચી શકું છું સમજ્યા? તમારા આ સબઈન્સ્પેક્ટરની આંખોમાં શંકાનાં જે કુંડાળાં એમ ગોળ ઘૂમે છે, તેમાં હું મારી જાતને ધકેલાતી જોઈ શકું છું. મારા પર શંકા-કુશંકાના કેટલાયે ગાળિયા ફેંકવામાં આવ્યા છે તો તેમાં એક વધારે, બીજું શું? મને એથી કોઈ જ ફર્ક નથી પડતો. તમે લોકો તો ઈચ્છો છો કે જો આ કમબખ્ત દેશાઈભાઈને ગમેતેમ કરીને, બસ એકવાર જેલના સળિયા પાછળ ધકેલી દઈએ તો બસ, ગંગા નાહ્યા! સોરી, તાપી નાહ્યા, અહીં તાપીની ખાડી છેને?’
‘ઠીક છે’ કદમ બોલ્યો, ‘તમે જેમ માનો તેમ! અને હા… તમે કોઈ દિવાકર જોશી નામના માણસને ઓળખો છો?! પ્રશ્ર્ન પૂરો થયો કે તરત જ દેશાઈભાઈના ચહેરા પર તેની ક્રિયા અને પ્રતિક્રિયા થાય છે એ જોવા માટે કદમની શકરા જેવી નજર તેના મોં પર એકદમ ચોંટી.
‘દિવાકર…?’ દિવાકરને હું ન ઓળખું? મારો જિગરી દોસ્ત? મારા કલેજાનો ટુકડો! મારો એકમાત્ર ભાગીદાર! એ કહો. તમે એને ઓળખો છો કે નહીં? વાસ્તવમાં તમારો વિભાગ અને કસ્ટમ વિભાગ અમને બંનેને ખૂબ સારી રીતે ઓળખે છે. અમે લોકો કામચલાઉ રીતે થોડા ઘણા પૈસા ક્યાંથી અને કેવી રીતે મેળવીએ છીએ. એનો ભાગ લેવા માટે આપણી સરકાર તમારા વિભાગના કેટલાએ માણસને મહિનાઓથી નાહકનો જ ખોટી રીતે ધનનો પગારના રૂપમાં આપીને વ્યય કરી રહી છે. ખેર, દિવાકરનો ઉલ્લેખ શા માટે? ક્યાં છે એ? શું થયું છે એને?’
‘અત્યારે તે હોસ્પિટલમાં છે.’
‘હોસ્પિટલમાં…?’ દેશાઈભાઈના કપાળ પર કરચલી પડી. તેનાં ભવાં કમાનની જેમ ખેંચાયાં, ‘હે ભગવાન…! રામ રામ! શું થયું?- કાર એક્સિડન્ટ?’
‘ના, ખાડીમાં તમારા ભાઈબહેનની લાશ પાસે એ પણ ખૂબ જખ્મી હાલતમાં મળી આવ્યો હતો. શું દિવાકર આ પહેલાં પણ ક્યારેય રંગપુર આવી ચૂક્યો છે?’
‘બિલકુલ નહીં… અરે… એને તો એ પણ ખબર નથી કે મારા ભાઈબહેન અહીં રહે છે.’ આ જવાબ આપતી વખતે ન દેશાઈભાઈનો અવાજ બદલાયો હતો કે ન તો ચહેરા પરના હાવભાવ… એનો ચહેરો પહેલાંની જેમ જ નિર્વિકાર અને ભાવહીન હતો અને તે જોતાં અચ્છામાં અચ્છો માણસ-શાસ્ત્રી પણ પારખી શકે તેમ નહોતો કે આ માણસ હળાહળ જૂઠું બોલે છે.’
‘તો પછી તે ગઈ રાત્રે અહીં શા માટે આવ્યો હતો?’ ઈન્સ્પેકટરે પૂછયું.
‘એનો પત્તો મેળવવાનું કામ તમારું છે, હું પોલીસ નથી…’
‘તમે કશું જ કહી શકો તેમ નથી?’
‘ના, બનવાજોગ છે કે તે મને મળવા આવ્યો હોય! પણ એમ કેમ બને? મારું ઘર રંગપુરમાં છે એની ખબર જ ક્યાં હતી? મારા કુટુંબીજનો કે ઘર વિષે મેં ક્યારેય કોઈને કશુંએ નથી જણાવ્યું.’
‘બનવાજોગ છે કે તે અહીં ‘બિઝનેસ’ માટે આવ્યો હોય!’
‘બિઝનેસનો ઉચ્ચાર કયા અર્થમાં કરવામાં આવ્યો છે, એ હું બરાબર સમજી શકું છું ઈન્સ્પેક્ટર! પણ મારો કે દિવાકરનો એવો કોઈ જ ગેરકાનૂની બિઝનેસ નથી કે જેથી તમારે તમારી વાતમાં કટાક્ષ લાવવો પડે. મુંબઈ પોલીસે તમારા કાન બરાબર રીતે ભંભેર્યા લાગે છે.’
‘એક સેકંડ!’ પહેલી જ વાર સબ-ઇન્સ્પેક્ટર આનંદની જીભ ઊઘડી, ‘શું કોઈ પણ કારણસર દિવાકર તમારા ભાઈબહેનનાં ખૂનો કરી શકે ખરો?’
‘વાહ… વાહ! શું કલચર વાત સૂઝી છે તમને! જનાબ, પહેલી વાર બોલ્યા અને તે પણ ગધેડાને તાવ આવે એવું! જી નહીં, નહીં, કાન ખોલીને સાંભળી લો. એવું કોઈ જ કારણ નથી. બીજું દિવાકર તો એ લોકોને ઓળખતો પણ નહોતો. તમારી આ યુક્તિ ખૂબ સરસ છે. જનાબ! ખૂન થયા પછી સૌથી પહેલો જે માણસ દેખાય. બસ એને જ પકડી લેવો અને પછી તેને ફાંસીને માંચડે લટકાવીને ફરજ અને કર્તવ્યને પૂરા કરી લેવા વાહ વાહ! તમે ખરેખર એક સાચા અને કર્તવ્યપરાયણ સબ-ઇન્સ્પેક્ટર લાગો છો. જો આમ કેસ ઉકેલતા રહેશો તો એક દિવસ ચોક્કસ જ આઈ.જી.પી. બની જશો. દેશાઈભાઈની વાતનાં એકેએક શબ્દોમાંથી કટાક્ષના ધગધગતા અંગારા છૂટતા હતા.
‘જુઓ દેશાઈભાઈ…’
‘હું સાફ શબ્દોમાં આપ બંને નામદારોને કહી નાખું છું કે દિવાકર પર તમે ક્યારેય મારાં ભાઈબહેનનાં ખૂનોનો આરોપ નહીં લાદી શકો. તમે લોકો નાહકના સમય વેડફો છો. સાચો ખૂની અત્યારે ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો હશે. સમય બરબાદ કરવો રહેવા દો.’
‘બહાર એક રિક્ષા ઊભી રહેવાનો અવાજ આવ્યો. તેમાંથી એક સાધારણ બાંધાનો લગભગ ૪૫-૫૦ વર્ષની વયનો એક આધેડ અને બીમાર જેવો લાગતો માનવી નીચે ઊતર્યો. લાકડીના ટેકે ટેકે તે પોલીસ સ્ટેશનમાં દાખલ થયો, એ ભારે ભારે શ્ર્વાસ લેતો હતો. એની આંખો નિસ્તેજ અને ફિક્કી હતી. ચહેરો પીળો પડી ગયેલો હતો. એને ગાલમાં આંખની બંને તરફ હાડકાં ઊપસી આવ્યાં હતાં.

  • રમણભાઈ!
    રમણદેશાઈ શ્ર્વાસભેર એક ખુરશી પર બેઠો. થોડું ચાલતાં જ તે હાંફી ગયો હોય એવું લાગતું હતું.
    ‘આવો.’ ઇન્સ્પેક્ટરે આવકાર આપ્યો.
    ‘હું ખૂબ બીમાર માણસ છું સાહેબ!’ રમણદેશાઈ ક્ષીણ અને નંખાઈ ગયેલા અવાજે બોલ્યો, ‘મને બધા સમાચાર મળ્યા છે. અરે ભાઈ બાબુ…’ તે દેશાઈભાઈ તરફ જોઈ તેને સંબોધીને બોલ્યો. આ બધું શું થઈ ગયું? આપણા કુળનાં માણસો હવે…’ એને ગળે ડૂમો ભરાયો. અને એનાથી ધ્રુસકા ભરાઈ ગયાં આ… આ બધું શું છે? કોણે આવો કાળો કેર કર્યો?
    ‘કાકા! એ જ સવાલ હમણાં તમને પોલીસ પણ પૂછશે. ખૂનના સમયે હું ક્યાં હતો એ તો મેં તેમને જણાવી દીધું. હા તમે ક્યાં હતા તે વિચારી લો.’ દેશાઈભાઈએ કહ્યું.
    દેશાઈભાઈની વાતથી એવું લાગતું હતું કે તે બંને ઈન્સ્પેક્ટરોની નજરમાં એના કાકા રમણભાઈને શંકાશીલ ઠરાવવાનો પ્રયાસ કરતો હતો.
    ‘દેશાઈભાઈ! ઇન્સ્પેક્ટર કદમે તેના ખભા પર હાથ મૂક્યો, ‘દેશાઈભાઈ! તમારા પર જે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે એથી અત્યારે તમે શોકાતુર છો એ હું જાણું છું, પરંતુ તેમ છતાંએ તમારે મગજ પરથી કાબૂ ન ગુમાવવો જોઈએ. જાઓ, તમે આરામ કરો. ખૂનીને અમે બનતી ત્વરાએ શોધી કાઢીશું.’
    ‘અથવા એમ કહો કે દિવાકરને ફસાવશું. હું શ…! એવું હું હરગીઝ નહીં થવા દઉં.’
    ઇન્સ્પેક્ટર કદમે બેચેનીથી કપાળ પર હાથ ફેરવ્યો. એણે દેશાઈભાઈ સામે જોયું અને તરત જ તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે એમ માનતો હતો કે દેશાઈભાઈનું મગજ ઠેકાણે નથી.
    પરંતુ ના, એની માન્યતા ખોટી હતી. દેશાઈભાઈનું દિમાગ-મગજ એકદમ સો-એ-સો ટકા ઠેકાણે જ હતું. કોઈ બીજો માણસ હોત તો પોતાના ભાઈ-બહેનના આવા કરુણ અંજામથી દુ:ખ અને શોકમાં પાગલ બનીને માથું પછાડતો હોત.
    પણ દેશાઈભાઈ…?
    એ માણસ ઉપર-ઉપરના ક્રોધની નીચે મૂછમાં હસતો હતો. એ ખતરનાક માણસ મનમાં ને મનમાં અત્યારે અહીં ભજવાઈ રહેલા નાટકનો આનંદ માણતો હતો.
    ‘હા તો પરમ પૂજ્ય કાકા…!’ દેશાઈભાઈ, રમણદેસાઈ તરફ જોઈને બોલ્યો, ‘હું એમ માનું છું કે મારી સાથે ઝઘડો થયા બાદ તરત જ મારા મોટાભાઈ છનાભાઈએ એક વીલ તૈયાર કરાવ્યું હશે અને એસ્ટેટ તથા જમીનદારીમાંનો પોતાનો ભાગ તમને આપવાનું ઠરાવ્યું હશે. આ સ્થિતિમાં હું પોતે પણ મારો ભાગ તમને લખી આપવા તૈયાર છું.’
    ‘શું નાખી દેવા જેવી વાત કરે છે.’ ઉતાવળા અવાજે બોલવા જતા રમણદેસાઈને ઉધરસ ચડી આવી. કેટલીય વાર ખોં… ખોં… કર્યા પછી એણે વાત આગળ ચલાવી, ‘તું પણ બરાબર જાણે છે બાબુ કે હું પોતે પણ જમીનદારીથી પીછો છોડાવવા માગું છું. એમાં આવક કરતાં જાવક વધુ છે એ વાત તું ક્યાં નથી જાણતો?’
    ‘લે કર વાત!’ દેશાઈભાઈ એના હાથની આંગળી હડપચી પર ટેકવીને ઠાવકા અવાજે બોલ્યો, ‘તમે સાંભળ્યું ને ઇન્સ્પેક્ટરસાહેબ? કદાચ તમે એમ માનતા હો કે આ થઈ ગયેલાં ખૂનોમાં કદાચ જમીનદારી કામ કરતી હોય તો હવે એ માન્યતાને દિમાગમાંથી દેશવટો આપી જ દેજો. આ પથરાળ ભૂમી કોઈને નથી જોઈતી.’
    ‘મિ. રમણદેશાઈ!’ ઈન્સ્પેક્ટર કદમે પૂછયું, ‘શું હવે સાચે જ ખાણ કે જમીનદારીમાં કસ નથી?’
    અને જવાબ આપતાં જ રમણદેશાઈને ફરીથી ઉધરસ ચડી. લગાતાર ઉધરસ ખાવાથી એ બીમાર માનવીની આંખોમાં આંસુ આવી ગયાં. થોડી પળો બાદ ઉધરસ શાંત થઈ ગઈ.
    પછી એ ધ્રુજતા અવાજે બોલ્યો, ‘શું કહું સાહેબ…! અમારા પરિવારનું આ એક મોટું કમભાગ્ય છે કે આટલી બધી જમીન હોવા છતાં પણ તે ઉપજાઉ નથી. ખાણ પણ વર્ષો થયાં બંધ પડી છે. છનાભાઈ સાથે મારે અવારનવાર વાતો થતી હતી. પગથી માથા સુધી જમીનદારી કરજમાં ડૂબેલી છે. અને હવે ઉગારવાનો કોઈ જ ઉપાય નથી. છનાભાઈના મોતના સમાચાર જ્યારે મેં સાંભળ્યા ત્યારે સૌથી પહેલાં મારા મનમાં જે વિચાર આવ્યો તે કહું? એ જ કે છેવટે ચારે તરફથી હારીથાકીને કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી છે.’
    ‘એવી કોઈ જ શક્યતા નથી ખૂન જ થયું છે તેનું. એના જ કમરામાં સૌ પહેલાં ખૂની અને છનાભાઈની વચ્ચે મારામારી થઈ ત્યાંનું વાતાવરણ જોતા સ્પષ્ટ છે કે છનાભાઈએ ખૂબ જ હિંમતથી ખૂનીનો સામનો કર્યો હતો, પરંતુ એ બીમાર હતો. કદાચ ખૂની સાથે ટક્કર ન લઈ શક્યો! પછી ખૂનીએ એને ગોળીથી શૂટ કરી નાખ્યો અને ત્યાર બાદ એની લાશને ઊંચકી જઈને ખાડીમાં ફેંકી દીધી. વિદ્યાને પણ ત્યાં જ ગોળી મારવામાં આવી. તેને પણ એ જ રીતે ખાડીમાં ફેંકી દેવામાં આવી. તેને પણ એ જ રીતે ખાડીમાં ફેંકી દેવામાં આવી. ડોક્ટરના રિપોર્ટ પ્રમાણે બંનેને ખૂબ નજીકથી-ત્રણેક વાર દૂર રહીને ગોળી મારવામાં આવી હતી. નજીકથી ગોળી મારવામાં આવે તો જખમની આસપાસની ચામડી સળગી જાય છે. વિદ્યા તથા છનાભાઈની છાતીમાં ચામડી સળગી જવાનાં સ્પષ્ટ ચિહ્નો છે. આ સ્થિતિમાં આપઘાતનો કોઈ સવાલ જ નથી.’
    અને પછી એના મોંમાંથી બંદૂકમાંથી છૂટેલી ગોળી જેટલા ભયંકર સ્પીડથી સવાલ પુછાયો:
    ‘દિવાકર સાથે તમારી છેલ્લી મુલાકાત ક્યારે થઈ હતી?’
    દેશાઈભાઈ પળભર ખમચાયો. પછી જાણે કશુંક યાદ કરતો હોય એ રીતે કપાળ પર આંગળી ટપટપાવી અને ત્યાર બાદ બોલ્યો:
    ‘ગયા રવિવારથી મેં એને નથી જોયો, એટલે કે પાંચ દિવસથી-
    ‘હ.’ કદમ વિચારમાં ડૂબી જતાં બોલ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button