કચ્છી ચોવક : સાધુતા ને સંતત્વને કેવા શણગાર? | મુંબઈ સમાચાર

કચ્છી ચોવક : સાધુતા ને સંતત્વને કેવા શણગાર?

  • કિશોર વ્યાસ

ઘણા સૌંદર્યથી છલકાતાં હોય તો ઘણાં એવાં પણ હોય છે જે સોળ શણગાર સજેલાં પણ ન શોભતાં હોય. ઘણાની સાદગીમાં જ સૌંદર્ય છલકાતું હોય, તેમને સૌંદર્યની તમન્ના જ ન હોય! તેમને શણગાર સજવા સાથે કોઈ મતલબ જ નથી હોતો! તેમાં સમાજના ઘણા લોકો આવી જતા હોય અને જેમના ચહેરા પર ભક્તિની આભા જોવા મળતી હોય તેવા સંસારી સાધુ અને સંસારથી મુક્ત સાધુઓનો પણ સમાવેશ થતો હોય છે. એટલે જ ચોવક કહે છે: ‘સાધુયેં કે કેડી શોભા?’ અહીં પહેલા બે શબ્દ એક કરીએ ‘સાધુયેં કે’ એટલે સાધુઓને અને ‘કેડી’ એટલે કેવી. શબ્દાર્થ અને ભાવાર્થ વચ્ચે ખાસ અંતર નથી. અર્થ છે: શણગાર સજવા સાથે સંબંધ જ ન હોવો! સાધુતા અને સંતત્વને શણગાર કેવા?

ધોરી ધરાર આપણે જાણતા હોઈએ કે, કોઈ વ્યક્તિ ધરાર ખોટું જ બોલે છે, પણ તે એ રીતે બોલતા હોય છે કે, જાણે એ જે બોલે છે તેજ સાચું છે! આવી ઘણી વ્યક્તિઓ આપણી આસપાસ આપણા સમાજમાં જોવા મળતી હોય છે. એવી વ્યક્તિઓ માટે કટાક્ષ સભર ચોવક પ્રચલિત છે: ‘સચી જી ચોંધલ ભાકી મિડે મરી ખુટા, તૂં હિકડો રેં’ ‘સચી’ એટલે સત્ય. ‘જી’ એટલે ની, ના, નું… વગેરે. ‘ચોંધલ’નો અર્થ થાય છે બધા. ‘મરી ખુટા’ એટલે મરી પરવાર્યા. ‘તૂં હિકડો રેં’ આ ત્રણ શબ્દોના સમૂહનો અર્થ થાય છે: તું એક જ રહ્યો છો. શબ્દનો અર્થ જાણ્યા પછી ચોવકનો અર્થ સ્પષ્ટ થાય છે કે, સત્ય બોલનારા બધા જ મરી પરવાર્યા. હવે તું એક જ રહ્યો છે! અદ્ભુત કટાક્ષ ચોવકમાં જોવા મળે છે. પરંતુ ચોવકને કહેવું એટલું જ છે કે, ‘સાચા બોલા હોવાનો દાવો કરનાર (વ્યક્તિ)!

એક બહુ સુંદર ચોવક છે. ‘વિંગે ચંધર કે સૌ કો નમેં’ અહીં પ્રયોજાયેલા ‘વિંગે’ શબ્દનો અર્થ થાય છે: વાંકો. ‘ચંધર’ એટલે ચંદ્ર. ‘કે’ એટલે ને અને ‘સૌ કો નમેં’ એ ત્રણ શબ્દોનો અર્થ થાય છે: સૌ કોઈ નમે (નમે: હાથ જોડે, પગે લાગે). શબ્દાર્થ છે: વાંકા ચંદ્રને સૌ કોઈ હાથ જોડીને પગે લાગે. અહીં મોટા ભાગે ‘બીજના ચંદ્ર’ની વિભાવના સમાયેલી હોય તેવું જણાય છે. બીજના ચંદ્રનું આદ્યાત્મિક મહત્ત્વ દેખાય છે. પરંતુ ચોવક એવો ભાવાર્થ ધરાવે છે કે: (કોઈથી) ડર લાગવો. ડરમાં હાથ જોડી દૂરથી નમસ્કાર કરવા. એ કોઈ વ્યક્તિ, સમૂહ, બાબત કે ઘટના કાંઈ પણ હોઈ શકે છે!

આપણ વાંચો:  Isha Ambani એ બાંધણી કરી એ સ્ટાઈલ કે જોઈને તમે પણ કહેશો કે વાહ…

‘વિજોં હરેં ત અચે ખરેં’ ગુજરાતીમાં તેવી જ અર્થધારી કહેવત છે: જેવું વાવો તેવું લણો! તમે જોયું હશે કે, ખેડૂત જ્યારે પોખ કરતો હોય ત્યારે અનાજના દાણા ધીરે ધીરે ચાસમાં નાખતો હોય છે, દાણા તેના અંતર અને પ્રમાણના ભાન સાથે નખાતા હોય છે. ચોવક એજ કહેવા માગે છે કે, યોગ્ય સમજ અને સભાનતા સાથે કરણી કરવી જોઈએ. કોઈ પ્રયાસનાં ફળ મેળવવાં હોય તો કરણીનું પ્રમાણભાન જાળવવું પડે છે. શબ્દોના અર્થ જોઈએ: ‘વિજોં’ એટલે નાખવું (પોખવું) ‘હરેં’ એટલે ધીરેથી (પ્રમાણભાન જાળવવું) ‘ત’ એટલે તો. ‘અચે’નો અર્થ થાય છે: આવે, અને ‘ખરેં’ એટલે ખરવાડ. જો પ્રમાણભાન સાથે પોંખણાં કર્યાં હોય તો, તે પ્રમાણે જ અનાજ પાકીને ખરવાડમાં આવે!

અવળા રસ્તે ચઢી જનારા લોકો માટે એક ચોવક છે: ‘વાંણ કડે ચડી વ્યો’ ‘વાંણ’ એટલે વહાણ. ‘કડે’ એટલે ખોટા માર્ગે અને ‘ચડી વ્યો’ એ બે શબ્દોના સમૂહનો અર્થ થાય છે: ચડી જવું. શબ્દો પ્રમાણે અર્થ થાય છે: વહાણ ખોટા માર્ગે ચઢી ગયું, પરંતુ ભાવાર્થ જીવનરૂપી વહાણ સાથે સંબંધ ધરાવે છે. જીવન માર્ગમાં અવળે માર્ગે ચઢી ગયા પછીની સમજ કે પસ્તાવો ચોવક દર્શાવે છે. કોઈ અવળા માર્ગે ચઢી ગયું હોય ત્યારે સમાજના લોકો પણ તેની સ્થિતિ દર્શાવતાં કહે છે: ‘વાંણ કડે ચડી વ્યો’.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button