કવર સ્ટોરીઃ રીક ટ્રોઇકા શું છે ને તે ભારત માટે શા માટે મહત્ત્વપૂર્ણ છે?ટ્રમ્પ કેમ ફફડે છે રીક ટ્રોઇકાથી…

નિલેશ વાઘેલા
અમેરિકાના પ્રેસિડેન્ટની ટ્રમ્પની મૂર્ખતાપૂર્ણ વિદેશી નીતિ અને તેમાં પણ અન્ય તમામ દેશને છોડીને ભારતને લક્ષ્યાંક બનાવવાની હિણી આક્રમકતાને કારણે ભારતે, જેના તરફ જોવાનું પણ મન ના હોય એવા શત્રુ રાષ્ટ્ર ચીન તરફ ના છૂટકે નજર માંડવાનો સમય આવ્યો છે.
અલબત્ત, આપણે જાણીએ છીએ કે ચીન, ભારત અને રશિયા જો એક થઇ જાય તો વૈશ્વિક વેપારતંત્રના સમીકરણો જડમૂળમાંથી બદલાઇ જાય અને આથી જ ટ્રમ્પ ટીપાઇ ગયા જેવી લાગણી અનુભવી રહ્યા છે!
નોંધવું રહ્યું કે રશિયા, ભારત અને ચીનના નેતાઓની બેઠકને કારણે ટ્રમ્પ આંદરખાને ફફડી ગયા હોવાથી આ બેઠકની વૃદ્ધિમાં આડેધડ નિવેદનો કરી રહ્યા છે. જોકે, અમેરિકનો પણ સાચી હકીકતથી વાકેફ છે અને ટ્રમ્પ ભૂલ કરી રહ્યા છે એ જાણે છે.
અમેરિકાના માજી યુએન નેશનલ સિક્યુરિટી એડવાઇઝરે મોદીની ચાઇના મુલાકાતને પશ્ચિમના દેશો માટે ખરાબ સમાચાર લેખાવતા ભારતને બીજિંગ તરફ ધકેલવા માટે ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું હતું કે કોલ્ડ વોરના સમયગાળામાં અમેરિકાએ ભારતને રશિયાથી અલગ રાખવા માટે દાયકાઓ સુધી જે જહેમત કરી હતી તેના પર ટ્રમ્પે પાણી ફેરવી દીધાં છે!
ખેર, મૂળ મુદ્દા પર આવીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા ત્યારે કહ્યું હતું કે તેઓ ભારત-ચીન સંબંધોને પરસ્પર વિશ્વાસ, આદર અને સંવેદનશીલતાના આધારે આગળ વધારવા માટે `પ્રતિબદ્ધ’ છે.
આ પણ વાંચો…કવર સ્ટોરી: જો બિલ્ડર્સ બાજી ના બગાડે …તો ઘર સસ્તાં થશે!
જ્યારે આ દ્વિપક્ષીય બેઠક દરમિયાન તેમની શરૂઆતની ટિપ્પણીમાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે ભારત અને ચીન માટે મિત્રો' બનવું એ
યોગ્ય પસંદગી’ છે, સારા પડોશી બનવાના મહત્ત્વ પર ભાર મૂકવા સાથે નોંધ્યું હતું કે `ડ્રેગન અને હાથીએ સાથે ચાલવું જોઈએ.’
પ્રથમ આપણે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)વિશે વાત કરીએ. એસસીઓ એક પ્રાદેશિક જૂથ છે, જેમાં ભારત 2017માં જોડાયું હતું. તેમાં હવે ચીન, રશિયા, પાકિસ્તાન, ઈરાન અને અનેક મધ્ય એશિયાઈ રાષ્ટ્રો સહિત દસ સભ્ય દેશોનો સમાવેશ થાય છે.
નોંધવું રહ્યું કે એકત્રિત ધોરણે એસસીઓ વિશ્વની વસ્તીના લગભગ ચાલીસ ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે, જેનું સંયુક્ત જીડીપી 26.8 ટ્રિલિયન ડોલર જેટલું થાય છે. આ જૂથ નોંધપાત્ર ઊર્જા ભંડાર અને વ્યૂહાત્મક સંસાધનો ધરાવે છે, જે તેને પ્રાદેશિક સહયોગ માટે એક મુખ્ય પ્લેટફોર્મ અને પશ્ચિમી નેતૃત્વ હેઠળની પહેલોના પ્રતિસંતુલન તરીકે સ્થાન આપે છે.
ભારત અને ચીનના નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકને સંબંધો સુધારવા માટે એક અત્યંત નિર્ણાયક તક તરીકે જોવામાં આવે છે અને તે ઉપરાંત બંને દેશો રશિયા સાથે ગાઢ સંબંધો જાળવી રાખે છે તે જોતાં, આ બેઠક આરઆઇસી (રશિયા-ભારત-ચીન, એટલે કે રીક), ત્રિપક્ષીય માળખા ના પુનરુત્થાન માટે સંભવિત રીતે માર્ગ મોકળો કરી શકે છે.
આવો હવે આપણે જાણીએ કે રીક ટ્રોઇકા શું છે અને તે ભારત માટે શા માટે મહત્વપૂર્ણ છે? રીક (રશિયા-ભારત-ચીન) ત્રિપક્ષીય ગઠનની કલ્પના સૌપ્રથમ 1990ના દાયકામાં કરવામાં આવી હતી. આ એ સમય હતો જ્યારે ભારત તેની અર્થવ્યવસ્થાને ઉદારીકરણ સાથે નવો ઓપ આપી રહ્યું હતું અને પશ્ચિમી દેશો, ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ગાઢ સંબંધો બાંધવા પણ ઇચ્છી રહ્યું હતું.
આ સમય દરમિયાન, નવી દિલ્હીએ આ જૂથથી સાવચેતીપૂર્વક અંતર જાળવી રાખ્યું હતું. ભારતના 1998ના પોખરણ-ટુ પરમાણુ પરીક્ષણોએ ખાસ કરીને ચીન સાથેના સંબંધોને વધુ તણાવપૂર્ણ બનાવ્યા, ચીને આ પગલાંની સખત નિંદા કરી અને પરિણામો ત્રિપુટી રચાવાની ગતિ ધીમી પડી ગઇ.
આ પછી 2020ના ગલવાન ખીણ અથડામણ પછી તણાવ વધુ ગાઢ બન્યો, જેણે ભારત-ચીન સંબંધોને ગંભીર નુકસાન પહોંચાડ્યું અને પરસ્પર અવિશ્વાસમાં ઓર વધારો કર્યો, જેનાથી આરઆઇસી માળખાને સાવ અભેરાઇએ જ ચડાવી દેવામાં આવ્યું!
હવે, જ્યારે ચીન, રશિયા અને ભારત દરેક યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી વિવિધ ડિગ્રીના આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે, ત્યારે શાંઘાઈ સહકાર સંગઠન (એસસીઓ)ને, પશ્ચિમી વર્ચસ્વને પડકારતી બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે સ્થાન આપવામાં આવી રહ્યું છે.
સામૂહિક રીતે, રશિયા, ભારત અને ચીન 53.9 ટ્રિલિયન ડોલરના જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વૈશ્વિક આર્થિક ઉત્પાદનનો આશરે 33 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. ધ ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, તેમની સંયુક્ત નિકાસ પાંચ ટ્રિલિયન ડોલરથી વધુ છે અને તેમની પાસે લગભગ 4.7 ટ્રિલિયન ડોલરની વિદેશી હૂંડિયામણ અનામત છે.
ખાસ કરીને ડોનલ્ડ ટ્રમ્પની વિક્ષેપકારક નીતિઓને કારણે, વિશ્વ જ્યારે વૈશ્વિક રાજકારણમાં વધતી જતી અસ્થિરતા અને અણધારી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ ત્રણ એશિયન શક્તિઓના નવેસરથી સંકલનથી વિકસિત વિશ્વ વ્યવસ્થા પર દૂરગામી અસરો પડી શકે છે.
જોકે, પરિસ્થિતિ સપાટી પર દેખાય છે. તેના કરતાં વધુ જટિલ છે. ભારત, પોતાના હિતોની વિરુદ્ધ વારંવાર કાર્ય કરનારા ચીન સાથેના ભૂતકાળને અવગણી શકે નહીં અથવા ચીન પર સંપૂર્ણ વિશ્વાસ પણ કરી શકે નહીં!
એક વર્ષથી વધુ સમયથી, ભારત અને ચીન તેમના દ્વિપક્ષીય સંબંધોને સ્થિર કરવા અને સંઘર્ષનું જોખમ ઘટાડવા માટે સતત રાજદ્વારી પ્રયાસો કરી રહ્યા છે. જો કે, આ ચાલુ વાટાઘાટો છતાં, ખાસ કરીને વણઉકેલાયેલા સરહદ વિવાદ પરના મૂળભૂત મતભેદ યથાવત છે.
વર્ષ 2020માં ચીની ઘૂસણખોરીની ઘટના બાદ ઓક્ટોબર 2024માં, બંને દેશોએ લદાખમાં લશ્કરી ગતિરોધને ઓછો કરવા માટે આંશિક સમજૂતી કરી હતી. ગલવાન અથડામણના લગભગ પાંચ વર્ષ પછી, ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (એલઓસી) પર 50,000થી 60,000 સૈનિકો જાળવી રાખે છે.
આ ગતિરોધ હજુ સમાપ્ત થયો નથી. સીધી ફ્લાઇટ્સ, વિઝા જારી કરવા અને મર્યાદિત સરહદ વેપારનું ધીમે ધીમે પુન:પ્રારંભ આ લાંબા સમયથી ચાલતી રાજદ્વારી વાટાઘાટોનું પરિણામ છે, ફક્ત ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વધતા આંતરરાષ્ટ્રીય દબાણ અથવા પગલાંની પ્રતિક્રિયા નથી.
છતાં, સરહદ મુદ્દો ગાઢ સંબંધોમાં એક મોટો અવરોધ છે. ભારત એ વાસ્તવિકતાને અવગણી શકે નહીં કે ચીને દાયકાઓથી અક્સાઇ ચીનમાં 43,000 ચોરસ કિલોમીટરથી વધુ ભારતીય પ્રદેશ પર કબજો કર્યો છે, લદાખ અને અરુણાચલ પ્રદેશ પર ભારતના સાર્વભૌમત્વનો વિવાદ કરે છે, અને પાકિસ્તાનને રાજદ્વારી, લશ્કરી અને વ્યૂહાત્મક રીતે ટેકો આપવાનું ચાલુ રાખે છે. ચીન પર ભારત વિશ્વાસ કેમ ના રાખી શકે એ વિષયમાં વધુ માહિતી આવતા અંકમાં.
આ પણ વાંચો…કવર સ્ટોરી: ટૅરિફનો ટોર્પિડો ટ્રમ્પને પણ ઘાયલ કરશે