કવર સ્ટોરીઃ ડ્રેગનને ડરાવાની ડોનલ્ડની દમદાટીથી ભારતને શું લાભ? | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

કવર સ્ટોરીઃ ડ્રેગનને ડરાવાની ડોનલ્ડની દમદાટીથી ભારતને શું લાભ?

  • નિલેશ વાઘેલા

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના તઘલખી વ્યક્તિત્વની છબીને મજબૂત બનાવવા માટે ચીન પર 100 ટકાની ટેરીફ લાદવાની ચીમકી જ્યારથી ઉચ્ચારી છે, ત્યારથી તેની વૈશ્ર્વિક અર્થતંત્ર પર કેવી અવળી અસર થશે અને ભારતીય અર્થતંત્રને તેનાથી લાભ થશે કે નુકસાન તેની ચર્ચાએ વેગ પકડ્યો છે.

આમ તો ટ્રમ્પે ફરી લાળા ચાવ્યા છે અને ચીનને અમેરિકા કોઇ નુકસાન પહોંચાડવા માગતું નથી, આમારા સંબંધો સારા છે, એવા વિધાનો કરીને પોતાની ખરડાયેલી છબીને વધુ બગાડી છે. જોકે આશ્ર્ચર્ય એ વાતનું પણ છે કે વિશ્ર્વના બજારો આવા અતરંગી માનસ ધરાવતા સ્પષ્ટ દિશા વગરના કથિત નેતાના વિધાનો ગંભીરતાથી લે છે!

ખેર પહેલી નવેમ્બર સુધી સાચી પરિસ્થિતિ એક રહસ્ય જ બની રહેવાની છે છતાં જો ટેરિફ લાગુ થાય તો શું થઇ શકે એનો તાગ મેળવવાનો અહીં પ્રયાસ છે. સરળ શબ્દોમાં કહીએ તો, ઉક્ત ટેરિફ લાગુ થતા, યુએસમાં પ્રવેશતા ચીની માલનો ખર્ચ હાલની તુલનામાં બમણો થશે. આ એક મોટું અને આક્રમક વેપાર પગલું છે, જે ચોક્કસપણે ઘણા ચીની નિકાસકારોને નુકસાન પહોંચાડશે. પરંતુ તે ભારત સહિત અન્ય દેશો માટે પણ તકો ઊભી કરી શકે છે.

જો ચીની આયાત પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદે છે, તો તેની અસર કેવી થશે?

  • ચીની બનાવટના ઉત્પાદનની કિંમત, પરિવહન અને અન્ય ખર્ચ અગાઉ ધારો કે, 100 ડોલર હશે, તે 200 ડોલર થઇ જશે.
  • યુ.એસ. બજારમાં ચીની ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા ખૂબ જ ઘટી જશે.
  • અમેરિકન આયાતકારો અન્ય દેશોમાંથી સસ્તા અથવા ઓછા ટેરિફવાળા માલના વૈકલ્પિક સ્રોત શોધી શકે છે.

હાલમાં, ટ્રમ્પના પાપે હાલ ચાલી રહેલા વેપાર અને ભૂરાજકીય તણાવના ભાગરૂપે ચીની માલ અને ટેકનોલોજી (ઉદાહરણ તરીકે, મહત્ત્વપૂર્ણ સોફ્ટવેર અથવા રેર અર્થ મેટલ્સ પર) સામે પહેલાથી જ વિવિધ ટેરિફ અને પ્રતિબંધક પગલાં છે. તેના પર 100 ટકા ટેરિફનો અતિર્કિત ભાર હાલના અવરોધોને ઓર વધારે છે.
ભારત વિશે વાત કરતા પહેલા, આપણે સમજવું જોઈએ કે આ પગલું ખુદ ચીન, અમેરિકા અને અન્ય દેશો પર કેવી અસર કરશે!

ચીન પર કેવી અસર થશે?

  • નિકાસમાં તીવ્ર ઘટાડો થશે. ઘણા ચીની નિકાસકારો મુખ્ય બજાર તરીકે યુએસ પર આધાર રાખે છે.
  • કેટલીક ચીની કંપનીઓ ટેરિફ અવરોધને બાયપાસ કરવા માટે ઉત્પાદન અન્ય દેશોમાં (ઉદાહરણ તરીકે, દક્ષિણપૂર્વ એશિયા, વિયેતનામ, બાંગ્લાદેશ) ખસેડી શકે છે.
  • ચીન યુ.એસ. આયાત પર તેના પોતાના ટેરિફ, ક્વોટા અથવા નોન-ટેરિફ અવરોધો સાથે બદલો લઈ શકે છે.
  • આ ટેરિફ બોજ વિશ્ર્વના અન્ય ભાગો (આફ્રિકા, લેટિન અમેરિકા, વગેરે) સાથે વેપારને વધુ ગાઢ બનાવવા અથવા સપ્લાય ચેઇનમાં વધુ આત્મનિર્ભરતા માટે દબાણ કરવા માટે ચીન દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને વેગ આપી શકે છે.

અમેરિકા પર કેવી અસર થશે?

  • છૂટક વેપારીઓ અને ગ્રાહકોને ઊંચા ભાવનો સામનો કરવો પડશે. ચીની માલ વધુ મોંઘો થશે અને ઘણી રોજિંદા વસ્તુઓ (ઇલેક્ટ્રોનિક્સ, રમકડાં, ઉપકરણો) વધુ ખર્ચાળ થઈ શકે છે.
  • ચીની ઘટકો (ઇલેક્ટ્રોનિક પાર્ટસ, કાચો માલ, વગેરે) ધરાવતી સપ્લાય ચેઇનને પુનર્ગઠન અથવા અવેજીની જરૂર પડશે, જે મોંઘા સરવાળે મોંઘા અથવા ઓછા કાર્યક્ષમ હોય એવું બની શકે છે!
  • ફુગાવાના દબાણમાં વધારો થઈ શકે છે, ખાસ કરીને ગ્રાહક માલ પર વધુ અસર વર્તાશે.
  • કેટલીક યુએસ કંપનીઓ અન્ય દેશોમાં સોર્સિંગ શિફ્ટ કરવાનો પ્રયાસ કરી શકે છે, જે ચીન સિવાયના દેશોના નિકાસકારો માટે નવી તકો ખોલશે.

આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી અસર થશે?

*વેપાર પ્રવાહ ફરીથી ગોઠવાશે: ખરીદદારો એવા દેશોમાં વૈકલ્પિક સપ્લાયર્સ શોધશે જ્યાં આટલી ઊંચી ટેરિફ નથી.

*વૈશ્ર્વિક પુરવઠા શૃંખલાઓ વિભાજિત થઈ શકે છે અથવા વધુ પ્રાદેશિક બની શકે છે.

*મુક્ત વેપારને નિરુત્સાહિત કરનારી બદલાની ભાવના ધરાવતી નીતિઓ, વેપાર યુદ્ધ જેવી પરિસ્થિતિઓ સર્જાઇ શકે છે.

  • જે દેશો ચીન સાથે ઉત્પાદનમાં સ્પર્ધા કરે છે તેમના બજારહિસ્સામાં વધારો થઇ શકે છે. ખાસ કરીને કાપડ, ઇલેક્ટ્રોનિક્સ, મશીનરી જેવા ક્ષેત્રોમાં આ બાબત સ્પષ્ટ છે.

આમ, જ્યારે સીધો લક્ષ્ય ચીન છે, ત્યારે ઘણી અન્ય અર્થવ્યવસ્થાઓ એકંદરે સકારાત્મક અસરો અનુભવી શકે છે. જોકે ચીનના પ્રત્યાઘાતને કારણે કેટલાક સ્થાને નકારાત્મક અસરો પણ જોવાશે!

ભારતને કેવી રીતે ફાયદો થઈ શકે છે?

ચાલો હવે આ પરિસ્થિતિમાં ભારત માટે સંભવિત ફાયદાઓનું વિશ્લેષણ કરીએ. એક વાત નોંધવી રહી કે આવું જ થશે એ ચોક્કસપણે કહી ના શકાય. અંતે શું થશે તે ભારત અને તેના ઉદ્યોગો કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર આધાર રાખે છે.

  1. નિકાસની તકો વધશે

ચીની માલ યુએસમાં ઘણો મોંઘો થઈ જશે, પરિણામે યુએસ આયાતકારો વૈકલ્પિક સપ્લાયર્સ શોધી શકે છે. ભારત પસંદગીના વિકલ્પોમાંથી એક બની શકે છે, ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જ્યાં ભારત પહેલાથી જ સમાન માલનું ઉત્પાદન કરે છે.

કાપડ અને તૈયાર વસ્ત્રો પરંપરાગત રીતે ભારત માટે એક મજબૂત ક્ષેત્ર છે. આ ઉપરાંત રમકડાં, ફર્નિચર, ગૃહનિર્માણ, ગ્રાહક ઉત્પાદનો, ઇલેક્ટ્રોનિક ઘટકો, ચોક્કસ મશીનરી પાર્ટસ, ચામડાની ચીજવસ્તુઓ, ફૂટવેર જેવા ક્ષેત્રોને સારો લાભ થઇ શકે છે.

જો ભારત સ્પર્ધાત્મક લાભ લેવા માટે સ્કેલ અને કવોલિટી પર ફોકસ કરે તો સોલર પેનલ્સ અને રિન્યુએબલ એનર્જી સેકટરમાં પણ સારો પગપેસારો કરી શકે છે. ભારતીય નિકાસકારો પહેલેથી જ આ પરિવર્તનની અપેક્ષા રાખે છે.

એક નિકાસકારે આ વિષયમાં વાત કરતા કહ્યું હતું કે, ચીની માલ પર ઊંચી જકાત ભારતને સારી સ્પર્ધાત્મકતા અપાવશે અને અમેરિકન બજારોમાં ઊંડે સુધી પહોંચવાના માર્ગો ખોલી આપશે. એકંદરે નિકાસમાં વધારો થઇ શકે છે.

  1. વધુ સારા માર્જિન અને કિંમત નિર્ધારણની તાકાત ઊંચી જકાતને કારણે જ્યારે ચીની માલ મોંઘો બનશે અને તેની ભારત સામેની સ્પર્ધા નબળી પડશે ત્યારે ભારતીય નિકાસકારો વધુ સારા ભાવ મેળવી શકે છે અથવા મજબૂત સ્થિતિમાં રહીને વાટાઘાટો કરી શકે છે. બદલાયેલા સંજોગોમાં તેમને ફક્ત ખર્ચના આધારે સ્પર્ધા કરવાની જરૂર નહીં રહેશે અને તેઓ ગુણવત્તા, બ્રાન્ડ, વિશ્વસનિયતા અથવા સર્વિસની ગુણવત્તાને આધારે વેચાણ કરી શકે છે.
  2. વિદેશી રોકાણ અને સ્થાનાંતરણ

હાલમાં ચીનમાં ઉત્પાદન કરતી કંપનીઓ યુએસ ટેરિફ ટાળવા માટે તેમના ઉત્પાદનનો એક ભાગ ભારતમાં સ્થાનાંતરિત કરવાનું વિચારી શકે છે. આ વ્યાપક ચાઇના પ્લસ વન અથવા પુરવઠા શૃંખલાઓનું વૈવિધ્યકરણ, વ્યૂહરચનાનો એક ભાગ છે જે ઘણી વૈશ્વિક કંપનીઓ પહેલાથી જ વિચારી રહી હતી.

આ બધી ચર્ચા છતાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, અમેરિકા અને ટ્રમ્પ પર બિલકુલ વિશ્વાસ રાખી શકાય એમ નથી. ભારત પર જ્યારે રશિયન ક્રૂડ ઓઇલની આયાત પરની પેનલ્ટી માટે 50 ટકાની ટેરિફ લાદવામાં આવી હતી ત્યારે બાંગલાદેશ અને પાકિસ્તાન જેવા શત્રુ દેશોને પણ આવો જ ફાયદો દેખાયો હતો.

ચીન વિશે પણ કશું ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી અને ટ્રમ્પ ક્યારે ડ્રેગનથી ડરીને છાનોમાનો બેસી જાય એ પણ કહી શકાય એમ નથી. અગાઉ જણાવ્યા પ્રમાણે ભારતની કૂટનીતિ, દૂરંદેશી કેવી છે અને વ્યક્તિગત રીતે કંપનીઓ કેવી વ્યૂહરચના બનાવે છે તેના પર પણ ઘણો આધાર છે

આપણ વાંચો:  કચ્છી ચોવકઃ સાધુતા ને સંતત્વને કેવા શણગાર?

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button