અજબ ગજબની દુનિયા! તૂ જહાં જહાં ચલેગા, તેરા ઘેટાં સાથ હોગા… | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા! તૂ જહાં જહાં ચલેગા, તેરા ઘેટાં સાથ હોગા…

હેન્રી શાસ્ત્રી

ગધેડા ઉપરાંત ઘેટું એક એવું પ્રાણી છે જે માનવજાતને અત્યંત ઉપયોગી હોવા છતાં એને જોઈતાં માન – સન્માન નથી મળતા. આ ચોપગા જનાવરના શરીર ઉપરના ઊનમાંથી કામળા અને ધાબળીઓ વગેરે ગરમ કપડાં બને છે. જોકે, આ પ્રાણી ગરીબડું માનવામાં આવે છે. ઘેટાંના ટોળાને દિલ હોય, દિમાગ ન હોય એવું કહેવાય છે અને વિચાર્યા વગર આગળ વધતા હોવાની માન્યતા છે. જોકે, યુકેની મિલી જોન્સન નામની કિશોરી એના ના કેવિન નામના ઘેટાંને માનપાન આપી એના વિશે ગેરસમજો દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ઘેટાં પાલન પ્રતિયોગિતાઓમાં એવોર્ડ્સ જીતી ચુકેલી 16 વર્ષની વિદ્યાર્થિની મિલી સેક્નડરી સ્કૂલ પરીક્ષાનું સર્ટિફિકેટ લેવા જતી વખતે ઘેટાં કેવિનને સાથે લઈ ગઈ હતી. જ્યાં પણ જાય ત્યાં ત્યાં કેવિનને સાથે રાખતી મિલી માટે એ કેવળ એક ચોપગું ગરીબડું ઘેટું નથી, બલકે થેરપી શીપ' છે.થેરપી શીપ’ એટલે માનવીને માનસિક અને ભાવનિક આલંબન આપતું ઘેટું. મિલીને કેવિનની કંપનીમાં સાંત્વના મળે છે. એની હાજરીથી અનેરી માનસિક રાહત – શાંતિનો અનુભવ થતો હોવાનો કિશોરીનો દાવો છે. કેવિનની કાળજી રાખવા માટે તેમ જ ઘેટાં પાલન માટે ખ્યાતિ પ્રસરી ગઈ હોવાથી 16 વર્ષની ઉંમરે મિલીને વેટરનરી નર્સ (પ્રાણીઓની સારવાર અને દેખભાળની સેવિકા)ની એપ્રેન્ટિસશિપની ઓફર મળી છે. આ ઉપરાંત, મિલી અને કેવિન નવેમ્બરમાં યોજાનાર યંગ શેફર્ડ ઓફ ધ યર' સ્પર્ધામાં પણ ભાગ લેવાના છે. આટલું વાંચ્યા પછીગરીબડા ઘેટાં’ની ઈમેજ તમારા મનમાં બદલાઈ જશે એવી આશા અસ્થાને નથી.

તીખા તમતમતા મરચાંનું `ગળપણ’

ભોજનમાં મરચાંની હાજરી સ્વાદ બદલવા માટે પ્રખ્યાત છે તો ઉત્તર પ્રદેશમાં ખેડૂતનું જીવનધોરણ બદલી નાખવાની મિસાલ પણ પૂરી પાડે છે. તમતમતા તીખાં મરચાં આંખમાં પાણી લાવી દે, જીભ સિસકારા બોલાવી દે, પેટમાં બળતરા કરાવે અને બીજે દિવસે સવારે… વેલ, મરચાંની આ ખ્યાતિ છે. જોકે, લાહ્ય બળતરા કરાવે એવી `છોટી સી છોકરી લાલબાઈ નામ હૈ’ જેવી ઓળખ ધરાવતા મરચાંએ યુપીના રામ અવતાર નામના કિસાનના અંગત જીવનમાં મીઠાશ – ગળપણ લાવવામાં સફળતા મેળવી છે.

વાત એમ છે કે દેશના અનેક ધરતીપુત્રોની જેમ રામ અવતારની આર્થિક હાલત નબળી હતી. જ્યારથી કરજ લઈ મરચાંની ખેતી શરૂ કરી છે ત્યારથી એ બે પાંદડે થયો છે અને માથે રહેલા દેવામાંથી મુક્ત થઈ નફો રળતો થઈ ગયો છે. છાણથી તૈયાર થતું જૈવિક ખાતર મરચાંની ખેતી માટે વાપરવામાં આવતું હોવાથી ઉત્પાદન ખર્ચ અન્ય ઉત્પાદકો કરતા ઓછો થાય છે અને એના ખેતરમાં ઊગતા મરચાંની ડિમાન્ડ ખાસ્સી હોવાથી બજારમાં માલ પહોંચતાની સાથે ફટાફટ વેચાઈ જાય છે. ચાર્વાક ઋષિ કહી ગયા છે કે દેવું કરીને પણ ઘી પીવો'. રામ અવતાર કહે છે કેદેવું કરી મરચાંની ખેતી કરો, દેવામુક્ત થાઓ અને જલસા કરો.’ મરચાં પણ લાઈફ બદલી નાખવાની તાકાત ધરાવે છે.

ગુફામાં લાઈબ્રેરી? ચીન હૈ તો મુમકિન હૈ

શ્વાન અને પુસ્તકની ગણના મનુષ્યના શ્રેષ્ઠ મિત્ર તરીકે કરવામાં આવે છે. સર્વાંગી દ્રષ્ટિએ જોતા પુસ્તક શ્વાન કરતાં ચડિયાતો દોસ્ત સાબિત થાય. શ્વાન જેવા જ હૂંફ અને પ્રેમ આપી શકતું પુસ્તક જ્ઞાનવર્ધક પણ સાબિત થાય છે. અલબત્ત, ગુજરાતીઓના ડ્રોઈંગરૂમમાં કટલરીના શોકેસનું પ્રમાણ અધધ હોય છે, જ્યારે પુસ્તક શોભાવતી લાઈબ્રેરીની હાજરી રણમાં પાણી જેવી દુર્લભ હોય છે. પુસ્તકાલય એટલે પુસ્તકોનું ઘર, એક એવું ઘર જે જ્ઞાન પિપાસુઓ માટે અમૃતની ગરજ સારે. અનેક કારણોસર વિશ્વને અચંબિત કરી રહેલા ચીનમાં એક ગુફામાં તૈયાર કરવામાં આવેલી એક લાયબ્રેરી આંખો પહોળી કરી રહી છે.

આ પણ વાંચો…અજબ ગજબની દુનિયા: હોશિયાર નિશાળિયો ને વતરણાં ઓછા

શાંતિ માટે એકાંત જોઈએ પણ લાઈબ્રેરી અને એકાંતવાસ? ગળે ઉતરે એવી વાત નથી. ચીનના ગુઆંકસી પ્રાંતના મિયાનહુઆ ગામમાં ખડકોની દીવાલોથી તૈયાર થયેલી એક ગુફામાં લાઈબ્રેરી ઊભી કરવામાં આવી છે. બે મહિના પહેલા શરૂ થયેલી આ લાઈબ્રેરી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અહીં વિવિધ વિષયો અને વિવિધ લેખકોનાં પુસ્તકો હજારોની સંખ્યામાં ઉપલબ્ધ છે. આ લાઈબ્રેરી એક ટૂરિસ્ટો માટે નજરાણું બનવા ઉપરાંત વાંચન સાથે રોમાંચ પૂરો પાડે છે. પ્રકૃતિના સાંનિધ્યમાં પુસ્તકનું આચમન કરવા અનેક લોકો અહીં આવે છે. ચીનના સાંસ્કૃતિક પ્રતીકોમાં વધુ એકનો ઉમેરો થયો છે. દુનિયા કરતા એક કદમ આગળ રહેવાનું વધુ એક ઉદાહરણ ચીને પૂરું પાડ્યું છે.

એક પ્રાણી માટે 653 જોડી જૂતા

માણસ બેપગો અને સિંહ, વાઘ, હાથી, બિલાડી વગેરે ચોપગા પ્રાણી તરીકે ઓળખાય છે. મોટાભાગના જંતુને છ પગ હોય છે અને કરચલો, સાંઢિયો વગેરે જળપ્રાણી 10 પગ ધરાવે છે. જોકે, મિલીપેડ (બહુપાદ જંતુ જેને આપણે `કાનખજૂરો’ તરીકે ઓળખીયે છે) 100થી વધારે અને કોઈ કેસમાં તો 300થી વધુ પગ ધરાવતા હોવાની સત્તાવાર માહિતી છે. આ મિલીપેડનો એક અનન્ય અવતાર એવો છે જેને સો, બસ્સો, પાંચસો નહીં, પણ અધધ કહી શકાય એવા પૂરા 1306 પગ છે. સારું છે એની જમાતમાં જૂતા પહેરવાનો રિવાજ નથી! નહીં તો દરેક મિલીપેડ માટે 653 જોડી ખરીદવા પડે. આટલા બધા પગ ધરાવતા આ જીવની લંબાઈ માત્ર સાડા ત્રણ ઈંચ છે. શંકુ આકારનું માથું ધરાવતા આ જીવનું મોં પક્ષીની ચાંચના આકારનું છે. જંતુઓની જો ફૂટબોલ મેચ રમાય અને એમાં જો મિલીપેડના જૂતાં બદલવાનો વખત આવે તો કેટલો સમય લાગે એની કલ્પના કરી જુઓ. એ જૂતાં બદલે એટલી વારમાં તો કદાચ બીજી એક આખી મેચ જ રમાઈ જાય. આ જીવમાં પગની સંખ્યામાં એકસૂત્રતા નથી જોવા મળતી, કારણ કે એના બાહરી ભાગમાં સતત ફેરફાર થયા કરે છે.

લ્યો કરો વાત!

અપને શરીર મેં 206 ટાઈપ કા હડ્ડી હૈ, તોડને કે ટાઈમ અપૂન સોચતે થે ક્યા?' ફિલ્મમુન્નાભાઈ એમબીબીએસ’ આ ડાયલોગ સાંભળ્યા પછી ઘણા લોકોને માનવશરીરમાં કેટલા હાડકાં હોય એની જાણકારી મળી અથવા એ વાત તાજી થઈ.

મનોજ ખંડેરિયાની પંક્તિ છે કે `ચરણ લઈને દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે’ એવા આ 206 હાડકાંમાંથી 52 હાડકાં તો ચરણમાં જ હોય છે એટલે કે શરીરના કુલ હાડકાંમાંથી ચોથા ભાગના હાડકાં તો પગના હિસ્સામાં હોય છે.
વાત કદાચ વિચિત્ર લાગે, પણ સાયન્ટિફિક દ્રષ્ટિએ વિચારશો તો વાત એટલી વિચિત્ર નહીં લાગે. ચરણ પર સમગ્ર શરીરનું વજન કેન્દ્રિત હોય છે એટલે કે બધું વજન આ બે ચરણે જ વહન કરવાનું હોય છે. વળી તમને કૂદકા મારવાનું મન થાય કે દોડવાની ઈચ્છા થાય કે પર્વતારોહણની તમન્ના જાગે ત્યારે આ ચરણ જ મદદગાર થાય છે. ચરણમાં રહેલા હાડકાંને કારણે જ તમે સ્ફૂર્તિથી ચાલી કે દોડી શકો છો.

આ પણ વાંચો…અજબ ગજબની દુનિયા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button